Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કાયરૂટનું રોકેટ વિક્રમ:દેશનું પ્રથમ ખાનગી રોકેટ ઉડવા માટે તૈયાર છે

    2 days ago

    અડધી સદી પહેલાં 1975માં ભારતે પ્રથમ ઉપગ્રહ તૈયાર કર્યો, આર્યભટ્ટ. રશિયાની મદદથી લૉન્ચ પણ કર્યો. પાંચ વર્ષ પછી અબ્દુલ કલામ સહિતના વિજ્ઞાનીઓેએ મથીને સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (એસએલવી) રોકેટ તૈયાર કર્યું. એ પછી તો પોલાર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ (પીએસએલવી), જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ (જીએસએલવી) વગેરે રોકેટ તૈયાર થયાં. અવકાશ સંશોધનની વાત આવે તો હવે જગતે ભારતનું નામ આદરથી લેવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. એ સ્થિતિ વધારે મજબૂત થવા જઈ રહી છે, કારણ કે ભારતમાં પહેલી વાર કોઈ ખાનગી કંપનીએ રોકેટ તૈયાર કર્યું છે. રોકેટનું નામ છે વિક્રમ-એસ (વિક્રમ સારાભાઈના સ્મરણે) અને 12મી જુલાઈથી 4થી ઓગસ્ટ વચ્ચે ગમે ત્યારે એ લૉન્ચ થશે. *** ઈસરોમાં જ કામ કરી ચૂકેલા પવન કુમાર અને નાગા ભારત ડેકાએ મળીને 2018માં હૈદરાબાદ ખાતે સ્કાયરૂટ એરોસ્પેસ નામે કંપની સ્થાપી. સ્કાયરૂટનો ઈરાદો નાના અને મધ્યમ કદના ઉપગ્રહો લૉન્ચ કરવાનો છે, જેનું વજન 250થી લઈને 350 કિલોગ્રામ સુધીનું હોય. ભારતમાં અનેક કંપનીઓ પોતાના અંગત વપરાશ માટે ઉપગ્રહ તૈયાર કરાવતી થઈ છે. સમસ્યા એ થાય કે ઉપગ્રહ તો બની જાય, પણ તેના લૉન્ચિંગ માટે રાહ જોવી પડે. કેમ કે ઈસરોનાં રોકેટ નિર્ધારિત સમયે લૉન્ચિંગ કામ કરતા હોય છે. ઉતાવળ હોય તો કોઈ પરદેશી પ્રાઈવેટ કંપની (જેમ કે મસ્કની સ્પેસ એક્સ)ની મદદ લેવી પડે. એ બહુ મોંઘી પડે. ભારતને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધારે ડંકા વગાડવા હોય તો ઉપગ્રહો બનાવવા ઉપરાંત તેના લૉન્ચિંગની સુવિધા ઊભી કરવી પડે. એ ક્ષેત્રે ખાનગી કંપનીઓ આવે એ પણ જરૂરી હતું. સ્કાયરૂટે એ જ કામ કર્યું છે. કોઈનો નાનો ઉપગ્રહ લૉન્ચ કરવો હોય તો સ્કાયરૂટ એ કામ કરી આપશે. અલબત્ત, હજુ કેટલીક સફળતાઓ મળ્યાં પછી. અત્યારે જે લૉન્ચિંગ થવાનું છે એ પ્રયોગ છે. રોકેટ બનાવવું એ એક વાત છે, તેને સફળતાપૂર્વક ઊંચે પહોંચાડવું એ બીજી વાત છે. સફળતાપૂર્વક પહોંચાડવું અને ઉપગ્રહ સાથે પહોંચાડી, ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગોઠવવો એ પણ વળી ત્રીજી વાત છે. એ બધી સફળતા મળે પછી જ સ્કાયરૂટની કામગીરી વેગવાન બનશે. *** અવકાશમાં ઉપગ્રહ ગોઠવાય, હવામાન વગેરેની માહિતી આપે, કમ્યુનિકેશન કરે એ ઉપયોગ જાણીતો છે. હવે એ સિવાયનાં અનેક ક્ષેત્રો માટે અવકાશની ક્ષિતિજો ખુલી ગઈ છે. ખાનગી કંપનીઓ પોતાના ઉપયોગ માટે ઉપગ્રહ રાખે છે. સંરક્ષણ ક્ષેત્રે તો ઉપગ્રહોની મોટી જરૂરિયાત છે જ. ઓપરેશન સિંદૂર વખતે ઇસરો ઉપરાંત ખાનગી કંપનીના ઉપગ્રહોએ લીધેલી તસવીરો પણ બહુ કામ લાગી હતી. ઇલોન મસ્ક સ્ટારલિંક દ્વારા આકાશમાં ઈન્ટરનેટનું માળખું ઊભું કરી રહ્યા છે. બહુ પૈસા હોય તો ભ્રમણકક્ષામાં આંટો મારવો, ભવિષ્યમાં ચંદ્ર પર જવું, મંગળયાત્રાનું પ્લાનિંગ કરવું વગેરે પાઈપલાઈનમાં છે. એ બધી કામગીરી માટે અવકાશ સંબંધિત જાતજાતની સેવા-સુવિધા-પ્રોડક્ટ જોઈશે. એ બધું તો જ પૂરું પડે જો કોઈક એ માર્કેટમાં આગળ વધે, કેમ કે સરકાર દરેક વાતે પહોંચી ન વળે. અમેરિકાએ તો તેનું અવકાશ બજાર ક્યારનું ખુલ્લું મૂકી દીધું છે. જગતની સૌથી ખમતીધર સંસ્થા હોવા છતાં નાસા પોતાના ઉપગ્રહો અને અવકાશમથક સુધી સામાન પહોંચાડવા ખાનગી કંપનીઓનાં રોકેટનો ઉપયોગ કરે છે. એટલે સ્પેસ માર્કેટ દર વર્ષે 10-12 ટકાના દરે વિકસી રહ્યું છે. *** ભારતે પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યાની અડધી સદીમાં અવકાશ માર્કેટમાં ડંકો વગાડ્યો છે, પણ એ માટે ઘણી જ મહેનત કરવી પડી છે. ખાસ તો અમેરિકા-યુરોપના દેશોએ ટેક્નોલોજી અને સાધન સુવિધા માટે આપણને બહુ વર્ષો લટકાવ્યાં હતાં. એમાંય ભારત ક્રાયોજેનિક એન્જિન ન બનાવી શકે એ માટે વિજ્ઞાની નામ્બી નારાયણ પર ખોટા કેસ સહિતની ઘાલમેલો કરી હતી. એ ઈતિહાસ હવે સાવ અજાણ્યો નથી. એ બધાંથી બહાર નીકળીને ભારત અત્યારે વર્ષે 25થી 40 ઉપગ્રહો લૉન્ચ કરે છે અને તો પણ વેઇટિંગ લિસ્ટ લાંબું હોય છે. એટલે ભારતને સ્પેસ માર્કેટમાં કુરિયર કરનારાં વધુ રોકેટ્સની જરૂર તો છે જ. સ્કાયરૂટના રોકેટનું લૉન્ચિંગ ઈસરોના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. ભારતને વધુ આવાં લૉન્ચિંગ મથકોની પણ જરૂર છે, એટલે ગુજરાતમાં એક મથક તૈયાર થઈ રહ્યું છે. Exseed Space (હવેનું નામ Satellize) નામની કંપનીએ 2018મા દેશનો પહેલો ખાનગી ઉપગ્રહ તૈયાર કર્યો હતો, પણ એ લૉન્ચ કરવાની ભારત પાસે ખાનગી સુવિધા ન હતી. ઇસરો લૉન્ચ કરી આપે, પણ એ માટે ઘણી રાહ જોવી પડે. તેથી કંપનીએ સ્પેસ-એક્સના રોકેટ ફાલ્કન-9ની મદદથી તેનું લૉન્ચિંગ કરાવ્યું હતું. ચંદ્રયાન-મંગળયાન વગેરેની સફળતા પછી ભારતમાં સ્પેસ ટેક્નોલોજી સબંધિત સ્ટાર્ટઅપની સંખ્યા ઘણી વધી છે. 2020માં સ્પેસ સ્ટાર્ટઅપની સંખ્યા ગણીને 54 હતી. એ વધીને આજે 400 થઈ ગઈ છે. આંકડો મોટો લાગે પણ ભારતને એ દિશામાં વધુ સ્ટાર્ટઅપની જરૂર તો છે અને પડવાની પણ છે. કેમ કે આગામી પાંચ વર્ષ (2030-32 સુધી)માં ભારતમાંથી લૉન્ચ થતા ઉપગ્રહોમાંથી 40 ટકા ખાનગી હશે. એમને પહોંચી વળવા સ્કાયરૂટ જેવી ખાનગી લૉન્ચિંગ સુવિધા પણ જોઈશે. ગુજરાતીઓ જો પોતાને બિઝનેસ સાહસિક ગણાવતા હોય તો અવકાશ વિજ્ઞાન એમના માટે ખુલ્લું મેદાન છે. અઝિસ્તા એરોસ્પેસ અમદાવાદમાં રહીને જ ખાનગી ઉપગ્રહની દિશામાં દુનિયાભરમાં નોંધ લેવાય એવું કામ કરે છે, પણ તેના સ્થાપકો દક્ષિણ ભારતના છે. ગુજરાતીઓ પણ હવે અવકાશી કંપનીઓ સ્થાપે એ સમય આવી ગયો છે. લૉન્ચિંગ ક્યારે, જ્યારે કહો ત્યારે! કંપનીનો દાવો છે કે એક વખત શરૂ થયા પછી લૉન્ચિંગ ઓન ડિમાન્ડ કરી આપવામાં આવશે. એટલે તમે કહો એના 24 કલાકમાં લૉન્ચિંગ થઈ શકશે. એ દાવો જોકે સાચો પડે ત્યારે જ જગત માનશે એ પણ હકીકત છે.
    Click here to Read More
    Previous Article
    ક્રાઇમ સિક્રેટ:એક એવું મર્ડર જે અકસ્માત જ લાગે
    Next Article
    આજ-કાલ:માણસના 60% ચેપી રોગો પ્રાણીઓમાંથી આવે છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment