Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:ખિસ્સાનો વૈભવ અને ઇન્સાનિયતનો ઉજાસ

    2 days ago

    સૃષ્ટિ પર સૌથી પહેલો જન્મેલો પુરુષ આદમ હતો. આપણે સૌ આદમના વંશજો ગણાઈએ તેથી આદમી છીએ. આદમીની શોભા એની આદમિયત છે. આદમી ધીરે-ધીરે સંસ્કૃતિના પ્રવાહમાં આગળ વધ્યો અને ઇન્સાન બની રહ્યો. આદમ નિર્વસ્ત્ર હતો. સંસ્કૃતિનો વિકાસ થયો અને ઇન્સાન વલ્કલ પહેરતો થયો. એણે વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું ત્યારે કેવળ શરીર ઢાંકવાનો અને ઋતુઓ સામે રક્ષણ પામવાનો હેતુ હતો. મારા ગામના એક સ્વજને સિન્થેટિક કાપડ બનાવવાની મિલ શરૂ કરી. મને એ કંપનીનું નામ સૂચવવા એમણે વિનંતી કરી હતી. મેં ‘વલ્કલ’ નામ સૂચવ્યું હતું. મિલ ધમધોકાર ચાલી. કોઈ બુદ્ધિશાળી દરજીએ વર્ષો પહેલાં પોતાનું ભેજું કામે લગાડ્યું અને પહેલી વાર માણસના ડગલામાં ખિસ્સું ઉમેરાયું. સદીઓ સુધી સ્ત્રીઓનાં વસ્ત્ર તો ખિસ્સા વગરનાં જ રહ્યાં. કાળક્રમે ઇન્સાનના વસ્ત્રનો ભાગ બની ગયેલા ખિસ્સાના ખેલ વધતા જ ગયા. ખિસ્સાનું વજન વધી પડ્યું ત્યારે એનો ભાર હળવો કરવા માટે ખિસ્સાકાતરુંનો જન્મ થયો. ખિસ્સાની કહાણી દિલચસ્પ છે. વર્ષો સુધી એમાં ચણીબોર, ચીકુ, ચણા અને રેવડી પડી રહેતાં. પછી એમાં ચલણી સિક્કા પણ રહેવા લાગ્યા. એ જ ખિસ્સામાં હવે Visa ક્રેડિટ કાર્ડ રહે છે. ઇન્સાનના ખિસ્સાની માયા અપરંપાર છે. દુનિયામાં ચાલતી લેવડદેવડની લીલાનું કાળજું ખિસ્સું છે. જેનું ખિસ્સું ખાલી, તે જાણે હાલીમવાલી; જેનું ખિસ્સું ભરેલું, તે સઘળા સદગુણોનો વાલી. નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ. અર્થશાસ્ત્ર એટલે ખિસ્સાશાસ્ત્ર. ખિસ્સું પૈસાની આયાત અને નિકાસ કરતું જ રહે છે. માણસનો હાથ ખિસ્સામાં પ્રવેશીને રિક્ષાના ભાડાની રકમ બહાર આણી શકે છે. એ જ હાથ પગારમાં મળેલી રકમ ખિસ્સામાં કાળજીપૂર્વક ગોઠવી પણ શકે છે. જીવનભર ખિસ્સા દ્વારા પૈસાની અવરજવર થતી રહે છે. એ અવરજવરના પણ ટ્રાફિક-નિયમો હોય છે, જે ઘણા માણસો પાળતા નથી. કોઈ કર્મચારી લાંચના પૈસા ખિસ્સામાં મૂકવા માંડે ત્યારે તરત લાલ લાઈટ થાય એવી કોઈ ગોઠવણ થઈ શકે? એ જ રીતે રિશ્વતખોર અધિકારી કોઈ આશ્રમના મહંતને હરામની કમાણીમાંથી દાન આપવા માટે ખિસ્સામાં હાથ નાખે ત્યારે જો લાલ લાઈટ થાય તો મહંતનો લોભ પણ કાબૂમાં રહે એમ બને. જ્યારે પણ કોઈ પ્રામાણિક માણસ બીજાને મદદરૂપ થવાની ભાવનાથી ખિસ્સામાં હાથ નાખે ત્યારે લીલી લાઈટ થવી જોઈએ. ખુદા અને બંદા વચ્ચે જે ખાનગી વાતચીત થાય તે કેવળ શબ્દો દ્વારા નથી થતી. એ વાતચીત તો કેવળ ઈશારાઓ દ્વારા થતી હોય છે. બંદાને તરત ખબર પડી જાય છે કે કઈ વાતે ખુદા રાજી છે અને કઈ વાતે નારાજ છે. ખુદા રાજી થાય એવી કરણી કરે તે ખુદાનો બંદો ગણાય. માણસ જો પોતાના ખિસ્સાને પવિત્ર રાખે તો એની બંદગી સાર્થક થાય. ઇન્સાન જો પવિત્ર હોય તો એના ખિસ્સામાં પણ ખુદાનો મુકામ હોય છે. દુનિયાની આજની ઘણીખરી સમસ્યાઓનાં મૂળમાં ખિસ્સાની અપવિત્રતા રહેલી છે. ઇન્સાનનો ખિસ્સાધર્મ અભડાય પછી એણે ધાર્મિક હોવાનો દેખાવ કરવો જ પડે છે. હરામનો પૈસો ખિસ્સાને પજવે ત્યારે માણસ બિચારો એક એવા ગુરુ પાસે જાય છે, જે અપ્રામાણિકતાનો આદર કરીને એને આશ્રમનો ટ્રસ્ટી બનાવે છે. જ્યાં ટ્રસ્ટ રચાય ત્યાં ડિસ્ટ્રસ્ટ કોણ જાણે ક્યાંથી આવી પહોંચે છે. આપણા આશ્રમોમાં ભોળા લોકોનાં ખિસ્સાં ખાલી થાય ત્યારે લાલ લાઈટ થતી નથી. ગુરુજીને તેથી નિરાંત રહે છે. કોઈ ઉદ્યોગપતિની પેઢી પર જેટલા ચેક લખાય, તેના કરતાં વધારે ચેક ગાદીપતિના ગલ્લા પર લખાય છે. બધું લોકોના ભલા માટે કરવામાં આવે છે. લોકોને પૈસે ગુરુજીની બોલબાલા થતી રહે છે. વારંવાર લીલી લાઈટ થાય તેવી લેવડદેવડ ચાલતી હોય એવા આશ્રમો કેટલા? ગુરુજીના ઉપવસ્ત્રમાં ખિસ્સું નથી હોતું, કારણ કે એમનો લોભ ખિસ્સામાં સમાઈ શકે તેટલો મર્યાદિત નથી હોતો. પાસે એક પણ પૈસો રાખ્યા વગર બધી જ સુખસાહેબી પારકા પૈસે ભોગવવાનો પણ એક નશો હોય છે. માણસ શેરમાં રોકાણ કરે તેનું ડિવિડન્ડ હોઈ શકે, પરંતુ ત્યાગનું ડિવિડન્ડ કેવું તગડું હોઈ શકે તે જોવું હોય તો કોઈ ભવ્ય આશ્રમમાં જવું. ત્યાંની જાહોજલાલી જોઈને તમને સંસારમાં સડવા બદલ પસ્તાવો થવા લાગશે. ત્યાં હજારો ખિસ્સાં સતત ઠલવાતાં જ રહે છે. ગુરુજીના ત્યાગને ભક્તોની ભીડમાં ચાર ચાંદ લાગી જાય છે. ચોરી પણ બે પ્રકારની હોય છે. રાતે કોઈના ઘરમાં છાનામાના દાખલ થઈને માલમત્તા તફડાવવી એ નિખાલસ ચોરી છે. લોકો એમ કરનારને ચોર કહે છે. ચોરને ખબર હોય છે કે પોતે ચોર છે. દર્દીને જરૂર ન હોય છતાં દવા આપનાર કે ઓપરેશન કરનાર ડૉક્ટરની ચોરી નિખાલસ નથી. સામા પક્ષ સાથે મળી જઈને પોતાના અસીલને ખબર પણ ન પડે એમ લૂંટી લેનાર વકીલને કોઈ ચોર નથી કહેતું. પરીક્ષામાં ગોટાળો કરીને ગજવાં ભરનાર શિક્ષકને કોઈ ચોર નથી કહેતું. ખિસ્સાની પવિત્રતા નષ્ટ થયા પછી ધાર્મિક દેખાવા માટે લોકો વધારે પડાપડી કરે છે. આવી પડાપડી ઘણાખરા ગુરુઓને ભારે ગળચટી લાગે છે. કોઈ ઓલિયા કે ફકીરના અવસાન પછી એના સ્થાનક પર જે ભીડ જામે છે તેમાં ખિસ્સાની પવિત્રતા જળવાય ખરી? અમેરિકાથી આવેલા ગુજરાતી (એન. આર. આઈ.)ઓમાંથી ઘણા લોકો સીધા જલારામબાપાના વીરપુર ગામે પહોંચે છે. માંડ એકાદ જણ પોરબંદરના કીર્તિમંદિરની મુલાકાત લે એમ બને. પોરબંદર જવામાં થોડું જોખમ છે, કારણ કે ખિસ્સાની પવિત્રતા (સાધનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ) જાળવ્યા વગર ધર્મનું પાલન શક્ય નથી, એવો ગાંધી-ધ્વનિ કીર્તિમંદિરમાં સતત કાને પડતો રહે છે. જલારામબાપા ભક્ત હતા. તેમના જીવનમાં પૈસો પણ અણહકનો આવ્યો નહીં હોય. અનુયાયીઓને તેઓના ઉપદેશ કરતાં તેમની કૃપા દ્વારા થતા કાલ્પનિક લાભમાં વધારે શ્રદ્ધા હોય છે. લોકો પોતાની સગવડ પ્રમાણે ધર્મમાં પરચાઓ અને ચમત્કારોના રંગો પૂરતા જ રહે છે. આમ કરવામાં એમને ભારે રાહત રહે છે. ડોમિનિક લાપિયર વિશ્વવિખ્યાત લેખક છે. એમણે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ જેવા રાજકીય અભ્યાસગ્રંથ ઉપરાંત ‘ઓહ જેરુસલેમ’, ‘ઇઝ પેરિસ બર્નિંગ’ અને ‘ધ ફિફ્થ હોર્સમેન’ જેવી નવલકથાઓ આપી. લાપિયરના જીવનનો એક પ્રસંગ અહીં પ્રસ્તુત છે. લાપિયરને અને એમનાં પત્નીને ભારતનાં બાળકો પાસેથી ઘણી પ્રેરણા મળી છે. મુશ્કેલીમાં જીવતાં રહીને અપ્રતિમ હિંમત અને ઉદારતા બતાવનારાં ભારતીય બાળકો એમને ગમે છે. લાપિયર 1980ના અરસામાં પશ્ચિમ બંગાળમાં ફરતા હતા ત્યારે પ્રસંગ બન્યો. એક નાની છોકરી ભાતની ક્યારી વટાવીને નિશાળેથી ઘરે જઈ રહી હતી. એ થાકેલી અને ભૂખી જણાતી હતી. લાપિયરે પોતાનું ખિસ્સું ફંફોસ્યું ત્યારે એક બિસ્કિટ મળ્યું. એમણે તે પેલી છોકરીને આપ્યું. એ છોકરી માંડ થોડાંક ડગલાં દૂર ગઈ ત્યાં એને દૂબળું પડી ગયેલું કૂતરું મળ્યું. એ છોકરીએ પોતાના બિસ્કિટમાંથી અડધું એને આપી દીધું. આ ઘટના બની ત્યારે લીલી લાઈટ ન થઈ, કારણ કે એ છોકરીના વસ્ત્રમાં ખિસ્સું જ ન હતું. અને હા, એણે જ્યારે અડધું બિસ્કિટ એક મૂગા પ્રાણીને આપી દીધું ત્યારે એ ભૂખી હતી તોય, પોતે કોઈ ત્યાગ કરી રહી હતી, એવો એને ખ્યાલ પણ ન હતો. લીલી લાઈટ ન થઈ, પરંતુ એ ક્ષણે એ છોકરીના માસૂમ ચહેરા પર એક હજાર સૂર્યોનું અજવાળું પથરાયું હતું. પાઘડીનો વળ છેડે વિશ્વવિખ્યાત લેખક ડોમિનિક લાપિયરે પોતાના અંતિમ પુસ્તકનું મથાળું ‘એ થાઉસન્ડ સન્સ’ દક્ષિણ ભારતની એક અદભુત કહેવત પરથી રાખ્યું છે: ‘ વાદળની પેલે પાર હંમેશાં એક હજાર સૂર્યો હોય છે.’ પરંતુ લાપિયર અને તેમનાં પત્ની માટે એ હજાર સૂર્યો કરતાં પણ વધુ તેજસ્વી પ્રેરણાસ્ત્રોત ભારતનાં એ બાળકો છે, જેઓ અત્યંત મુશ્કેલીઓ વચ્ચે જીવીને પણ પોતાનાં જીવનમાં અપ્રતિમ હિંમત અને અનન્ય ઉદારતાનો ઉજાસ પાથરે છે! Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    Do men really lose weight faster than women?
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:અસ્તિત્ત્વનો અર્ક; ઇશોપનિષદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment