Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:અસ્તિત્ત્વનો અર્ક; ઇશોપનિષદ

    2 days ago

    ભાગ્યેશ જહા દિવસો ક્યારેક પ્રશ્નચિહ્ન જેવા લાગે ત્યારે ઉપનિષદના શરણે જવાનું ગમ્યું છે. સમયની ખળખળતી નદી જ્યારે કંઈક વળાંક લે ત્યારે ઋષિના શબ્દ નવા અર્થની જગા કરી આપે છે. આજે અસ્તિત્વ કશાક નવા લેબાશમાં બ્રહ્માંડમાં પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે જીવનના અર્થને પામવા ઇશોપનિષદના આંગણે ઉભો છું. ઋષિ કોઇ અદ્વિતીય ક્ષણના વિસ્ફોટે પરબ્રહ્મનું વર્ણન કરે છે. कविर्मनीषि परिभू स्वयंभु। એટલે કે આ બ્રહ્મને ચાર સ્વરૂપે ઓળખી શકાય છે. એ કવિ છે, એ મનીષિ છે, એ પરિભૂ છે અને એ સ્વયંભુ છે.ઋષિએ બ્રહ્મને કવિ કેમ કહ્યું હશે? કવિ ‘સત્યં, શિવં, સુંદરમ્’નો ઉપાસક છે, સાધક છે. અને આ સૃષ્ટિ પર પ્રગટ કે અપ્રગટ રૂપે ‘સત્ય શિવ અને સુંદર’નો મહિમા પથરાયેલો છે. એટલે બ્રહ્મ કવિ હોય તો જ પૃથ્વી પર આ જે સૌંદર્યછટાઓ પથરાયેલી છે એ સમજાય. જો આ વિધાનને એક અલગ દૃષ્ટિએ જોવું તો કહેવું પડે કે અહીં કવિની જવાબદારી વધી જાય છે. બ્રહ્મની સૃષ્ટિમાં ‘સર્જકતા’ છલોછલ છે એટલે એ કવિ છે. બ્રહ્મ મનીષિ છે, વિઝનરી છે. શબ્દાર્થની આસપાસ રહીએ તો મનનો સ્વામી છે પરમ જ્ઞાની છે અને વિચારોથી પર છે તે મનિષી છે. જે સર્વોપરિ છે, જે બધે વ્યાપ્ત છે, તે સર્વસમાવેશક વાસ્તવ તે પરિભૂ છે. તો જે પોતે જ પોતાનામાંથી પ્રગટ થયું છે તે સ્વયંભૂ છે. જેની કોઇ જન્મ તારીખ નથી, તે સનાતન અને શાશ્વતનું પ્રતિનિધિ છે. 2026માં બ્રહ્મની શોધ અને ઉપાસના કરવાની હોય તો નવી પ્રજ્ઞાના કોલંબસ થવું પડશે. જેને આધુનિકો ‘Process Philosophy’ કહે છે એમની આંખે તપાસીએ તો લાગે કે આ બ્રહ્માંડ એક કાવ્ય છે. દૂરના તારાઓમાં કાવ્યપંક્તિઓ વાંચવી કે પહાડના મૌનને એક ગહન નવલકથા જેમ વાંચીએ તો સમજાય કે બ્રહ્મની કવિતા ક્ષણે ક્ષણ જાણે કે અસ્તિત્વના રહસ્યને ખોલી રહી છે! તમને કશુંક ‘ગમે છે’ ત્યારે તમારા મનમાં ‘ગમવાનું’ ગુંજન ઊભું કરે છે તે બ્રહ્મ છે. હવે વિજ્ઞાન સૃષ્ટિને સમજવા ‘atoms’ અને ‘equations’ના માધ્યમથી જુએ એને બદલે એક કાવ્ય તરીકે જુઓ, તો સમજાય છે કે આ જગત જેમ કવિતામાં એક પંક્તિ બીજી પંક્તિ સાથે કંઇક અનુસંધાન ધરાવે છે એવી જ રીતે આ કવિની રચના છે એટલા માટે ધક્ ધક્ વહેતું ઝરણું મારા હ્રદયના ધબકારા સાથે સંબંધ ધરાવે છે. તો સતત વિસ્તરતું આકાશ મનની ‘ગેબી કચેરી’નું જ વિસ્તરેલું સ્વરૂપ છે. અસ્તિત્વના ‘suggestive universe’ મહાકાવ્યને જોઇને જ કવિ ઉદઘોષ કરે છે, पश्य देवस्य काव्यं महित्वा, न ममार, न जीर्यते । ઉપનિષદના ઋષિ એક જ શ્વાસમાં આ ચાર સ્વરૂપે એકસાથે બોલે છે એનું પણ એ જ કારણ છે કે જ્યારે આપણે આવી રીતે શાશ્વતનો સ્પર્શ કરીએ છીએ ત્યારે બ્રહ્મનું સ્વયંભૂ સ્વરૂપ પણ સમજાય છે અને જ્યારે આ કવિતાકણોને કોઈ સમુદ્ર કિનારે કે કોઈ જંગલના ખૂણે વિહરતા કોઈ જીવને જોઈએ, એની કમ્યુનિકેશન અને સંવાદ કરવાની મુદ્રા જોઈએ, ત્યારે લાગે કે ઋષિએ જે પરિભૂ શબ્દ વાપર્યો છે, એ આ ‘Cosmic internet’ છે. આ મનીષી છે કારણ કે એકબીજા સાથે જોડાયેલાં અનેક તત્ત્વોનું અને તંત્રનું ‘soul of systems’ આ વિશાળ ડેટા-સેન્ટર છે. આ દૃષ્ટિએ જોઇશું તો મહર્ષિ અરવિંદના ‘matter’ અને ‘supermind’નો આંતરસંબંધ સમજાશે. આ ચારેય સ્વરૂપને અખંડ રૂપે સમજીએ તો આલ્ફ્રેડ નોર્થ ‘whitehead’ની થિયરી પણ સમજાઇ જાય. એનું કહેવું છે કે આ બ્રહ્માંડને એક દીવાનખાનું સમજો, પછી તાગ મેળવવાનું શરૂ કરો તો સમજાશે કે અસ્તિત્વ આ ચારમાંથી એક પણ ન હોય તો સમજી ન શકાય. બધું ગોઠવાઈ જાય પણ જીવન રસિક ત્યારે બને જ્યારે ભાષાથી સૌંદર્ય પ્રગટે. એટલે બ્રહ્મને ‘રસો વૈ સ:’ કહીને બ્રહ્મના કવિ સ્વરૂપનો મહિમા કર્યો છે. ઇશોપનિષદ તો જગતને સમજાવવા રચાયું છે. આ જગત અંધાધૂંધ નથી પણ કોઇ ગહન પ્રજ્ઞા કામ કરી રહી છે. એટલે અહીં ‘Wholeness and implicate order’ સમજીશું ત્યારે સમજાશે કે આખું અસ્તિત્વ કોઈ મોટા અને અદૃશ્ય આર્કિટેક્ટની રચના લાગે. વાસ્તવમાં મનુષ્યના બધા બૌદ્ધિક પ્રયત્નો અસ્તિત્વનું અનુકરણ જ છે. ગાઢ જંગલમાં કયા ઝાડ પાસે કયું ઝાડ ઉગાડવું એનો નિર્ણય લેનાર પરમ પ્રજ્ઞા છે, એને સમજીએ એટલે પર્યાવરણના વિજ્ઞાનને ખોલવાની શક્તિ પ્રગટ થાય. આજે ક્વોન્ટમ ફિઝિક્સ અને એ. આઈ.ના ખૂલતા નવા દરવાજા સામે અસ્તિત્વના સાવ અંદરના રૂમને ખોલવા માટેની ચાવી ઉપનિષદો આપે છે. જે સૂક્ષ્મ છે એ જ વિરાટ છે. વીજળીનો ઝબકારો અને મારી પાંપણનું ફરકવું અલગ નથી. નદીના ખળખળતા પ્રવાહમાં પગ મૂકીને બેસું છું ત્યારે આનંદ આવે છે કારણ કે બહારની દુનિયા મને સાવ અંદરના ઓરડે પ્રગટાવેલા એક દીવાના અજવાળામાં ચૈતન્યનો ખળખળતો પ્રવાહ સ્પર્શે છે. લેબોરેટરીમાં અણુને તપાસતો કે ટેલિસ્કોપ લઈને આકાશી રહસ્યોને સમજવા મથતા ખગોળ વિજ્ઞાનીના રૂમમાં જઈને ઉપનિષદના ઋષિ બોલે છે. }
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:ખિસ્સાનો વૈભવ અને ઇન્સાનિયતનો ઉજાસ
    Next Article
    કૉલાજ:તેરે પાસ મૈં : અંતરમાં હોય એને અંતર ન નડે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment