Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું શશિ થરૂરે જ પત્ની સુનંદા પુષ્કરની હત્યા કરેલી?:પાકિસ્તાની મહિલા પત્રકાર સાથેનું અફેર હત્યાનું કારણ બન્યું? જાણો હોટેલના બંધ રૂમનું સિક્રેટ

    13 घंटे पहले

    ‘સુનંદા, દરવાઝા ખોલો…’ 17 જાન્યુઆરી, 2014 રાતના લગભગ સાડા સાત વાગ્યા હતા. દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટેલ 'ધ લીલા પેલેસ'ના ત્રીજા માળે આવેલા લક્ઝુરિયસ સ્વીટ નંબર 345ની બહાર કેટલાક લોકો એકઠા થયા હતા. દરવાજો અંદરથી બંધ હતો. બહારથી એક માણસ બેબાકળો થઇને વારંવાર દરવાજો ખખડાવી રહ્યો હતો. ‘સુનંદા… દરવાઝા ખોલો સુનંદા… આર યુ ઓકે?’ અંદરથી કોઈ જવાબ નહોતો મળી રહ્યો. માત્ર એક સ્મશાનવત્ શાંતિ છવાયેલી હતી. દરવાજો ખખડાવનારી વ્યક્તિ હતી કોંગ્રેસના સાંસદ અને તત્કાલીન વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂર. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેમની સાથે તેમના પર્સનલ સેક્રેટરી આર.કે. શર્મા અને પરિવારના નજીકના મિત્ર સંજય દીવાન પણ હતા. રૂમની અંદર સુનંદા પુષ્કરનો મૃતદેહ પડ્યો હતો આખરે દરવાજો ખોલવા માટે હોટેલની માસ્ટર કીનો ઉપયોગ કરવામાં આવ્યો. લોક તો ખૂલ્યું, પરંતુ અંદરની લગાવેલી સ્ટોપર ન ખૂલી. આખરે ખભાથી જોશભેર ધક્કા મારી મારીને સ્ટોપર તોડીને બળપૂર્વક દરવાજો ખોલવામાં આવ્યો. સૌ રૂમમાં દાખલ થયા. રૂમમાં હળવું અંધારું હતું. પડદા બંધ હતા. પલંગ પર સુનંદા પુષ્કર સૂતેલાં એક પડખે સૂતેલાં હતાં. જાણે ગાઢ નિદ્રામાં હોય તે રીતે ઉપર સુધી રજાઈ ઓઢેલી હતી. થરૂર આગળ વધ્યા, તેમણે સુનંદાને હચમચાવ્યાં. પરંતુ જે ક્ષણે તેમનો હાથ સુનંદાની ત્વચાને સ્પર્શ્યો, તેમને અહેસાસ થયો, સુનંદાનું શરીર બરફ જેવું ઠંડું હતું. તાત્કાલિક ગંગારામ હોસ્પિટલમાંથી ડોક્ટર રજત મોહનને બોલાવવામાં આવ્યા. રાતના લગભગ સાડા આઠ વાગ્યે આવીને તેમણે નાડી તપાસી, શ્વાસ તપાસ્યા. સુનંદા પુષ્કરના શરીરમાં ચેતનાનો કોઈ સંચાર નહોતો. તેમનું અવસાન થઈ ચૂક્યું હતું. થોડા જ કલાકોમાં દેશની દરેક ન્યૂઝ ચેનલના બ્રેકિંગ ન્યૂઝ આ જ હતાઃ એક પૂર્વ રાજદ્વારી અને વર્તમાન સાંસદની પત્ની, એક સેવન સ્ટાર હોટેલના રૂમમાં, રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી. *** આજે પણ વણઊકલ્યું છે સુનંદા પુષ્કરનું મૃત્યુ આ 17 જાન્યુઆરી 2014 ની સાંજ હતી, અને આ પછી જે વાર્તા સામે આવી, તેમાં પ્રેમ હતો, રાજકારણ હતું, એક વિદેશી પત્રકાર સાથે જોડાયેલું એક તોફાની ટ્વિટર વોર હતું. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ શશિ થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરનાં ભેદી અપમૃત્યુની, જેનું રહસ્ય આજે અગિયાર વર્ષ પછી પણ ઉકેલાયું નથી. *** ‘મારા પતિ શશિ થરૂરનું પાકિસ્તાની મહિલા પત્રકાર સાથે અફેર છે’ આ દુર્ઘટનાનાં મૂળ તેનાં બે દિવસ પહેલાં 15 જાન્યુઆરી 2014 ના રોજ શરૂ વવાયાં હતાં. તે દિવસે ટ્વિટર (અત્યારના ‘X’) પર એક વાવાઝોડું આવ્યું હતું. શશિ થરૂરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પાકિસ્તાની પત્રકાર મેહર તરારને સંબોધિત કરતી અત્યંત પર્સનલ, ઇમોશનલ અને વિવાદાસ્પદ મેસેજિસ પોસ્ટ થવા લાગ્યા. આ ટ્વીટ્સમાં પ્રેમની કસમો હતી, ફરિયાદો હતી, અને નારાજગી પણ. આશ્ચર્યચકિત થયેલી મેહર તરારે પોતે ટ્વિટર પર પૂછ્યું કે આખરે કોણ તેમને આ બધું મોકલી રહ્યું છે. હલચલ એટલી વધી કે થરૂરે સ્પષ્ટતા કરી કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેઓ તેને કામચલાઉ ધોરણે ડિએક્ટિવેટ કરી રહ્યા છે. પરંતુ આ સ્પષ્ટતા લાંબો સમય ટકી નહીં. ખુદ સુનંદા પુષ્કરે આર્થિક અખબાર ‘ઇકોનોમિક ટાઇમ્સ’ને જણાવ્યું કે શશિ થરૂરનું એકાઉન્ટ હેક થયું જ નહોતું, બલકે તે ઇમોશનલ અને સેન્ટિમેન્ટલ ટ્વીટ્સ તેણે, એટલે કે સુનંદા પુષ્કરે પોતે જ મેહર તરારને મોકલી હતી. નેચરલી, સુનંદા પુષ્કર પાસે પોતાના પતિ શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટનો એક્સેસ હતો. ‘સુનંદા પુષ્કરની માનસિક સ્થિતિ ઠીક નથી’ સુનંદા પુષ્કર આટલેથી અટક્યાં નહીં. તેમણે મેહર તરાર પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનાં એજન્ટ હોવાનો અને પોતાના પતિનો પીછો કરવાનો આરોપ લગાવ્યો. આ પછી સુનંદાના પોતાના એકાઉન્ટ પરથી પણ મેહર તરાર વિરુદ્ધ તીખી-તમતમતી ટ્વીટ્સ આવવા લાગી, જેમાં ઊંડી ઇનસિક્યોરિટી, ગુસ્સો અને પીડા સ્પષ્ટ દેખાતી હતી. મેહર તરારે પણ સામો પલટવાર કરતાં જાસૂસીના તમામ આરોપોનો સોય ઝાટકીને ઇનકાર કરી દીધો. ઊલટું, તેણે તો સુનંદા પુષ્કરની માનસિક સ્થિતિ બરાબર નથી તેવો ગંભીર આક્ષેપ લગાવી દીધો! આખી દુનિયા સોશિયલ મીડિયાના ઓટલે થઈ રહેલો આ તમાશો લાઇવ જોઈ રહ્યો હતો. બીજા દિવસે એટલે કે 16 જાન્યુઆરીના રોજ થરૂર દંપતી તરફથી એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે તેઓ સુખી વૈવાહિક જીવન જીવી રહ્યા છે અને સુનંદા બીમાર હોવાને કારણે આરામ કરી રહી છે. મીડિયાને પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ આ શાંતિ ફક્ત દેખાડો હતી. અસલી વાવાઝોડું હજી બાકી હતું. એક ભેદી કૉલઃ ‘તાત્કાલિક તારી માતા સુનંદા પાસે પહોંચી જા’ 16 અને 17 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લગભગ 4 વાગ્યે સુનંદાએ તેના પુત્ર શિવ મેનનને ફોન કર્યો. શિવ તેનાં બીજાં લગ્નથી થયેલો પુત્ર હતો, જે તે દિવસોમાં દુબઈમાં અભ્યાસ કરતો હતો. મા-દીકરા વચ્ચે થોડી બોલાચાલી થઈ. કોલ અડધા કલાક પછી પૂરો થયો. શિવને તે રાત્રે ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે, એટલે કે 17 જાન્યુઆરીએ, તે તેના ફેમિલી ફ્રેન્ડ નકુલ કનોરિયાના ઘરે લંચ કરવા માટે ગયો. ડાઇનિંગ ટેબલ પર તે માતાની બગડતી હાલત અને તેમનાં ખરાબે ચડેલાં લગ્નને લઈને બેચેન દેખાયો. ત્યારે અચાનક કનોરિયાને દિલ્હીથી સંજય દીવાનનો ફોન આવ્યો. સંજય દીવાન આફ્રિકાના દરિયાઈ દેશ કેપ વર્ડેના માનદ કોન્સ્યુલ જનરલ અને સુનંદાના નજીકના મિત્ર હતા. થોડી વાતચીત પછી કનોરિયા એક વિચિત્ર જીદે ચડ્યા, તેમણે આગ્રહ કર્યો કે શિવે તે જ રાત્રે ફ્લાઇટમાં બેસીને દિલ્હી પહોંચી જવું જોઇએ. થોડી જ વારમાં સુનંદાના ભાઈ આશિષ દાસનો પણ ફોન આવ્યો. જે ભાઈ વર્ષોથી સુનંદાથી દૂર રહેતો હતો, તે અચાનક ફોન કરીને પોતાના ભાણેજને દિલ્હી જવા કહી રહ્યા હતા. શિવને કંઈક અજુગતું લાગ્યું, પરંતુ તેણે તેને ટ્વિટર વિવાદને કારણે વધેલી ચિંતા સમજી લીધું. માતાના મૃત્યુના ન્યૂઝ દીકરાને ટીવી પરથી મળ્યા! છતાં શિવે દિલ્હી જવાની તૈયારી કરી લીધી. તે તૈયારીઓ વચ્ચે શિવના ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, ‘વી આર સોરી ફોર યોર લોસ.’ શિવે આ મેસેજને કોઈ સ્પામ (નકામો) મેસેજ સમજીને અવગણી નાખ્યો. ત્યાં ફરીથી મેસેજ આવ્યો - 'શું તમે ન્યૂઝ નથી જોયા?' આ વખતે શિવને કંઇક અજુગતું લાગ્યું અને શિવે ગૂગલ પર પોતાની માતાનું નામ ટાઇપ કરવાનું શરૂ કર્યું. હજુ તો માતાનું નામ પૂરું ટાઇપ કરી લે તે પહેલાં જ ગૂગલના ઓટો સજેશનમાં લખેલું આવી ગયુંઃ ‘સુનંદા પુષ્કરનો મૃતદેહ લીલા હોટેલના રૂમ નંબર 345 માં મળ્યો.’ શિવને ધ્રાસકો તો પડ્યો, પરંતુ તેને અફવા માનીને નકારી કાઢ્યું. એરપોર્ટ લાઉન્જમાં જ્યારે તે આરામ કરવા બેઠો, ત્યારે સામે લાગેલા ટીવી સ્ક્રીન પર CNN ઇન્ટરનેશનલ પર પણ તે જ સમાચાર ચાલી રહ્યા હતાઃ એક ભારતીય રાજનેતાની પત્ની હોટેલના રૂમમાં મૃત મળી આવી. સફેદ કપડામાં લપેટાયેલો એક મૃતદેહ બહાર લાવવામાં આવી રહ્યો હોય તેવાં વિઝ્યુઅલ્સ પણ ચાલી રહ્યાં હતાં. તે જ ક્ષણે શિવ મેનનને ખાતરી થઈ ગઈ કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહી. ત્રણ લગ્નો, રિયલ એસ્ટેટ ક્વીનઃ સુનંદાની રોલરકોસ્ટર લાઇફ સુનંદા પુષ્કરની સ્ટોરી 27 જૂન 1962ના રોજ શ્રીનગરમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં શરૂ થઈ હતી. તેમના પિતા સેનામાં અધિકારી હતા. તેથીતેમનું બાળપણ પિતાની અનેક ટ્રાન્સફરો વચ્ચે ઘણાં શહેરોમાં શાળાઓ બદલતાં વીત્યું, બેંગ્લોર, ઉધમપુર, અંબાલા વગેરે. આ સમયગાળા દરમિયાન તેનામાં નેતૃત્વ ક્ષમતા વિકસી અને તે શ્રીનગરની સરકારી મહિલા કોલેજના અધ્યક્ષ તરીકે ચૂંટાયાં. 1986માં તેણે સંજય રૈના નામના બીજા એક કાશ્મીરી પંડિત સાથે સાથે લગ્ન કર્યાં, પરંતુ આ સંબંધ માત્ર બે વર્ષ ટક્યો અને 1988માં તેમનાં છૂટાછેડા થઈ ગયા. સુનંદાનો બીજો પતિ પણ હોટેલમાંથી મૃત મળી આવેલો! ત્યારબાદ સુનંદાએ દુબઈની વાટ પકડી, જ્યાં તેની મુલાકાત સુજીત મેનન સાથે થઈ અને 1991માં બંનેએ લગ્ન કરી લીધાં. આ લગ્નથી 1992માં તેમના પુત્ર શિવનો જન્મ થયો. પરંતુ 1997માં સુજીત મેનન દિલ્હીના કરોલ બાગ સ્થિત એક હોટેલના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા. આ એક એવી ઘટના હતી, જે સત્તર વર્ષ પછી સુનંદાના પોતાના મૃત્યુ સાથે ભયાવહ રીતે મળતી આવતી હતી. પતિના મૃત્યુ પછી સુનંદા કેનેડા ગયાં અને પછી ફરીથી દુબઈ પાછા ફરીને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઊતર્યા. તેમણે 2004માં દુબઈના પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કર્યું. તે વખતે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ હજુ વિકસી રહ્યું હતું. આ દાવ સફળ સાબિત થયો અને આગામી વર્ષોમાં સુનંદાની સંપત્તિ કરોડોમાં ફેરવાઈ ગઈ. દરિયો પૂરીને બનાવવામાં આવેલી વિશાળ પ્રોપર્ટી પામ જુમેરાહમાં ઘણા એપાર્ટમેન્ટ, કેનેડામાં ઘર, જમ્મુમાં જમીન, આ બધાંની સ્વામિની સુનંદા એક સફળ, સ્વતંત્ર વ્યવસાયી મહિલા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં. 2009માં દુબઈમાં એક કાર્યક્રમમાં તેમની મુલાકાત શશિ થરૂર સાથે થઈ, જે તે સમયે સંયુક્ત રાષ્ટ્રમાં લાંબો કાર્યકાળ વિતાવીને ભારતીય રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. બંનેની કેમિસ્ટ્રી ટૂંક સમયમાં જ ચર્ચામાં આવી ગઈ. લલિત મોદીએ બોમ્બ ફોડ્યો, થરૂર-સુનંદાનું નામ IPL વિવાદમાં સપડાયું 2010નું વર્ષ સુનંદા અને થરૂરના સંબંધો માટે મુશ્કેલ સાબિત થયું. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની કોચી ફ્રેન્ચાઇઝીને લઈને એક મોટો વિવાદ ઊભો થયો. IPLના તત્કાલીન કમિશનર લલિત મોદીએ ટ્વિટર પર ખુલાસો કર્યો કે સુનંદાને આ ફ્રેન્ચાઇઝીમાં લગભગ 70 કરોડ રૂપિયાની 'સ્વેટ ઇક્વિટી' એટલે કે પૈસા લગાવ્યા વિના ભાગીદારી આપવામાં આવી હતી. સવાલ ઊભો થયો કે આખરે એક દુબઈસ્થિત વેપારી મહિલાને આ ભાગીદારી કઈ એક્સપર્ટીઝના બદલામાં આપવામાં આવી હતી. થરૂરે કોઈપણ નાણાકીય હિતનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેમનો હેતુ ફક્ત કેરળને IPL ટીમ અપાવવાનો હતો. શશિ થરૂરને કારણે સુનંદા હોળીનું નાળિયેર બની હતી? વિવાદ એટલો વધ્યો કે સુનંદાને પોતાની ભાગીદારી છોડવી પડી, અને આખરે એપ્રિલ 2010માં થરૂરને પણ વિદેશ રાજ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. આ વિવાદ સુનંદાના મનમાં ઊંડા ઘા છોડી ગયો. તેમને હંમેશાં એવું જ લાગતું રહ્યું કે પોતાના પતિ ખાતર તેમને હોળીનું નાળિયેર બનવાનો વારો આવ્યો છે. આ જ ભાવના આગળ જતાં તેમનાં મૃત્યુના બરાબર પહેલાંના છેલ્લા દિવસોમાં એક મોટું કારણ બનીને ઊભરી. થરૂર-સુનંદા બંનેએ ત્રીજીવાર ઘર માંડ્યું આ IPL વિવાદ છતાં ઓગસ્ટ 2010માં બંનેએ કેરળમાં થરૂરના પૈતૃક ઘરમાં લગ્ન કરી લીધાં. થરૂર અને સુનંદા બંને માટે આ ત્રીજાં લગ્ન હતાં. દિલ્હીમાં સુનંદા થોડા સમયમાં જ શહેરની સૌથી ચર્ચિત હસ્તીઓમાં સામેલ થઈ ગઈ. બેબાક, આત્મવિશ્વાસુ, દરેક પાર્ટી અને બુક-લોન્ચમાં હાજર. પરંતુ 2013 આવતાં આવતાં પરિસ્થિતિઓ બદલાવા લાગી. સુનંદાને લ્યુપસ નામની ઓટોઇમ્યુન બીમારી હોવાની વાત સામે આવી, અને સાથે જ તેમના અને થરૂર વચ્ચે મેહર તરારને લઈને શંકા પણ ઘેરી બનવા લાગી. પ્લેનમાં મુસાફરોની વચ્ચે સુનંદા-શશિ થરૂર ઝઘડ્યાં 15 જાન્યુઆરી 2014 ના રોજ એટલે કે મૃત્યુના માત્ર બે દિવસ પહેલાં તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં સુનંદાએ કથિત રીતે થરૂરના ફોનમાં મેહર તરાર સાથેના કેટલાક મેસેજીસ જોયા. આ પછી વિમાનમાં જ મુસાફરોની સામે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઘણા સહ-મુસાફરો, જેમાં એક વરિષ્ઠ કોંગ્રેસ નેતા પણ સામેલ હતા, આ એક કેન્દ્રિય નેતાની આ પર્સનલ તડાફડીના સાક્ષી બન્યા. લેન્ડિંગ પછી સુનંદાએ સીધા ઘરે જવાને બદલે લીલા હોટલના સ્વીટ નંબર 307 માં ચેક-ઇન કર્યું. તે સાંજે તેમણે ઘણા પત્રકારોને ફોન કર્યા, અને વારંવાર એ જ પુનરાવર્તન કર્યે રાખ્યું કે તેમણે IPL કેસમાં પોતાના પતિ માટે 'ગાળો' ખાધી હતી. સેવન સ્ટાર હોટેલના રૂમમાં પણ ગંદો ઝઘડો થયો બીજા દિવસે તેમને તે જ હોટેલના બીજા એક મોટા સ્વીટ નંબર 345 માં શિફ્ટ કરવામાં આવ્યાં. 16 જાન્યુઆરીની રાત્રે હોટલ સ્ટાફને 345 નંબરના તે રૂમમાંથી મોટા અવાજે ઝઘડો થતો હોવાની ફરિયાદો મળી. યાને કે રૂમમાં શશિ થરૂર અને સુનંદા પુષ્કર વચ્ચે ભયંકર ઝઘડો થઈ રહ્યો હતો. વહેલી સવારે થરૂર કોંગ્રેસના એક ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી ગયા. તે કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સોંપવાની તૈયારી થઈ રહી હતી. આખો દિવસ થરૂર જાહેરમાં હાજર રહ્યા. શું સુનંદા પાસે IPL કૌભાંડના પુરાવા હતા? આ દરમિયાન સુનંદાનો સમય ખૂબ જ બેચેનીમાં પસાર થયો. તેમણે ઘણા પત્રકારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, દાવો કર્યો કે તેમની પાસે IPL કૌભાંડ સંબંધિત દસ્તાવેજો છે અને તેઓ બીજા દિવસે સવારે પ્રેસ કોન્ફરન્સ કરવા માગે છે. અડધી રાત પછી તેમણે એક વરિષ્ઠ પત્રકાર પાસેથી મદદ માગી જેથી થરૂર અને મેહર તરાર વચ્ચેની વાતચીતના બ્લેકબેરી ફોનમાંથી ડિલીટ થયેલા મેસેજીસ પાછા મેળવી શકાય. સવારે લગભગ સવા ચાર વાગ્યે તેમણે એક અન્ય પત્રકારને છેલ્લો સંદેશ મોકલ્યો, જેમાં સુનંદાએ તેમને તાત્કાલિક મળવા બોલાવ્યા હતા. પરંતુ તે મુલાકાત ક્યારેય થઈ શકી નહીં. આ જ સુનંદા પુષ્કરનું છેલ્લું સત્તાવાર કમ્યુનિકેશન હતું. સુનંદાનાં શરીર પર ઇજાનાં 15 નિશાન શેનાં હતાં? સુનંદા પુષ્કરના અપમૃત્યુના તરત જ પછી AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ)માં થયેલા પોસ્ટમોર્ટમમાં સુનંદાના શરીર પર ઇજાનાં 15 નિશાન મળ્યાં હતાં, જેમાં એક હાથ પર દાંત કરડવાનું ઊંડું નિશાન અને કાંડા પર એક રહસ્યમય ઇન્જેક્શનનું નિશાન સામેલ હતું. પલંગ પાસે એન્ટિ-ડિપ્રેશન્ટ દવા આલ્પ્રેઝોલામની બે લગભગ ખાલી સ્ટ્રિપ પણ મળી હતી. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુને 'અચાનક અને અસ્વાભાવિક' ગણાવવામાં આવ્યું હતું અને આલ્પ્રેઝોલામના ઝેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે વિસેરાનાં સેમ્પલ્સ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં, ત્યારે પરિણામ ચોંકાવનારું આવ્યુંઃ તેમાં આલ્પ્રેઝોલામનાં કોઈ નિશાન મળ્યાં જ નહીં, ફક્ત કેફીન, આલ્કોહોલ અને એક સામાન્ય પેઇન કિલર દવાના અંશ મળ્યા. શું શશિ થરૂરે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બદલવા પ્રેશર કરેલું? આ દરમિયાન જુલાઈ 2014 માં AIIMS ના ફોરેન્સિક વિભાગના વડા ડો. સુધીર ગુપ્તાએ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું કે તેઓ મૃત્યુને સ્વાભાવિક ગણાવીને એક 'રેડી મેઇડ' રિપોર્ટ આપી દે, અને આ દબાણ કથિત રીતે થરૂર તરફથી આવ્યું હતું. AIIMS પ્રશાસને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે આ ડો. ગુપ્તાના પોતાના પ્રમોશન સાથે જોડાયેલી આંતરિક ખેંચતાણનું પરિણામ છે. બીજી તરફ, થરૂરે પણ AIIMSના ડિરેક્ટરને ઘણા ઈમેલ મોકલ્યા હતા, જેમાં અન્ય ડોકટરોનાં એ મંતવ્યોને આગળ વધારવામાં આવ્યાં હતાં કે સુનંદાનું મૃત્યુ લ્યુપસની દવાઓનાં રિએક્શન અથવા ઇલેક્ટ્રોલાઇટનાં અસંતુલનથી થયેલી દુર્ઘટના હોઈ શકે છે. સુનંદાના વિસેરા FBIની લેબમાં મોકલવામાં આવ્યા મામલો એટલો ગૂંચવાઈ ગયો કે દિલ્હી પોલીસે વિસેરાના નમૂના અમેરિકાની FBI લેબોરેટરીમાં મોકલવા પડ્યા. નવ મહિના પછી આવેલા FBIના રિપોર્ટમાં આલ્પ્રેઝોલામ અને હાર્ટ રેટ નિયંત્રિત કરતી દવા લિડોકેનના અંશ તો મળ્યા, પરંતુ એટલી માત્રામાં નહીં કે તે હત્યા માટે નિર્ણાયક સાબિત થઈ શકે. આત્મહત્યાની સીધી થિયરી પણ નકારી કાઢવામાં આવી હતી, અને તપાસ એક વિચિત્ર મડાગાંઠમાં ફસાઈ ગઈ. સ્વામીએ બોમ્બ ફોડ્યોઃ ‘IPL મની લોન્ડરિંગ લોબીએ સુનંદાની હત્યા કરી છે’ દિલ્હી પોલીસની લગભગ એક વર્ષની ગૂંચવણભરી તપાસ પછી 6 જાન્યુઆરી 2015ના રોજ એક રસપ્રદ ટ્વિસ્ટ આવ્યો. AIIMSના મેડિકલ બોર્ડના અંતિમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઝેર ઇન્જેક્શન દ્વારા આપવામાં આવ્યું હોઈ શકે છે અને હત્યાની આશંકાને નકારી શકાય નહીં. આના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ FIR નોંધી અને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી. તપાસના કેન્દ્રમાં બે મુખ્ય પાસાં હતાં. પ્રથમ, IPL કૌભાંડ સાથે જોડાયેલો એંગલ, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુનંદા કૌભાંડનો પર્દાફાશ કરવાની હતી અને તેથી તેને કાયમ માટે ચૂપ કરી દેવામાં આવ્યાં. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તો ત્યાં સુધી દાવો કર્યો કે IPL સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્કે તેમની હત્યા કરી છે. બીજો એન્ગલ પારિવારિક કલહ અને ‘મર્ડર ઇન પેશન’નો હતો, જેમાં શંકાની સોય સીધી શશિ થરૂર તરફ ગઈ. થરૂરની અનેક રાઉન્ડની લાંબી પૂછપરછ થઈ, તેમના ઘરેલુ નોકર-ચાકર અને ડ્રાઈવરના પોલીગ્રાફ (લાઈ ડિટેક્ટર) ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા. હત્યાનો કેસ અચાનક ‘આત્મહત્યા માટે દુષ્પ્રેરણ’નો બની ગયો! પરંતુ વર્ષો વીતતાં ગયાં અને કોઈ નક્કર પુરાવા, કોઈ કબૂલાત, કોઈ હથિયાર સામે આવ્યું નહીં. આખરે 14 મે 2018 ના રોજ મૃત્યુનાં સાડા ચાર વર્ષ પછી SITએ તેની 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી. આમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે કોઈના પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો ન હતો, પરંતુ ફક્ત શશિ થરૂરને આરોપી બનાવવામાં આવ્યા, તે પણ હત્યા માટે નહીં, પરંતુ પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને મેરિટલ-ડોમેસ્ટિક વાયોલન્સ માટે, એટલે કે કલમ 306 અને 498A હેઠળ. ચાર્જશીટમાં સુનંદાના છેલ્લાં વર્ષોને 'ટોક્સિક રિલેશનશિપ' તરીકે રજૂ કરવામાં આવ્યા, જેમાં એક વિવાદાસ્પદ 'ફોરેન્સિક સાયકોલોજિકલ પોસ્ટમોર્ટમ' ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે મિત્રો અને પરિવારના નિવેદનો તથા મેડિકલ રેકોર્ડના આધારે મૃતકની માનસિક સ્થિતિનું પુનર્નિર્માણ. થરૂરે ચાર્જશીટને હાસ્યાસ્પદ ગણાવીને તેને ચાર વર્ષની દ્વેષપૂર્ણ તપાસનું પરિણામ ગણાવ્યું. તેમના વકીલોએ સવાલ ઉઠાવ્યો, જ્યારે પોલીસ ત્રણ વર્ષ સુધી હત્યાની થિયરી પર કામ કરતી રહી, તો અચાનક આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ કેવી રીતે બની ગયો? ખાસ કરીને ત્યારે, જ્યારે મૃત્યુનું કારણ ક્યારેય નિર્ણાયક રીતે નક્કી જ થયું ન હતું. મીડિયામાં લીક થઈ ગઈ 'સુનંદા ટેપ્સ' જ્યારે કેસ કોર્ટની ધીમી પ્રક્રિયામાં અટવાયેલો હતો, ત્યારે મે 2017માં એક નવી ન્યૂઝ ચેનલે આ કેસને પોતાની સૌથી મોટી સ્ટોરી બનાવી લીધો. ચેનલે કેટલીક ઓડિયો રેકોર્ડિંગ્સ પ્રસારિત કરી, જેને 'સુનંદા ટેપ્સ' નામ આપવામાં આવ્યું અને દાવો કરવામાં આવ્યો કે તેમાં મોટા પાયે ભીનું સંકેલાયાના પુરાવા છે. પરંતુ તપાસમાં સામે આવ્યું કે આ ટેપ્સ કોઈ નવી ગુપ્ત માહિતી નહોતી, પરંતુ તે સાક્ષીઓની વાતચીત જ હતી જેનાં નિવેદનો પહેલાંથી જ ત્રણ વર્ષથી પોલીસ રેકોર્ડનો ભાગ હતા. કાનૂની નિષ્ણાતોએ આ પ્રસારણને ખુલ્લું મીડિયા ટ્રાયલ ગણાવ્યું, કારણ કે સંમતિ વિના રેકોર્ડ કરાયેલી વાતચીતની કોઈ એવિડેન્ટલ વેલ્યૂ હોતી નથી. દિલ્હી હાઈકોર્ટે પણ સંબંધિત ચેનલને સમાંતર તપાસ ચલાવવા સામે ચેતવણી આપી, અને થરૂરે ચેનલ વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો. અને શશિ થરૂર નિર્દોષ સાબિત થઈ ગયા આખરે 18 ઓગસ્ટ 2021 ના રોજ સુનંદા પુષ્કરનાં અપમૃત્યુનાં સાડા સાત વર્ષ પછી દિલ્હીની રૂઝ એવન્યુ કોર્ટે વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલની અદાલતમાં શશિ થરૂરને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. અદાલતે શોધી કાઢ્યું કે થરૂર દ્વારા સુનંદા સાથે ક્રૂરતા અથવા તેમને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કોઈ સીધો પુરાવો રેકોર્ડ પર નથી, અને માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિને મુકદ્દમાનો સામનો કરવા મજબૂર કરી શકાય નહીં. થરૂરે આ નિર્ણયને 'ભારતીય ન્યાયતંત્રમાં તેમના વિશ્વાસની જીત' અને 'એક લાંબા દુઃસ્વપ્નનો સાર્થક અંત' ગણાવ્યો. પરંતુ અહીં પણ આ સ્ટોરી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ન હતી. આ ડિસ્ચાર્જ ઓર્ડરના લગભગ પંદર મહિના પછી ડિસેમ્બર 2022 માં દિલ્હી પોલીસે આ નિર્ણયને પડકારતાં દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી. અલબત્ત, પોલીસે આ અરજી નિર્ધારિત સમયમર્યાદા પછી દાખલ કરી હતી, તેથી પહેલાં તો 'વિલંબ ક્ષમા' એટલે કે ‘કન્ડોનેશન ઓફ ડિલે’ની અરજી પર સુનાવણી શરૂ થઈ. હાઈકોર્ટે થરૂરને નોટિસ જારી કરી અને 2023માં અને 2024માં કેસની સુનાવણી ચાલતી રહી. થરૂરના વકીલોએ અદાલતમાં દલીલ કરી કે પોલીસને આટલા લાંબા વિલંબ પછી અપીલ દાખલ કરવાનો કોઈ નક્કર આધાર નથી, જ્યારે દિલ્હી પોલીસ તેની અપીલ પર અડગ રહી. કેસ હજુ ચાલુ જ છે, સુનંદાના હત્યારા પકડાયા નથી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઉપલબ્ધ માહિતી પ્રમાણે દિલ્હી પોલીસની તે પુનઃનિરીક્ષણ અરજી (રિવિઝન પિટિશન)માં 2021ના ડિસ્ચાર્જ ઓર્ડરને પડકારવામાં આવ્યો છે, તે દિલ્હી હાઈકોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે. એટલે કે, કાયદેસર રીતે કેસ બંધ થયો નથી, ભલે નીચલી અદાલતે થરૂરને નિર્દોષ છોડી દીધા હોય. જ્યાં સુધી હાઈકોર્ટ આ વિલંબ-ક્ષમા અરજી અને ત્યારબાદ મૂળ રિવિઝન પિટિશન પર અંતિમ નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી આ કાનૂની અધ્યાય સંપૂર્ણપણે સમાપ્ત થયો ગણી શકાય નહીં. શશિ થરૂર હાલમાં તિરુવનંતપુરમથી સતત સાંસદ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની અંદર તેમજ ભારતીય સંસદમાં વિદેશી બાબતો સંબંધિત સંસદીય સમિતિના અધ્યક્ષ જેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં સક્રિય છે. સુનંદાના પુત્ર શિવ મેનન, જે ઘટના સમયે માત્ર 21 વર્ષના હતા, તે આજે એક પુખ્ત વયની વ્યક્તિ તરીકે તેમની માતાની સ્મૃતિને જાળવી રાખીને જાહેર જીવનથી દૂર રહે છે. જોકે સમયાંતરે તેઓ મીડિયામાં તેમની માતાને યાદ કરતાં ભાવુક નિવેદનો આપતા રહ્યા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી, જેમણે વર્ષો સુધી આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી, તેમની એક જનહિતની અરજી પર પણ અદાલતમાં સુનાવણી થતી રહી છે, જોકે સુનંદાના પુત્ર શિવ મેનને પોતે આ અરજીમાં સ્વામીના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. એઇમ્સના ફોરેન્સિક વિભાગના ડો. સુધીર ગુપ્તા જેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવા માટે પ્રેશર થયાના આરોપો લગાવ્યા હતા, તે આજે પણ સંસ્થામાં વરિષ્ઠ પદ પર યથાવત છે અને પછીનાં વર્ષોમાં સુશાંત સિંહ રાજપૂત જેવા અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં પણ પોતાના મંતવ્યોને કારણે ચર્ચામાં રહ્યા. કુલ મળીને સુનંદા પુષ્કરના મૃત્યુનું ગુનાહિત પાસું આજે પણ અધ્ધરતાલ છે. ન કોઈ હત્યારો પકડાયો, ન આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ અંતિમ સ્વરૂપે સ્થાપિત થઈ શક્યો, અને ન તો એ સંપૂર્ણપણે નક્કી થઈ શક્યું કે આખરે તે ઠંડી જાન્યુઆરીની સાંજે હોટેલના સ્વીટ 345માં શું થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની અંતિમયાત્રા નીકળી:ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતાં આખેઆખું ગામ હિબકે ચડ્યું; એકના એક દિકરાના મોતથી પરિવાર પડી ભાંગ્યો
    Next Article
    सीलबंद बोतल में था तेजाब? पानी समझकर पी गई युवती, CCTV में कैद हुई घटना

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment