Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપટપરા નાલામાં પાણી ભરાવાની સમસ્યાનું સંભવત: છેલ્લું વર્ષ:રાજકોટ મનપા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રેલવે સાથે પત્રવ્યવહાર શરૂ, રેલવે સાથે સંકલન બાદ કરોડોનાં ખર્ચે પાઇપલાઇન નખાશે

    2 days ago

    રાજકોટ શહેરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો લોકો સામનો કરે છે. મનપાનાં પોતાના રેકોર્ડ પર જ એવા 87 જેટલા પોઇન્ટ બોલે છે જે ભારે વરસાદમાં પાણી પાણી થઈ જાય છે. આ તમામ સંવેદનશીલ વિસ્તારો પૈકી દાયકાઓથી જ્યાં પાણી ભરાવાનો સૌથી ગંભીર પ્રશ્ન છે તે વોર્ડ નંબર 3 માં આવેલું પોપટપરા નાલું છે. અહીં ભરાતા વરસાદી પાણી પાઇપલાઇન મારફત ડાયવર્ટ કરવાની મહત્વની તૈયારી કોર્પોરેશને કરી છે, જેથી લોકોને વર્ષો જૂની મુશ્કેલીમાંથી કાયમી રાહત મળી શકે. તેમજ આ માટે હાલ રેલવે સાથે પત્રવ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે આ કામગીરી પૂર્ણ થતાં અંદાજે એક વર્ષ લાગે તેમ છે. ત્યારે હવે પોપટપરા નાલામાં પાણી ભરાવાની સમસ્યાનું આ સંભવત: છેલ્લું વર્ષ હોવાની શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ મનપાનું આયોજન ખૂબ મહત્વનું છે, પરંતુ આ નવી પાઇપલાઇન રેલ્વેની જગ્યામાંથી કાઢવાની થતી હોય વહીવટી પેચ ફસાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ અંગે દરખાસ્ત મુકતા રેલ્વે તંત્રએ સેફ્ટી સહિતની બાબતોની શરત રાખીને આ કામ માટે રૂ. 5.50 કરોડનો જંગી ચાર્જ માંગ્યો છે. રેલ્વે દ્વારા માંગવામાં આવેલી આ રકમ ઘણી વધારે લાગતા મનપા અને કેન્દ્રીય કચેરી વચ્ચે ફરી પત્રવ્યવહારનો દૌર શરૂ થયો છે. મનપાએ ફરી પત્ર લખીને આ ચાર્જ ઘટાડવા વિનંતી કરી છે. આ કામ માટે રેલ્વે તરફથી આખરી મંજૂરી મળે, ત્યારબાદ કોર્પોરેશન અથવા રેલ્વે પોતાની એજન્સી રોકે તે પછી જ પ્રત્યક્ષ કામ શરૂ થઈ શકે તેમ છે. આ પ્રક્રિયામાં સમય લાગશે, જેથી આવતા ચોમાસે લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળે તેમ છે. પોપટપરા નાલાનો ઇતિહાસ: ચોપડે રેડ ઝોનનું લેબલ જૂના રાજકોટના સમયનું આ નાલું શહેરનું સૌથી જૂનું છે. વાસ્તવિક રીતે રેલ્વે સ્ટેશન રોડથી પોપટપરા જતા વોટર-વે (કુદરતી વહેણ) ઉપરથી ટ્રેનના પાટા પસાર થાય છે અને તે નાલું વરસાદી પાણીના નિકાલ માટે જ બનાવવામાં આવ્યું હતું. પરંતુ જે તે વખતે આજુબાજુના વિસ્તારોનું કનેક્શન કરવા માટે ત્યાંથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. આ રીતે આ નાલું એક મુખ્ય રસ્તો જ બની ગયો છે, જે પોપટપરાને અને તે બાદ હવે રેલનગર, સાધુ વાસવાણી કુંજ રોડ અને છેક માધાપર ચોકડી સુધી કનેક્ટ કરે છે. દર વર્ષે ચોમાસામાં અહીં એકાદ ઇંચ વરસાદ પડે તો પણ પોપટપરા નાલું ઓવરફ્લો થઈ જાય છે, કારણ કે વચ્ચેથી પાણીના નિકાલની કોઈ જગ્યા જ નથી. ગત વર્ષે પણ ભારે વરસાદમાં અહીં એસટી બસ સહિતના અનેક વાહનો ફસાવાની ગંભીર ઘટનાઓ બની હતી, જેના કારણે આ પોઇન્ટ કોર્પોરેશનના ચોપડે 'રેડ ઝોન'માં આવે છે. રૂ. 8 કરોડના ખર્ચે પાઇપલાઇન ડાયવર્ટ કરવા આયોજન આ વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન ઉકેલવા અગાઉના વર્ષોમાં પણ સર્વે થયા હતા. વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા આ પ્રશ્ન ઉકેલાય તે માટે સતત મનપા અને રેલ્વે તંત્ર સાથે સંકલન કરતા રહ્યા છે. તાજેતરમાં એવો ટેકનિકલ રિપોર્ટ બન્યો હતો કે, જો નાલાની બાજુના ભાગમાં આવેલી રેલ્વેની માલિકીની જગ્યામાંથી પાઇપલાઇન કાઢવામાં આવે, તો પાણીનો પ્રવાહ સીધો અંદરથી જ સંતોષીનગર તરફ વહી જાય. નાલાની બરાબર ઉપરના ભાગથી ટ્રેન પસાર થતી હોય, આજુબાજુના ભાગ હેઠળથી પાઇપલાઇન ક્રોસ કરવા મનપાએ રેલ્વેની અને સ્થાનિક રેલ્વે કચેરીએ વડી કચેરીની મંજૂરી લેવી પડે તેમ છે. અહીં પાઇપલાઇન ક્રોસ કરવા સહિતના કામ માટે અંદાજે રૂ. 8 કરોડનો ખર્ચ થવાની ધારણા છે, જેમાં 100 મીટરમાં વાલ્વ ચેમ્બર સહિતનું કામ કરવું પડશે. જો રેલ્વે કહેશે તો મનપાની એજન્સી કામ કરશે, અન્યથા રેલ્વે પોતાના કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરાવશે. પત્રવ્યવહારના અંતે આગામી વર્ષે સમસ્યાનો અંત આવવાની આશા જો કે હાલ પૂરતું તો આ આખું આયોજન માત્ર કાગળ પર અને પત્રવ્યવહારમાં જ અટવાયેલું છે. તેમ છતાં, વહીવટી તંત્રની ગતિવિધિઓ જોતા આવતા ચોમાસા સુધીમાં પોપટપરા નાલાનો વરસાદી પાણીનો પ્રશ્ન હલ થવાની પૂરી આશા સેવાઈ રહી છે. આ નવી સિસ્ટમથી વરસાદી પાણીનું પૂર સીધું આજી-2 ડેમ સુધી પહોંચે તેમ છે, જેથી પાણીનો નિકાલ પણ સરળ બનશે. અહીંથી રોજ પસાર થતા હજારો વાહનચાલકો માટે નાલામાં પૂરનું આ છેલ્લું વર્ષ હોય તેમ માનવામાં આવી રહ્યું છે, જે બાદ ભવિષ્યમાં લોકોને આ વાર્ષિક હાલાકીમાંથી કાયમી મુક્તિ મળી જશે.
    Click here to Read More
    Previous Article
    'મમ્મી હું પાંચ મિનિટમાં આવું છુ' કહી સગીર લાપતા:રાજકોટમાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પીપી તરીકે અનિલ દેસાઈની નિમણુંક કરાઈ
    Next Article
    હિંમતનગરમાં બમ્પના કારણે મોપેડ પલટતાં માતા-પુત્રીને ગંભીર ઈજા:માતા ખાનગી હોસ્પિટલમાં દાખલ, પોલીસને જાણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment