Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જમીન અમારી માં છે, વળતર નહીં તો ટાવર નહીં':સુરતમાં સરકારી પરિપત્રની હોળી કરી ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો

    4 days ago

    સુરત જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહેલી પાવરગ્રીડ લાઇન અને તેના વિશાળ વીજ ટાવરો સામે સ્થાનિક ખેડૂતોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની ફળદ્રુપ જમીન અને આજીવિકા બચાવવા માટે સુરત જિલ્લાના હજારો ખેડૂતોએ એક થઈને વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં સરકારે તાજેતરમાં જ જમીન સંપાદન અને વળતર અંગે એક નવો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ખેડૂતોએ આ પરિપત્રને અન્યાયી અને અપૂરતો ગણાવીને ફગાવી દીધો છે. આ રોષના પગલે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારી પરિપત્રની જાહેરમાં હોળી કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ઉમટ્યો જનમેદનીનો મોરચો આ આંદોલનની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સુરત જિલ્લાના લગભગ તમામ મહત્વના તાલુકાઓમાંથી ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના વિસ્તારોમાંથી સેંકડો ખેડૂતો ટ્રેક્ટરો અને વાહનોની રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીની બહાર ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે વળતર નહીં તો ટાવર નહીંના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર સરકારી સંકુલ ગાજી ઉઠ્યું હતું. ખેડૂત પોતાની જમીનમાં ખાનગી કંપનીને પગ મૂકવા દેશે નહીં ખેડૂતોનો મુખ્ય આક્રોશ ખાનગી કંપનીઓ દ્વારા તેમની જમીન પર પાવરગ્રીડ લાઇન પસાર કરવા અને મોટા ટાવરો ઊભા કરવાની સરમુખત્યારશાહી પદ્ધતિ સામે છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમની જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરીને ન્યાયિક વળતર આપવામાં નહીં આવે, ત્યાં સુધી એક પણ ખેડૂત પોતાની જમીનમાં ખાનગી કંપનીને પગ મૂકવા દેશે નહીં કે ટાવર ઊભા કરવાની કોઈ કામગીરી કરવા દેશે નહીં. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, વિકાસના નામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સરકાર ખેડૂતોના હિતોનું બલિદાન આપી રહી છે. ખેડૂતોએ આ પરિપત્ર સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ નવો પરિપત્ર અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી જ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ખેડૂતોના મતે આ પરિપત્ર માત્ર આંખમાં ધૂળ નાખવા સમાન છે. પરિપત્રમાં નક્કી કરાયેલા વળતરના દરો વર્તમાન બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ જમીનો તેમની પેઢીઓની આજીવિકાનું સાધન છે અને તેના પર ઊભા થનારા ટાવરોને કારણે કિંમતી જમીન હંમેશા માટે બિનઉપયોગી બની જશે. આથી જ ખેડૂતોએ આ પરિપત્ર સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ તેની હોળી પ્રગટાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનમાં બજાર કિંમતનું ચાર ગણું વળતર મળે તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? ખેડૂત આગેવાન જયેશ દલાલ અમારી જે માંગ છે, જે સરકારે પરિપત્ર અત્યારે વીજ ટાવર માટે કર્યો છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જ્યાં સુધી ચાર ગણું વળતર ખેડૂતોને ના મળે ત્યાં સુધી અમે આ પરિપત્રનો વિરોધ કરીએ છીએ અને ખાસ કરીને તમે જુઓ તો બાજુમાં રાજસ્થાનમાં જ્યારે બજાર કિંમતનું ચાર ગણું વળતર મળતું હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં? જ્યાં સરકાર બીજી બાજુ એમ કહી રહી છે કે સમગ્ર ભારત દેશના જે રાજ્યોનો, ખેડૂતોનો અભ્યાસ કરીને અમે વળતર જાહેર કર્યું છે, પણ વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને જમીન અમારી માં છે. કોઈપણ સંજોગોમાં જ્યારે પૂરતું વળતર ન મળે ત્યાં સુધી અમે આ થાંભલાઓ નાખવા દેવાના નથી અને તમે જુઓ તો જે રીતની જંત્રી છે, બજાર કિંમત છે, આજે તમે જુઓ તો ઘણા ગામોમાં 70 રૂપિયા, 100 રૂપિયા મીટરનો ભાવ છે. હવે 100 રૂપિયા મીટરમાં તો આજે કાપડ પણ ના આવે અને એ ભાવે જ્યારે જમીન સરકાર લેવાની વાત કરતી હોય ત્યારે કોઈપણ સંજોગોમાં આગામી દિવસોમાં મક્કમતાથી ખેડૂતો લડીને 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે જમીન અમારી માં છે કોઈપણ સંજોગોમાં અમે જમીન આપવાના નથી. ચાર ગણા વળતર અથવા માસિક ભાડાની મુખ્ય માંગણીઓ આંદોલન પર ઉતરેલા ખેડૂતોએ વહીવટીતંત્ર સમક્ષ પોતાની ન્યાયિક માંગણીઓ રજૂ કરતા જણાવ્યું છે કે, 1. પાવરગ્રીડ ટાવર ઊભા કરવા માટે જે જમીનનો ઉપયોગ થાય, તેનું વળતર વર્તમાન જંત્રી કે સરકારી ભાવે નહીં પરંતુ ચાલુ બજાર કિંમત (માર્કેટ વેલ્યુ) મુજબ ચાર ગણું ચૂકવવામાં આવે. 2. જો સરકાર કે કંપની એકસામટું વળતર ન આપી શકે, તો જમીન માલિકી ખેડૂતની જ રાખીને કંપની દ્વારા દર મહિને અથવા દર વર્ષે યોગ્ય ભાડું ચૂકવવાની કાયદેસરની જોગવાઈ કરવામાં આવે. 3. ટાવર ઊભા કરતી વખતે અને લાઇન નાખતી વખતે ખેતરમાં ઊભા પાકને જે નુકસાન થાય, તેનું અલગથી પૂરેપૂરું વળતર ત્વરિત ચૂકવવું ફળદ્રુપ જમીનને નુકસાન અને ભવિષ્યની ચિંતા ખેડૂતોની સૌથી મોટી ચિંતા એ છે કે સુરત જિલ્લાની જમીન અત્યંત ફળદ્રુપ અને કિંમતી છે. આ જમીન પર ખાનગી કંપનીઓ દ્વારા જ્યારે મોટા વીજ ટાવરો ઊભા કરવામાં આવે છે, ત્યારે માત્ર ટાવર જેટલી જમીન જ નહીં, પરંતુ તેની આસપાસની વિશાળ જમીન પણ ખેતી માટે નકામી બની જાય છે. હાઈ વોલ્ટેજ લાઇન નીચે મોટા પાક લઈ શકાતા નથી અને જમીનની કિંમત પણ સાવ ઘટી જાય છે. આ નુકસાની સામે જે વળતર સરકાર ઓફર કરી રહી છે તે ખૂબ જ નજીવું છે. આજે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ પરિપત્રમાં સુધારો કરીને ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને ખેડૂતો પોતાના ખેતરો પર જઈને કામગીરી અટકાવશે તેવી ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠાનો જાગીર મઠ વિવાદમાં:પાટણના આધેડનું અપહરણ અને મારપીટ મામલે ચૌધરી સમાજમાં રોષ, મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ સાથે SPને રજૂઆત
    Next Article
    રથયાત્રામાં ભક્તોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ:ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચિંગના બે ગુનાના ભેદ ઉકેલ્યા, 'મોગીયા ગેંગ'ના નવ આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment