Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જયેશ રાદડિયાને લાગ્યું હશે હું તેને રાજકારણમાં નડું છું':ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો સ્ફોટક ઇન્ટરવ્યૂ, કહ્યું- જેણે આનંદીબેનને હટાવ્યા તેને કુદરત છોડશે નહીં

    18 hours ago

    ગુજરાતનું રાજકારણ હોય કે ચૂંટણીનો જંગ જામ્યો હોય. બધામાં એક નામ ચર્ચામાં રહે છે. એ નામ છે નરેશ પટેલ, પાટીદારોના પાવર સેન્ટર ખોડલધામના ચેરમેન. ભલભલા રાજકારણીઓને ભૂ પાઇ દે તેવું વાકચાતુર્ય અને મેનેજમેન્ટ નરેશ પટેલના કોઠામાં છે. 2017ની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમને મળવા લાઇન લગાવતા હતા એ દૃશ્યો તમે કદાચ ભૂલ્યા નહીં હો. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેશ પટેલે ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી, જયેશ રાદડિયા સાથેના વાકયુદ્ધ, ભાજપ-કોંગ્રેસની વિચારધારા સહિત ઘણા મુદ્દાઓ અંગે મોકળા મને વાતચીત કરી છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને નરેશ પટેલના જવાબ.... દિવ્ય ભાસ્કરઃ ચૂંટણી આવે એટલે નરેશ પટેલ ચર્ચામાં હોય છે. તેનું કારણ શું છે? નરેશ પટેલઃ એનું કારણ અમારો સમાજ છે. જે સમાજ સૌથી વધુ વસતિમાં હોય, એ સમાજ કોઇપણ ચૂંટણીમાં હંમેશા કેન્દ્રબિંદુમાં આવે. દિવ્ય ભાસ્કરઃ તમે કેમ સક્રિય રાજકરણમાં નથી આવતા? નરેશ પટેલઃ મુખ્ય 2 કારણ છે. પહેલું કારણ એ છે કે હું રાજકીય જીવ નથી. સામાજિક સેવા કરતાં કરતાં ક્યાંક મારે રાજકીય વાતાવરણમાં સામેલ થવું પડ્યું છે. એક સમય એવો આવ્યો હતો કે મને ઘણી બધી ઓફર પણ થઇ હતી. એકાદવાર મન બન્યું હતું પણ ખરૂં પણ પછી એમ થયું કે હું સામાજિક વ્યવસ્થામાં છું અને કૌટુંબિક વ્યવસ્થામાં છું. એ વ્યવસ્થા ઉત્તમ છે. દિવ્ય ભાસ્કરઃ એક સમયે રાજકારણમાં જોડાવાનું તમારૂં મન બની ગયું હતું. તમે કયો પક્ષ પસંદ કરત? કોની વિચારધારા સાથે જવાના હતા? નરેશ પટેલઃ (હસતા હસતા) એ પ્રશ્ન અઘરો છે. હું સ્વતંત્ર વિચારનો છું. હું ક્યારેય કોઇ વિચારધારામાં વહેતો નથી. હું એવું માનું છું કે સારા લોકોથી સારૂં સંચાલન થાય અને નીચેના લોકો સુધી કામો પહોંચે. દિવ્ય ભાસ્કરઃ તમને કોની વિચારધારા ગમે? ભાજપ કે કોંગ્રેસ? નરેશ પટેલઃ બન્નેમાં કંઇક સારૂં છે, કંઇક ખરાબ છે. ક્યારેય કોઇ માણસ, પાર્ટી કે સંસ્થા બધી રીતે બરાબર ન હોય. દિવ્ય ભાસ્કરઃ આવનારી ચૂંટણીમાં શું તમે સક્રિય રાજકારણમાં દેખાશો? નરેશ પટેલઃ બિલકુલ નહીં. દિવ્ય ભાસ્કરઃ એક સમયે તમારી અને જયેશ રાદડિયા વચ્ચે એકબીજાનું નામ લીધા વગર વાકયુદ્ધ થયા હતા. એ ખટરાગ શું હતો? નરેશ પટેલઃ મેં કોઇ દિવસ કોઇ વાક્યનો પ્રયોગ નથી કર્યો. જયેશે કર્યા હોય તો એ તેને ખબર હોય. વિઠ્ઠલભાઇ મારા અંગત મિત્ર હતા. તેની સાથે મારે ભાઇ જેવું બનતું. જયેશ પણ મારો દીકરો જ કહેવાય. રાજકીય બાબતોમાં ક્યાંકને ક્યાંક તેને એવું લાગ્યું હોય કે હું તેને આડે આવતો હોઉં. આ મુદ્દે પણ અમારે વાતચીત થઇ ગઇ. જેમાં એવી કોઇ બાબત નહોતી. હવે ફરીથી એક પ્લેટફોર્મ ઉપર અમે બન્ને આવ્યા છીએ. દિવ્ય ભાસ્કરઃ જયેશ રાદડિયાને ક્યાં મનદુઃખ થયું હતું? નરેશ પટેલઃ એવી કોઇ વાત થઇ નહોતી. એવું નક્કી કર્યું હતું કે ભૂતકાળમાં જે પણ બની ગયું તેને આજે ભૂલી જવાનું અને નવેસરથી આપણે જેમ હતા તેમ જ રહેવાનું. મતભેદ હોઇ શકે, મનભેદ ક્યારેય ન હોય. આપણે હંમેશા ભવિષ્ય જોવાનું હોય. ભવિષ્ય જોઇને આગળ વધીએ તો રાજકીય રીતે અને દરેક સમાજને ફાયદો છે. દિવ્ય ભાસ્કરઃ ખોડલધામમાં અનાર પટેલની એન્ટ્રી પાછળનું મુખ્ય કારણ શું? એ દિવસે તમે કહ્યું હતું કે પ્રોટોકોલ તોડીને હું આ જાહેરાત કરૂં છું. નરેશ પટેલઃ એ સ્ટેજ પરનો કાર્યક્રમ હતો. પ્રોટોકોલ તોડવાની વાત મેં એટલે કરી હતી કેમ કે હું ક્યારેય જાહેરાત કરતો નથી પણ અનારબેનની જાહેરાત મારે સંગઠન અધ્યક્ષ તરીકે કરવાની થઇ એટલે મારે પ્રોટોકોલ તોડવો પડ્યો. મેં એ જાહેરાત એટલા માટે કરી કે અનારબેનને મહિલા સશક્તિકરણ તરીકે પ્રસ્થાપિત કરવા હતા. ખોડલધામ આવો દાખલો બેસાડે કે આટલી મોટી સંસ્થામાં એક મહિલા પણ સંગઠન અધ્યક્ષ બની શકે. દિવ્ય ભાસ્કરઃ તો એવું કહી શકાય કે 2027માં અનારબેન ખોડલધામ તરફથી રજૂ થશે? નરેશ પટેલઃ હું નથી માનતો. મારે તેમની સાથે આવી ક્યારેય ચર્ચા નથી થઇ. દિવ્ય ભાસ્કરઃ જે-તે સમયે આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તમને આમાં કોનો રોલ લાગે છે? નરેશ પટેલઃ આનંદીબેનને હટાવવામાં આવ્યા એ બહુ દુઃખની વાત છે. જે કોઇનો રોલ હતો અથવા હશે, તેને કુદરત ક્યારેય છોડશે નહીં. દિવ્ય ભાસ્કરઃ શું તમારી એવી કોઇ માંગ છે કે 2027ની ચૂંટણીમાં ગોંડલ બેઠક પરથી કોઇ પાટીદાર નેતાને ટિકિટ મળે? નરેશ પટેલઃ ક્યારેય ખોડલધામની કોઇ માંગ નથી હોતી. કોઇપણ પાર્ટી અમને અમારા અધિકારો આપે એમાં હંમેશા અમને સંતોષ હોય છે. ગોંડલમાં કોને ટિકિટ આપવી એ દરવખતે પાર્ટી જ નક્કી કરે છે. કોઇપણ પાર્ટીમાં ફક્ત ભલામણ જ કરી શકાય પછી પાર્ટી જ નક્કી કરે છે. પાર્ટી એક જ વાત વિચારતી હોય છે કે અમને વધારે ધારાસભ્યો ક્યાંથી મળે. દિવ્ય ભાસ્કરઃ નિખિલ દોંગાએ ગોંડલથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી. એ મુદ્દે તમે શું કહેશો? નરેશ પટેલઃ એ તેમનો પોતાનો મત છે. જો તેમને ચૂંટણી લડવાની ઇચ્છા હોય તો લડવી જોઇએ. દિવ્ય ભાસ્કરઃ ખોડલધામ હવે ધાર્મિકની સાથે રાજકીય ગતિવિધિનું પણ કેન્દ્ર બનતું જઇ રહ્યું છે. આ મુદ્દે શું કહેવું છે? નરેશ પટેલઃ સામાન્ય રીતે આ વાત સાચી નથી. આ વાત રિપીટ કરવામાં આવે છે કે ધાર્મિક સંસ્થાની સાથે રાજકીય કામ પણ ચાલી રહ્યું છે. લેઉવા પટેલ સમાજ ખૂબ મોટો છે એટલે સામાજિક અને રાજકીય એમ બધા લોકો મંદિરે આવે. બધા એકબીજાના કામમાં ભાગ લેતા હોય ત્યારે ક્યાંયને ક્યાંય રાજકીય પ્લેટફોર્મમાં લોકો એકત્ર થતાં હોય તેનો મતલબ એમ નથી કે એ રાજકીય વાતાવરણ ઊભું કરે છે. દિવ્ય ભાસ્કરઃ બંધ બારણે તમારી સાથે થતી બેઠક શું હોય છે? નરેશ પટેલઃ બંધ બારણે બેઠક એ માન્યતા છે. જ્યારે પણ કોઇ મંત્રી કે મુલાકાતી અમારે ત્યાં આવે છે ત્યારે બધા ટ્રસ્ટીઓ સાથે અમે બેઠા હોઇએ છીએ. ક્યારેક એવું બન્યું હોય કે પર્સનલ બાબતે વાત કરવાની હોય કે સંસ્થાના કોઇ કામ માટે વાત કરવાની હોય ત્યારે હું એટલું કહું કે ફક્ત 5 મિનિટ મને એકલા બેસવા દો. સંસ્થાના કોઇ કામ અટકતા હોય કે સંસ્થા માટેની કોઇ વાત હોય એ જ વાત રજૂ કરવાની હોય છે. દિવ્ય ભાસ્કરઃ તમે ઘણીવાર એવું કહ્યું છે કે સરપંચથી સાંસદ સુધી બધે પાટીદાર હોવા જોઇએ. તમને એવું નથી લાગતું કે આવા નિવેદનથી જ્ઞાતિવાદને બળ મળે છે? નરેશ પટેલઃ બિલકુલ નહીં. જો આ નિવેદનને વિસ્તારથી જોવામાં આવે તો દરેક જ્ઞાતિએ આમાંથી કંઇક શીખવું જોઇએ. જે વિસ્તારમાં પાટીદારની વસતિ વધારે હોય એ વિસ્તારમાં પાટીદાર સરપંચ હોય તો એ વધુ સારૂં થાય, તેના કામ પણ સારા થાય. એ જ રીતે સરપંચથી સાંસદ અને ક્લાર્કથી કલેક્ટર મેં કહ્યું હતું. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યાં તમારી વસતિ વધારે છે, જ્યાં અધિકાર છે એ પ્રાપ્ત કરવા માટે તમે આગળ વધો. આમાં ક્યાંય જ્ઞાતિવાદ નથી. જેનો અધિકાર જ્યાં છે ત્યાં તેનું પડાવી લેવાની વાત ક્યારેય મેં નથી કરી. દરેકને પોતાનો અધિકાર છે, પોતાના અધિકાર પ્રમાણે એ બેસી શકે છે. દિવ્ય ભાસ્કરઃ આના કારણે દરવખતે ચૂંટણીમાં જ્ઞાતિવાદને બળ મળે છે. નરેશ પટેલઃ મારા નિવેદનથી નથી થતું. આ તો પરંપરાગત છે. તેમાં હું લેઉવા પટેલ કે પાટીદારોનો સાથ આપું તો હું કંઇ ખોટું નથી કરતો. હું મારા સમાજને અમારા અધિકારનું આપવાની કોશિશ કરું છું. દિવ્ય ભાસ્કરઃ પાટીદાર સમાજના સિંગરના લવ મેરેજ વખતે વિવાદ કેમ થાય છે? લવે મેરેજ બાબતે તમે શું માનો છો? નરેશ પટેલઃ વિવાદ છેલ્લા 5 વર્ષની સામાન્ય ઘટના છે. એ કોઇ નવી વાત નથી. જ્યારે પ્રેમ લગ્નની વાત આવે ત્યારે હું પહેલેથી કહેતો આવું છું કે પ્રેમ કરવો એ કોઇ ગુનો નથી પણ હા, તમારા માતા-પિતાની મંજૂરી વગર લગ્ન કરવા એ ગુનો છે. દિવ્ય ભાસ્કરઃ લવ મેરેજ મુદ્દે તમે નવી પેઢીને શું મેસેજ આપશો? નરેશ પટેલઃ હું એમ જ કહીશ કે તે જ્યારે પ્રેમ કરે ત્યારે સમજીને કરે. તેમના માવતર હકારાત્મક હોય તો જ આગળ વધે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચને ભૂમિકા સ્પષ્ટ કરવા શુક્રવાર સુધીની મુદત અપાઈ:20 જિલ્લા પરિષદ, 211 પંચાયત સમિતીની ચૂંટણી ક્યારે? સુપ્રીમ
    Next Article
    ટેકનોલોજીની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા:સ્કૂલમાં ફેસ રેકેગ્નેશનથી હાજરી પુરાશે, વિદ્યાર્થીને વોશરૂમમાં પાંચ મિનિટથી વધુ મોડું થશે તો સુપરવાઈઝર-પ્રિન્સિપાલને મેસેજ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment