Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃક્ષો જેવું કામ કરશે આ મશીન!:કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવશે, ગુજરાતી પ્રોફેસરે અદભૂત ચેમ્બર બનાવી

    2 days ago

    જો કોઇ તમને એમ કહે કે એક બંધ રૂમમાં કાર્બન ડાયોક્સાઇડ ભરીને કેટલીક પ્રોસેસ કર્યા પછી તેમાંથી ઓક્સિજન છૂટો પાડી ફરીથી વાતાવરણમાં છોડી શકાશે... તો આ વાતને મજાકમાં ન લેતા. કેમ કે ગુજરાતી વૈજ્ઞાનિક પ્રોફેસર જયેશ પાબારીએ ચારુસેટ યુનિવર્સિટી સાથે મળીને એક ચેમ્બર બનાવી છે. જેમાં ભવિષ્યમાં આવું થઇ શકે છે. દિવ્ય ભાસ્કરે આ અંગે પ્રોફેસર પાબારી સાથે વાત કરી હતી. ખાસ વાત એ છે કે આ ચેમ્બર બનાવનારો ભારત એકમાત્ર દેશ છે. જેની પેટન્ટ તાજેતરમાં જ મળી છે. ભારત આજે ચંદ્ર અને મંગળ પરના પોતાના મિશનો સફળતાપૂર્વક પાર પાડીને હવે શુક્રયાન બનાવીને તેના વાતાવરણનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં શુક્રના વાતાવરણમાં આવેલો ગેસ ભરીને શુક્ર પર શું થઇ રહ્યું છે તેનો અભ્યાસ પૃથ્વી પર બેઠા બેઠા એક લેબોરેટરીમાં થઇ રહ્યો છે. પ્રોફેસર જયેશ પાબારી ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં પ્લેનેટરી સાયન્સ ડિવીઝનમાં રિસર્ચર છે. તેમણે ડિઝાઇન અને ડેવલપ કરેલી ચેમ્બરમાં શુક્ર પર થઇ રહેલી લાઇટનિંગ (આકાશી વીજળી)નો અભ્યાસ થાય છે. આ પ્રોજેક્ટમાં તેમનો રોલ સજેસ્ટ કરવાનો હતો. જ્યારે એક્ઝિક્યુશન ચારૂસેટમાંથી થયું છે. બીજા ગ્રહ પર જે લાઇટનિંગ થાય તેવી જ ચેમ્બરમાં પણ થાય આ માટે શુક્ર પર જે ગેસ જે માત્રામાં હોય છે તે જ ગેસ એ જ માત્રામાં આ ચેમ્બરમાં ભરી તેની અંદર કૃત્રિમ રીતે લાઇટનિંગ જનરેટ કરાય છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં વિનસ મિશન માટે જે પણ યાન મોકલાય તેની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ માટે થઇ શકે. ફક્ત શુક્ર જ નહીં પરંતુ કોઇપણ ગ્રહ પર આવેલા ગેસમાં જે લાઇટનિંગ થાય છે તેનું વાતાવરણ બનાવીને ચેમ્બરમાં લાઇટનિંગ કરી શકાય છે. ઓછા ખર્ચે વધુ જાણકારી આ ચેમ્બરનો ઉપયોગ શુક્રયાન સાથે કઇ રીતે જોડાયેલો છે તેની વાત કરતાં પ્રો. જયેશ પાબારીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શુક્રયાનમાં એવા કોઇ ઇન્સ્ટ્રુમેન્ટ મુકી શકીએ જે સેટેલાઇટ પર ઓર્બિટમાંથી આ પ્રકારની લાઇટનિંગનો અભ્યાસ કરી શકે છે. ત્યાં લાઇટનિંગ 50થી 55 કિમી ઊંચાઇ પર થઇ રહી છે. જ્યારે સેટેલાઇટ 200થી 300 કિમી ઊંચાઇ પર હોય છે ત્યાં એનો અભ્યાસ કરી શકીએ છીએ. એ રીતે આપણને ઓછા ખર્ચમાં ત્યાંની લાઇટનિંગ, સોર્સ સ્ટ્રેન્થ વગેરે સમજવામાં ઘણી મદદ કરે છે. આ રીતે પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી થશે શક્યતા છે કે આવી ચેમ્બર ભવિષ્યમાં કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પાડીને ફરી વાતાવરણમાં છોડે. પ્રો. પાબારી આ અંગે કહે છે કે, પ્રદૂષણના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે અને ગ્લોબલ ટેમ્પરેચર પણ વધતું જાય છે. જો એવી ટેકનિક તૈયાર કરવામાં આવે કે જેનાથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને આ ચેમ્બરમાં ભરવામાં આવે અને પછી લાઇટનિંગ મેથડનો ઉપયોગ કરી તેમાંથી ઓક્સિજન છૂટો પાડવામાં આવે તે શક્ય છે. આનું કારણ સમજાવતા તેઓ કહે છે કે, કાર્બન ડાયોક્સાઇડમાં લાઇટનિંગ થાય એટલે O2 પ્રોડ્યુસ થાય છે. એ જ ઓક્સિજન બની જાય. જેને કોઇ મેથડથી વાતાવરણમાં છોડી શકીએ તો આપણે CO2નું O2-ઓક્સિજનમાં રૂપાંતર કરી શકીએ છીએ. એ સૌથી મોટો ફાયદો છે. આવી ફેસિલિટી ડેવલપ કરવી પડે પણ એ જો થઇ જાય તો એનો ખૂબ જ ઉપયોગ છે. વધતાં ગ્લોબલ ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવામાં થોડો ફાળો આપી શકીએ તેવી શક્યતા છે. લાઇટનિંગ માટે સેટેલાઇટ નેટવર્ક બનાવવાનું હોય તો એ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કરવામાં પણ આ ચેમ્બરનો ઉપયોગ થઇ શકે છે. આ ચેમ્બર કેવી રીતે કામ કરે છે તેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, તેમાં અમે બે ઇલેક્ટ્રોડ મૂક્યા છે. એમની વચ્ચે ચોક્કસ કેલ્ક્યુલેશન પ્રમાણે હાઇ વોલ્ટેજ આપવામાં આવે છે અને એક પ્રકારનું પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. યોગ્ય ગેસ ભરવામાં આવે છે. જેમ કે શુક્રની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે ભરવામાં આવે છે. પછી ત્યાં જે લાઇટનિંગ થવી જોઇએ એ ચેમ્બરમાં કરવાનો પ્રયાસ કરીએ છીએ. એ રીતે કૃત્રિમ કે એલિયન લાઇટ જનરેટ કરીએ છીએ. એ જ રીતે મંગળ કે ગુરૂની વાત કરીએ તો ત્યાં જેવા ગેસ હોય છે તેવા ગેસ ભરીને ફરી પ્રયત્ન કરીએ તો લાઇટનિંગ સોર્સ સ્ટ્રેન્થને સમજી શકીએ છીએ. ભવિષ્યમાં નવા પ્રયોગો પણ થશે સામાન્ય રીતે અભ્યાસ કઇ રીતે થાય છે તે અંગે તેમણે કહ્યું કે, એક જ ચેમ્બરમાં ગેસ ભરવામાં આવે છે. તેની સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવે છે. કોઇ પણ ગ્રહ પર આવેલો ગેસ ભરીને પ્રોપર મિક્સ કરીએ અને કમ્પોઝિટ કમ્બાઇન્ડ ગેસ બને તેનો અભ્યાસ કરવામાં આવે છે. ભવિષ્યમાં અમે આ પ્રોજેક્ટને એક્સ્ટેન્ડ કરીએ તો લાઇટનિંગથી બનતા નવા ગેસનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. 'બીજી મેથડ એવી છે કે સેટેલાઇટમાંથી ઘણા વેવ્સ નીકળ્યા હોય જેમાંથી એક કે બે ગેસનો અભ્યાસ કરવામાં આવે છે. પછી એને જનરલાઇઝ કરીને લાઇટનિંગ કઇ રીતે થઇ શકે એનો અંદાજ રાખવામાં આવે છે.' 90% સચોટ પરિણામ અત્યાર સુધી શુક્ર ગ્રહ માટે આ અભ્યાસ થયો છે. ભવિષ્યમાં મંગળ અને ગુરૂ ગ્રહ માટે પણ અભ્યાસ કરવાનો છે. શુક્ર પર કરેલા અભ્યાસના પરિણામની વાત કરતાં તેમણે કહ્યું કે, કોઇપણ પ્રયોગમાં લગભગ 10% એરર હોય છે. અમારા રિઝલ્ટ તેની આસપાસના જ છે. એટલે કે શુક્ર પર જે લાઇટનિંગ થાય છે તેમાં જે એનર્જી છે તેની નજીકના રિઝલ્ટ મળ્યા છે. ચેમ્બરમાં ગેસનું પ્રેશર સ્ટેબલ થઇ જાય, સાધનો તૈયાર થઇ જાય પછી લાઇટનિંગ જનરેટ થાય છે. જેને એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે. સંશોધનની દુનિયામાં આનું મહત્વ શું છે તે અંગે તેમણે કહ્યું કે, શુક્ર ગ્રહની લાઇટનિંગનો અભ્યાસ હજુ પૂરી રીતે થયો નથી. ત્યાં ખરેખર લાઇટનિંગની ફિઝિકસ અને કેમેસ્ટ્રી શું છે એ ખબર પડતી નથી પરંતુ આ અભ્યાસ કર્યા બાદ એના વાતાવરણમાં શું થઇ રહ્યું છે. એ આપણને ખ્યાલ આવે છે કારણ કે ત્યાં યાન મોકલવું પડકારજનક છે. પહેલા નિષ્ફળતા, પછી સિદ્ધિ મળી આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને ચેમ્બર તૈયાર કરવામાં 2 વર્ષથી વધુનો સમય લાગ્યો છે. પ્રોજેક્ટમાં 10થી 15 લોકો જોડાયેલા હતા. એમાંથી મુખ્ય 6 ઇન્વેસ્ટિગેટર-ઇન્વેટર્સ હતા. આ ચેમ્બર બનાવતી વખતે 3-4 વખત નિષ્ફતા મળી હતી. પહેલા જે ચેમ્બર બનાવી હતી તેને પછી આખી રીડિઝાઇન કરવી પડી હતી. ફરીથી નવા આઇડિયા લગાવ્યા હતા. આ ચેમ્બર અત્યારે ચાંગામાં આવેલી ચારૂસેટ યુનિવર્સિટી ખાતે છે. ચેમ્બર બનાવતી વખતે આવેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા પ્રો. પાબારીએ જણાવ્યું કે, પહેલા જે ચેમ્બર બનાવી તેમાં ગેસ લીકેજ થવાનો પ્રોબ્લેમ હતો. અમારે જે પ્રેશર પર મેન્ટેન કરવું હોય તો એ લીક થઇ જતું હતું પછી બીજી ચેમ્બર બનાવી ત્યારે જે ઇલેક્ટ્રિકલ સ્પાર્ક ચેમ્બરની અંદર થવા જોઇએ એ ચેમ્બરની બહાર થતાં હતા. એ પછી અમે નવી ડિઝાઇન અપડેટ કરી. દુનિયામાં પહેલીવાર આવી ચેમ્બર બની છે. જેને પેટન્ટ પણ મળી છે. પ્રો. પાબારી કહે છે કે આ એક મોટું એચિવમેન્ટ છે. આગળ અમારે આના બેથી ત્રણ એક્સ્ટેન્શન કરવાના છે. આ ચેમ્બરનો ઉપયોગ કરીને કયા નવા-નવા ગેસ જનરેટ થાય છે? તેની કેમેસ્ટ્રી શું છે? મંગળ પર લાઇટનિંગ થાય છે તો એ મુજબના ગેસ ભરવાનો છે પણ ત્યાંનું વાતાવરણ અલગ છે. ત્યાં ડસ્ટ ક્લાઉડ છે. જે ચેમ્બરમાં મૂકવા અઘરા છે. આ ફ્યૂચર પ્લાન છે. એ રીતે ગુરૂ ગ્રહ માટે પણ પ્રયત્ન કરી શકીએ. સ્પેસ રિસર્ચથી શરૂ થયેલી આ સફર આગામી સમયમાં પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણથી બચાવવામાં સંજીવની સાબિત થઇ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનના પરમાણુ મથકો પાસે હુમલો; રામ મંદિરના દાનની ચોરીના પૈસા વ્યાજે આપ્યા; કોકરોચ પાર્ટી ફાઉન્ડર પોલીસના પગે પડ્યા
    Next Article
    સુરત પૂરમાં તણાયું, નેતાઓએ ગાંઠિયા દાબ્યા:સંઘવીએ ટ્રિપલ સવારી કરનારને ત્રણ ઝાપટ ચોંટાડી; જુનાગઢમાં સફાઈનું ડિંડક, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment