Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની અંતિમયાત્રા નીકળી:ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતાં આખેઆખું ગામ હિબકે ચડ્યું; એકના એક દિકરાના મોતથી પરિવાર પડી ભાંગ્યો

    9 hours ago

    જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર ગતરોજ સિંહના હુમલામાં બાળકનું મોત થયું હતું. ખેડાના મહેમદાવાદના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગમગીન ઘટનાના કારણે મોડજ ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સમગ્ર પંથક હિબકે ચડ્યો છે. મૃતદેહ ગામમાં પહોંચતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ મોડજ ગામ આજે સવારથી જ ભારે શોક અને ગમગીનીના માહોલમાં ડૂબી ગયું છે. ગિરનાર પર્વત પર બનેલી આ સિંહના હુમલાની ઘટના બાદ વહેલી સવારે માસૂમ મયુરસિંહના મૃતદેહને તેના વતન મોડજ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતદેહ ગામમાં પહોંચતા જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. યાત્રાએ ગયેલા પરિવારને સહેજ પણ અંદાજ નહોતો કે, તેમની ખુશીની આ સફર આટલી મોટી દુર્ઘટનામાં પરિણમશે. ગામમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ થોડા જ સમયમાં માસૂમ બાળકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહેમદાવાદના ધારાસભ્ય મૃતક બાળકના ઘરે પહોંચ્યા આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તાત્કાલિક મોડજ ગામે મૃતક બાળકના ઘરે પહોંચ્યા હતા. તેમણે સ્મશાનયાત્રામાં સહભાગી થઈને શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી હતી અને આ અસહ્ય દુઃખની ઘડીમાં પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્યની સાથે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો પણ પરિવારને હિંમત આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાણાંકીય સહાય વહેલી તકે મળે તે માટેની ભલામણ કરાશેઃ MLA ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દુ:ખદ ઘટના બની તે સમયથી જ તેઓ સતત ખેડા અને જૂનાગઢના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં હતા. સરકાર દ્વારા ભોગ બનનાર પરિવારને તમામ નિયમોનુસારની નાણાંકીય સહાય વહેલી તકે મળે તે માટેની ભલામણ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ મુશ્કેલ અને દુ:ખદ સમયે સરકાર, વહીવટી તંત્ર અને આખું ગામ પીડિત પરિવારની સાથે ઊભું છે અને ઈશ્વર પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. 'સિંહ ત્યાં જ આંટાફેરા કરતો હતો, છતાં ફોરેસ્ટ વિભાગે કોઈ દરકાર લીધી નહતી' આ ઘટના અંગે વિગતો આપતા પરિવારના પાડોશી અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે, સવારે આશરે પોણા છ વાગ્યે અમે જ્યારે નીકળ્યા, ત્યારે એક સિંહે પાછળથી આવીને બાળકને ઉઠાવી લીધું હતું. આ ઘટના બાદ અમે બધાને જાણ કરી, પરંતુ કોઈ વહેલી તકે મદદ માટે આવ્યું નહીં. તે સિંહ છેલ્લા ત્રણ દિવસથી ત્યાં જ આંટાફેરા કરતો હતો, છતાં ફોરેસ્ટ વિભાગ કે અન્ય કોઈએ તેની દરકાર લીધી નહોતી. વન વિભાગને જાણ કરવા છતાં તેઓ સમયસર આવ્યા ન હતા અને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી ન હતી, જેના કારણે આ માસૂમ બાળકનો ભોગ લેવાયો. તેમણે વધુમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાઈને એકનો એક જ દીકરો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી છે. આ ઘટના અંગે તળેટી વિસ્તારમાં લોકો તંત્રની બેદરકારી અને વહીવટના અભાવની ચર્ચાઓ કરી રહ્યા છે. સરકાર પરિવારને આર્થિક મદદ કરે તેવી અમારી માગ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર યોગ્ય પગલાં ભરે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરે. શું છે સમગ્ર મામલો? ખેડા જિલ્લાના મોડજ ગામેથી એક જ પરિવારના 7 સભ્યો સહિત ગામના 40 લોકો ગિરનાર દર્શનાર્થે પહોંચ્યા હતા. પ્રવાસીઓએ વહેલી સવારે ગિરનાર પર્વત ચઢવાની શરૂઆત કરી હતી. તમામ લોકો સમૂહમાં આગળ વધી રહ્યા હતા અને માંડ 50 જેટલા પગથિયાં ચઢ્યા હશે, ત્યાં અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા સિંહે પ્રવાસીઓ વચ્ચેથી 12 વર્ષના મયુરસિંહ ચૌહાણ પર હુમલો કરી દીધો હતો. મયુરસિંહ પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, તે દરમિયાન જ સિંહ તેને પકડીને જંગલ તરફ ખેંચી ગયો હતો. બાળક પર હુમલો થતાં જ યાત્રાળુઓએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પરિવારજનો અને અન્ય પ્રવાસીઓએ તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. જોકે, ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર વન વિભાગની ટીમ સમયસર પહોંચી ન હતી. વન વિભાગના કર્મચારીઓ મોડા આવ્યા હોવાથી સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ શોધખોળ દરમિયાન જંગલના અંદરના ભાગમાંથી માસૂમ મયુરસિંહના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા. બીજી તરફ વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સિંહને પકડી પાડ્યો હતો. ​પશુચિકિત્સકે કરેલી તપાસ દરમિયાન સિંહની ઊલટીમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. આ ઉપરાંત શંકાસ્પદ અન્ય બે સિંહોને પણ પકડી લેવામાં આવ્યા છે. તેમને વધુ તપાસ અને પરીક્ષણ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવશે. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો) મામા સાથે વીડિયો કોલ કર્યાના ગણતરીના કલાકોમાં જ માસૂમને સિંહે ફાડી ખાંધો જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં માસૂમ બાળકનું મોત થયું છે જેથી માસૂમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. માસૂમ મયુરના મામા તેમજ દાદા પણ તેને યાદ કરીને રૂદન કરી રહ્યા છે. મયૂરના મામને એનો ભાણો એટલો વહાલસોયો હતો કે એક પણ દિવસ એવો નહોતો જતો જ્યારે તેનો ફોન ન આવ્યો હોય. ઘટનાના આગલા દિવસે જ મયુરસિંહે વીડિયો કોલ કરીને મામા સાથે વાત કરી હતી. મયુરસિંહના દાદા શકરાભાઈએ ભારે હૃદયે જણાવ્યું હતું કે, તેમનો દીકરો પ્રવાસમાં ગયો હતો અને ત્યાં આવી મોટી હોનારત સર્જાઈ ગઈ. મયુરસિંહ તેમના દીકરાનો એકનો એક દીકરો હતો અને હજુ હમણાં જ પાંચમા ધોરણમાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ભગવાન નારાજ કે આપણે જવાબદાર!:57 દિવસમાંથી માત્ર 5 દિવસમાં અંતર્ધ્યાન થયા બાબા બર્ફાની, જાણો શું છે મુખ્ય કારણ
    Next Article
    શું શશિ થરૂરે જ પત્ની સુનંદા પુષ્કરની હત્યા કરેલી?:પાકિસ્તાની મહિલા પત્રકાર સાથેનું અફેર હત્યાનું કારણ બન્યું? જાણો હોટેલના બંધ રૂમનું સિક્રેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment