Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:દિમાગના શૈતાની ખ્યાલો; ચડાવી દિલની દૈવી શાળે, માણસાઈનું વસ્ત્ર વણે જે; એને સાચો લેખું માણસ

    18 hours ago

    ‘એ... ઈ... મિસ્ટર! આ લાઈન નથી દેખાતી? અમે બધાં દોઢ કલાકથી અહીં બેસીને તપ કરીએ છીએ અને તમે સીધા આવતાંની સાથે અંદર ઘૂસી જાઓ છો?’ અંબાલાલે ઊંચા અવાજે પૂછ્યું અને વેઈટિંગ રૂમમાં ઉપસ્થિત ત્રીસ માથાંઓ એમના સમર્થનમાં ડોલી રહ્યાં. આગંતુક આદમીનો ચહેરો ગરીબડો હતો, અવાજ પણ ગરીબડો થઈ ગયો: ‘ભાઈ, ઈમરજન્સી કેસ છે. મારી દીકરીની હાલત સારી નથી. એનાથી બેસી નહીં રહેવાય. માનવતા ખાતર અમને પહેલાં જવા દો.’ ‘માનવતાની તો વાત જ ન કરવી મારી આગળ. ત્યાં બેન્ચ ઉપર બેસી જાઓ. સૌથી છેલ્લે, સૌથી પાછળ. મારી સાથે જરા પણ જીભાજોડી નહીં કરવાની. હું વધારે બોલનારો માણસ નથી. મારી જીભ ચાલે છે એના કરતાં મારા હાથ-પગ વધારે ચાલે છે. મને ઓળખે છે? મારું નામ…’ અંબાલાલની આંખે લાલ રંગ ધારણ કરી લીધો. આધાર કાર્ડ પ્રમાણે નામ અંબાલાલ લાલભાઈ કારખાનાવાલા. એસિડ બનાવવાનો ધંધો. ત્રણ પેઢીઓથી આ જ બિઝનેસ ચાલ્યો આવે, એટલે મૂળ અટક પડતી મૂકીને નવી અટક અપનાવી લીધી હતી. નાનપણથી ફેક્ટરીમાં રમતાં-રમતાં મોટા થયા, સ્વભાવ પણ જલદ તેજાબ જેવો બની ગયો હતો. ચાલીસની ઉંમરે પહોંચતામાં તો નામ પણ લોકજીભે ચડી ગયું: અંબુ એસિડ. પેલો આધેડ ઉંમરનો પુરુષ ‘અંબુ એસિડ’ નામ સાંભળીને ધ્રૂજી ઊઠ્યો, પણ ત્યાં સુધીમાં એની ઘરવાળી એની જુવાન દીકરીને લઈને ડૉ. ઠક્કરના કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થઈ ચૂકી હતી. હવે અંબુભાઈ પાસે એક જ રસ્તો બચ્યો હતો. એ પણ પેલા પુરુષને હડસેલીને ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં ઘૂસી ગયા. વિવેકભાન ભૂલીને ડૉક્ટરને ધમકાવવા લાગ્યા, ‘આ તમે બરાબર નથી કરી રહ્યા ડૉક્ટર! ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન! તમારા વારા પ્રમાણે જ દર્દીને બોલાવવા જોઈએ. ઈમરજન્સી કેસ છે એવું બહાનું કાઢીને કોઈ પણ હાલી-મવાલી અંદર ઘૂસી જાય એવું કેવી રીતે ચાલે? અમે બહાર દોઢ-બે કલાકથી બાંકડો ગરમ કરતાં બેઠાં છીએ એનું શું? તમે આ મા-દીકરીને બહાર કાઢો.’ ડૉ. ઠક્કરે દર્દી યુવતી તરફ જોયું. એનું વધેલું પેટ અને એની સાઈઝ જોઈને સમજી ગયા કે પ્રેગ્નન્સીની ફુલ ટર્મ થઈ ગઈ હોવી જોઈએ. યુવતીના ચહેરા પર પરસેવાનાં બુંદ જામેલાં હતાં, આંખોમાં ડર હતો, મોં પર પીડા હતી. શી મસ્ટ બી ઈન લેબર. ‘ભાઈ, તમે અત્યારે ડિસિપ્લિનની વાત ન કરો. આ છોકરીની હાલતને ધ્યાનમાં લો. એની જગ્યાએ તમારી દીકરી આ સ્થિતિમાં હોય તો.…’ ડૉ. ઠક્કરનો અવાજ પણ સહેજ ઊંચો થયો. ‘મારી દીકરી આ હાલતમાં હોય તો હું બે કલાક પહેલાં એને લઈને તમારી પાસે પહોંચી ગયો હોઉં, આ ડોબાની જેમ છેલ્લી ઘડીએ આવીને બીજા દર્દીઓને હેરાન ન કરું. ડૉક્ટર, મારે તમારી એક પણ વાત નથી સાંભળવી, તમે આ બંનેને બહાર કાઢો.’ અંબુભાઈ હવે જીદ પર અડી ગયા. ‘અને ન કાઢું તો?’ ડૉક્ટર પણ ક્ષત્રિયનું લોહી ધરાવતા હતા. અંબુભાઈ ક્રોધથી લાલ-પીળા થઈ ગયા પણ ડૉક્ટર જેવા ડૉક્ટરની સમક્ષ અભદ્ર વાણી ઉચ્ચાર્યા વગર માત્ર આટલું જ બોલ્યા, ‘તો હું શું કરી શકું છું એ આપણા શહેરના કોઈ પણ નાગરિકને પૂછી લેજો.’ પછી પેલી યુવતીના પિતા સામે જોઈને આંખોમાંથી આગ ખેરવીને ધમકી આપી, ‘તારું નામ, સરનામું, કામધંધો આ બધું હું મારી રીતે જાણી લઈશ. અત્યારે તો જાઉં છું. બહુ જલ્દી તને શોધી લઈશ. ત્યાં સુધી જીવી લેજે.’ બહાર બાંકડા ઉપર બેઠેલી પોતાની પત્નીને ઉદ્દેશીને એ બોલ્યા, ‘જોઈ શું રહી છે? શહેરમાં કંઈ આ એક જ ડૉક્ટર છે? ચાલ, ઊભી થા.’ અંબુભાઈ એમનો એસિડ જેવો સ્વભાવ અને બેઈઝ જેવી ઘરવાળી લઈને ચાલતા થયા. કેટલાંક લોકોનાં મનમાં આવો પ્રશ્ન થઈ શકે, ‘શું કોઈ માણસ આવો તામસી સ્વભાવનો હોઈ શકે?’ આનો જવાબ છે: ‘હા, હોઈ શકે. આનાથી પણ વધારે તામસી પ્રકૃતિના માણસો હોઈ શકે. દરેક શહેર, ગામ, સમાજ અને વ્યવસાયમાં આવા આકરા સ્વભાવના લોકો હોય છે.’ આવા સ્વભાવને જ્ઞાતિ, સંસ્કાર કે ભણતર સાથે પણ કોઈ નિસ્બત નથી હોતી. મેં એક મોટી સરકારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સિવિલ સર્જનને એક વાર હોસ્પિટલના નો પાર્કિંગ ઝોન’માં પાર્ક થયેલા સ્કૂટરના ટાયરમાંથી જાતે, પોતે, સ્વયં હવા કાઢી રહેલા જોયા છે. મેં પૂછ્યું તો એમણે ગુસ્સાથી તમતમી ઊઠેલા ચહેરે જવાબ આપ્યો હતો, ‘મેં કેટલી વાર કહ્યું કે વાહનો પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરો, પણ આ અભણ દર્દીઓ અને એમનાં સગાંવહાલાંઓ મારું કહેવું સાંભળતા જ નથી. એમને સુધારવા માટે મારી પાસે આ છેલ્લો એક જ ઉપાય…’ અભણ માણસોને સુધારવા માટે એક એમ.એસ. થયેલો સિવિલ સર્જન બગડી રહ્યો હતો. જૂનાગઢમાં એક ફિલ્મની ટિકિટ માટેની લાઈનમાં એક માણસ વચ્ચે ઘૂસી ગયો એનાથી ગુસ્સે થયેલા બીજા માણસે કંઈ પણ બોલ્યા કે પૂછ્યા વગર પેલાના પેટમાં ચાકુ હુલાવી દીધું હતું. અત્યારે સ્વર્ગસ્થ એવા એક જમાનાના અત્યંત પ્રખ્યાત, સંસ્કારી, એમના ક્ષેત્રના અગ્રણી એવા સુશિક્ષિત મહાનુભાવ જો કોઈ એમની કારને હાથ લગાડે તો ઊકળી ઊઠતા હતા અને એક વાર એમની કારને અઢેલીને ઊભેલા એમના પડોશીને એમણે વકીલ દ્વારા કાનૂની નોટિસ મોકલી હતી એવી ઘટના ચર્ચાસ્પદ બની હતી. આ બધા તો ભણેલા-ગણેલા, પ્રતિષ્ઠિત મહાનુભાવો હતા, અંબુ એસિડ એમની સરખામણીમાં કંઈ જ ન કહેવાય. એના જેવા અભણ અને જડ માણસનો ક્રોધ ખોપરી ફાડીને આસમાન સુધી પહોંચે એમાં નવાઈ શા માટે? ચોવીસ કલાકમાં જ અંબુભાઈ પાસે પેલા માણસની પૂરેપૂરી જન્મકુંડળી અને કર્મકુંડળી આવી ગઈ: ‘નામ શામજી, કામ કડિયા-કામની મજૂરી. રહેવાનું શહેરથી દૂર આવેલી ગેરકાયદે ઝૂંપડપટ્ટીમાં. સંતાનમાં ત્રણ દીકરી, એક દીકરો. મોટી દીકરીને પાંચ વાર કસુવાવડો થઈ ગયા પછી માંડ પૂરા મહિના સુધી પહોંચેલી પ્રેગ્નન્સી. શામજી રોજ દીકરી માટેનું ટિફિન લઈને બપોરે બાર અને સાંજના આઠ વાગે ઘરેથી નીકળીને દવાખાને જાય છે. બે દિવસ પછી કદાચ ડૉક્ટર અંબુની દીકરીને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. જો ઘા કરવો હોય તો આ બે સમય યોગ્ય ગણાય.’ આ ઉપરાંત પણ અંબુભાઈના ખબરીએ અન્ય કેટલીક માહિતી આપી દીધી જે આખરી નિર્ણય લેવામાં અંબુ એસિડને ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ. ત્રીજા દિવસે સવારે અંબુભાઈ ડૉ. ઠક્કરના વેઈટિંગ રૂમમાં પહોંચી ગયા. ઓરડો ચિક્કાર ભરેલો હતો. એપોઈન્ટમેન્ટ લીધા વિના ગયા હતા એટલે અંબુભાઈએ ખાસ્સા બે કલાક સુધી બેસી રહેવું પડ્યું. પટાવાળો અંદર જઈને ડૉક્ટરના કાનમાં માહિતી ઠાલવી ગયો, ‘પેલો માથાભારે ગુંડો પાછો આવ્યો છે. સાચવજો, સાહેબ.’ ડૉ. ઠક્કરે પોતાનું કામ પૂરેપૂરું પતાવી લીધા પછી પટાવાળાને સૂચના આપી, ‘એ બદમાશ ઝગડવા આવ્યો લાગે છે. એને છેલ્લે અંદર મોકલજે, પહેલાં શામજીને મોકલી આપ. આજે એની દીકરીને રજા આપવાની છે, શામજી બિલ ભરવા માટે આવ્યો હશે.’ પટાવાળાએ બહાર આવીને સૂચનાનો અમલ કર્યો. શામજી કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થવા માટે આવ્યો પણ અંબુ એસિડે એને રોક્યો. હાથનો ધક્કો મારીને શામજીની પહેલાં પોતે દાખલ થઈ ગયો. ડૉ. ઠક્કરની સામે જઈ ઊભો, ‘એને શા માટે બોલાવો છો, સાહેબ? બિલની રકમના રૂપિયા શામજીડો સાત ટકા વ્યાજથી લઈ આવ્યો છે. એને રવાના કરી દો. એ બિલ હું ભરી આપું છું. ભગવાને મને ત્રણ દીકરાઓ આપ્યા છે, દીકરી એક પણ દીધી નથી. તમે બિલ લો, હું શામજીની દીકરીનું દિલ જીતીને જાઉં છું.’- શીર્ષકપંક્તિ : ડો. મનોજ જોશી
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:શું વારંવાર એપ્લાય કરવાથી વિઝા મળે?
    Next Article
    મેંદી રંગ લાગ્યો:માડી, મુને કાળાને ના દેજો, પિયર મારું ધંધૂકા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment