Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:માણસના 60% ચેપી રોગો પ્રાણીઓમાંથી આવે છે?

    2 days ago

    હમણાં છઠ્ઠી જુલાઈએ ‘વિશ્વ ઝૂનોઝિસ’ દિવસ ગયો, પણ આપણાંમાંથી ભાગ્યે જ કોઈએ એની નોંધ લીધી. આ વિશ્વ ઝૂનોઝિસ દિવસ ફક્ત એક સ્મૃતિદિન નથી. તે સમગ્ર માનવજાતને મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે કે પ્રાણીઓ અને મનુષ્યોનું આરોગ્ય એકબીજાથી અલગ નથી. પ્રાણીઓ પ્રત્યે જવાબદાર વર્તન, સ્વચ્છતા, સમયસર રસીકરણ અને વૈજ્ઞાનિક સમજણ થકી આપણે બધાં અનેક જીવલેણ રોગોથી બચી શકીએ છીએ. આ સમજવા માટે દર વર્ષે 6 જુલાઈએ વિશ્વમાં મનાવાતા ઝૂનોઝિસ દિવસ વિશે જાણવું પડે. આ દિવસનો ધ્યેય ઝૂનોઝિસ તરીકે ઓળખાતાં, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાતા રોગો વિશે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે દુનિયાભરમાં લાખો લોકો આવા રોગોથી સંક્રમિત થાય છે અને હજારોનાં મોત થાય છે. જોકે, ઝૂનોઝિસ દિવસની અહમિયત મહજ આરોગ્ય ક્ષેત્ર માટે જ નથી; પશુપાલન, વન્યજીવન સંરક્ષણ, પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે પણ તે મહત્ત્વપૂર્ણ છે. આ દિવસ મનાવવા પાછળ એક રસપ્રદ ઐતિહાસિક ઘટના છે. 1885ની 6 જુલાઈએ ફ્રાન્સના મહાન વિજ્ઞાની લુઈ પાશ્ચરે પ્રથમ વખત હડકવા સામેની રસી સફળતાપૂર્વક એક બાળકને આપી હતી. આ બાળકનું નામ જોસેફ મેઈસ્ટર હતું, જેને હડકાયેલું કૂતરું કરડ્યું હતું. રસીથી બાળકનો જીવ બચી ગયો અને વિશ્વમાં ઝૂનોટિક રોગો સામે લડવાની નવી આશા જન્મી. આ સિદ્ધિ બદલ દર વર્ષે 6 જુલાઈએ ઝૂનોઝિસ દિવસ ઊજવાય છે. ઝૂનોઝિસ એટલે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અથવા મનુષ્યોમાંથી પ્રાણીઓમાં ફેલાતા ચેપી રોગો. આ રોગો વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ, પરોપજીવી અથવા અન્ય સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આ ચેપ સીધો પ્રાણીઓના સંપર્કથી, તેમના લોહી, લાળ, પેશાબ અથવા મળ દ્વારા ફેલાઈ શકે છે. કેટલીકવાર મચ્છર, બગાઈ (પ્રાણીઓનું લોહી ચૂસતું નાનું જંતુ), ચાંચડ અથવા અન્ય જીવાતો પણ આ રોગો ફેલાવે છે. આંચકાજનક બાબત એ છે કે માનવજાતના લગભગ 60 ટકા ચેપી રોગો ઝૂનોટિક છે અને નવા ઊભા થતા ચેપી રોગોમાં લગભગ 75 ટકા રોગોનો ઉદભવ પ્રાણીઓમાંથી થયાનું મનાય છે. તેથી ઝૂનોઝિસને અવગણવું અત્યંત જોખમી છે. ઝૂનોટિક રોગોમાં હડકવા નંબર વન છે. પછી ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, એન્થ્રેક્સ, બ્રુસેલોસિસ, લેપ્ટોસ્પાયરોસિસ, પ્લેગ, નિપાહ વાઈરસ, ઈબોલા અને કોરોના પણ ખરા. ઝૂનોટિક રોગો સંક્રમિત પ્રાણીને સ્પર્શ કરવાથી, તેના કરડવાથી અથવા ખંજવાળવાથી લાગી શકે છે. દૂષિત દૂધ, માંસ અથવા ઈંડાંનું યોગ્ય રીતે રાંધ્યા વગર સેવન કરવાથી પણ રોગ ફેલાઈ શકે છે. મચ્છર, ટિક (બગાઈ) અને અન્ય જીવાતો ચેપ એક પ્રાણીમાંથી બીજા પ્રાણી અથવા મનુષ્ય સુધી પહોંચાડી શકે છે. કેટલીકવાર પ્રાણીઓનાં મળ-મૂત્રથી દૂષિત પાણી અથવા ખોરાક પણ ચેપ ફેલાવે છે. ઝૂનોઝિસથી બચવા શું કરવું? વ્યક્તિગત અને સામૂહિક સ્તરે સાવધાની રાખવી જરૂરી છે. પાલતુ પ્રાણીઓનું નિયમિત રસીકરણ અને તબિયતની તપાસ કરાવવી જોઈએ. પ્રાણીને સ્પર્શ કર્યા પછી સાબુથી હાથ ધોવા જોઈએ. રખડતાં કે બીમાર પ્રાણીઓથી અંતર રાખવું. મચ્છર અને જીવાતોથી બચવા સ્વચ્છતા રાખવી. જો પ્રાણી કરડે તો ઘા પર સાબુ લગાવીને બરાબર ધોવો અને જરૂરી સારવાર તથા રસી લેવી. કૃષિપ્રધાન ભારત માટે ઝૂનોઝિસનું વિશેષ મહત્ત્વ છે. આપણાં લોકો મોટી સંખ્યામાં કૃષિ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલાં છે. ઉપરાંત દેશમાં વિશાળ વન્યજીવન અને મોટી સંખ્યામાં રખડતાં કૂતરાં પણ છે. આમ, ભારતમાં ઝૂનોટિક રોગોનું જોખમ વધુ છે. દર વર્ષે ભારતમાં હજારો લોકો હડકવાના કારણે મૃત્યુ પામે છે. લેપ્ટોસ્પાયરોસિસ, બ્રુસેલોસિસ અને બર્ડ ફ્લૂ જેવા રોગોના કેસ પણ સમયાંતરે નોંધાય છે. તેથી પશુચિકિત્સકો, ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો વચ્ચે સંકલન ખૂબ જરૂરી છે, પણ કમનસીબે એવું થતું નથી. આનો શ્રેષ્ઠ વિકલ્પ ‘વન હેલ્થ’ (One Health) છે. હા, વિશ્વ આરોગ્ય ક્ષેત્રમાં આજે ‘વન હેલ્થ’નો અભિગમ ખૂબ મહત્ત્વનો મનાય છે. આ અભિગમ મુજબ માનવીનું આરોગ્ય, પ્રાણીઓનું આરોગ્ય અને પર્યાવરણ એ ત્રણેય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. વાત સીધીસટ ને સરળ છે કે જો પ્રાણીઓ સ્વસ્થ રહેશે અને પર્યાવરણ સુરક્ષિત રહેશે, તો જ માનવજાત પણ વધુ સુરક્ષિત અને સ્વસ્થ રહેશે. તેથી ડૉક્ટરો, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો, વન વિભાગ અને પર્યાવરણ નિષ્ણાતો સાથે મળીને કામ કરે તે આવકાર્ય હોવાની સાથે અનિવાર્ય પણ છે. ઓનલાઈન-ઓફલાઈન પૃથ્વી પર માનવના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો વાઈરસ છે. - જોશુઆ લેડરબર્ગ (નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન વિજ્ઞાની)
    Click here to Read More
    Previous Article
    સ્કાયરૂટનું રોકેટ વિક્રમ:દેશનું પ્રથમ ખાનગી રોકેટ ઉડવા માટે તૈયાર છે
    Next Article
    ઓફબીટ:તળિયાનું મૌન ઢળ્યું ગીતમાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment