Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:તેરે પાસ મૈં : અંતરમાં હોય એને અંતર ન નડે

    3 days ago

    હરદ્વાર ગોસ્વામી ઈમરોઝ સાથે રહીને પણ અમૃતા પ્રીતમ સાહિરને ભૂલી ન હતી, પણ એનો વિરોધ ઇમરોઝે કદી કર્યો નથી. ઈમરોઝ માનતો કે ‘જેની ચાહતની ચાંદની માણતા હોઈએ, તો એનું અંધારું પણ સ્વીકારવું પડે!’ અમૃતાએ કહ્યું, ‘ઈમરોઝ, પહેલા પૂરી દુનિયા ફરીને આવ અને પછી પણ તું મને ચાહીશ તો હું તારી રાહ જોતી મળીશ’. તરત જ ઇમરોઝે અમૃતાની ચારેબાજુ ચક્કર લગાવ્યા અને કહ્યું કે ‘મારી દુનિયા તો તું છે. મેં હવે આખી દુનિયા ફરી લીધી, હું હજુ પણ તને જ ચાહું છું.’ જે બધાને ચાહી શકે એને જ બધા ચાહતા હોય છે. તાજેતરમાં પાલિતાણા પાસે એક માણસને સિંહે અડધી કલાક સુધી દબોચી રાખ્યો પણ કંઈ કર્યું નહીં, એનું એક કારણ એ માણસ સિંહને પંપાળતો હતો. જ્યાં કોઈ કારી ન ફાવે ત્યાં પ્રેમ અકસીર ઈલાજ બને છે. પ્રેમ માણસને મોતના મુખમાંથી પણ બહાર લાવી શકે છે. આખા જગતને સુખી કરવાની ચાવી આ વાક્યમાં આવી જાય છે. આગ્રાની સફેદ ઈમારત નહીં પણ શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ એ પ્રેમનું પ્રતીક છે. નારીનું સંપૂર્ણ સન્માન હોય ત્યાં પ્રેમરૂપી પરમેશ્વર આવીને વસે છે. ગૂગલમાં સર્ચ કરવાથી નહીં, પણ અંતરમાં ડૂબકી દેવાથી પ્રેમ મળે છે. ‘મૈં વાપસ આઉંગા’ ફિલ્મમાં આવે છે તેમ પ્રેમને કોઈ સરહદ રોકી શકતી નથી. સ્મરણના સૈલાબમાં વહેતો નાયક પ્રેમપ્રદેશમાં જ વસવાટ કરે છે. દરિયાની ઊંડાઈ અને આકાશની ઊંચાઈ માપી શકાતી નથી એમ પ્રેમની સંકુલતાને સમજવી મુશ્કેલ છે. લાખો લૈલા અને મન્વન્તર મજનૂ પણ પ્રેમ માટે ‘નેતિ નેતિ’ કહીને થાક્યા. ગઝલ નામનો એક માણસ ગજબનો પ્રેમી હતો એટલે એના નામ પરથી ગઝલ નામ પડ્યું. ગઝલની એક વ્યાખ્યા એટલે જ ‘પ્રેમિકા સાથેની વાતચીત’ એમ થતી હતી. પરંપરાગત શાયરોની ગઝલમાં પ્રેમની અભિવ્યક્તિ વધુ હતી. દુન્યવી પ્રેમને ‘ઈશ્કે મિજાજી’ અને પરમ તત્વના પ્રેમને ‘ઈશ્કે હકીકી’ કહે છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવતી પાનબાઈનો પ્રેમ પરમતત્વ સાથે જોડાયેલો છે. ઈશ્વર સાથે સીધો સંવાદ કરે એવા અલખ ઓલિયાઓ હિમાલયની ગુફામાં વસે છે. કોઈ પણ માણસ સર્વાંગ સંપૂર્ણ હોતો નથી, જેમ ફૂલ સાથે કાંટા રહેવાના... મર્યાદા પુરુષોત્તમ તો સદીઓ બાદ સર્જાય છે. બર્ટ્રાન્ડ રસેલ પ્રેમને સાપેક્ષ મૂલ્યને બદલે નિરપેક્ષ મૂલ્ય તરીકે જુએ છે. હરિ તારા નામ છે હજારની જેમ પ્રેમની હજાર વ્યાખ્યાઓ છે. પ્રેમની લાડકી દીકરી ‘લાગણી’ છે. લાગણી ન હોય તો પ્રેમ થઇ જ ન શકે. પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે, વ્યવસ્થામાંથી અવસ્થા તરફ જવાની ગતિ છે. ‘શેણી શેણી’ના જાપ જપી જપીને વિજાણંદે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. વેરમાં વાંધો છે, સ્નેહમાં સાંધો છે અને હેત એ સર્વશ્રેષ્ઠ કાંધો છે. પ્રેમની પૂર્વશરત છે કે દિલનો દરવાજો ખુલ્લો રાખવો પડે. સંકુચિતતાને મનવટો આપવો પડશે. સ્નેહના સંગીતમાં રાગ કરતા અનુરાગનું મહત્ત્વ વધુ છે. પ્રેમ એટલે પામવું નહીં, પણ આપવું, સંપ્રાપ્તિ નહીં પણ સમર્પણ. અરેબિક સાહિત્યમાં પ્રેમની સાત અવસ્થાઓ વર્ણવવામાં આવી છે. આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ, દીવાનગી અને મોત. પ્રેમમાં હારીને પણ જીતી શકાય છે અને જીતીને પણ હારી શકાય છે. ‘પુષ્પા’ આખી દુનિયાને કહે છે ‘ઝૂકેગા નહીં’ પણ પ્રેમ સામે ઝૂકી જાય છે. ઘણીવાર સુંદરતા હોય પણ સહૃદય ન હોય ત્યારે ચંદ્રમાં દાગ નહીં પણ દાગમાં ચંદ્ર હોય એવું લાગે. દરેક પરિસ્થિતિમાં હાથ પકડી અને હૈયું જકડીને ઊભો રહે એ પ્રેમ છે. દુર્દશાનો દરવાજો જોઈ કદમ વાળી લે એ પ્રેમ નથી પણ વહેમ છે. ભાગાકારની ભીતિ હોય એ પ્રેમ નથી પણ બીજું કશુંક કે ત્રીજું કશુંક છે. કાનો અને ઝમખુની અદભુત પ્રણય કથા જયંતિ દલાલે ‘ઊભી શેરીએ’ વાર્તામાં અભિવ્યક્ત કરી છે. આ જ લેખક ‘આકાશ એક ટુકડો’માં આકાશ જેવી ચાહત વર્ણવે છે ત્યારે સૂર્ય ચંદ્ર ઝળહળવા લાગે છે. રઘુવીર ચૌધરીની ‘આ સમય પણ વહી જશે’ અને ‘ઉડ ગયે ફૂલવા, રહ ગઈ બાસ’ આ બંને વાર્તા એકસાથે વાંચવા જેવી...પ્રણયનો ત્રીજો ખૂણો દેખાશે. ટૂંકી વાર્તામાં લાં...બો પ્રેમ વહેતો રહ્યો છે. આપણે ત્યાં તો કેસૂડો ખીલે એના પણ વધામણાં હોય છે. આજના સમયમાં સ્નેહનો સેન્સેક્સ ડાઉન છે ત્યારે દેશી કે વિદેશીની ઉજવણીની માથાકૂટમાં પડ્યા વગર પ્રેમમાં પડવું જોઈએ. વેલેનટાઈન હોય કે વસંતપંચમી, અંતે તો હેમનું હેમ હોય... સર્વ સમસ્યાના મૂળમાં લાગણીઓની ઓછપ છે. લાગણીના છોડને પ્રેમનું પાણી પુષ્ટિ આપે છે. પ્રેમના ગરવા ગિરનારની લીલી પરિક્રમા ત્યારે જ પૂર્ણ થાય જયારે સમર્પણની શુદ્ધ ભાવના હોય છે. આશિક જાત સાથે વાતો કરતો હોય અને જાતને ઓળંગી પણ જતો હોય છે. મધ્યબિંદુ એને નથી ફાવતું, આ પાર યા ઓ પાર... ‘મેં તો ચૂપ ચૂપ ચાહ રહી’ના મંત્રો ઉચ્ચાર્યા કર્યા. પ્રેમના સિક્કાની બે બાજુ give and take છે. સાંકડી ગલીમાં બે વ્યક્તિ સમાઈ ન શકે. બંને એક થાય તો જ સમાવેશ થાય છે. ‘હું’માંથી ‘આપણે’ તરફની ગતિ એટલે પ્રેમ. સાવ અચાનક દિલના દરવાજે ડોરબેલ વાગે તો સમજવું કે આતમનો આગંતુક આવી ગયો છે, પર્વોની પ્રતીક્ષા પીગળી છે, ગમતું નામ મનના મહેલમાંથી ઊતરી પાંપણની અટારીએ આવી ઊભું છે. શાંત ઝરુખે રૂપની રાણી આવીને વસે છે. પોતાનું નહીં પણ બીજાનું વિચારે એ પ્રેમ છે. સામેનું પાત્ર કેટલું વધુ સુખી થઇ શકે એવું વિચારો તો સમજવાનું કે તમે સાચેસાચ પ્રેમમાં છો. આવા પ્રેમ માટે પ્લેટોનિક લવથી પણ આગળનો કોઈ શબ્દ વિચારવો પડે. ખલીલ ધનતેજવીના આ મુક્તક સાથે પ્રેમપારાયણને વહાલભર્યો વિશ્રામ આપીએ... તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી, તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી. યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ, કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી. આવજો... શાંતિની કસોટી સમાજમાં જ થાય છે, હિમાલયની ટોચ પર નહીં. - ગાંધીજી
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:અસ્તિત્ત્વનો અર્ક; ઇશોપનિષદ
    Next Article
    લક્ષ્યવેધ:સ્વપ્નસુંદરી બન્યાં બન્યાં IRS!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment