Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓફબીટ:તળિયાનું મૌન ઢળ્યું ગીતમાં

    2 days ago

    મનોજ ખંડેરિયા એટલે ગઝલનો ગઢ. ગુજરાતી ગઝલની વાત મનોજ ખંડેરિયા વગર કરવી એ તો આકાશ વગર વાદળાં બાંધવા જેવી વાત. ગઝલની નજાકતને એમણે શુદ્ધ છંદો સાથે સેવી છે, એમનાં ગીતો પણ માણવા જેવાં છે. કહેવાય છે કે ગઝલનો લય મધ જેવો હોય, એની મસ્તીથી આગળ વધે. ગીતનો લય ઝરણાં જેવો તોફાની! ઝરણાના પોતાના કાયદા-કાનૂન. ગઝલ અને ગીત બંનેની ફાવટ હોય એવા કવિઓની કવિતા સામે આપણે ઢાંકપિછોડો કરીએ છીએ. એટલે જ મનોજ ખંડેરિયાનાં ગીતો વિશે બહુ લખાયું કે બોલાયું નથી. એમનાં ગીતોમાં પ્રકૃતિપ્રેમ અને એમની અંગત જીવાયેલી ક્ષણોનું ઊંડાણ છે. એક મુખડું જ જુઓ ને! ટેરવામાં રેલાતું ગીત મને આપો, તો ભીનું છમ નભ મારું ઢોળું. કવિને ગીત રેલાતું જોઈએ છે. એમાં જ ફેલાતું કરવું છે પોતાનું ભીનું છમ નભ. ગઝલના મનોજભાઈ ગીતમાં જુદા નથી, પણ ગીત સાથે વહી નીકળેલા જરૂર લાગે! આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો, કે આપણે ન ભીંત ઊભી અંધ, પાંદડાંથી લીલપને હોઈ શકે એટલો જ, આપણો આ ઘરથી સંબંધ. ‘આ ઘરથી સંબંધ’ કેટલો? પાંદડાંને લીલપથી હોઈ શકે એટલો! લીલપ સુકાઈ જાય અને પાંદડું ખરી પડે પછી ડાળીઓ અને કૂંપળ પણ આંધળી ભીંતો જેવી શુષ્ક લાગે ને! જેમાં જીવી જવાનું છે એનો પૂરેપૂરો આનંદ કવિ ગીતની પંક્તિઓમાં દોમદોમ પ્રગટાવે છે. કીકીમાં વીજ કોઈ ઝબકી ઊઠીને, મારી ઈચ્છાનાં છલકાયાં નેવાં. પડખામાં હરિયાળી ફૂટે છે લ્હેરખીને, ફફડાવે પાંખ બે પારેવાં. ગીતના શબ્દોમાં જેવું થાય છે એવું બધું જ કવિના પડખામાં થાય છે. વીજ કીકીમાં ઝબૂકે એમની પાસે જ સાંબેલાધાર વરસાદની અપેક્ષા રાખી શકાય. ઈચ્છાનાં નેવાં છલકાય ત્યારે જ ફળેલાં મનોરથો કવિતા થઈને ઊગી નીકળે! આગમન ગમતું હોય ત્યારે આંગણું પણ તોરમાં આવી જાય. દીવાને પવનનો કંપ અડે અને દીવાને જેવું થાય એવું કવિએ આપણને સાથે રાખીને ગીતના લયમાં ઉઘાડ્યું છે. કંપ દીવાની જેમ હવામાં ઝબકી ઊઠે, પાંદડાની જ્યાં જરીક હલે કોર, આંગણું આખું સૂરથી ભીનું થાય એવા તો, ગ્હેકી ઊડે પગલાંના કૈં મોર. સુગંધનાં પગલાંને સાચવતી પાંદડીઓ કઈ? હૃદયના આંગણામાં ખીલેલો ઉમળકો કવિ ગીતમાં આપણને પાછો આપે છે. યાદ પણ સચવાઈ હોય અને આંસુની સુગંધ પણ ફૂલ થતાં થતાં રહી ગઈ હોય! ઘટમાળ સાથે ઘટનો તાલ મેળવીને ચૂપચાપ ગીતમાં કેવું ગૂંથણ કરીને કવિ ગીતને આપણી જ પાંપણોને સોંપે છે? વાંચતી વખતે પાંપણની થાપ ગીતમાં સંગીત ઊપસાવે છે અને ધબકારાની મહેફિલને જાણે ભાવકનું પોતાનું સ્વરાંકન, પોતાની તરજ મળે છે. સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે, પાંપણની બેય ભીની પાંદડી. પાંપણની પાંદડી ભીની છે એટલે સંબંધની સવાર પણ અકબંધ છે. સવારને કવિ પોતાની કલમે કંડારે છે. કૂકડાની કલગીમાં ફરકી સવાર કે એ, કલરવિયાં પીંછામાં પ્રસરી, ઝાકળની આંખોને ચૂમવા સૂરજની, સોનેરી ઝંખનાઓ ઉતરી. તેજ-તોખાર સૂરજને પણ ઝાકળની આંખોને ચૂમવી છે. ‘કલરવિયાં’ શબ્દ પોતે જ જાણે પંખીઓના પાઠ કરતો કુબેર ભંડારી લાગે છે. ગઝલને હસ્તગત કર્યા પછી ગીતની કર્ણપ્રત હાથ લાગવી એ તો આગના દોરાથી વીજળી પરોવીને સૂરજ ચીતર્યાની અનુભૂતિ છે. મનોજ ખંડેરિયાના ગીત વિશે વાત કરવાનું મન થાય એ જ જૂનાગઢની અકબંધ સુગંધનો ચમત્કાર છે. શ્વાસવગાં હતી એટલી પંક્તિઓથી નિરાકાર જૂનાગઢને મનોજભાઈનાં ગીતોથી ગુલાલ ઉડાડીને આંખોથી પરિક્રમા કરી છે. મનોજ ખંડેરિયા જ કહે છે. એ જ કહી શકે... સંગમાં ઝૂલ્યાની ફરી વાંસળી ન વાગી તોય, સૂરભીના વળગ્યા છે ભીતમાં. શબ્દોમાં ખળખળ તે નીરની ઝીલાઈ નહીં, તળિયાનું મૌન ઢળ્યું ગીતમાં. ઑન ધ બીટ્સ એક ભીંત બીજી ભીંતને પૂછી રહી ધીરે, ‘શું આપણા વિષે ભલા ધારે છે બારણું?’ - મનોજ ખંડેરિયા
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:માણસના 60% ચેપી રોગો પ્રાણીઓમાંથી આવે છે?
    Next Article
    રેઈનબો:પહેલો વરસાદ: સ્મરણોનો સૈલાબ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment