Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:હવે ચા પીવા માટે ડિગ્રી લેવી પડશે?

    2 days ago

    ડૉ. પ્રકાશ દવે આજે ચર્ચા ચાની નહીં, પણ ચાના કપની કરવી છે. ઉંમરલાયક લોકોને ખબર હશે કે જૂના સમયમાં ગામડાંનાં લોકો તાંસળી ભરીને ચા પીતાં. તાંસળી ગઈ પછી વાટકા આવ્યા અને વાટકા ગયા ને કપ-રકાબી આવ્યાં. પ્રવાહ બદલાયો છે. હવે ચા પીરસવા માટે નાનાં નાનાં પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવામાં આવે છે. આ કપ એટલા નાનાં હોય છે કે એનાથી ચા પીવી એ એક મોટું પડકારજનક કામ બની રહે છે. આપણે ભલે એને ‘કપ’ એવા નામે ઓળખીએ, પણ એ એટલો નાનો હોય છે કે એને ‘બેબી કપ’ જ કહેવો પડે! ગરમાગરમ ચા આ બેબી કપમાં રેડવામાં આવે એટલે ‘ચા કરતાં કીટલી ગરમ’ની જેમ, કીટલી કરતાં કપ વધુ ગરમ થઈ જાય છે; પરિણામે એને પકડવો બહુ મુશ્કેલ બની જાય છે. ચિનાઈ માટીના કપ પકડવા માટે નાનાં એવા હેન્ડલની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આ પ્લાસ્ટિકના નાનકડા કપમાં આવી કોઈ વ્યવસ્થા ટેકનિકલી શક્ય બનતી નથી. પરિણામે, આપણી આંગળીઓના જોખમે અને જવાબદારીએ કપને રીતસર બોચીમાંથી પકડવો પડે છે! ટીવી સીરિયલોમાં આપણે જોયું છે કે રાક્ષસ કોઈ સામાન્ય માણસને બોચીમાંથી પકડીને ઊંચો કરે, એમ આપણે આ કપને મોં સુધી લઈ જવાનો હોય છે. કેટલાક લોકોની આંગળીઓ એટલી વિશાળ હોય છે કે આ નાનો એવો કપ એમાં ક્યાંય દેખાતો જ નથી! ઘણીવાર તો કપ પકડનારને ખુદને શંકા જાય છે કે, ‘ખરેખર મેં કપ પકડ્યો છે કે એવો મને ભ્રમ થયો છે?’ એટલે એ ખાતરી કરવા માટે કપને મોંઢા કરતાં પણ ઊંચે લઈ જઈને આંખોની અદાલતમાં હાજર કરે છે. આમાં પાછું એક નવું વિઘ્ન આવે છે. ફૂટેલાં લોકોની સમસ્યા માત્ર મનુષ્યમાં જ હોય એવું નથી; અનેક કપ પણ ફૂટેલાં (લીક) હોય છે. જેવા એ આંખ સામે આવે એટલે એ પોતાની હાજરી સાબિત કરવા બે-ચાર ચાનાં ટીપાંનો મોં પર છંટકાવ કરે છે! ગરમાગરમ ચા કપાળ અને ગાલ પર પડે એટલે ગમે તેવો મર્દ પણ દર્દથી નાની સાઇઝના કૂદકા મારી લે છે! વળી, ચાના આ માઇક્રો કપની એક તકલીફ એ છે કે એ દેખાવની જેમ વાસ્તવમાં પણ બહુ નાજુક હોય છે. બે આંગળીઓ દ્વારા સહેજ પણ દબાણ વધે તો એ લજામણીના છોડની જેમ રીતસરના બિડાઈ જાય છે. આવા વિકટ સમયે અંદર રહેલી ચાને જીવ બચાવવા બહાર કૂદી પડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આ કૂદી પડેલી ચા મોટાભાગે આપણાં હાથ, પેટ, પગ ઇત્યાદિ જગ્યાએ આશ્રય લે છે. આ જોખમને લીધે ચાનો કપ પકડવો એ એક ખાસ આવડત માગી લેતો મુદ્દો બની ગયો છે. કપ પર વધારે દબાણ આપવાથી અંદરની ચા બહાર કૂદી પડે છે અને ઓછું દબાણ આપવાથી કપ પોતે જ હાથનો ત્યાગ કરવા તત્પર બને છે! માની લો કે આ બધું સુખરૂપ પાર પડ્યું, તો પણ આવા કપથી ચા પીવાનાં કપરાં ચઢાણ હવે શરૂ થાય છે. કપ એટલો નાનો હોય છે કે જો ધ્યાન ન રાખીએ તો એ આખેઆખો મોંમાં જતો રહે! સાવધાનીપૂર્વક કપ આડો કરીએ તો એટલી ઓછી ચા મોંમાં જાય કે ચાનો અસલી સ્વાદ માણી જ ન શકાય. આ બધું સેટિંગ કરવામાં ચા ક્યારે પૂરી થઈ જાય એની ખબર જ ન પડે. ઘણા ચાના શોખીનો તો ચા પૂરી થઈ ગયા પછી મોં ઉપર ખાલી થયેલા કપને ઊંધો વાળી, ઉપરથી ઠપકારી જુએ છે. આ ધરતીની માલીપા ચાના એવા શોખીનો પણ પડ્યા છે જે ચા પૂરી થયા પછી ‘દિલ માગે મોર’ની ભાવનાને અનુરૂપ મોં ઉપર જ કપને રીતસર નિચોવે છે! એક બીજી સમસ્યા તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. ચાનો કપ સાઈઝમાં નાક જેવા આકારનો હોય છે. ચા પીતી વખતે ધ્યાન ન રહે તો કપ નાક તરફ પ્રયાણ કરે છે અને નાક સાથે ફિટ થઈ જાય છે! થોડી સમજાવટ પછી કપ તો નાકને છોડી દે છે, પણ ચાના અવશેષો નાક ફરતે પોતાની હાજરી નોંધાવી દે છે; જેનો ખ્યાલ ચા પીનારને આવતો નથી, પણ આસપાસ ઊભેલા લોકોને આ અદભુત નજારો જોવા મળે છે! ચાનો નાનો કપ શોધનારો માનવજાતિનો હિતેચ્છુ હશે એમાં કોઈ શંકા નથી. એણે એમ વિચારીને આ નાનો કપ શોધી કાઢ્યો હશે કે નાના કપને લીધે લોકો ઓછી ચા પીવે અને તેમની તંદુરસ્તી સારી રહે. ચા અને ચાહત પૂરતા પ્રમાણમાં ન મળે તો માણસ મૂંઝાઈ જાય છે. એટલે ચાહત અને ચા બંને માટે પાત્ર કાળજીપૂર્વક પસંદ કરવાં!
    Click here to Read More
    Previous Article
    સહજ સંવાદ:યુનિવર્સિટીનો ટાવર કૈંક બોલે તો?
    Next Article
    ક્રાઇમ સિક્રેટ:એક એવું મર્ડર જે અકસ્માત જ લાગે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment