Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રથયાત્રા:પહેલીવાર વાંચો... ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષા બ્લૂપ્રિન્ટ

    21 hours ago

    ભાસ્કર એક્સપર્ટ - ડો. બ્રિજરાજસિંહ ગોહિલ પૂર્વ ડિવિઝનલ કમાન્ડર, ગુજરાત હોમગાર્ડ (12 વર્ષથી રથયાત્રા સંચાલનની કામગીરી) રથયાત્રાના બંદોબસ્તમાં મેં 12 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે. આ દરમિયાન મેં સૌથી નજીકથી જોયું છે કે લાખો લોકોની ભીડ વચ્ચે પણ રથયાત્રા કેવી રીતે સમયસર, સુરક્ષિત અને અનુશાસિત રીતે પૂર્ણ થાય છે. બહારથી લોકો માત્ર રથયાત્રા જુએ છે, પરંતુ તેની પાછળ એક મહિના સુધી ચાલતું આયોજન, હજારો સુરક્ષાકર્મીઓનું સંકલન અને સેકન્ડ-ટુ-સેકન્ડ અમલીકરણ કામ કરતું હોય છે. આ સમગ્ર બ્લૂપ્રિન્ટ હું અહીં પ્રથમ વખત રજૂ કરું છું. દોઢ મહિના પહેલાં શું થાય છે? રથયાત્રાના લગભગ દોઢ મહિના પહેલાં સંકલન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર, આરોગ્ય વિભાગ, વીજ કંપની, રોડ-બિલ્ડિંગ વિભાગ, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજાય છે. દરેક વિભાગને સ્પષ્ટ જવાબદારી સોંપવામાં આવે છે. રૂટનું સર્વેક્ષણ થાય છે, સંવેદનશીલ વિસ્તારોનું જોખમ મૂલ્યાંકન થાય છે, જર્જરિત મકાનો અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થાય છે. રૂટમાં આવતા પોલીસ સ્ટેશન દરરોજ ઇન્ટેલિજન્સ ઇનપુટ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચાડવાનું શરૂ કરે છે. 25થી 30 હજાર પોલીસકર્મી કેવી રીતે પસંદ થાય છે? રથયાત્રા માટે રાજ્યભરમાંથી અનુભવી, શારીરિક રીતે સક્ષમ અને સંકટની પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ શકે એવા અધિકારીઓ અને પોલીસકર્મીઓને પસંદ કરવામાં આવે છે. અંદાજે 25થી 30 હજાર પોલીસકર્મીઓ, એસઆરપી, રેપિડ એક્શન ફોર્સ, ચેતક કમાન્ડો, હોમગાર્ડ્સ, ટ્રાફિક પોલીસ અને તાલીમાર્થી પોલીસકર્મીઓને અલગ-અલગ જવાબદારીઓ સાથે તૈનાત કરવામાં આવે છે. બંદોબસ્તની સ્કીમ અગાઉથી તૈયાર હોય છે. બંદોબસ્ત ત્રણ ભાગમાં કેમ વહેંચાય છે? સમગ્ર ફોર્સને સ્ટેટિક, ટ્રાફિક અને મૂવિંગ એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. સ્ટેટિક ફોર્સ બેરિકેડ પર રહીને ભીડ નિયંત્રણ કરે છે. ટ્રાફિક ફોર્સ રથયાત્રા આગળ વધે તે પહેલાં દરેક ચાર રસ્તા અને રૂટને ક્લિયર રાખે છે. મૂવિંગ ફોર્સ આખી યાત્રા સાથે ચાલે છે અને કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપે છે. 16 હાથીનું સંચાલન કેવી રીતે થાય છે? રથયાત્રા પહેલાં તમામ હાથીઓ, અંબાડી અને શણગારની સઘન તપાસ થાય છે. દરેક હાથી માટે મહાવત ઉપરાંત પોલીસ અધિકારીઓનું સંકલન નક્કી કરવામાં આવે છે. ત્રણ આઈપીએસ અધિકારી સમગ્ર હાથી દળ પર નજર રાખે છે. હાથીઓ વચ્ચેનું અંતર, ગતિ અને બેરિકેડથી સુરક્ષિત અંતર સતત જાળવવામાં આવે છે. 101 ટ્રકનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? રથયાત્રા પહેલાં તમામ 101 ટ્રકની ચકાસણી થાય છે. પરવાનગી, ડ્રાઇવર, વાહનની સ્થિતિ અને ટ્રકમાં રહેનાર લોકોની સંખ્યા ચેક કરવામાં આવે છે. દરેક ટ્રકમાં ડ્રાઇવરની બાજુએ એક અધિકારી બેસાડવામાં આવે છે અને ચારથી છ પોલીસકર્મી સુરક્ષા માટે તૈનાત રહે છે. દર દસ ટ્રક પછી એક ઓબી વાન સમગ્ર કાફલાનું સંકલન કરે છે. જરૂર પડે તો કોઈ ટ્રકને તરત જ યાત્રામાંથી બહાર કરવાની વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવે છે. 30 અખાડાઓ માટે અલગ વ્યવસ્થા કેમ હોય છે? અખાડાઓ રથયાત્રાનું મોટું આકર્ષણ છે, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ભાગોમાંના એક છે. દરેક અખાડાના વાહન અને કરતબ માટે વપરાતા સાધનોની અગાઉથી તપાસ થાય છે. દરેક અખાડા સાથે એક સબ-ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાય છે. ત્રણેય રથ સાથે કોણ રહે છે? ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીના ત્રણેય રથ સાથે સૌથી અનુભવી અધિકારીઓ અને પોલીસકર્મીઓને જોડવામાં આવે છે. દરેક રથ માટે અલગ કમાન્ડ ટીમ કાર્યરત રહે છે. એક રથ દીઠ ત્રણ આઈપીએસ અધિકારી સતત દેખરેખ રાખે છે. રથની ગતિ, ભીડ અને સુરક્ષા સંબંધિત દરેક નિર્ણય સ્થળ પર જ લેવામાં આવે છે. વ્હિસલિંગ સ્ક્વોડ શું કામ કરે છે? રૂટના સંવેદનશીલ વિસ્તારોમાં વ્હિસલિંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવે છે. જો કોઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર શરૂ થાય તો વ્હિસલના સતત અવાજથી તેને દબાવી દેવાય છે, જેથી ભીડમાં કોઈ અનિચ્છનીય પ્રતિક્રિયા ન ફેલાય. હાઈ-રિસ્ક સ્પોટ પર શું અલગ થાય છે? અગાઉના અનુભવ અને ઇન્ટેલિજન્સના આધારે કેટલાક વિસ્તારોને જોખમી અને અતિજોખમી તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વધારાની ફોર્સ, વધુ દેખરેખ અને સતત મોનિટરિંગ રાખવામાં આવે છે. દરેક મકાન, ધાબું, દુકાન અને ભીડ પર નજર રાખવામાં આવે છે. સૌથી મોટી પ્રાથમિકતા શું હોય છે? બંદોબસ્તનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો નથી. સૌથી મોટી જવાબદારી એ હોય છે કે લાખો શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે ભગવાન જગન્નાથના દર્શન કરી શકે. દરેક નિર્ણય, દરેક તૈનાતી અને સમગ્ર આયોજન એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એ જ કારણે અમદાવાદની રથયાત્રાનું સંચાલન આજે પણ આઈપીએસ અધિકારીઓના તાલીમ અભ્યાસક્રમમાં સ્થાન ધરાવે છે. સરસપુરનો વિરામ સૌથી મોટો પડકાર કેમ હોય છે? ભગવાન જગન્નાથનાં મોસાળ સરસપુર ખાતે રથયાત્રા પ્રસાદ માટે રોકાય છે. અહીં ક્રમબદ્ધ ગોઠવાયેલું રથયાત્રાનું ફોર્મેશન તૂટે છે. બપોરે 12 વાગ્યે સૌથી પહેલાં હાથીઓ પહોંચે અને છેલ્લે ત્રણેય રથ સાથેના ભાવિકો જમી લે, આ સમગ્ર પ્રક્રિયા માટે ફક્ત દોઢ કલાક હોય છે. આ દરમિયાન હાથી, 101 ટ્રક અને અખાડાનાં વાહનો પાર્ક કરવા, સૌને ક્રમ મુજબ પ્રસાદ માટે મોકલવા અને વિવિધ પોળમાં વેરવિખેર થયેલા લોકોને ફરી એકઠા કરી પોતપોતાનાં વાહનોમાં બેસાડવાના હોય છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રાનો આખો રૂટ વાહનો માટે બંધ રહેશે:વાહન પણ પાર્ક નહીં કરી શકાય
    Next Article
    કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી:બાપુનગરમાં 137ના બસ સ્ટેન્ડે જ કાટમાળ નાખતા મુસાફરોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment