Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરનો અજવાસ:પંડવાણીનો પોતીકો પંડ : લોકકલાકાર તીજનબાઈ

    3 days ago

    જયેન્દ્રસિંહ જાદવ ખભા ઉપર મોરપીંછથી શણગારેલો સિંદૂરિયો તંબૂરો તોળ્યો હોય, પીળી ઘેર વાળો લાલ સાડલો પહેર્યો હોય, કપાળે મોટો લાલચટક ચાંદલો સજીને વનની સિંહણ જેવી કોઈ કન્યા સ્ટેજ માથે ડાબો પગ પછાડીને ઊભી રહે ને લલકાર કરે ત્યારે અષાઢી વીજના ઝબકારા જેવો ચમકારો શ્રોતાઓના હૈયા સોંસરો નીકળી જાય! તંબૂરાના તાર માથે આંગળી ફરે ને થાય ટંકાર... ‘હાક... બોલો વીર હનુમાન કી...’ ‘બોલો માઈ જશોદા કે લાલ કી..’ આમ દેવતાઓનો જયજયકારનાદ ગુંજી ઊઠે અને લોકમેદની આખી પંડવાણીના વેશમાં એકાકાર થઇ જાય! મહાભારતનો વેશ ચાલુ થાય, એક પછી એક પર્વ-પ્રસંગો ભજવાતા જાય.. આ પ્રસંગો શ્રોતાઓને ક્યારેક મંત્રમુગ્ધ કે ક્યારેક ભાવુક કરી જાય. ઘેઘૂર અવાજે રૌદ્ર ગર્જના સાથે જ્યારે એ નારી દુઃશાસનની છાતી ચીરી નાખવા તંબૂરાને ખંજર કે ગદાની જેમ હવામાં વીંઝે, ત્યારે કુરુક્ષેત્રનું એ રણમેદાન મંચ ઉપર સજીવન થઈ ઊઠે! દ્રૌપદી બને ત્યારે આ કલાકારના મુખ પરથી કરુણા ટપકે છે, અર્જુન બને ત્યારે જિજ્ઞાસા અવતરે છે અને ભીમ બને ત્યારે વીરરસ ભભૂકી ઊઠે છે. આ કોઈ સાધારણ કલાકાર નથી, પણ મહાભારતના 18 પર્વોને પોતાના લોકકંઠે રમાડીને દુનિયાને ડોલાવનારી છત્તીસગઢની દીકરી તીજનબાઈ છે. પંડવાણી લોકકલાના ભવ્ય ભાલ માથે તિલકસમા પદ્મવિભૂષણ ડૉ. તીજનબાઈ હવે કાયમ માટે પોઢી ગયાં છે. પંડવાણીના પોતીકા પંડનો વિલય થયો છે. છત્તીસગઢના ગનિયારી ગામના વગડામાં પારધી આદિવાસી કુટુંબમાં જન્મેલી આ દીકરીના બાળપણના દિવસો અત્યંત સંઘર્ષમય હતા. લોકવાયકા એવી છે કે ભાદરવા મહિનાના પવિત્ર લોકપર્વ ‘તીજ’ - હરિતાલિકા તીજના દિવસે આ રૂડી દીકરીનો જન્મ થયેલો, તેથી મા સુખવતીએ એનું નામ ‘તીજન’ રાખેલું. પિતા ચુનુકલાલ પારધી પોતે વગડાના શિકારી અને આખું કુટુંબ ગરીબીના ખીલા હારે બંધાયેલું, ખોરડું ખાનદાન પણ રોટલે રાડ. વાંસની સાવરણીઓ અને સાદડીઓ વણીને માંડ બે ટંકના રોટલાનો મેળ પડતો. નાનપણથી તીજનના કાન સંગીત સાંભળવા આતુર રહેતા. એ પક્ષીઓના અવાજો સાંભળતી તો કલકલ વહેતી નદીનો અવાજ સાંભળવા કલાકો સુધી નદીકિનારે બેસી રહેતી. નાનપણમાં એને ધૂળિયા મેદાનમાં ઊતરીને છોકરાઓ સાથે કબડ્ડી રમવાના કોડ હતા. પણ રૂઢિચુસ્ત સમાજમાં છોકરીઓ માટે આ બધું વર્જિત હોવાથી તેની મા તેને પકડીને ઓરડીમાં પૂરી દેતી અને કલાકો સુધી ભૂખી રાખતી. મોસાળ પક્ષે નાના બ્રિજલાલ પારધી જ્યારે આ વગડામાં બેસીને લોકમહાભારતના ગીત લલકારતા, ત્યારે નાની એવી તીજન ઝાડી પાછળ છુપાઈને એ વાતો કાન દઈને સાંભળતી અને હૈયાના ગોખમાં એને સંઘરી લેતી. હૈયામાં સંઘરેલા આ ગાણાને હોઠ ઉપર લાવવાની ઈચ્છા તો થાય પણ કરવું શું? ઘરમાં તો ગાવાની કડક મનાઈ હતી. તીજન સીમમાં છાણાં વીણવાના બહાને ઘરથી ભાગી છૂટતી અને નાળાઓમાં જઈને પંડવાણીના રાગ વહેતા કરતી. આમ પણ લોકજીવનના કસબીઓનું નસીબ હંમેશાં કસોટીની એરણ પર જ ઘડાતું હોય છે. 12 વર્ષની કુમળી વયે તીજનના લગ્ન કરી દેવાયા. જ્યારે સાસરી પક્ષના લોકો આણાની વિધિ માટે આવ્યા, ત્યારે તીજને રોકડો જવાબ આપી દીધો કે ગમે તે થાય પણ હું પંડવાણી ગાવાનું નહીં છોડું. આ જક્કી વલણ જોઈને સાસરિયાઓએ અને પારધી નાતના પંચે તેને ધર્મભ્રષ્ટ માનીને નાતબહાર મૂકી દીધી. 17 વર્ષની ઉંમરે સમાજ અને મા-બાપથી તરછોડાયેલ આ કલાકારે ચંદ્રખુરી ગામમાં ઘાસની ટાંચી ઝૂંપડી બનાવી કલાની સાધના ચાલુ રાખી. શાળાનું પગથિયું ક્યારેય ન ચડેલી આ કલાધર્મી નારીએ કાગળિયા પર સહી કરવા માટે અનોખો જુગાડ કર્યો હતો; પોતાના ડાબા હાથ પર ત્રોફાવેલા આદિવાસી છૂંદણાં (ગોદના)ની ભાત પર આલેખેલું પોતાનું નામ જોઈ જોઈને તે કાગળ પર પોતાની સહી આલેખતી! મૂળે તો પંડવાણી એ ગોંડ આદિવાસીઓની મૌખિક પરંપરા હતી, જેમાં ભીમને વરસાદ લાવનારો નાયક મનાતો પણ ઈ. સ. 1940ના ગાળામાં ઝાડુરામ દેવાંગણે સબલસિંહ ચૌહાણ સંપાદિત હસ્તપ્રત મેળવી અને પંડવાણીમાં શાસ્ત્રીયતા લાવીને તેને વેદમતી એટલે કે બેસીને ગાવાની અને કાપાલિક એટલે કે ઊભા થઈને ગાવાની એમ બે શૈલીઓમાં વહેંચી. તીજનબાઈએ વર્ષો જૂની પુરુષપ્રધાન કાપાલિક શૈલી અપનાવી. કાપાલિક શૈલીમાં વીરરસના હાવભાવ સાથે કથા ભજવાય છે. લોકમહાભારતના તમામ પર્વોને તીજનબાઈએ માત્ર 21 જ દિવસમાં કંઠસ્થ કરી લીધા હતા. શરૂઆતના વર્ષોમાં જ્યારે સભામાં કેટલાક પુરુષોએ સવાલ ઉઠાવ્યો, ‘આ દૂબળી-પાતળી બાઈ મહાબલી ભીમસેનનું પરાક્રમ કેવી રીતે ભજવી શકશે?’ ત્યારે તીજને સિંહગર્જના કરીને, તંબૂરો ભીમની ગદાની જેમ હવામાં ફંગોળ્યો અને રણટંકાર કર્યો, આખો મંડપ મંત્રમુગ્ધ થઇ ગયો હતો. તેમની આ અદભુત શૈલી અને લોકરંજન સાથે શાસ્ત્રીય જ્ઞાનના પ્રચાર-પ્રસાર ચાર યુનિવર્સિટીઓએ તેમને ‘ડી. લિટ.’ની માનદ પદવીઓ આપી હતી.તીજને પંડવાણી ગાવાનું શરૂ કર્યું ત્યારે એક રાત્રિના ભોજનના બદલામાં આખી રાત મહાભારત ગાતી. લોકજીવનની આ અણમોલ વિરાસતની કદર તો ત્યારે થઈ જ્યારે તીજનબાઈને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સમક્ષ પ્રસ્તુતિની તક મળી. ઇન્દિરા ગાંધી તો આ ગાયિકાની જીવંત પ્રસ્તુતિ જોઈને ભાવવિભોર થઈ ગયાં. પછી તો તીજનબાઈનાં પગલાં પેરિસ, લંડન, જર્મની અને મોરેશિયસ જેવા દેશોના ભવ્ય સભાગૃહો સુધી પહોંચ્યાં અને તેઓ ભારતીય લોકકલાના રાજદૂત બન્યાં. શ્યામ બેનેગલની લોકપ્રિય ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’માં પણ તેમણે પંડવાણીના સૂર રેલાવીને આ પરંપરાને ઘર-ઘર સુધી પહોંચાડી હતી. તેઓ વિદેશની વૈભવી સેવન-સ્ટાર હોટેલોમાં પણ રાત્રે પલાળેલા સાદા દેશી ભાત (બાસી) ખાવાનો આગ્રહ રાખતા. પ્રસ્તુતિ પહેલાં મોઢામાં પાન ચાવવું એ એમનો વણલખ્યો નિયમ હતો. પાછલી ઉંમરે લકવાના હુમલાથી તેમનો અવાજ રુંધાઈ ગયો છતાં 200થી વધુ શિષ્યો તૈયાર કરીને તેમણે પંડવાણીનો અજવાસ કાયમ રાખ્યો. એમના શિષ્યોમાંની એક તરુણા સાહુ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આશીર્વાદ લેવા આવી, ત્યારે તીજનબાઈએ વહાલથી એને છાતી સરસી ચાંપીને એક જ ગુરુમંત્ર આપ્યો હતો, ‘દીકરી, ગમે તેવી મુસીબતો આવે પણ પંડવાણી ગાવાનું ક્યારેય છોડતી નહીં.’ પદ્મવિભૂષણથી સન્માનિત ડૉ. તીજનબાઈ આપણી વચ્ચેથી ભલે વિદાય પામ્યા હોય, પણ પંડવાણીની કસુંબલ લોકકથાના સૂર બનીને તેઓ લોકજીવનના હૈયામાં અનંતકાળ સુધી ધબકતા રહેશે. અંતે, પ્રત્યેક સાચી કલા આત્મસાક્ષાત્કારમાં સહાયક હોવી જોઈએ. - ગાંધીજી
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સ્વપ્નસુંદરી બન્યાં બન્યાં IRS!
    Next Article
    અમલપિયાલી:પ્રેમ એ નર્યું અધ્યાત્મ છે, એ આંખોથી નહીં, દૃષ્ટિથી પરખાય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment