Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાપર તાલુકામાં સાંજે મેઘરાજાનું આગમન, એકથી બે ઇંચ વરસ્યો:ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઝાપટા પડ્યાં; ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં મેહુલિયાની હાજરી

    15 hours ago

    રાપર તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગાગોદરમાં ભારે ઝાપટું પડ્યું હતું તો ભચાઉમાં મેઘાડંબર જોવા મળ્યો હતો. રાપરના અનેક ગામોમાં વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધૂળની ડમરીઓ ઉડતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વરસાદ શરૂ થતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી તેમજ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલુકાના પ્રાંથળ વિસ્તારના બાલાસર, બેલા, ગેડી, ફતેહગઢ, માંજુવાસ, ખાંડેક અને ભીમાસર સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત આડેસર પટ્ટીના સણવા, આડેસર, પલાસવા, વલ્લભપર, ડાભુંડા, માણબા, ભીમદેવકા સહિતનાં વિસ્તારોમાં અડધો કલાક વરસાદે ધડબડાટી બોલાવી હતી. ખીરઈ, બાદરગઢ, કીડિયાનગર, મોટી રવ, જેસડા, સુદાણા અને રામવાવમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દેશલપર પાટિયા નજીક ભારે પવન અને વરસાદ વરસ્યાનું શીરાવાંઢના દિનેશ ઠાકોરે જણાવ્યું હતું. ખેંગારપર ગામે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેનાથી કપાસ, મગફળીના પાકને ફાયદો થશે તેવું મહાદેવ આહીરે જણાવ્યું હતું. રાપરમાં સાંજના સમયે અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ જવાની સાથે વેગીલો પવન ફૂંકાવા લાગ્યો હતો. ધોધમાર વરસાદ શરૂ થતાં દેના બેંક ચોક, સેલારી નાકા, માલી ચોક, આથમણા નાકા સહિતના વિસ્તારોમાં પાણીના પ્રવાહો વહેવા લાગ્યા હતા. આશરે અડધા કલાક સુધી સતત વરસેલા વરસાદે અંદાજે એક ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. વાવણી લાયક વરસાદ પડતાં હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજનો વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ગાગોદરમાં સાંજે મેહુલિયા આવી ચડતાં ગ્રામજનોને ગરમીથી થોડી રાહત મળી હતી. આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા ખુશી ફેલાઇ હતી. આધોઈ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં હર્ષની લાગણી ફેલાઇ હતી. ભચાઉમાં સાંજે એકાએક માહોલ ગોરંભાયો હતો. કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા રાત્રે 8-30 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તે વચ્ચે વીજ પુરવઠો ખોરવાઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ભુજના ખાવડામાં સાંજે ઝાપટાં પડ્યા હતા તો વેકરિયાના રણમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળી હતી. ગાંધીધામ સૌથી ગરમ મથક, કચ્છમાં બે દિવસ હળવા વરસાદની વકી કચ્છમાં આજે અને કાલે બુધવારે તોફાની પવન અને ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન સોમવારે 39.1 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન સાથે ગાંધીધામ વિસ્તાર રાજ્યભરમાં સૌથી ગરમ બન્યો હતો. ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાન 36.6, નલિયામાં 34.4 અને રાજ્યમાં બીજા ક્રમે ગરમ કંડલા બંદરે 38.4 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું હતું. ભચાઉની કાંઠાળ પટ્ટીમાં એન્ટ્રી ભચાઉની કાંઠાળ પટ્ટીના છાડવાડા, આમલીયારા, જંગી, લલિયાણા, સામખિયાળી, લાકડીયા તેમજ આજુબાજુના ગામોમા બપોરે અસહ્ય ગરમી બાદ હવામાનમા પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરવાથી લોકોને રાહત થઇ હતી. મોસમનો પેહલો વરસાદ આવતા શેરીઓ માંથી પાણી વહી નીકળ્યા હતા તો માલધારીઓ અને કિસાનોના ચહેર ચમક જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સ્કૂલો ધો.9ના બાળકોની આવડત સાથે વર્તન અને કૌશલ્યોનું મૂલ્યાંકન કરશે
    Next Article
    ભાસ્કર પેરેલલ ઇન્વેસ્ટિગેશન:વરસાદી લાઇનો જામ રહી, મેનપાવર રોડ પર ઉતર્યો નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment