Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સ્કૂલે ગયા વગર સનદી અધિકારી!

    17 hours ago

    નામ: રામ મોહમ્મ્દ સિંઘ આઝાદ. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ રાલ્ફ એલિસનની નવલકથા ‘ઇન્વિઝિબલ મેન’નો અનામી નાયક અકસ્માત બાદ કહે છે કે, જ્યારે હું એ શોધી લઈશ કે હું કોણ છું ત્યારે ખરા અર્થમાં આઝાદ થઈશ. *** ‘રામ મોહમ્મદ સિંઘ આઝાદ. આ નામ મેં મારા માટે પસંદ કર્યું છે. મારા દોસ્તો પણ મને આ જ નામથી બોલાવે છે. જલિયાંવાલા હત્યાકાંડ માટે માઈકલ ઓ’ડાયરની હત્યા કરનારા સરદાર ઉધમ સિંહે આ નામ ધારણ કર્યું હતું. પોતાના લક્ષ્ય માટે વીસ વર્ષ રાહ જોનારા સરદાર ઉધમ સિંહ મારી પ્રેરણા છે.’ બનાસકાંઠા પાલનપુરના મોહમ્મ્દ ઉમર હાશમીના આ શબ્દો છે. પાલનપુરના નાની બજારના જૂના ડાયરા વિસ્તારમાં ઉમરનો જન્મ. જૂની શૈલીનાં મકાનો, સાંકડી ગલીઓ, વાહનોના અવાજ… વીતેલા સમયનો એક ટાપુ જાણે! ઉમર કહે છે,’ ભણવાની ઈચ્છા થાય એવું વાતાવરણ નહોતું. હું ભણ્યો જ નથી એમ કહું તો ચાલે. માંડ આઠમું કર્યું, એય એકદમ ઓછી હાજરી સાથે. હું તદ્દન ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પિતા એક સમયે ટાઈલ્સની દુકાનમાં કામ કરતા પછી સ્પેર પાર્ટ્સની દુકાનમાં , મમ્મી ઘરે જ હતાં. હું આખો દિવસ દોસ્તો સાથે ફર્યા જ કરતો.’ ઉમરે સ્કૂલ જોઈ જ નહોતી. જીવનમાં કોઈ લક્ષ્ય નહોતું. પણ તેમના મોટાભાઈ ભણવામાં રસ ધરાવતા. મહેનતથી 2015ના વર્ષમાં તેમણે એક સરકારી નોકરી પાસ કરી. ઘરના ગુમસુમ ખૂણાઓમાં આશા રેલાઈ. ભાઈએ નેશનલ ઓપન સ્કૂલિંગ વિશે વાત કરી અને દસમું-બારમું કરવાની સલાહ આપી. ‘મને સ્કૂલ શું છે એ ખબર જ નથી. દોસ્તો શું હોય, ટીચર શું હોય, કંઈ જ નહીં. માંડ માંડ ચોપડીઓ વાંચી અને પાસ થયો. ટકા ઘણા ઓછા હતા પણ મહેનત કરીને દેશની અલગ અલગ યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ આપી. છેલ્લે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી શક્યો. બી. એ.માં જોડાઈ ગયો.’ ‘યુનિવર્સિટીમાં આવીને મને સિવિલ સર્વિસ વિશે ખબર પડી. મને રસ પડ્યો અને થોડી વધુ જાણકારી મેળવી. કોચિંગમાં તો ન જોડાયો, પણ અહીં ‘હમદર્દ સ્ટડી સર્કલ’ ચાલતું હતું. તેમાં જોડાઈ ગયો. અહીં ફ્રી કોચિંગ અને લાઇબ્રેરીની સુવિધા મળતી. અહીં ઘણા સિનિયરનું માર્ગદર્શન મળ્યું.’ ‘2023માં મેં પહેલો પ્રયાસ આપ્યો ત્યારે ‘સીસેટ’ પણ ન નીકળી શક્યો. તમે નહીં માનો, પણ સ્કૂલે ન જવાના લીધે મારો ગણિતનો પાયો જ કાચો હતો. પ્રાથમિક કહી શકાય એવી ગણતરીઓ પણ નહોતી આવડતી. પરીક્ષામાં નાપાસ બાદ મેં પાયાથી ગણિત શીખવાની શરૂઆત કરી.’ ‘જોકે એ પહેલાં મારી સાચી સ્કૂલ કોરોના કાળ દરમિયાન જ થઇ. મારા ભાઈની પ્રેરણાથી એ સમયગાળામાં ધોરણ 6થી 12ના પુસ્તકો શિદ્દતથી વાંચ્યાં. એ વાંચ્યા પછી મને વિશ્વાસ આવ્યો કે મારું સ્કૂલિંગ ખરેખર પૂરું થયું. અંગ્રેજી પણ ત્યારે જ તૈયાર કર્યું. મને પહેલીવાર એ વર્ષે સ્માર્ટફોન મળ્યો. વિડીયોના સબટાઈટલ પરથી શીખ્યો.’ ‘કોલેજમાં ઘણા સિનિયર આવતા, ઘણાએ સિવિલ સેવામાં સફળતા મેળવી હતી, બધા સાથે વાતચીત કરીને પરીક્ષા શું છે એ સમજાયું. હું બધું ધીમે ધીમે જ શીખ્યો છું. કોઈએ કહ્યું કે ટેલિગ્રામ પર આનું લેક્ચર છે. કોઈએ કહ્યું કે યૂ-ટ્યૂબ પર પેલું લેક્ચર જોઈ લે, કોઈએ કહ્યું કે એમસીક્યુ આમ લખાય. ધીમે ધીમે પ્રીલિમિનરીની સમજ આવી ગઈ.’ ‘એક સિનિયર મળ્યા એમણે એવું સમજાવ્યું કે સિવિલ સેવા પરીક્ષાની સફળતાનું ખરું મહત્ત્વ મેન્સમાં છે. પ્રીલિમિનરી તો એન્ટ્રી ટિકિટ છે. 85 ટકા સફળતા મેન્સથી મળે છે. એ વિચારથી ઓપ્શનલ પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ રાખ્યો. લખવાની પ્રેક્ટિસ કરી. કેટલાક સિનિયર હતા એ વાંચવામાંથી નવરા પડે એટલે મારા પેપર જોઈ દે.’ ‘આ સમયગાળામાં સારી બાબત એ કે, મારો મોટોભાઈ જી. પી. એસ. સી.ની પરીક્ષામાં પાસ થયો. ઘરમાં હરખ છવાયો. મને થયું કે અશક્ય કંઈ જ નથી. ‘હમદર્દ’માં માહોલ પણ સારો હતો. મારો આત્મવિશ્વાસ વધતો હતો. મારી ટેક્નિક સુધરી રહી હતી. ગોખવાનું નહીં, વિશ્લેષણ કરવાનું. આ બધું જ જાતે શીખ્યો. એક એક પેપર- એક એક વિષય પર મહેનત કરી.’ પહેલામાં પ્રીલિમિનરીમાં નિષ્ફ્ળ, બીજામાં મેન્સમાં નિષ્ફ્ળતા, ત્રીજામાં પર્સનાલિટી ટેસ્ટ. ‘મને તો વાત કરતા આવડતું નહોતું. શું બોલાય, શું નહીં, કંઈ જ ખબર ન પડે. યૂ-ટ્યૂબ પર મૉક જોયા. થોડા આપ્યા એટલે થોડી ખબર પડી.’ ‘પણ આ સમય પણ કઠિન હતો. ઇન્ટરવ્યૂ જેને આવ્યો હોય એવા ઉમેદવારો સાથે વાત કરતો ત્યારે મારી અંદરની લઘુતાગ્રંથિ બહાર આવી જતી. આત્મવિશ્વાસનો અભાવ ઊઠી આવતો. એ બધા અલગ પ્રકારનું ઇંગ્લિશ બોલતા, દેશની મોટી સ્કૂલો અને સંસ્થાઓમાં ભણેલા. મને સતત એવું થાય કે જ્યારે આ બધા સ્કૂલની ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લઇ રહ્યા હતા ત્યારે હું ઘરે બેઠો હતો, જ્યારે આ બધા જેઈઈ-આઈઆઈટીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હું રખડપટ્ટી કરી રહ્યો હતો. મારે મારી અંદર દરેક સ્ટેજ પર કામ કરવું પડી રહ્યું હતું.’ ઇન્ટરવ્યૂના દિવસે ડર હતો. ‘બેટા, તુમ સ્કૂલ નહીં ગયે?’ એક સ્વાભાવિક સવાલથી જ શરૂ થયું. પછી શિક્ષણ અને અંગત જીવન પર પ્રશ્નો અને પછી બંધારણ અને રાજનીતિ વિજ્ઞાન અને ગુજરાતના પ્રશ્નો. અડધો કલાક ઇન્ટરવ્યૂ ચાલ્યો. ‘મારા માટે સૌથી અઘરું એ રહેતું કે પોતાની નિષ્ફ્ળતાની વાત ઘરે કરવી, કેમ કે બધાને ઘણી ઉમ્મીદ થઇ ગઈ હતી. મને એ મેસેજ ટાઈપ કરતા બહુ ડર લાગતો. પણ આ વખતે હું ઘરે જ ઇબાદતમાં હતો અને ચાર-પાંચ ફોન વાગી ગયા અને પછી જોયું તો હું પાસ થઇ ગયો હતો. આટલાં વર્ષોની મહેનત જાણે એક ક્ષણમાં આવીને ઠલવાઇ ગઈ! ઓલ ઇન્ડિયા રેન્ક 549.’ દેશના છેવાડાના માણસના ઉત્થાનમાં માનતા હાશ્મી ઉમર ઉર્ફે રામ મોહમ્મ્દ સિંહ આઝાદનો લક્ષ્યવેધ તોફાની દરિયે વાવટા ઝુકાવ્યાં વિના શક્યતાઓને અંતિમ તીવ્રતા સુધી ખેંચીને સર્વોત્તમ સાબિત થવાની પ્રેરણા આપે છે. }
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:સન્નારીઓનું સેલ્ફ ડિફેન્સ : સ્વથી સ્વદેશ સુધી
    Next Article
    સ્મરણાંજલિ:રોબર્ટ વિલિયમ બ્લેર: દેશ માટે અંગત વેદના ભૂલનારો ક્રિકેટનો અમર યોદ્ધો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment