Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેર અને વરાછા ઝોનમાં કરોડોના ખર્ચે રાત્રી ફૂડ બજાર બનશે:શાકમાર્કેટ અને નવી સુમન સ્કૂલ બનાવવા સહિતનો સુરત મનપા સ્ટેન્ડિંગમાં આવતીકાલે નિર્ણય થઈ શકે

    4 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોની ભૌગોલિક અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના નાગરિકોની સુખાકારી, રોજગારી અને શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત સુરતના રાંદેર ઝોન અને વરાછા ઝોનમાં પ્રજાલક્ષી સુવિધાઓ ઊભી કરવા માટેની મહત્વપૂર્ણ દરખાસ્તો આગામી શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમક્ષ અંતિમ નિર્ણય માટે મૂકવામાં આવી છે. શાસકો દ્વારા આ દરખાસ્તો પર મંજૂરીની મહોર મારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. રાંદેર અને વરાછામાં રાત્રી ફૂડ બજારની કવાયત શરૂ સુરત શહેર રાત્રિના સમયે પણ ધમધમતું રહેવા માટે જાણીતું છે. મળતી માહિતી મુજબ, બદલાતી જીવનશૈલી અને શહેરના ઝડપી વિકાસને કારણે રાતના સમયે પણ વિવિધ કામકાજ અર્થે લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન નાગરિકોને ખાવા-પીવા અને ગુણવત્તાયુક્ત નાસ્તાની સુવિધા એક જ સ્થળે મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાંદેર ઝોનમાં સ્થાનિક રહીશો દ્વારા લાંબા સમયથી એક અદ્યતન રાત્રી ફૂડ બજાર બનાવવાની માગણી કરવામાં આવી રહી હતી. આ લોકહિતની માંગને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. આવતીકાલે ટેન્ડર પર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે આ પ્રોજેક્ટની મુખ્ય વિગતોની વાત કરીએ તો, રાંદેર ઝોનના ટી.પી. સ્કીમ નંબર-30 (વણખલા-ઓઢા-વિહેલ)ના ફાઈનલ પ્લોટ નંબર-30 ખાતે આ રાત્રી ફૂડ બજારનું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ પાલિકા આશરે 4.55 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરનાર છે. આ ફૂડ બજારના નિર્માણ માટે પાલિકા દ્વારા વિધિવત રીતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનાર એજન્સી અંગેનો આખરી નિર્ણય લેવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાઈ છે, જેના પર શનિવારે શાસક પક્ષ દ્વારા આખરી મહોર મારવામાં આવશે. વરાછામાં વેજીટેબલ માર્કેટની દરખાસ્ત ફરીથી ટેબલ પર લીધી બીજી તરફ, સુરતના વરાછા ઝોનમાં પણ સ્થાનિક લોકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ફરીથી મંજૂરી આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને લોકોને સ્વચ્છ વાતાવરણમાં શાકભાજી મળી રહે તે હેતુથી વેજીટેબલ માર્કેટ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી છે. અગાઉ પણ વરાછા ઝોન દ્વારા આ શાકમાર્કેટ બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે, જે તે સમયે સૂચિત સ્થળની નજીકમાં જ અન્ય એક વેજીટેબલ માર્કેટ કાર્યરત હોવાના કારણે પાલિકા દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણય બાદ સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા આ વિસ્તારમાં નવી શાકમાર્કેટની તાતી જરૂરિયાત હોવા અંગે તંત્ર સમક્ષ ગંભીર અને વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. જનતાની વ્યાજબી રજૂઆતને ગ્રાહ્ય રાખીને પાલિકાએ આ દરખાસ્ત ફરીથી ટેબલ પર લીધી છે. વેજીટેબલ માર્કેટ બનાવવા અંદાજે 2.64 કરોડનો ખર્ચ આ નવી માર્કેટ વરાછા ઝોન હેઠળ આવતી ટી.પી. સ્કીમ-3 (કરંજ)ના ફાઈનલ પ્લોટ નંબર-23 ખાતે બનાવવામાં આવશે. આ જગ્યા પર પતરાના શેડવાળી વ્યવસ્થિત અને સુવિધાજનક વેજીટેબલ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે 2.64 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ અંગે અગાઉ મંગાવેલા ટેન્ડરો આવી ગયા બાદ, ઝોન કક્ષાએથી આખરી મંજૂરી માટેની ફાઈલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવી છે, જેના પર શનિવારે નિર્ણય લેવાશે. રાંદેર ઝોનમાં સુમન સ્કૂલ બનાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકા માત્ર પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પણ કટિબદ્ધ છે. પાલિકા સંચાલિત 'સુમન શાળાઓ' પ્રત્યે વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે, જેના કારણે સુરતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. હાલ સ્થિતિ એવી છે કે પાલિકાની સુમન શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેટલીક જગ્યાઓ પર વિદ્યાર્થીઓનું લાંબુ વેટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 1થી 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આગળનું શિક્ષણ આર્થિક બોજ વિના મેળવી શકે તે માટે વધુને વધુ સુમન શાળાઓ શરૂ કરવાની માંગ ઉઠી હતી. આ વધતી સંખ્યાને પહોંચી વળવા અને વેટિંગ લિસ્ટ ઓછું કરવા પાલિકાએ નવી શાળા બનાવવાનું આયોજન કર્યું છે. દરખાસ્તો તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાઈ આ નવી શાળાનું નિર્માણ રાંદેર ઝોનમાં આવેલા ટી.પી. સ્કીમ નંબર-44 (જહાંગીરાબાદ) ના ફાઈનલ પ્લોટ નંબર-54 પર કરવામાં આવશે. શિક્ષણના વ્યાપને વધારવાના આ ભગીરથ કાર્ય પાછળ મહાનગરપાલિકા 9.95 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરશે. આ નવી સુમન સ્કૂલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા સંબંધી તમામ દરખાસ્તો તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે. આગામી શનિવારે મળનારી બેઠકમાં પાલિકાના શાસકો દ્વારા આ અંગે અંતિમ મંજૂરી આપવામાં આવશે, જેના કારણે જહાંગીરાબાદ અને આસપાસના વિસ્તારોના હજારો પરિવારોના બાળકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવવાની તક સાંપડશે.
    Click here to Read More
    Previous Article
    ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ:4ની સ્થિતિ ગંભીર, એક ICUમાં દાખલ; વિદ્યાર્થિનીએ કહ્યું - "સવારે બનાવેલું ભોજન બપોરે અને સાંજે આપે છે"
    Next Article
    સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત:અમૃત ભારત યોજના હેઠળ રી-ડેવલપમેન્ટ થયેલા પ્રતાપનગર રેલવે સ્ટેશનનું PMએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું, CM પણ ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment