Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:પ્રેમ એ નર્યું અધ્યાત્મ છે, એ આંખોથી નહીં, દૃષ્ટિથી પરખાય છે

    3 days ago

    વિનોદ જોશી વીજકટારી કાળજું કોરે ને વાયુ મારે નિસાસા, વિયોગ વસમો શેં ખમાયે વીતતા દિન અકારા.. - જગદીપ વીરાણી ચોમાસું કવિઓનો પ્રિય વિષય રહ્યો છે. તેમાંયે પ્રણયીયુગલની વિરહાવસ્થાનું આલેખન કરવા તરફ કવિઓનો વિશેષ પક્ષપાત દેખાય છે. વિરહ એ મિલનનું પરિણામ છે. વિરહ એટલે અલગ થઈ જવું તેમ નહીં. વિરહ એટલે વિયોગ. એટલે કે વિશિષ્ટ યોગ. પ્રેમમાં અળગા થવાનો પણ મહિમા છે. વિરહ એ વિચ્છેદ નથી. અળગાં થઈને પ્રેમની પ્રતીતિ કરવી એ અણગમતી છતાં ગમી જાય તેવી ઘટના છે. મરીઝસાહેબ લખે છે : `બધો આધાર છે એનાં જતી વેળાનાં જોવાં પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.’ સાથે હોઈએ ત્યાં સુધી સંકોચમાં કશું કહેવાનું સૂઝતું નથી. અને છૂટ્ટાં પડવાનું થાય ત્યારે જે કહેવું હતું તે બધું યાદ આવવા લાગે છે. અને પછી કશું કહી શકાતું નથી. મરીઝસાહેબે આ સ્થિતિને પ્રણયનો સૌથી ઉચ્ચ તબક્કો કહ્યો છે. મળવું અને અળગા થવું તે પ્રેમની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આવું બને ત્યારે બે પાત્રો વચ્ચે સર્જાતી ભાવસ્થિતિ બહુ રસપ્રદ હોય છે. હરીન્દ્ર દવેની એક રચનાનો પ્રારંભ આ પંક્તિથી થાય છે : `તને દોડીને ભેટવાનું મન...’ રાધાની આ ઉક્તિ છે. તેમાં કૃષ્ણને સંબોધન છે. આપણને સમજાય છે કે કૃષ્ણ થોડે દૂર ઊભો હશે અને રાધા કહી રહી છે કે હું દોડીને તારી પાસે આવું છું. તને આ રીતે મળવાનું મન થયું છે. પણ પછીની પંક્તિમાં આખી વાત બદલાઈ જાય છે. રાધા કહે છે : `જરા અળગો તો થા!’ આવું કહેવાય ત્યારે આપણને એ સમજાય છે કે કૃષ્ણ તો રાધાને વળગેલો છે અને રાધા ઈચ્છે છે કે કૃષ્ણ આઘે જાય તો એને દોડીને ભેટી શકાય. અળગાં રહીને પછી મળવાનો જે રોમાંચ હોય છે તે સર્વોપરી હોય છે. અહીં ચોમાસાની ઋતુમાં કોઈ વિરહિણી પોતાના દૂર રહેલા પિયુને યાદ કરી રહી છે. વીજળી એને કટારી લાગે છે જે એનું કાળજું કોરે છે. વીંઝાતો પવન એને પિયુવિરહમાં ધસી પડતા નિસાસા જેવો લાગે છે. વિરહની વ્યાકુળતાની આ ચરમસીમા છે. દિવસો કાઢવા અકારા થઈ પડ્યા હોય તેવી આ સ્થિતિ છે. કવિએ વીજળીને કટારી કહી તેમાં નાયિકા વિરહથી કેવી તો સોરાઈ રહી છે તેનો અર્થ ખૂલે છે. પ્રિયતમની પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અભાવ છે. ચિત્તમાં રચાયેલા ખાલીપાથી વ્યથિત નાયિકા પોતાના નિસાસાને સૂસવતા વાયુ સાથે સરખાવી દે છે. વિયોગ એનાથી વેઠાતો નથી. પણ આ વિયોગ જ એને પ્રિયતમના સ્મરણનો સતત સંગ કરાવે છે. એ આકરો છે તો પણ મીઠો લાગે છે. કાલિદાસના `મેઘદૂત’નો યક્ષ પણ વિયોગથી બેચેન કરી મૂકતી વરસાદની ઋતુમાં, ચેતન-અચેતનનું ભાન ભૂલી જઈ નિર્જીવ મેઘ સાથે પોતાની પ્રિયતમાને સંદેશો મોકલે છે. મધ્યકાળના કોઈ કવિએ લખ્યું છે: હિયઈ ખુડુક્કઇ ગોરડી, ગયણિ ધુડુક્કઇ મેહુ, વાસારત્તિ પવાસુઅહં વિકડા સંકડુ એહુ! (હૈયામાં ગોરી ખળભળાટ મચાવે છે અને ગગનમાં મેઘ ગડગડે છે. વર્ષાઋતુમાં પ્રવાસીને માટે આ વિકટ એવું સંકટ છે.) પ્રેમ માત્ર અડોઅડ કે ઓતપ્રોત થવામાં જ નથી હોતો. એ વિરહાવસ્થામાં પણ એટલો જ પ્રચંડ અને પ્રભાવક હોય છે. એક એક ગાત્રને પ્રસન્ન કરી દેનારો હોય છે. એ અડે નહીં છતાં સ્પર્શનો રોમાંચ આપે છે. એ ઉઘાડી આંખે દેખાય તે કરતાં બંધ આંખે વધુ દેખાય છે. એ ન હોવામાં પણ હંમેશાં હોય છે. પ્રેમ એ નર્યું અધ્યાત્મ છે. એ આંખોથી નહીં, દૃષ્ટિથી પરખાય છે. નરસૈયો તો કહી જ ગયો છે : નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો...
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:પંડવાણીનો પોતીકો પંડ : લોકકલાકાર તીજનબાઈ
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:રાખી શકો તો એક નિશાની છું હું, ખોઇ દો તો માત્ર એક કહાની છું હું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment