Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:ઓઢણી બનવા સુધીમાં કપાસની અનેક પરીક્ષા થતી હોય છે

    21 hours ago

    વિનોદ જોશી મેં તો ઓઢણાં મગાવ્યાં ભલી ભાતનાં ને એણે આણ્યું કપાસનું ફૂલ. - હરીન્દ્ર દવે પ્રેમ પામવાની ખરી મજા તો એકબીજાંની સાથે ગાઢ સંબંધે રહીને પોતપોતાની અલગતા સાચવવામાં છે. બંને સાવ એકસરખાં હોય તો બેનાં બદલે એકની જ જરૂર પડે તે વાત સમજી લેવી જરૂરી છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વિશિષ્ટ હોય તેવી જ નિયંતાની યોજના હશે. તેથી તો સહુ અલગ અલગ પ્રકૃતિનાં છે. સમાન રુચિવાળાં કરતાં અસમાન રુચિવાળાં એકબીજાં વિશે વધુ વિચારે છે તેવું મનોવિજ્ઞાન કહે છે. સામ્ય કરતાં વૈષમ્ય ઝટ નજરે ચડતી બાબત છે. તેમાં વૈવિધ્ય મળ્યાનો આનંદ પણ છુપાયેલો હોય છે. અહીં એક પ્રેમીયુગલના અલગ અલગ વ્યક્તિત્વનો પડઘો પાડતી આ કાવ્યપંક્તિ આવા દૃષ્ટિકોણથી જોવી રસપ્રદ થઈ પડે તેવી છે. ધારી લઈએ કે આ યુગલ નવપરિણીત છે. હજી તો એકબીજાંને સમજવા માટેનો એમને સમય જ મળ્યો નથી. પણ એમને પરસ્પર જોડી રાખતો પ્રેમનો તંતુ તો છે. જીવનમાં હજી હમણાં જ આરંભાયેલાં દામ્પત્યની સોડમ તો છે. બંને વચ્ચે કેવળ પ્રેમનું જ આદાનપ્રદાન નહીં હોય, વસ્તુઓનું પણ હશે. પિયુ પાસે ભલીભાતના ઓઢણાં મગાવનાર નવોઢા શોખીન હશે. એને સીધાંસાદાં નહીં પણ ભલીભાતનાં ઓઢણાં જોઈએ છે. વળી એને ઓઢણી નહીં, ઓઢણાં જોઈએ છે. વાત ઓઢણાં પૂરતી જ મર્યાદિત હશે? એવું તો નહીં હોય. એને બધું જ ભલીભાતનું જોઈતું હશે તેમ ધારી શકાય. પણ એનો પિયુ એની આ અભિલાષાઓનો પડઘો પાડી શકતો નહીં હોય. કદાચ એ સમજી શકતો નહીં હોય કે પ્રિયતમા ‘ભલીભાત’નું જે કંઇ માગે છે તે કેવું હશે? શું હશે? આ વાત કોઈને કહેવાઈ રહી છે. નાયિકા કોઈને કહી રહી છે. કહ્યા વગર રહી શકાયું નહીં હોય એટલે જ કહી રહી હશે તેમ માની લઈએ. વાતમાંથી તો એ સમજાય છે કે પિયુ ક્યાંક જઈને આવ્યો છે. કદાચ તે લાંબા સમયે પાછો ફર્યો હોય. એ જવા નીકળ્યો હશે ત્યારે એને ભાવભીની વિદાય આપી હશે. વિખૂટા પડતી વખતે પ્રેમની અવનવી અનુભૂતિઓ કરી હશે. પિયુ પાસે પોતાને ગમતાં ભલીભાતનાં ઓઢણાં મગાવ્યાં હશે. પછી પ્રિયતમના વિરહમાં લાંબો સમય એકલાં રહી પસાર કર્યો હશે. છેવટે પિયુ એક દિવસ પાછો ફર્યો. એનાં આગમન સાથે જ છલકી ઊઠેલો આનંદ પળવારમાં અળપાઈ ગયો. પોતે મગાવેલ ઓઢણાંને બદલે એ તો કપાસનું ફૂલ લઈને આવ્યો. આનો શો મતલબ? કદાચ દામ્પત્યમાં આવી મજાક-મસ્તી હોઈ શકે. પણ અહીં એવું ખરેખર હશે ખરું? નાયિકાની જેમ આપણે પણ વિમાસણમાં પડી જઈએ. નાયિકા તો કદાચ મનોમન એવું વિચારી બેઠી છે કે પોતાનો પિયુ પોતાની અપેક્ષા સમજ્યો જ નથી. કદાચ એણે એવું સમાધાન પણ કરી લીધું હોય કે એને ભલીભાતનાં ઓઢણાંમાં કશી ખબર પડતી નથી. સામે પક્ષે આ નાયિકાનો પિયુ કપાસનું ફૂલ કેમ લઈ આવ્યો તે પ્રશ્ન પણ થાય. ઓઢણી મૂળ તો કપાસ થકી છે. જો કપાસ ન હોય તો ઓઢણી પણ ન હોય. એ ખરું કે કપાસને ઓઢણીની જેમ ઓઢી શકાતો નથી. પણ અહીં માત્ર એટલી જ વાત તો નહીં હોય. પેલો પિયુ કંઇ એવો અણસમજણો તો નહીં હોય. કદાચ એ જાણે છે કે હજી તો દામ્પત્યનો પ્રારંભ જ થયો છે. હજી તો જીવનમાં ભલીભાતના અવનવા અનેક રંગોનો પરિચય કરવાનો બાકી છે. જીવનની ભાતોને સમજવી કે ઉકેલવી બાકી હોય ત્યારે પહેલાં જ પગથિયે બધું હાજર કરી દેવું તે ઠીક નહીં. ઓઢણી બનવા સુધીમાં તો કપાસની અનેક રીતે પરીક્ષા થતી હોય છે. જીવનમાં પણ તેવી પરીક્ષાઓ પસાર કર્યા પછી જ ભલીભાતની ઉપલબ્ધિઓ થતી હોય છે. કપાસનું ફૂલ આપીને એ જાણે ઉતાવળાં ન થવા નાયિકાને સાનમાં સમજાવી દે છે. ફ્રાંઝ કાફકા એની એક કવિતામાં સીધો સૂર્યને પામી લેવાના અભરખા પર પૂર્ણવિરામ મૂકી ઓસરીમાં પડતાં ચાંદરણાંમાં સૂર્યને જોવાની ભલામણ કરે છે. અહીં આ નાયિકા થોડી મુગ્ધ છે. પણ એનો પ્રિયતમ પતિ સમજદાર છે. જોકે, એ સમજદાર છે એવું સમજવામાં પણ સમજણની જરૂર પડે. નાયિકા ઉતાવળી છે તેથી કોઈકની પાસે પોતાના પિયુ વિશે ફરિયાદ કરી બેસે છે: પોતે જે મગાવ્યું છે તે એ લાવ્યો નથી. પોતે જે ઈચ્છે તે એ સમજતો નથી. પોતે જે કહે છે તેનાંથી એ કંઇક જુદું સમજે છે. વગેરે.. આવી વિરોધાભાસી પ્રકૃતિ હોવા છતાં એમનું દામ્પત્યનું ગાડું ગબડવાનું છે તે આપણને સમજાઈ જાય છે, કારણ કે જેની માગણી થઈ છે તે ઓઢણાં અને કપાસ વચ્ચે અતૂટ સંબંધ છે. કવિતા અહીં આટલી જ વાતમાં સમાયેલી છે. બંને પોતપોતાનાં સત્યને એકબીજાંથી નજીક લાવીને પછી એમને પરસ્પર ઓગળી શકે તેવી શક્યતા આ પંક્તિ ચીંધી આપે છે. જે મગાવ્યું તે લાવવાની ખબર ન પડ્યાનો અને તે રીતે પોતાને જાણકાર અને અધિકૃત માની લેવાનો દોહદ પોષાયાનો નાયિકાનો સંતોષ પણ અહીં જોઈ શકાય. ભલીભાતના એમ કહેવાયું તે માત્ર ઓઢણાં માટે જ કહેવાયું હશે? કદાચ જીવનના વૈવિધ્યપૂર્ણ રંગરાગની અધૂરી અભિલાષાનો પણ તેમાં સંકેત હોય. કોઈ ફિલ્મની નાયિકા ગાય છે કે : ઓ મોરા નાદાન બાલમા! ન જાને દિલ કી બાત... કવિતા પણ દામ્પત્ય જેવી અકળ હોય છે. તેમાં પહેલાં કાંકરો કાઢી નાખીને પછી કોળિયો ભરાવવાનો આનંદ લેવાનો હોય છે.
    Click here to Read More
    Previous Article
    સ્મરણાંજલિ:રોબર્ટ વિલિયમ બ્લેર: દેશ માટે અંગત વેદના ભૂલનારો ક્રિકેટનો અમર યોદ્ધો
    Next Article
    મનદર્પણ:છોકરી શરમાઇને કંઈ જવાબ ન આપે ત્‍યારે તેની ‘હા’ સમજવી રહી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment