Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:રાખી શકો તો એક નિશાની છું હું, ખોઇ દો તો માત્ર એક કહાની છું હું

    3 days ago

    કાશ, એ સમયે હું ઑફિસના કામમાં બિઝી ન હોત તો!?’ અત્યારે પાંસઠ વર્ષનાં થયેલાં મૃદુલાબહેન છેલ્લાં ચાળીસ વર્ષમાં અનેક વાર આ વાક્ય બોલ્યાં હશે. ખાસ તો જ્યારે જ્યારે એમને સારિકા યાદ આવતી ગઈ ત્યારે ત્યારે. સારિકા એટલે મૃદુલાબહેનની કઝિન. અતિ સુંદર, નમણી અને સ્વપ્નસેવી છોકરી. મૃદુલાબહેન ત્રીસેકનાં હતાં ત્યારે સારિકા અઢારની હતી. બંને એક જ બિલ્ડિંગમાં અલગ અલગ ફ્લોર ઉપર રહેતાં હતાં. સારિકા પાંચમા માળે આવેલા ફ્લેટમાં રહેતી હતી, મૃદુલાબહેન ત્રીજા ફ્લોર પર આવેલા ફ્લેટમાં રહેતાં હતાં. ત્રીજા અને પાંચમા માળની વચ્ચે ચોથો ફ્લોર હતો. હોય જ ને! એ ફ્લોર પર આ બંને બહેનોનું કોઈ સગું-વહાલું કે મિત્ર-સહેલી જેવું રહેતું ન હતું. કોને ખબર હતી કે આ ચોથી મંઝીલ એમની જિંદગીમાં કેવો મહત્ત્વનો, રોમાંચક અને પછી દુઃખદ ભાગ ભજવી જવાની હતી? 1985નું વર્ષ હતું. અઢાર વર્ષની સારિકા બપોરના સમયે ફ્લેટમાંથી બહાર જવા માટે નીકળી. લિફ્ટ કોઈક કારણસર બંધ હતી તે દાદર ઉતરવા લાગી. ચોથા માળ પર પહોંચી ત્યારે એના કાનમાં સંગીતના મીઠા સૂર પડ્યા. બાજુના ફ્લેટના અધખુલ્લા દ્વારમાંથી એ મંજુલ ધ્વનિ બહાર આવી રહ્યો હતો. સારિકાને એક પણ વાદ્ય વગાડતાં આવડતું ન હતું, પણ એને બધાં જ વાદ્યો સાંભળતાં આવડતું હતું. એ સમજી ગઈ કે કોઈ કી-બોર્ડ વગાડી રહ્યું હતું. સારિકા પોતાને રોકી ન શકી. એણે એ ફ્લેટના અધખુલ્લા બારણાં પર ટકોરા માર્યા. બે વાર મારવા પડ્યા, અંદરથી અવાજ આવ્યો, ‘કોણ છે? અંદર આવો. ડોર ખુલ્લું જ છે.’ અવાજમાં યુવાનીનું માર્દવ હતું. સારિકા બારણાંને ધક્કો મારીને ત્યાં જ ઊભી રહી. ગમે તેમ તોય સ્ત્રી હતી ને! પાડોશીના ફ્લેટમાં એકલાં ઘૂસી ન જવાય. ત્યાં રહેતા પરિવારમાં કોણ અને કેટલાં રહેતાં હશે એ જાણ્યા વગર તો ન જ જવાય. ઓરડામાં પચીસેક વર્ષનો એક સોહામણો યુવાન જમીન પર બેસીને કી બોર્ડ પર આંગળીઓ ફેરવી રહ્યો હતો. સફેદ ઝભ્ભા-લેંઘામાં એ કલાકાર લાગતો હતો અને વિખરાયેલા લાંબા કાળા વાળમાં એ બેપરવા મર્દ જેવો આકર્ષક દેખાતો હતો. કી બોર્ડ પરની એની માસ્ટરી એ વાત પરથી સિદ્ધ થઈ જતી હતી કે સારિકા સામે જોતાં જોતાં પણ એણે કી બોર્ડ વગાડવાનું ચાલુ રાખ્યું હતું. ‘અંદર આવો ને! ત્યાં કેમ ઊભાં છો? જો હું સાચો હોઉં તો તમે આ જ ફ્લેટ્સમાં ક્યાંક રહો છો. મેં તમને એકાદ વાર જોયાં છે.’ યુવાને કહ્યું. ‘હા, હું ઉપર રહું છું. અંદર નથી આવવું, મારે બહાર જવાનું છે. એટલું કહેવા જ આવી હતી કે તમે ખૂબ સારું વગાડો છો. ચાલો, જાઉં છું. બાય!’ આટલું કહીને સારિકા બારણું અડધું વાસી દઈને બહારનાં પગથિયાં ઊતરવા લાગી. એક નજરમાં જ એણે પારખી લીધું હતું કે ફ્લેટમાં એ યુવાન એકલો જ રહેતો હતો. વાંઢા-વિલાસના તમામ પુરાવાઓ ત્યાં જોઈ શકાતા હતા. આ પહેલી વારની મુલાકાત હતી. પછી તો આવું લગભગ રોજ બનતું રહ્યું. સારિકા અત્યંત લાગણીશીલ છોકરી હતી. દિલથી જીવતી હતી, દિમાગથી નહીં. એને ખબર પણ ન રહી કે એ ક્યારે કોઈને દિલ દઈ બેઠી. એ યુવાનનું નામ તેજસ. તેજસને પણ સારિકા ખૂબ ગમી ગઈ. આટલી સુંદર, આટલી નમણી અને આવો પ્રેમ કરનારી છોકરી કયા પુરુષને ન ગમી જાય?! ‘ચાલ ને આપણે મેરેજ કરી લઈએ.’ સારિકા લગભગ રોજ આ વાક્ય ઉચ્ચારતી અને દર વખતે તેજસ આ જવાબ આપતો: ‘અત્યારે મને સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરવા દે. મારી ઈચ્છા મ્યુઝિકના ક્ષેત્રમાં કરિઅર બનાવવાની છે. મેરેજ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે.’ સારિકા એને વળગી પડતી, ‘હું તારાથી દૂર રહીને જીવી નથી શકતી એનું શું?’ છેવટે તેજસે ઝૂકી જવું પડ્યું. એણે તો કોઈને પૂછવાનું ન હતું, સારિકાના ઘરમાં હોબાળો મચ્યો. એના પપ્પાએ સારિકાને સમજાવતાં કહ્યું: ‘તેજસની જ્ઞાતિ આપણી જ્ઞાતિ કરતાં ઊતરતી છે, ઉપરાંત એ ગાવા-બજાવવાની લાઈનનો છોકરો છે. એનું ભવિષ્ય કેવું હશે એની કોને ખબર? તારા જેવી રૂપાળી છોકરી માટે આપણી જ્ઞાતિમાંથી સારામાં સારો શ્રીમંત છોકરો અવશ્ય મળી રહેશે. આપણી તો આખી જ્ઞાતિ જ વેપારીઓની છે.’ સારિકા જીદ પર અડી ગઈ, ‘ના, મારે તો તેજસની સાથે જ લગ્ન કરવું છે. જો તમે નહીં કરવા દો, તો હું…’ આ અધૂરા વાક્યમાં આજીવન અપરિણીત રહેવાથી લઈને આપઘાત કરવા સુધીની ધમકીઓ સમાયેલી હતી. માતા-પિતા શું કરે? એમણે સંમતિ આપી દીધી. નવીનવેલી દુલ્હને પિયરઘર છોડીને ઝાઝું દૂર તો ક્યાંય જવાનું ન હતું, સારિકાગોરી પાંચમા ફ્લોર પરથી ચોથા ફ્લોર પર રહેવા આવી ગયાં. હવે ‘હર દિન નયા દિન’ અને ‘હર રાત, નઈ રાત’ હતી. શરૂઆતના છ-આઠ મહિના બધું બરાબર ચાલ્યું. સારિકા વરના ઘરમાં ગોઠવાતી ગઈ અને એનો વર સંગીતના ક્ષેત્રમાં ગોઠવાતો ગયો. તેજસને થોડું થોડું કામ મળવા લાગ્યું. નવરાત્રિ આવી, પાર્ટી પ્લોટમાંથી આયોજકોનું આમંત્રણ આવ્યું, ‘અમે નવે-નવ રાતો માટે ગરબાનું આયોજન કરવાનું વિચાર્યું છે. તમારી પાસે સાત-આઠ જણાનું ઓરકેસ્ટ્રા છે?’ હતું તો નહીં પણ તેજસે ઊભું કરી દીધું. બીજાં વાદ્યો વગાડનારાંને શોધી લીધાં. ત્રણ ગાયકોને ભેગા કર્યા. નવરાત્રિ સારી ગઈ. બે પુરુષ ગાયકો હતા અને એક જાણીતી ગાયિકા હતી. સારિકા દુઃખી હતી, ‘તેજસ, મને તારું એ ગાયિકાની સાથે હળવું-ભળવું જરાયે ગમતું નથી. તું મોડી રાત સુધી એની સાથે સમય વિતાવે છે.’ ‘તો શું હું આયોજકોને એવું કહું કે ગરબા સવારના સમયે ગોઠવો? કેવી વાહિયાત વાત કરે છે તું!’ લગ્ન પછી પહેલી વાર તેજસે ચિડાઈને વાત કરી. ‘હું એવું ક્યાં કહું છું કે ગરબા દિવસના સમયે રાખો? પણ સ્ટેજ પર એ ગરબા ગાઈ રહી હોય અને તું પાછળ ઊભો ઊભો કી બોર્ડ વગાડતાં વગાડતાં હાથ લંબાવીને એને સાદ આપતો હોય એ મારાથી સહન નથી થતું. તું મારો છે અને ફક્ત મારો જ રહેવો જોઈએ.’ સારિકા રડી પડી. બેમાંથી કોઈનોયે વાંક ન હતો. તેજસને કોઈની સાથે લફરું ન હતું, સારિકાને પતિના ચારિત્ર્ય ઉપર શંકા ન હતી. જે હતો તે માત્ર અધિકારભાવ હતો. સારિકા તેજસને અનહદ પ્રેમ કરતી હતી એનું આ પરિણામ હતું. વાત ખૂબ વધી ગઈ ત્યારે એક દિવસ સારિકાએ એની કઝિન મૃદુલાબહેનને ફોન કર્યો, ‘દીદી, મારે તમને મળવું છે. બહુ અર્જન્ટ કામ છે.’ ‘સારિકા, અત્યારે હું કામના પહાડ નીચે બેઠી છું. આપણે સાંજે વાત કરીશું.’ મૃદુલાબહેને ફોન પૂરો કર્યો. એ જ બપોરે ત્રણ વાગે સારિકાએ આત્મહત્યા કરી લીધી. તેજસે જીવનસંગિની ખોઈ નાખી, સારિકાએ દુનિયા છોડી દીધી અને મૃદુલાબહેન પાસે કાયમી અફસોસ રહી ગયો: ‘કાશ, એ સમયે હું ઑફિસના કામમાં બિઝી ન હોત તો...!’
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:પ્રેમ એ નર્યું અધ્યાત્મ છે, એ આંખોથી નહીં, દૃષ્ટિથી પરખાય છે
    Next Article
    હિડન ટ્રુથ:ઈશ્વરનો સ્વીકાર સ્ટ્રિંગ થિયરી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment