Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ:આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા સસ્પેન્શન સમયમાં જ વયનિવૃત્ત થતા તમામ નિવૃત્તિ લાભો અટકાવી દેવાયા

    10 hours ago

    રાજકોટ શહેરમાં તા. 25-5-2024 ના રોજ સર્જાયેલા અત્યંત દર્દનાક અને ભયાનક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી અને રાજકોટ મહાપાલિકાના તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા સસ્પેન્શનના સમયગાળા દરમિયાન વયનિવૃત્ત થઈ ગયા છે, જેને પગલે મનપા તંત્ર દ્વારા તેમના તમામ નિવૃત્તિ વિષયક લાભો અને હક્ક-હિસ્સાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી આ રોક યથાવત રાખવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકાના મહેકમ વિભાગમાંથી મળતી વિગતો અનુસાર, અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ એમ.ડી. સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ફરજમોકૂફ એટલે કે સસ્પેન્ડ કરી દેવાયા હતા. તેમનું આ સસ્પેન્સન હાલ પણ ચાલુ જ છે અને તે જ સ્થિતિમાં ગત તા. 30 જૂનના રોજ તેઓ વયનિવૃત્ત થયા હતા, પરંતુ તેમની સામે ચાલી રહેલા ગંભીર ફોજદારી કેસો અને ખાતાકીય તપાસને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા તેમના નિવૃત્તિના તમામ આર્થિક લાભો અટકાવી દેવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. અગ્નિકાંડ બાદ ટી.પી.ઓ. તેમજ એ.ટી.પી. કક્ષાના અધિકારીઓ લાંબા સમય સુધી જેલહવાલે રહ્યા હતા અને ત્યારબાદ તેઓ જામીનમુક્ત થયા છે, જેના કારણે મનપા પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં વહીવટી સ્તરે અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટી.પી. વિભાગમાં એ.ટી.પી.ની સીધી ભરતી કરવાને બદલે હાલમાં ઝોનવાઇઝ 3 ટાઉન પ્લાનરની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, જેલવાસ ભોગવી રહેલા એમ.ડી. સાગઠિયાની જગ્યા ખાલી પડતા વહીવટી કામગીરીને વેગ આપવા માટે આર.ડી. પરમારને ઇન્ચાર્જ ટી.પી.ઓ. તરીકેનો મહત્વનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે મનપામાં હાલની સ્થિતિએ 4 ને બદલે માત્ર 1 સક્ષમ ફૂલટાઇમ ટી.પી.ઓ.ની કાયમી ભરતી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે લાંબા સમયથી ટી.પી.ઓ.ની જગ્યા સત્તાવાર રીતે ખાલી પડી છે. બીજી તરફ, અગ્નિકાંડના સમયથી એટલે કે છેલ્લા 28 માસ જેટલા લાંબા સમયથી સ્ટેશન ઓફિસરના ભરોસે ચાલતા રાજકોટ ફાયરબ્રિગેડ વિભાગમાં પણ હવે ટૂંક સમયમાં જ કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. અગ્નિકાંડ દરમિયાન જેલવાસ ભોગવનારા અને તે દરમિયાન સસ્પેન્ડ થયેલા ડેપ્યુટી અધિકારીઓ તેમજ કલાસ-3 ના તત્કાલીન કર્મચારીઓ પૈકી, સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત દવેને ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપી દેવાયો છે. અમિત દવેએ અગાઉ પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. જોકે તે મંજુર નહીં થતા હાલ પણ તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. હવે સમગ્ર ઘટનાના 2 વર્ષ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં જ ચીફ ફાયર ઓફિસરની કાયમી ભરતી માટેની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 12 જેટલા લાયક ઉમેદવારો હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નામ પસંદ કરીને આ અંગેની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં માત્ર ટાઉન પ્લાનિંગ કે ફાયર વિભાગ જ નહીં, પરંતુ ગાર્ડન ડાયરેક્ટર અને આઇ.ટી. ડાયરેક્ટર જેવી અત્યંત મહત્વની અને જવાબદાર જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી પડી છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ જગ્યાઓ ઉપર કાયમી નિમણૂકો કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ત્યારે તમામ મહત્વની ખાલી જગ્યાઓ ઉપર જવાબદાર અધિકારીઓની ભરતી કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં આપઘાતના બે બનાવ:વરણામામાં બીમારીથી કંટાળી મહિલાની આત્મહત્યા, વડુમાં પિતાના ઠપકાથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    Next Article
    કમલાબાગ પોલીસે ઇલેક્ટ્રિક સામાન ચોરીનો ભેદ ઉકેલ્યો:ગણતરીના કલાકોમાં ₹82 હજારથી વધુનો મુદ્દામાલ કબજે, ગુનામાં સામેલ કિશોરના વાલીને બોલાવી કાયદાકીય કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment