Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સ્વપ્નસુંદરી બન્યાં બન્યાં IRS!

    3 days ago

    યુ. પી. એસ. સી.નો કોઈ વિચાર નહોતો મારો. મારે તો મિસ ઇન્ડિયા થવું હતું…પણ કિસ્મતમાં કંઈ બીજું જ લખાયું હતું.’ તસ્કીન ખાન સ્વપ્ન અને વાસ્તવની સીમારેખા વચ્ચે ઊભા રહીને પોતાની વાત કરે છે. તસ્કીન ઉત્તરાખંડના રહેવાસી. 2016 ‘મિસ દહેરાદૂન’ અને 2017માં ‘મિસ ઉત્તરાખંડ’નો ખિતાબ. અંતિમ લક્ષ્ય ‘મિસ ઇન્ડિયા’ જ હોય. પણ અહીં ઊંચાઈ માત્ર બે મિલીમીટર ઓછી હોવાથી એ સ્પર્ધામાં ભાગ લઈ શક્યાં નહીં. સ્વપ્ન નગરીમાં આપાતકાલ આવ્યો જાણે! સમંદરને મળ્યાં પહેલાં જ નદી અધવચ્ચે સુકાઈ ગઈ. તસ્કીન અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા દહેરાદૂન ઓર્ડનન્સ ફેક્ટરીના ગ્રૂપ ડીના કર્મચારી હતા. એક નાની બહેન. એકથી 12 ધોરણનો અભ્યાસ દહેરાદૂન કેન્દ્રીય વિદ્યાલયથી જ કર્યો. 10 અને 12મા ધોરણમાં 90 ઉપર ટકાવારી. ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’માં પ્રવેશ મળતો હતો પણ આર્થિક પરિસ્થિતિના કારણે તેમાં એડમિશન લઈ ન શકાયું. ‘બીજા ધોરણ સુધી હું ભણવામાં સારી નહોતી. બોલવાની સૂઝ નહોતી. એકલવાયી રહેતી. કંઈક કરવું પડશે એવું દબાણ મનમાં ચાલ્યા કરતું. ક્યારેક એવું થતું કે જીવનમાં કંઈ ઉકાળી નહીં શકાય. મમ્મીની જેમ ઘર સંભાળી લઉં એટલે બહુ. લગભગ નવમા સુધી આ સ્થિતિ રહી. નવમા ધોરણમાં એક ઘટનાએ મારો આત્મવિશ્વાસ વધારી દીધો. મારા ટીચરે મને સ્કૂલ સામે એક સુવિચાર બોલવા કહ્યું. મેં વિચાર્યું કે હું એટલું સરસ બોલીશ કે બધા પ્રભાવિત થઈ જાય. સુવિચાર હતો ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’. મેં લગભગ 50 વાર તેની પ્રેક્ટિસ કરી. બીજા દિવસે સવારે જ્યારે એ સુવિચાર બોલી ત્યારે સૌને ખૂબ ગમ્યો. મારા શિક્ષકે કહ્યું, ‘તું જીવનમાં કંઈ સારું જ કરીશ.’ ‘આત્મવિશ્વાસ વધ્યો પછી એમ થયું સ્કૂલના ટોપરની લિસ્ટમાં આવવું છે. મહેનત ચાલુ કરી. ગણિત નબળું હતું એને સુધાર્યું. 10મા અને 12મા ધોરણમાં હું ટોપર બની ગઈ. બધા ઓળખવા લાગ્યા, બધાને થતું કે આ છોકરી જીવનમાં કંઈક કરશે.’ ‘મને થતું કે હું કંઈક એવું કરું કે લોકોના જીવનને સીધી અસર થાય. એ સમયે યુ. પી. એસ. સી. વિશે નહોતી ખબર, કે બીજો કોઈ રસ્તો પણ નહોતી ખબર. મેં એક્ટિંગના મારા પેશન પાછળ પરસેવો પાડ્યો. નેશનલ થિયેટર કર્યું અને મોડેલિંગ તરફ વળી. બે વર્ષની સખત મહેનત પછી ‘મિસ ઇન્ડિયા’ના દરવાજે તો પહોંચી પણ ત્યાંથી જ પાછું આવી જવું પડ્યું.’ ‘એક દિવસ મેં મારા એક ‘ઇન્સ્ટાગ્રામ’ ફોલોઅરની પ્રોફાઇલ જોઈ. તેમાં મસૂરીની આઈ. એ. એસ. એકેડેમીના ફોટા હતા. મને રસ પડ્યો અને થયું કે આ પરીક્ષા આપવી જોઈએ અને આમ શરૂઆત થઈ મારી તૈયારીની.’ એ ફોલોઅરે પ્રેરણા આપી એટલે એ વરસે જ તસ્કીને થોડી તૈયારી કરીને પ્રીલિમિનરી આપી. જોકે, એમાં તો પાસ ન થવાયું પણ એ તૈયારીના આધારે ‘હજ કમિટી ઓફ ઇન્ડિયા’ની પ્રવેશ પરીક્ષા આપીને સ્કોલરશિપ મેળવી લીધી. બીજે વર્ષે જામિયામાં પ્રવેશ મેળવીને દિલ્હીમાં તૈયારી શરૂ કરી, પણ ‘સિસેટ’માં ક્વોલિફાય ન થવાયું. તેમણે સી. ડી. એસ., હરિયાણા અને ‘ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ’ની પરીક્ષાઓ આપી. ‘મારા માટે આ સૌથી કપરો કાળ હતો. મે, 2022ની પ્રીલિમિનરી મેં પાસ કરી લીધી હતી પણ પપ્પાની હાલત ખરાબ થઈ રહી હતી. એક તરફ મેન્સ માથે હતી. અન્ય પરિજનોનો એટલો ટેકો નહોતો. છેલ્લે હું પણ ડિપ્રેશનનો શિકાર બની.’ ‘મારા કોઈ દોસ્ત નહોતા, પોતાની વ્યથા કોને કહું. એક સેવાભાવી સંસ્થાની મદદથી મને તબીબી સહાય મળી. ડિપ્રેશનની ગોળીઓ ખાઈને બસ હું ઊંઘ્યા જ કરતી. આવી પરિસ્થિતિઓમાં મેન્સની તૈયારી કરી અને પરીક્ષા આપી. છેલ્લા પેપરમાં એક સવાલ છૂટી ગયો તો હું પોતાની જાતને કોસી રહી હતી.’ ડિસેમ્બરમાં પરિણામ આવે છે અને પર્સનાલિટી ટેસ્ટમાં તસ્કીનનું નામ આવ્યું. થોડી હાશ થઈ. જાન્યુઆરીમાં ફરી દિલ્હી. તૈયારી માટે જગ્યા નહોતી મળી રહી અને આ વચ્ચે ડિપ્રેશનનો એક મોટો એટેક આવ્યો. એક સંસ્થાએ મદદ કરી અને જગ્યા આપી. તસ્કીને મહેનત કરી અને પર્સનાલિટી ટેસ્ટ આપી. તસ્કીન ખાનની તકદીર અને તાકાત લક્ષ્યવેધ સુધી લઈ જાય છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 736 સાથે તેઓ સિવિલ સેવા પરીક્ષા ઉત્તીર્ણ કરે છે. નવમા ધોરણમાં સ્ટેજ પરથી જે કવિતા તસ્કીને રજૂ કરી હતી એ તેમની વાર્તા વાંચતી વખતે ફરી સંભળાય છે: ‘લહેરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.’ તસ્કીન ખાનને ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ મળી. તસ્કીનનો અર્થ છે સંતોષ.
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:તેરે પાસ મૈં : અંતરમાં હોય એને અંતર ન નડે
    Next Article
    અક્ષરનો અજવાસ:પંડવાણીનો પોતીકો પંડ : લોકકલાકાર તીજનબાઈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment