Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તંત્રના પાપે મર્યા પછી સ્મશાને જવું હોય તો રસ્તો નથી":જૂનાગઢમાં જીવતેજીવ નરકાગાર જેવી સ્થિતિ, વૃદ્ધના અવસાન બાદ હવે સ્મશાન યાત્રા કાઢવા માટે પણ સારો રસ્તો ન બચ્યો: તંત્ર અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો.

    3 दिन पहले

    જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 12 માં આવેલા ટીંબાવાડી વિસ્તારના ભક્તિનગરમાં સ્થાનિક તંત્ર અને કોર્પોરેટરોની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સામાન્ય રીતે એવી લોકોક્તિ છે કે માણસ કદાચ જીવતા સુખ ન ભોગવી શક્યો હોય, પરંતુ તેને મૃત્યુ બાદ તો શાંતિ મળે છે. જોકે, જુનાગઢ મહાનગરપાલિકાના પાપે અહીં સ્થિતિ સાવ ઉલટી થઈ છે. ભક્તિનગર વિસ્તારમાં આજે એક વડીલ પોપટભાઈનું અવસાન થયું છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં ઘૂંટણ સુધીના કાદવ-કીચડ અને ખાડા હોવાના કારણે સવારે તેમની સ્મશાન યાત્રા કેવી રીતે કાઢવી તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. પરિવારજનો અને સ્થાનિક લોકો મૃતદેહને સ્મશાને લઈ જવા માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તંત્રની આવી દયનીય કામગીરી સામે રડી પડ્યા છે. ​આ વિસ્તારમાં આશરે 300 થી વધુ પરિવારો અલગ-અલગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી અહીં રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. અગાઉ અહીં ગટર લાઇન નાખવા માટે નવો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ મહિનાઓ વીતી ગયા હોવા છતાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ચોમાસાના વરસાદને કારણે આ આખો રસ્તો કાદવથી ખદબદી રહ્યો છે, જાણે કે આ વિસ્તાર જૂનાગઢના નકશામાં જ ન હોય તેવી હાલત મહાનગરપાલિકાએ કરી મૂકી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢને ભ્રષ્ટાચારનું નર્કાગાર બનાવી દેવામાં આવ્યું છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત છે અને લોકોને જીવતેજીવ તો ઠીક, મર્યા પછી પણ શાંતિ મળતી નથી. ચૂંટણી સમયે મત માંગવા આવતા કોર્પોરેટરો તો ફોન પણ ઉપાડતા નથી અને જવાબદારીઓ એકબીજા પર ઢોળી રહ્યા છે. ​આ ગંભીર પરિસ્થિતિ અંગે સ્થાનિક રહીશ નિકુંજ ત્રાંબડિયાએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અહીંયા અમારે એક દાદાનું મૃત્યુ થઈ ગયું છે અને અહીંયા કેટલાય સમય પહેલા રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. હજી સુધી કોઈ પણ અધિકારી કે કોર્પોરેટર અહીં સામું જોવા માટે પણ આવ્યા નથી. તંત્રની કામગીરી એટલી હાસ્યાસ્પદ છે કે એકવાર રોડ બની જાય પછી પાણીની લાઇન પૂરવા માટે એ ગટરને પાછી ખોદે છે અને ખોદકામ કરીને પાછા કોઈ જોવા જ નથી આવતા. જૂનાગઢ કોર્પોરેશનની હાલત સાવ ભંગારમાં ભંગાર થઈ ગઈ છે. કોઈ અહીં જોવા આવતું નથી કે કોઈ કંઈ કામ કરતું નથી. ગમે તે માણસ મરી જાય તો પણ કોઈને કશી પડી નથી. અડધા લોકો તો એ પણ નથી ઓળખતા કે અમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે. છેલ્લે છેલ્લે બિચારા દાદા જીવ્યા ત્યાં સુધી ગારામાં ચાલ્યા અને છેલ્લે મૃત્યુ પછી પણ સ્મશાને જવામાં શાંતિ નથી. હવે એમના મૃતદેહને પણ કાદવમાં ગોઠણસમા પાણીમાંથી થઈને લઈ જવો પડશે, એવી ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે આખો રોડ ખોદી નાખ્યો છે, નથી કોઈ ટાઇલ્સ નાખવા આવતું કે નથી કોઈ રિપેરિંગ કરવા આવતું. અમે બપોર પછીના કોર્પોરેટરને ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ આપતું નથી. આ લોકો માત્ર મત લેવાના સમયે જ દેખાય છે, બાકી કોઈ ડોકાતું નથી. ​વિસ્તારના રહીશ અશ્વિનભાઈ ગોઠીએ તંત્ર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અહીંયા વરસાદ પહેલા રોડ પર ગટર ગાળવામાં આવી હતી અને હવે અચાનક વરસાદ થતાં આખી ગટર કાદવથી ભરાઈ ગઈ છે, અત્યારે કોઈ આના પર ધ્યાન દેવા તૈયાર નથી. અહીંયા અમારા પરિવારના વડીલ પોપટબાપા મૃત્યુ પામ્યા છે અને તેમની સ્મશાન યાત્રા લઈ જવાની છે, પરંતુ રસ્તા પર એટલો કાદવ છે કે સ્મશાન યાત્રા નીકળે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. અહીં પગપાળા ચલાય તેમ પણ નથી, એવી અમારી ખરાબ સ્થિતિ છે. હવે અમારે આ પરિસ્થિતિમાં કરવું શું ? અંહીંના કોર્પોરેટર આ બાબતે ક્યાંય ધ્યાન જ નથી આપતા. અત્યારે જૂનાગઢની પરિસ્થિતિ સાવ ડેન્જરમાં ડેન્જર છે. માણસને મર્યા પછી શમશાણે જવું હોય તો રસ્તો નથી બચ્યો. અમે છેલ્લા એક કલાકથી કાદવ-કીચડમાં હેરાન થઈ રહ્યા છીએ, આખા શહેરમાં એક જેસીબી શોધવા છતાં મળતું નથી.આ રોડના કામ ચાલુ થયા ત્યારથી આ જ પરિસ્થિતિ છે. જૂનાગઢનું તંત્ર કંઈ કરતું જ નથી, બસ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં પડ્યા છે અને કોર્પોરેટરો માત્ર ચૂંટણી હોય ત્યારે જ મોઢું બતાવવા આવે છે. ​સ્થાનિક નાગરિક અશ્વિનભાઈ ચાવડાએ પણ આ નરક જેવી સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું હતું કે અત્યારે જો અહીંયા ચાલી શકાય એવું બિલકુલ નથી, રસ્તામાં ઘૂંટણ સુધીના ખાડા પડી ગયા છે. અમે કાદવ હટાવવા માટે જેસીબીવાળાને બોલાવવાની ઘણી કોશિશ કરી પણ અત્યારે કોઈ આવવા તૈયાર નથી. અમારે અહીં એક દાદા મૃત્યુ પામ્યા છે અને સવારે તેમની શમશાન યાત્રા કાઢવાની છે. પરિસ્થિતિ એવી છે કે અહીંયા માણસોને ઊભા રહેવાની પણ જગ્યા નથી, તો અમારે હવે સવારે શું કરવું ? દાદાના અવસાન બાદ સવારે નીકળનારી સ્મશાન યાત્રાને લઈને બહુ મોટી તકલીફ થવાની છે. અત્યારે આ કાદવ-કીચડમાં અમારે શું કરવું અને શું ન કરવું, અમારી પણ સમજણ કામ કરતી બંધ થઈ ગઈ છે. અમે અમારા કોર્પોરેટરને ફોન કર્યો હતો, તો એ એવું કહીને હાથ ઊંચા કરી દે છે કે 'તમે આ નંબર પર ફોન કરો ને પેલાને ફોન કરો'. અમે કેટલાય લોકોને ફોન કરીને થાક્યા, પણ કોઈ સરખો જવાબ જ નથી આપતું. આ સિવાય અમારા નાના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે સ્કૂલની વાન કાદવના લીધે સોસાયટીમાં આવી શકતી નથી, અમારે બાળકોને મુખ્ય રોડ સુધી મૂકવા જવા પડે છે. માણસને મર્યા પછી પણ સુખ નથી, તો આ જીવતા લોકોને જૂનાગઢનું તંત્ર શું સુખ આપશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં ભારે વરસાદથી એરપોર્ટ ઠપ્પ:સુરત એરપોર્ટ બન્યું તારણહાર, એક જ અઠવાડિયામાં મુંબઈની 8 ફ્લાઈટોનું STV પર ઈમરજન્સી લેન્ડિંગ
    Next Article
    C-DACની લેટેસ્ટ ટેકનોલોજીની આગાહી સાચી પડી:અમદાવાદના પૂર્વ પંથક સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જાણો શું છે સિસ્ટમ અને ક્યા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment