Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:માડી, મુને કાળાને ના દેજો, પિયર મારું ધંધૂકા!

    19 hours ago

    માડી, મુને કાળાને ના દેજો, પિયર મારું ધંધૂકા! માડી, કાળો કુટુંબ લજાવે, પિયર મારું ધંધૂકા! માડી, મુને ધોળાને ના દેજો, પિયર મારું ધંધૂકા! માડી, ધોળો ધોકે ધોકે મારે, પિયર મારું ધંધૂકા! માડી, મુને લાંબાને ના દેજો, પિયર મારું ધંધૂકા! માડી, લાંબો નૈત્ય નૈત્ય આડી ભાંગે, પિયર મારું ધંધૂકા! માડી, મુને ઠીંગણાને ના દેજો, પિયર મારું ધંધૂકા! માડી, ઠીંગણો આમતેમ ઠેબાં ખાય, પિયર મારું ધંધૂકા! લોકગીતોમાં હાસ્યગીતો કહી શકાય એવાં ઝાઝાં મળતાં નથી, પણ લગ્નગીતોમાં ફટાણાં ગવાતાં હોય એવાં અથવા બહેનોનાં જાગરણ વખતે નણંદ-ભોજાઈની વડછડ કે પોતાના જ સાસરિયાંની ઠેકડી ઉડાડતી હોય એવાં કેટલાંક લોકગીતો મળે છે. ‘માડી, મુને કાળાને ના દેજો, પિયર મારું ધંધૂકા…!’ જાગરણની રાત્રે રાસડા લેતી કોઈ યૌવના પોતાની માતાને સંબોધીને પોતાના માટે કેવો વર શોધવો એની ભલામણ કરતી હોય એવું આ હળવુંફૂલ લોકગીત છે. એ કહે છે કે મારું સગપણ કાળા પુરુષ સાથે તો કરશો જ નહિ, કેમકે હું ઘઉંવર્ણી ને એ કાળો એટલે સૌ અમારી જોડીની ઠેકડી ઉડાવશે ને કાળો વર આપણા કુટુંબને લજાવશે. ગોરો વર શોધવામાં પણ વાંધો; એને પોતાના રૂપનું બહુ અભિમાન હોય, હું એના જેવી ગોરી ન હોઉં એટલે એ મને ધોકે ધોકે માર મારશે! બહુ ઊંચો યુવક પણ નકામો, કેમ કે આપણું ઘર નીચું એટલે એ આવતાં-જતાં આપણી આડી ભાંગતો જશે ને એમ વારંવાર આપણે નુકસાન વેઠવું પડશે. નીચોય વળી શું કામનો? એ હાલતાં-ચાલતાં કોઈ કોઈને ઠેબે આવ્યા કરશે! લોકગીતની નાયિકાએ ચારમાંથી એકપણ પ્રકારના પુરુષ સાથે પરણવાની ના પાડી દીધી, પણ વાસ્તવમાં એને માટે કેવો યુવક પસંદ કરવો એ નથી કહ્યું! આ લોકગીત ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કૃત ‘ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો-5’માં ‘બરડા પ્રદેશનાં લોકગીતો’ વિભાગમાં હરિલાલ મોઢાએ સંપાદિત કર્યું છે. સવાલ એ ઊઠે છે કે બરડા પંથકનાં લોકગીતોમાં ગાનારી સ્ત્રી ‘પિયર મારું ધંધૂકા’ એવું કેમ ગાય છે? ધંધૂકાની કોઈ દીકરી બરડા વિસ્તારમાં સાસરે હોય તો આવું શક્ય બને. જોકે સૈકા-બે સૈકા પહેલાં વાહનવ્યવહારની સુવિધા ક્યાં હતી કે દીકરીઓને ધંધૂકેથી છેક બરડામાં સાસરે મોકલે! એવું સંભવ છે કે ધંધૂકાની કોઈ બહેન કોઈ કારણસર બરડામાં આવી હોય ને એણે આ લોકગીત ગવડાવ્યું હોય, પછી બરડાની બહેનોએ એ શીખીને ગાવાનું શરૂ કરી દીધું હોય, કેમ કે ગમતીલા ઢાળનાં લોકગીતો એ સમયે આમ જ વાઈરલ થઈ જતાં. આવું જ એક બીજું ગીત મળે છે જેમાં દીકરી પોતાના પિતાને કહે છે કે: ઊંચો તે વર ના જોશો દાદાજી, ઊંચો તે નૈત્ય નેવાં ભાંગશે. નીચો તે વર ના જોશો દાદાજી, નીચો તે નૈત્ય ઠેબે આવશે. કાળો તે વર ના જોશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. ધોળો તે વર ના જોશો દાદાજી, ધોળો તે આપ વખાણશે. કેડે પાતળિયો ને વાને ઘઉંવર્ણો, મારી સૈયરુંએ વખાણિયો. અહીં દીકરીએ પોતાના માટે કેવો વર પસંદ કરવો એની સ્પષ્ટ વાત કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:દિમાગના શૈતાની ખ્યાલો; ચડાવી દિલની દૈવી શાળે, માણસાઈનું વસ્ત્ર વણે જે; એને સાચો લેખું માણસ
    Next Article
    આઠમી અજાયબી:લોહગઢ: મૃત્યુને કારણે ‘જીવંત’ થયેલો કિલ્લો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment