Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગરમાં ડિમોલિશન માટે મ્યુ. કમિશનરે આદેશ આપ્યાની વોટ્સએપ ચેટ:મેસેજમાં કહ્યું- 'આ કામ વહેલી તકે કરો', નાગરાજનને મેસેજ ફોરવર્ડ કરનાર કોણ?

    1 day ago

    સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન કેસમાં દરરોજ એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદિત ડિમોલિશનમાં સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સામે જ મોરચો ખોલ્યો છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી વટાણા વેરી નાખ્યા છે. 30મેના રોજ સુરતના નાસીરનગર વિસ્તારમાં જે ગેરકાયદે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે મ્યુ. કમિશનર એમ. નાગરાજનના સીધા આદેશ અને સૂચના મુજબ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ ડિમોલિશનની પટકથા 21 મેના રોજ જ લખાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સુજલ પ્રજાપતિ દ્વારા ડિમોલિશન પહેલા, ડિમોલિશન સમયે અને ડિમોલિશન બાદ મ્યુ. કમિશનર એમ. નાગરાજન સાથે જે વોટ્સએપ ચેટ કરવામાં આવી હતી તે ચેટ, વીડિયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. બંને વચ્ચે થયેલી કથિત ચેટ 'દિવ્ય ભાસ્કર'ને હાથ લાગી છે. જેમાં કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડેડ મેસેજ મોકલી આ કામગીરી બને એટલી ઝડપી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવે છે. જેના રિપ્લાયમાં સુજલ પ્રજાપતિ ‘ઓકે સર’ કહે છે. આ સિવાય પણ ડિમોલિશન પહેલા અને પછી કમિશનર અને સુજલ પ્રજાપતિ સતત સંપર્કમાં હોવાની ચેટ સામે આવી છે. આ સમગ્ર ચેટમાં સૌથી મહત્વનો સવાલ અને તપાસનો વિષય એ છે કે, કમિશરન દ્વારા સુજલ પ્રાજપતિને જે ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો છે તે મેસેજ કમિશનરને કોણે કર્યો હતો? કમિશનરને સુજલ પ્રજાપતિને મેસેજ કરી કહ્યું-'આ કામ તાત્કાલિક પૂર્ણ કરો' સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટ અનુસાર,આ સમગ્ર ઓપરેશનની પટકથા 21મી મેના રોજ જ લખાઈ ગઈ હતી. 21 મે 2026ના રોજ સવારે બરાબર 11:01 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિને એક ફોરવર્ડેડ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં વિગતવાર લખ્યું હતું કે, 'વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં સિટી સર્વે નંબર 1267/1, 1267/2, 1267/3 વાળીજગ્યા છે. જેમાં 40 ફૂટનો ટીપી રોડ (SMC) મૂક્યો છે. જે મોટાભાગનો ખુલ્લો છે. થોડા આગળના ભાગમાં દબાણ છે. જે રોડ ખોલવા માટેનો ચાર્જ (સુજલ પ્રજાપતિ)ને આપી રોડ ખોલી દેવા માટે અને દબાણ દૂર કરવાની કામગીરી કરવા માટે સૂચના આપવી.' આ ફોરવર્ડ મેસેજ મોકલ્યાની ગણતરીની સેકન્ડોમાં જ કમિશનરે અંગ્રેજીમાં સૂચના ટાઈપ કરીને લખ્યું- "Complete this ASAP" (આ કામ વહેલામાં વહેલી તકે પૂરું કરો). આ આદેશ મળતા જ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ વફાદાર કર્મચારીની જેમ વળતો જવાબ આપ્યો હતો, 'જી સર'. કમિશનરને સેન્ટ્રલ ઝોન સાથે સંકલન સાધી કામગીરી ઝડપી કરવા આદેશ કર્યો કમિશનર એમ. નાગરાજન આટલેથી જ અટક્યા નહોતા, તેમણે સુજલ પ્રજાપતિને આ જમીન પર વહેલીતકે કાર્યવાહી કરવા માટે દબાણ વધાર્યું હતું. તેમણે આગળ અંગ્રેજીમાં ટાઈપ કરીને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, Will coordinate with central zone and do needful as soon as possible. (સેન્ટ્રલ ઝોન સાથે કોર્ડિનેશન કરો અને જે જરૂરી હોય તે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરો). આ ચેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ કોઈ એકલા એન્જિનિયરનો નિર્ણય નહોતો, પરંતુ ઉપરથી સતત મોનિટરિંગ થઈ રહ્યું હતું. ત્યારબાદ, ડિમોલિશનના એક દિવસ અગાઉ એટલે કે 29 મેના રોજ પણ મ્યુનિસિપલ કમિશનરે 'રોડ સરફેસ' નામની એક મહત્વની પીડીએફ (PDF) ફાઈલ સુજલ પ્રજાપતિના વોટ્સએપ પર મોકલીને ઓપરેશન માટે ‘ગ્રીન સિગ્નલ’ આપ્યું હતું. ડિમોલિશન પૂર્ણ થતાં જ સાંજે 6:30 વાગ્યે કમિશનરને મોકલાયા 'આફ્ટર વીડિયો' આ વિવાદિત ઓપરેશનનો સૌથી મોટો વળાંક 30 મે, 2026ના રોજ આવ્યો, જે દિવસે નાસીરનગરમાં મનપાના બુલડોઝરો ફરી વળ્યા હતા.બાંધકામ જમીનદોસ્ત કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ કમિશનરને કામગીરીની સફળતાની ખાતરી કરાવવા માટે સાંજે બરાબર 6:30 વાગ્યે ડિમોલિશન પછીના વીડિયો મોકલ્યા હતા. આ વીડિયો ક્લિપ્સ સાથે તેમણે કેપ્શનમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો - "After" (કામગીરી પછીની સ્થિતિ). આ વીડિયો જોયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સંતોષ વ્યક્ત કરતા વળતો રિપ્લાય આપ્યો હતો, "OK". આ 'ઓકે' નો રિપ્લાય જ હવે કમિશનર માટે ગળાનું હાડકું બની ગયો છે, કારણ કે સુજલ પ્રજાપતિનો દાવો છે કે,ડિમોલિશન અંગે કમિશનરને પળેપળની અને તમામ વિગતોની આગોતરી જાણકારી હતી. વિવાદ વકર્યા બાદ પણ કમિશનર અને એન્જિનિયર વચ્ચે સતત કોલ અને લિંક્સની આપ-લે થઈ 30મી મેના રોજ થયેલા આ ડિમોલિશને રાજકીય અને સામાજિક મોરચે મોટો વિવાદ પકડી લીધો હતો. જોકે, વિવાદ શરૂ થયા બાદ પણ કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાના પુરાવા સોગંદનામામાં રજૂ કરાયા છે. સુજલના દાવા મુજબ, ડિમોલિશન બાદ 2 જૂન, 6 જૂન અને 7 જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર ફોન સુજલ પ્રજાપતિ પર આવ્યા હતા. આ દરમિયાન કમિશનરે સુજલને એક ન્યૂઝ લિંક પણ મોકલી હતી, જેમાં આ વિવાદિત ડિમોલિશન વાળી જમીનના મૂળ માલિક ગલુબેન દ્વારા આપવામાં આવેલું સત્તાવાર નિવેદન હતું. આ લિંકના જવાબમાં સુજલ પ્રજાપતિએ કમિશનર પ્રત્યે આભાર વ્યક્ત કરતા વોટ્સએપ પર હાથ જોડવાનું ઇમોજી મોકલીને લખ્યું હતું, "થેન્ક્યુ સર". જૂન મહિનામાં વોટ્સએપ કોલ અને ન્યૂઝ લિંક્સ દ્વારા ડેમેજ કંટ્રોલનો પ્રયાસ જેમ જેમ નાસીરનગરનો મામલો વધુ ગંભીર બનતો ગયો તેમ તેમ કમિશનર કક્ષાએથી સૂચનાઓનો દોર પણ તેજ બન્યો હતો. તારીખ 7મી જૂનના રોજ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને મહત્વના મેસેજ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, 9 જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીધો સામાન્ય કોલ કરવાને બદલે વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ સત્તાવાર રેકોર્ડ ન રહે. આટલું જ નહીં, 10મી જૂનના રોજ કમિશનર દ્વારા એક જ દિવસમાં ત્રણ વખત ગ્રુપ કોલ કરવામાં આવ્યા હતા અને આ જ દિવસે કમિશનરે આ કેસ સંબંધિત અન્ય બે અખબારી અહેવાલો (ન્યૂઝ લિંક્સ) પણ સુજલને મોકલીને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું હતું. 14 જૂન પછી કમિશનરે અંતર જાળવ્યું, સુજલે ફોન કર્યા પણ કોઈ જવાબ ન મળ્યો સુજલ પ્રજાપતિએ પોતાની એફિડેવિટમાં ફોન કોલ્સની આખી ટાઈમલાઈન રજૂ કરતા જણાવ્યું છે કે, 14 જૂન સુધી મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પોતે સતત ફોન કરીને સુજલ પાસેથી અપડેટ મેળવતા હતા અને માર્ગદર્શન આપતા હતા. પરંતુ, જ્યારે આ મામલે મનપાના કર્મચારીઓ પર પસ્તાળ પડી અને સસ્પેન્શનની તલવાર લટકી, ત્યારે કમિશનરે અચાનક જ અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. પરિણામે, 15મી જૂનથી લઈને 27 જૂન સુધી ગભરાયેલા સુજલ પ્રજાપતિએ મ્યુનિસિપલ કમિશનરને સામેથી અનેક કોલ કર્યા હતા. જેમાં 15 જૂનના રોજ બે મિનિટ અને 16 જૂનના રોજ એક મિનિટ વાત થઈ શકી હતી, પરંતુ 27 જૂનના રોજ સુજલે કરેલા કોલનો કમિશનર તરફથી કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહોતો જેથી સુજલે કમિશનરે કહ્યું કે Res. Sir. Request you please don't believe in any misinformation and misbrief spread by anyone, I am with you With surat municipal corporation body. સસ્પેન્શનના ઘા પછી છેલ્લો 'મેસેજ બોમ્બ' અને હાઈકોર્ટના શરણે ગયેલો એન્જિનિયર 27મી જૂનના રોજ જ્યારે કમિશનરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે નારાજ અને લાચાર બનેલા સુજલ પ્રજાપતિ દ્વારા કમિશનરને એક લાંબો વોટ્સએપ મેસેજ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પોતાની સ્થિતિ અને વિભાગીય દબાણ અંગેની રજૂઆત કરી હોવાનું મનાય છે. અંતે, પાંચ અધિકારીઓ ‘બલિનો બકરો’ બની જતાં સુજલ પ્રજાપતિએ કાયદાકીય લડતનો આશરો લીધો છે. કમિશનરના કથિત આદેશો, વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ અને ડિમોલિશન પછીના વીડિયોના પુરાવાઓ સાથેનું આ સોગંદનામું હવે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કાયદાકીય કટાક્ષો વચ્ચે લાવીને ઊભું રાખી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે આ ચેટ બોમ્બ ફૂટ્યા બાદ હાઈકોર્ટ કમિશનર સામે શું પગલાં ભરે છે? કમિશનરે જે મેસેજ સુજલ પ્રજાપતિને મોકલ્યો હતો તે મેસેજ કમિશનરને મોકલનાર કોણ છે? શું છે ભૂતિયા ડિમોલિશન વિવાદ? સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો અસલી 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. 1 જુલાઈએ સુજલ પ્રજાપતિ અને રામજીવાલા સહિત 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા 1 જુલાઈ, 2026ના રોજ કોર્પોરેશનના 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાંચેય સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ આ પણ વાંચો: આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં ડિમોલિશન કર્યું આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા આ પણ વાંચો.. 10 જૂનના રોજ દિવ્ય ભાસ્કરે આ ભૂતિયા ડિમોલિશનને લઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચોમાસા પર અચાનક બ્રેક, ટ્રફ ખસી ગયું, અદાણી પ્રોજેક્ટના વિરોધથી ગુજરાત સરકારને રેલો, હોર્મુઝમાં ટોલ ટેક્સ મુદ્દે ઇરાને ટ્રમ્પની મજાક ઉડાવી
    Next Article
    ફૂલપાડા અને અમરોલીના કિનારે 4થી 5 મગરોનું સામ્રાજ્ય:માછીમારી કરતી નાની બોટ પર મગર ચડી ગયો, તાપી કિનારે વસતા લોકો સાવચેત રહે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment