Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક ન્યાય સમિતિની નિમણૂકે સર્જ્યો રાજકીય મહાસંગ્રામ:ભેંસાણમાં સામાજિક ન્યાય સમિતિની નિમણૂક મુદ્દે ભારે આક્રોશ; બંધારણીય નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે 'આપ' અને 'ભાજપ' સામસામે, તાળાબંધીની ચીમકી

    8 hours ago

    ​ભેંસાણ તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા બાદ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં સભ્યોની નિમણૂક અને ચેરમેનની વરણીના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે.આ ભેંસાણ તાલુકાના પંચાયતમાં આમ આદમી પાર્ટી 13,ભાજપ 3 ની જીત થઈ હતી. પરંતુ ભેસાણ પંચાયતમાં અનુ.જાતિ સમાજના પ્રમુખની સીટ અનામત હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે ભીખાભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે હાલ તો સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને લઈ અનુસૂચિત જાતિ સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલવામાં આવ્યો છે, જેના કારણે તાલુકાનું રાજકારણ સંપૂર્ણપણે ગરમાયું છે. સામાજિક ન્યાય સમિતિની કમિટીમાં સભ્યોની જે પ્રકારે પસંદગી કરવામાં આવી છે, તેને લઈને અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે બહુમતીના જોરે સત્તાધારી પક્ષ દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ વિવાદ હવે વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. અનુસૂચિત જાતિ સમાજ પ્રમુખ અજીતભાઈ વિંઝુડા એ જણાવ્યું હતું કે ગઈકાલે ભેંસાણ તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી. આ તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો છે, તેમને સામાજિક ન્યાય સમિતિની કમિટીની અંદર સમાવવામાં આવ્યા છે. પરંતુ અમારા જે અનુસૂચિત જાતિ સમાજના સભ્ય છે, તેમને આ કમિટીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. અમે સમગ્ર સમાજ વતી આ ગંભીર બાબતે ભારે રોષ વ્યક્ત કરીએ છીએ. જે સામાજિક ન્યાય સમિતિની કમિટી છે, તે કમિટીની અંદર ફરજિયાતપણે અનુસૂચિત જાતિ સમાજનો જ ચૂંટાયેલો પ્રતિનિધિ હોવો જોઈએ તેવો નિયમ છે.​પરંતુ આમ આદમી પાર્ટીની જે મનુવાદી અને મેલી નીતિ છે, તે નીતિને ધ્યાનમાં રાખીને અમારા અનુસૂચિત જાતિ સમાજના ચૂંટાયેલા સભ્યને પોતાની રીતે આડકતરી રીતે કમિટીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ પછાત સમાજ કોઈ પણ કાળે આગળ ન વધી શકે અને તેના વિકાસના કામો સહેલાઈથી ન થઈ શકે, તે પ્રકારની નકારાત્મક નીતિ ગઈકાલની સભામાં સ્પષ્ટપણે જોવા મળી છે. પછાત સમાજનો અવાજ દબાવવાનો આ એક હીન પ્રયાસ છે. ​આગામી સમયની રણનીતિ અને અલ્ટીમેટમ અંગે અમે મામલતદારને લેખિતમાં જણાવ્યું છે કે, જો આગામી 15 દિવસની અંદર અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા અનુસૂચિત જાતિના સભ્યને આ કમિટીની અંદર માનભેર સામેલ કરવામાં નહીં આવે, તો અમે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરીશું. આ સાથે જ, સ્થાનિક ધારાસભ્ય કે જેઓ અહીં આવીને આ બધી ધમાલ કરી, કમિટીનું આખું ગોઠવણ પોતાના માણસો દ્વારા કરાવીને ચાલ્યા ગયા છે, તેમના આ કૃત્યના વિરોધમાં અમે આગામી દિવસોમાં ધારાસભ્યનું પૂતળા દહન પણ કરીશું. આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના સંગઠન મંત્રી ​ધવલ કથેરિયા એ જણાવ્યું હતું કે ભેંસાણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમાં જે સભ્યોની કાયદેસર નિયુક્તિ થઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાત પંચાયત ધારા અને ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ, સામાજિક ન્યાય સમિતિમાં કોઈ એક ચોક્કસ જ્ઞાતિનો જ સમાવેશ થાય તેવું ક્યાંય પણ હોતું નથી. આ સમિતિની અંદર દલિત, આદિવાસી, વાલ્મિકી જેવા તમામ પછાત અને વંચિત સમાજના પ્રતિનિધિઓની નિયુક્તિ કરવાની સ્પષ્ટ જોગવાઈ બંધારણમાં હોય છે. ​અમારી પાર્ટીની વિચારધારા અને પંચાયતના અમારા તમામ સભ્યોની પરસ્પર સહમતિ અને સંમતિથી જ આ સમિતિના સભ્યો અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો કોઈ એવો હેતુ ક્યારેય હોતો નથી કે કોઈ ચોક્કસ સમાજ કે લોકોની લાગણી દુભાય અથવા તો પંચાયતના વહીવટમાં કોઈ અવ્યવસ્થા ઊભી થાય. જે ત્રણ સભ્યોની નિયુક્તિ અમારી પાર્ટી તરફથી સમિતિમાં થઈ છે, તેઓ પણ દલિત સમાજના જ પ્રતિનિધિઓ છે. જો દલિત સમાજના કોઈ સભ્યોને આ બાબતે કોઈ પ્રશ્ન હોય કે લાગણી દુભાવાની વાત હશે, તો અમે મોટા મન રાખીને તેમની સાથે રૂબરૂ બેસીને ચર્ચા કરીશું અને આ બાબતનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવીશું.આ કમિટીની સંપૂર્ણ રચનામાં કોઈ પણ પ્રકારનું કાયદા કે બંધારણ વિરુદ્ધનું કામ થયું નથી. આ તમામ સરકારી પ્રક્રિયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણ અને નિયમોને આધીન રહીને જ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પોતાની કારમી હાર સહન કરી શકતી નથી, જેના કારણે તેઓ સત્તાના લોભ અને લાલચમાં આવીને આવા ખોટા વિવાદો ઊભા કરી રહ્યા છે અને પછાત સમાજને ગેરમાર્ગે દોરવાના કાવતરાં ઘડી રહ્યા છે. આ સમિતિની લોકશાહી ઢબે થયેલી રચનામાં કોઈ ગેરરીતિ થઈ નથી. ભેંસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે ભેંસાણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની રચનામાં મારી સાથે સરેઆમ અન્યાય કરવામાં આવ્યો છે. પંચાયતમાં આમ આદમી પાર્ટીના 13 સભ્યોની બહુમતી હોવાના કારણે, તેમણે લોકશાહીના નિયમોને નેવે મૂકીને પોતાની મનમાનીથી આખી સમિતિની રચના કરી દીધી છે અને પોતાની મરજી મુજબ ચેરમેન પણ બનાવી દીધા છે. હું પોતે સામાજિક ન્યાય સમિતિનો કાયદેસરનો સભ્ય હોવા છતાં, આખી ચૂંટણી પ્રક્રિયામાં મારો સમાવેશ કરવામાં આવ્યો નથી અને મને બાકાત રખાયો છે. ​સરકારી સામાજિક ન્યાય સમિતિના નિયમો અને બંધારણીય જોગવાઈઓ મુજબ, આ સમિતિની અંદર અનુસૂચિત જાતિના ચૂંટાયેલા સભ્યની સીટ હોવી અનિવાર્ય છે. તે નિયમોના આધારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનો મહત્વનો હોદ્દો પણ મારી પાસે જ રહેવો જોઈએ, પરંતુ વિપક્ષ દ્વારા સત્તાના જોરે આ સરકારી નિયમનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી. ​ગઈકાલે જ્યારે આ માટેની ખાસ સભા યોજાઈ હતી, ત્યારે સભાખંડમાં વિપક્ષના આશરે 30 થી 40 જેટલા બહારના અજાણ્યા માણસો આવીને બેસી ગયા હતા અને તેમણે ગૃહની અંદર ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે કાયદાને બાજુ પર મૂકી પોતાની મનમાની કરી, પોતાના જ 4 થી 5 સભ્યોને હાજર રાખ્યા અને બહુમતીના જોરે પોતાના જ મનપસંદ સભ્યને ચેરમેન તરીકે નીમી દીધા છે. હું પોતે એસ.સી. નો સભ્ય હોવા છતાં આ સમગ્ર સરકારી પ્રક્રિયામાં મારી સંપૂર્ણ અવગણના કરીને અન્યાય કરાયો છે. ​આ ગેરકાનૂની અને અન્યાયી પ્રક્રિયાના સખત વિરોધમાં આજે અમે તમામ પીડિત સભ્યોએ અને અગ્રણીઓએ ભેગા મળીને મામલતદાર સાહેબને રૂબરૂમાં એક વિગતવાર આવેદનપત્ર આપ્યું છે. જો આ ગંભીર બાબતે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય તપાસ કરીને ન્યાયી નિર્ણય લેવામાં નહીં આવે, તો અમે આગામી સમયમાં આ અન્યાય સામે હાઈકોર્ટ સુધીની આગળની કાનૂની કાર્યવાહી કરીશું અને સાથે જ ઉગ્ર આંદોલનાત્મક પગલાં ભરવાનું ચાલુ રાખીશું.
    Click here to Read More
    Previous Article
    દહેગામવાસીઓને જળબંબાકાર અને ગટરની સમસ્યામાંથી મુક્તિ:કલેક્ટર દ્વારા આધુનિક સીવેજ પ્લાન્ટ અને વરસાદી લાઇન નાખવા ઔડાને 8320 ચોરસ મીટર જમીન ફળવાઇ
    Next Article
    દેશમાં દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માત:1.80 લાખ લોકોના મોત; ગુજરાતમાં શરૂ થશે હાઈડ્રોજન કાર ટ્રાયલ: નિતીન ગડકરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment