Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજ સંવાદ:યુનિવર્સિટીનો ટાવર કૈંક બોલે તો?

    1 day ago

    હવેની યુનિવર્સિટીઓ (એટલે કે વિશ્વવિદ્યાલયો)માં ક્યાંય ટાવર નથી, બીજું ઘણુંય નથી. શિક્ષણના વિકાસની સાથે તે વહીવટનાં કારખાનાં બને છે, ક્યારેક નક્કી કરેલા એજન્ડા મુજબ ચલાવનારાં તત્ત્વો પણ ત્યાં હાજર હોય છે. જે.એન.યુ. અર્થાત્ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ઘણા સમય સુધી કાશ્મીર અને નક્સલના હિંસાખોર અલગાવની રણભૂમિ બની ગઈ હતી. જાદવપુર અને અલીગઢ યુનિવર્સિટીઓ પણ તેવા જ રસ્તા પર હતી. થોડાંક વર્ષ પૂર્વે દિલ્હીમાં જે.એન.યુ.ના કેટલાક (બધાં નહિ) વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો આગ્રહ હતો કે કેમ્પસમાં સાવરકર વિષે વાર્તાલાપ કરીએ. મુશ્કેલ તો હતું જ, કેમ કે અહીં તો ગોઠણ પર ફાટેલી ડિઝાઇનના પેન્ટ પહેરીને, લાંબા ઝૂલ્ફાધારી છાત્રો માટે ‘અફઝલ ખાન’થી માંડીને ‘આઝાદી’ સુધીનો એજન્ડા જ મુખ્ય હતો. દેશની સૌથી સસ્તી યુનિવર્સિટીમાં વિદ્યા અને જ્ઞાન ધીરે ધીરે ઓસરી ચૂક્યાં હતાં. આ જ યુનિવર્સિટીની એક સમયે વિદ્યાર્થિની અને પછી અધ્યાપક બનેલી લેખિકા ડૉ. અંશુ જોશીએ તો આ પરિસરને કેન્દ્રમાં રાખીને હિન્દીમાં એક નવલકથા ‘જે.એન.યુ. મેં એક લડકી રહતી થી’ લખી છે, (તેનો ગુજરાતી અનુવાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યો છે). આ પરિસરના એક ભોજનાલયના ઉદ્યાનમાં અમારી બેઠક થઈ ત્યારે જ અનુભવાયું કે અરે, આ વિદ્યાર્થીઓ એકમાર્ગી નથી, તેઓ ઈચ્છે છે કે કંઈક બીજું ગુણાત્મક મળે. અઠવાડિયા પછી સમાચાર મળ્યા કે પરિસરના એક માર્ગને સાવરકર માર્ગ તરીકે વિદ્યાર્થીઓએ જ સ્થાપિત કરી દીધો હતો! આનાથી વિપરીત ભોપાલમાં એક ખાનગી એસ.એ.જી. યુનિવર્સિટી છે, બીજી મેરઠમાં છે, જેના વાઇસ ચાન્સેલર પૂર્વ સૈનિક અફસર છે; ત્યાં તો દરેક સ્થાનોને વિસ્મૃત ક્રાંતિકારીઓનાં નામ અપાયાં છે. મને જે અતિથિ ગૃહમાં ઉતારો અપાયો હતો તેનું નામ ‘દુર્ગા-ભગવતી અતિથિ ગૃહ’ હતું! કોણ આ દુર્ગા-ભગવતી? વડનગરમાં જેના પિતામહ રહ્યા હતા તે ભગવતી ચરણ વોહરા અને દુર્ગાભાભી—બંને સરદાર ભગતસિંહના સાથીદારો. ભગવતી તો ભગતસિંહને છોડાવવા માટે તૈયાર કરેલા બોમ્બનો પ્રયોગ કરવા લાહોર રાવી નદીના કિનારે ગયા, ત્યાં વિસ્ફોટ થતાં શહીદ થયા હતા અને દુર્ગાભાભીએ મુંબઈમાં ગોરા સોલ્જર પર ગોળી ચલાવી હતી. આ બંનેના નામાંકન છેક મેરઠમાં, વડનગર કે ગુજરાતની કોઈ યુનિવર્સિટીમાં ખરાં? ગુજરાતમાં આમ તો 100થી વધુ યુનિવર્સિટીઓ છે અને તેના કુલપતિઓ છે. સમય પૂરો થતાં તેમના કામને જોઈને નિર્ણય કરવામાં આવે છે, બાકીના મુદત પૂરી થતાં પાછા અધ્યાપકની જગ્યાએ ચાલ્યા જાય છે. સરકારી કોલેજોમાં આચાર્યો અને અધ્યાપકોની બદલી થતી રહે છે, એટલે કુલપતિ આવે કે જાય તેની કોઈ ખાસ વિદ્યાકીય અસર પડતી નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂરો થયો, અગાઉ તેઓ મધ્ય પ્રદેશમાં કુલપતિ હતાં, તે પહેલાં ભવન્સના પ્રાચાર્ય. હવે ગુજરાત યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ જગદીશ ત્રિવેદીના હાથમાં છે. કશો વાંધો નહીં. મોટેભાગે કાર્યકારી થોડા સમયમાં સંપૂર્ણ બની જાય છે. ... પણ, વાત તો આ વિદ્યાધામોની કરવા જેવી છે. ગુજરાત યુનિવર્સિટીનું એક આકર્ષણ સ્થાન તેનો ટાવર છે અને તેવું જ તેના વિદ્યાકીય ગૌરવનું મહત્ત્વ છે. 1967ની આસપાસ તેના દેવજ પાસેના માર્ગ પર એક મહાનુભાવને ચાલતા એક મિત્રે મને બતાવ્યા અને કહ્યું કે ‘જો, એ ઉમાશંકર જોશી છે.’ માથે ટોપી, ટૂંકા પણ નિશ્ચિત પગલાં, હાથમાં છત્રી... હજુ થોડા સમય પર જ યુનિવર્સિટીમાં સ્થાપિત હિતોની સામે ચૂંટણી લડ્યા અને કુલપતિ બન્યા હતા. એ દિવસો સાચે જ વિદ્યાકીય માહોલના હતા. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. યુનિયનોના ઝિંદાબાદ-મુરદાબાદના નારા સાંભળવા મળતા નહીં, દીવાલો પર ચિતરામણ નહીં. અધ્યાપકો ઈતર ધંધામાં ફસાયેલા જોવા મળે નહીં. ભાષા ભવનમાં ઉમાશંકર ગાંધીને ભણાવતા; કુલપતિ હોવા છતાં વર્ગ લેવા આવે! ડૉ. હરિવલ્લભ ભાયાણી ભાષાશાસ્ત્ર ભણાવતા. તેમનું ખડખડાટ હાસ્ય જોવું વધુ ગમતું, એટલે તેમની કેબિનમાં વાતચીત દરમિયાન તેની તક મળી જતી. રમણલાલ જોશી સરસ્વતીચંદ્રના નિષ્ણાત. ભવન અને તેની બહાર ટાવરની પાસેનું મેદાન કે નાનકડી કેન્ટીન એટલું જ વાર્તાલાપનું સ્થાન. પણ ત્રણ કે ચાર કલાકના એ વર્ગો તોફાનીમાં તોફાની વિદ્યાર્થીને માટે પણ સમૃદ્ધ બની જતાં. ગુજરાત યુનિવર્સિટી આમ તો ગુજરાતનું પ્રથમ વિદ્યા-કેન્દ્ર. એ પહેલાં શાળા, મહાશાળા, કોલેજોની સ્થાપના થઈ તેમ ગુજરાત કોલેજની પ્રાચીન ઇમારત બ્રિટિશ શિલ્પની છાપ છોડે છે. ગુજરાત યુનિવર્સિટીનું તેવું નહોતું. પ્રયાસો તો છેક 1924થી શરૂ થયા, પણ તેનું અમલીકરણ 23 નવેમ્બર, 1949થી થયું—સ્વાધીનતાનાં ત્રણ વર્ષ પછી. મકાન તો હતું નહીં, એટલે એચ.એલ. કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી શરૂ થઈ અને તેના પહેલા કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. તે પછી ગાંધીવાદી મગનભાઇ દેસાઇ આવ્યા. અત્યાર સુધીમાં અઢાર કુલપતિઓ જોયા. એમાં ઈશ્વરભાઈ પટેલ જેવા કુશળ અને કાબેલ મહાનુભાવથી માંડીને ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારનો સમાવેશ થાય છે. એક યુનિયનિસ્ટ કે.એસ. શાસ્ત્રી પણ આવ્યા. બીજા એક સ્નાનાગાર-પ્રેમીનું પણ આ ટાવર સાક્ષી બન્યું હતું! હિમાંશુ પંડ્યાએ સાહિત્ય અકાદમીના પુસ્તક કેન્દ્ર માટે જગ્યા ફાળવીને કામ શરૂ કર્યું હતું, પણ બંને જગ્યાએ- યુનિવર્સિટી અને અકાદમીમાં સૂત્રધારો નિવૃત્ત થયા એટલે આ મહત્ત્વનું વિદ્યાકીય કેન્દ્ર જ ભુલાઈ ગયું! એ વાત સાચી કે આ વિશ્વવિદ્યાલયે ઉત્તમ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આપ્યા છે. ખુદ નીરજા ગુપ્તા ઇતિહાસના અધ્યયન સાથે સંકળાયેલા રહ્યાં. રાષ્ટ્રીય સ્તરના ઉત્તમ વિદ્વાન બી.આર. શિનોય પણ અહીં હતા, જે ઘણાને પસંદ નહોતું પડ્યું. ગુજરાત વિદ્યાપીઠની સાથે ગાંધીજી, સરદાર, મહાદેવ દેસાઇ, આચાર્ય કૃપલાણી, ધર્માનંદ કોસામબી, પંડિત સુખલાલ, પંડિત બેચરદાસ, રસિકલાલ છો. પરીખ, ધીરુભાઈ દેસાઇ અને રામલાલ પરીખનાં નામો જોડાયેલાં છે. સ્વતંત્રતાના યુગમાં વિદ્યાપીઠની પાસે એક આદર્શ હતો, સ્વરાજ્ય પછી સામાન્ય શિક્ષણ પ્રથાએ તેને અસર કરી છે. હા, રોજ રેંટિયો, પ્રાર્થના, ખાદીનો પહેરવેશ જોવા મળે અને તેનું ગ્રંથાલય આજેય અત્યંત વિશાળ અને સમૃદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:ઓક્ટો- જેન મી
    Next Article
    ગતકડું:હવે ચા પીવા માટે ડિગ્રી લેવી પડશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment