Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:પહેલો વરસાદ: સ્મરણોનો સૈલાબ

    2 days ago

    રક્ષા શુક્લ પહેલા વરસાદનો છાંટો તો ગરમીથી બેહાલ બનેલાં તનને અને ફેસબુકિયા સંમોહનથી મૂર્છિત થયેલાં મનને સંઘાડાતો માટીનો મઘમઘતો ધૂપ છે. પહેલા વરસાદ પછી માટીમાંથી ફોરતી મબલક મહેક સામે પાંચ હજારના સ્પ્રેનું પાંચિયું પણ ન આવે. એ વખતે જો મનજી વરસાદમાં પલળવાથી થતા ગેરફાયદાઓને આગળ કરી, ભીંજાવાની વાતે ભાગેડુવૃત્તિ બતાવે તો કોઈની દેન નથી કે તમને ઘરડાં થતાં કોઈ અટકાવી શકે. વરસાદનો પહેલો છાંટો ચોમાસાનો કાંકરીચાળો છે, જે જીવ સોંસરવો ઊતરી જાય ને શ્વાસમાં ડમરી ચડે છે. એવા સમયે ‘મન ક્યૂં બહેકા રે બહેકા...?’ના સોચનીય સવાલને બાજુ પર મૂકી ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે’નો ડાન્સ કરવો જોઈએ. પાછું વળીને જોયું કે મર્યાં! સમય અને સંજોગોની મર્યાદાનાં કંઈ કેટલાંય વજનિયા દોટ મૂકીને તમને વળગી પડશે. મનને જરા પણ મોં-મન આપશો તો એ તરત બહાનેબાજી શરૂ કરશે... ‘No time, Yaar... હજુ ફલાણાં ફલાણાં કામ બાકી છે અને અત્યારે તને નહાવાનું સૂઝે છે?’ કે પછી ‘પલળવાથી માંદા પડશો ત્યારે શું કરશો?’ વગેરે વગેરે કહી રૂટિનનો રેઈનકોટ પહેરી લે છે. પહેલા વરસાદમાં તરસવું અને વરસવું સમ પર આવી જાય છે. વર્ષાઋતુના પ્રથમ દિવસે મહાકવિ કાલિદાસના વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્ય ‘મેઘદૂત’ કવિકર્મના ઉત્તમ સર્જન તરીકે કવિઓનાં મન-હૃદય પર નાયક યક્ષ કબજો જમાવે છે. આ સંસ્કૃત ખંડકાવ્ય ‘મેઘદૂત’ની શરૂઆતની પ્રખ્યાત પંક્તિ ‘આષાઢસ્ય પ્રથમ દિવસે’ વર્ષાઋતુનું આગમન થતાં સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ તરફ ઈશારો કરે છે. મોહન રાકેશનું નાટક ‘આષાઢ કા એક દિન’ કવિ કાલિદાસના જીવનની કાલ્પનિક પ્રણયકથાને રજૂ કરે છે. સીવેલાં ભૂર્જપત્રો(ભોજપત્ર)ની ભેટ મલ્લિકા કાલિદાસને આપે છે અને કહે છે, ‘આના ઉપર એક મહાકાવ્યની રચના કરો.’ જ્યારે ભૂર્જપત્રો પર મલ્લિકાનાં અશ્રુબિંદુઓના ડાઘ નજરે ચડે છે ત્યારે કાલિદાસ કહે છે, ‘તારાં અશ્રુબિંદુઓથી તો મહાકાવ્યની રચના થઈ ચૂકી છે.’ હિન્દી ફિલ્મોના ભારતીય દિગ્દર્શક મણિ કૌલે આ નાટક પર આધારિત, આ જ નામની એક ફિલ્મ 1971માં બનાવી હતી, જેને નાટક જેટલો જ સફળ અને સબળ પ્રતિસાદ મળ્યો હતો. વાદળોના પ્રથમ સ્ખલન સાથે બારે મેઘ ખાંગા થાય છે. પહેલી વર્ષા સૌંદર્યની એવી છોળ છે કે તેમાં સૌ કોઈ તરબોળ થાય છે. તેને કોઈ પોકળ પરિવેશની જરૂર નથી. એ પોતે જ ઉદ્દીપક છે. મધ્યકાળનાં ઋતુકાવ્યો જોતાં આ વાતનો ખ્યાલ આવે છે. ભર્તુહરિના ‘શૃંગારશતક’માં વરસાદની માદકતા વર્ણવતા તેઓ લખે છે કે... ‘જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી પ્રેમીના ગમગીન કે માઠા દિવસો પણ શુકનવંતા બની જાય છે.’ પહેલા વરસાદની વાત હોય ને પ્રિયજનને સામેલ ન કરીએ તો તો ચોમાસામાં છલછલ થતી સંવેદનાનાં નદી-નાળાં ચોક્કસ સુકાઈ જાય. જાણે અડધા વરસેલા વાદળને કોઈએ ‘stop’નો આદેશ આપી ‘standstill’ કરી દીધા હોય! મોન્સૂનમાં માશૂકાને જ નહીં પણ પત્નીને પણ યાદ કરવી પડે જે કહેતી હોય કે ‘હાય હાય યે મજબૂરી...’ આકાશમાંથી રિમઝિમના રેલા ને ધારદાર ધધૂડા વછૂટ્યા હોય ત્યારે જો હૈયું હાથવગું રહે તો વરસાદને ઘોર અન્યાય થયો ગણાય. આ સમય પરિવાર સાથે ગરમાગરમ ચા અને ભજિયાં ખાવાનો લહાવો છે. પહેલા વરસાદમાં ફળફળતા સ્વાદમાં વગર આમંત્રણે નાસિકામાં ઘૂસી જતી માટીની મહેક જોહુકમી કરે છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં અચાનક છવાઈ જતી આહલાદક ઠંડક તથા ભીની માટીની સુગંધની જુગલબંધી એટલે પ્રથમ વરસાદ. આ વિશિષ્ટ માટીની સુગંધને અંગ્રેજીમાં ‘પેટ્રિકોર’ (Petrichor) કહે છે, જે સૂકી માટી પર પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટી, ભીના પથ્થર અને તાજી લીલી વનસ્પતિ સાથે તાજગીભર્યા પવનના મિશ્રણ જેવી સુગંધ આપે છે. વર્ષારૂપે ઈશ્વરકૃપા જ ધરતી પર વરસે છે એટલે જ સંસ્કૃતમાં લોકકલ્યાણ માટેની એક પ્રાર્થના છે કે, ‘કાલે વર્ષન્તુ પર્જન્યઃ, પૃથિવી સસ્યશાલિની’ અર્થાત્ ઋતુ મુજબ સમયસર મેઘવર્ષા થાઓ અને પૃથ્વી ધનધાન્યથી હરીભરી હજો. પહેલા અમીછાંટણા થતા જ બળદો સાથે ખેડૂતોનું ખેતર તરફ જવું અને વાવણીની શરૂઆત કરવી એ એક ઉત્સવ સમાન હોય છે. જીવનમાં કોઈનું છલોછલ હોવું ઉછળતું હોય ત્યારે વ્યક્તિ પ્રેમની એ પાગલ પળોને આંખોમાં, હૃદયમાં ગણી ગણીને, વીણી વીણીને અમૂલ્ય જણસની જેમ સંઘરતો હોય છે; પણ પ્રેમી જ્યારે દૂર થઈ જાય અને માત્ર સ્મરણોમાં રહી જાય, પછી કોઈ પળોનું કંઈ મહત્ત્વ હોતું નથી. ચોમાસું પ્રારંભાય એ પહેલાં પડેલાં બે-એક નાનકડાં માવઠાંને પણ અવગણી ન શકાય. એટલે જ હરીન્દ્ર દવે કહે છે કે ‘મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા, ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા.’ આ ગમતીલા વરસાદથી અન્ય કાવ્યમાં પણ આ કવિને ઈશ્વરની યાદ પણ પહેલા વરસાદ સમી લાગે છે. તો આવોને, સ્મરણની સંદૂકમાં રહેલા પહેલા વરસાદ સાથે હરખની હેલીનો મેળાપ કરાવીએ ને ધૂળભરી ધરતીમાં રૂપાળી રંગોળી કરીએ. ઇતિ વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. - વિલિયમ જેમ્સ
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:તળિયાનું મૌન ઢળ્યું ગીતમાં
    Next Article
    રિફ્લેક્શન:એક કપ કોફીની સુગંધ સાથે બદલાતી જીવનશૈલી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment