Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્મય:આધુનિક બંદૂકના આદ્ય અવતાર સમી ઝમ્બુરાકે જ્યારે હિન્દના સ્વાભિમાનની આખરી લડાઈ વિફળ બનાવી

    1 day ago

    ધૈવત ત્રિવેદી પાણીપતના મેદાનમાં પહેલાં યુદ્ધમાં તોપના ઉપયોગ વડે બાબરે ઈબ્રાહિમ લોદીને હરાવ્યો અને મુઘલ વંશની સ્થાપના કરી. ત્યારબાદ ખાનવાના યુદ્ધમાં રાણા સાંગાને હરાવીને શાસન મજબૂત કર્યું. તોપનો એ આરંભિક ઉપયોગ જરૂર હતો પરંતુ એથીય પહેલાં હિન્દમાં તોપ બનાવવાની મથામણ તો શરૂ થઈ જ ગઈ હતી. પંદરમી સદીનો એ સમય. હિન્દની ભૂમિ એ વખતે અનેક રજવાડાંઓમાં વહેંચાયેલી હતી. કોઈ એક શક્તિશાળી સમ્રાટનું વિશાળ હિસ્સા પર શાસન ન હતું. મધ્ય હિન્દના રાજપૂતો કે દક્ષિણના ચાલુક્યો, પૂર્વના અહોમ અને ઉત્તરના ડોગરાઓની બહાદુરી, કૌશલ્ય નિઃશંક હતા પરંતુ પરંપરાગત હતા. હાથી-ઘોડા અને તલવાર, ભાલા કે ધનુષ-બાણનો મહાભારતકાળનો યુગ હિન્દમાં હજુય ચલણી હતો. પીઠ પર વાર ન કરવો, સામી છાતીએ લડવું, જીત મેળવ્યા વગર પાછા ન ફરવું એવા શૂરવીરતાના પરંપરાગત માપદંડો પણ એમાં કારણભૂત બન્યા. ચૌદમી સદીના પૂર્વાર્ધમાં ઊભરેલું વિજયનગર સામ્રાજ્ય પ્રભાવશાળી હતું. તેને આરંભકાળથી જ દક્ષિણની ઊભરી રહેલી મુસ્લિમ સત્તા સાથે સીધો સંઘર્ષ હતો. દિલ્હીના સુલ્તાન તુઘલક સામે સૈન્યની દક્ષિણ પાંખે બળવો કર્યો અને અલગ રાજ્યની સ્થાપના કરી. તેનો નાયક હતો હસન ગંગુ, જે સત્તા પર આવ્યા પછી અલાઉદ્દીન હસન બહમન શાહ તરીકે ઓળખાયો અને એ સામ્રાજ્ય બહમની તરીકે જાણીતું થયું. બહમનીઓની સેનામાં જોડાયેલા તુર્કીઓએ બારૂદનો સર્વપ્રથમ પરિચય કરાવ્યો અને સાવ પ્રાથમિક કક્ષાની તોપો બનાવવાનું શરૂ કર્યું. આ બાતમી જાણ્યાં પછી વિજયનગર સામ્રાજ્યે પુષ્કળ ધન ફાળવ્યું. તુર્કી અને દખ્ખણી મુસ્લિમ નિષ્ણાતોને તગડા પગારે સૈન્યમાં સમાવ્યા. પરંતુ એ તોપ તૈયાર થાય એ પહેલાં રાજાનું મૃત્યુ થઈ ગયું અને પછીના વંશજોએ તોપને તિલાંજલિ દઈ દીધી. જો રાજાની હયાતીમાં જ તોપ તૈયાર થઈ હોત તો રાજાએ તેનો ઉપયોગ પણ કર્યો હોત... તો, અગેઈન, હિન્દનો ઈતિહાસ કદાચ અલગ હોત! પણ નિયતિને એ મંજૂર નહીં જ હોય. કારણ કે હિન્દે જ્યારે તોપનો વિકાસ કર્યો, ઉપયોગમાં મહારત મેળવી ત્યારે બાકીની દુનિયા બારૂદના ઉપયોગમાં બે ડગલાં આગળ વધી ચૂકી હતી. પરિણામે વિધર્મી, વિદેશી સત્તાને મારી હઠાવવાના છેલ્લાં પ્રયાસમાં પણ બારૂદ જ હિન્દની છાતી પર કુઠારાઘત બનીને ફાટ્યો. શરૂઆત પાણીપતથી થઈ હતી, યોગાનુયોગે હિન્દના સ્વાભિમાન પર આખરી ફટકોય એ જ પાણીપતમાં વાગ્યો. *** 21 એપ્રિલ, 1526. એ દિવસે પાણીપતના મેદાનથી મુઘલ બાદશાહીના પગરણ મંડાયા જેણે 331 વર્ષ સુધી હિન્દના વિશાળ હિસ્સા પર શાસન કર્યું. બાદમાં તેનાં સરદારો નવાબો બની ગયા અને હિન્દના છેવાડા સુધી ઈસ્લામની આણ ફરી વળી. એવી જ બીજી તારીખ એટલે 14 જાન્યુઆરી, 1761. એ દિવસેય પાણીપતનું મેદાન જ નિમિત્ત બન્યું. વિદેશી સત્તાને, વિધર્મી શાસનને મારી હઠાવવાનો એ છેલ્લો અને સૌથી બળુકો પ્રયાસ હતો, અને પહેલી વાર હિન્દ બારૂદની તાકાત સાથે મેદાનમાં ઊતર્યું હતું. એ યુદ્ધના મહાનાયકો પ્રતાપી મરાઠા સામ્રાજ્યના સદાશિવરાવ ભાઉ અને નવલોહિયા વિશ્વાસરાવ પાટીલ હતા. રસપ્રદ બાબત એ છે કે આ ભૂમિને ચાહનારો, વિદેશીઓને પાછા ધકેલવાના આખરી પ્રયાસનો એક નાયક મુસ્લિમ હતો. તેનું નામ ઈબ્રાહિમખાન ગાર્દી. દખ્ખણની આખી લડાયક જાતિ બહમની સામ્રાજ્યના પ્રભાવ હેઠળ મુસ્લિમ બની ગઈ હતી એ વંશનું એ ફરજંદ. ઈબ્રાહિમખાન નિઝામની સેનામાં હતો એ વખતે નિઝામ અને ફ્રેન્ચ સૈન્ય વચ્ચે સુલેહ થઈ હતી. આધુનિક યુદ્ધકળામાં વિશારદ ફ્રેન્ચ સેનાપતિ શાર્લ જોસેફ દ બુસ્સીએ નિઝામના સૈન્યને એ કૌશલ્ય શીખવ્યું ત્યારે ઈબ્રાહિમ એ ટુકડીમાં સામેલ હતો. દ બુસ્સીના સૌથી હોંશિયાર વિદ્યાર્થી તરીકે ઈબ્રાહિમખાન તોપવિદ્યા, પરંપરાગત ઘોડેસવાર અને પાયદળનું સમન્વય શીખ્યો. તેને સમજાયું કે માત્ર તોપથી નહીં, પરંતુ આ ત્રણેય શક્તિના સંયોજનથી જ વિદેશીઓ યુદ્ધો જીતે છે. ફ્રેન્ચ સૈન્યની યુદ્ધનીતિ શીખેલાં સૈનિકો ફ્રેન્ચ ભાષામાં ગાર્દે (અંગ્રેજીમાં ગાર્ડ/રક્ષક) કહેવાયા. આથી ઈબ્રાહિમ અને તેનો સમગ્ર કબીલો ગાર્દી તરીકે ઓળખાયો. બદલાતી યુદ્ધકળા અને તેમાં ઈબ્રાહિમખાનનું કૌશલ્ય પારખીને મહાન મરાઠા સામ્રાજ્યના સેનાપતિ સદાશિવરાવ ભાઉએ તેને નિઝામની સેનામાંથી મરાઠા સૈન્યમાં સામેલ કર્યો અને આધુનિક યુદ્ધકળા મુજબનું તોપદળ તૈયાર કરાવ્યું. પાણીપતના મેદાનમાં અહમદશાહ અબ્દાલી સામે લડતી વખતે ઈબ્રાહિમખાને પોતાના ફ્રેન્ચ ગુરુ દ બુસ્સીએ શીખવેલો વ્યૂહ અપનાવ્યો. ફ્રેન્ચ સૈન્યમાં મસ્કેટિયર્સ તરીકે ઓળખાતું પાયદળ સૌથી આગળ. તેની પાછળ સંગીનધારી સૈનિકો. તેની પાછળ તોપદળ, જેમાં ત્રણ મહાકાય તોપ હોય. તોપદળની પાછળ ધનુર્ધારી સૈનિકો અને સૌથી પાછળ વેગીલા ઘોડેસવારો. યુદ્ધની શરૂઆત જ તોપોના ધડાકાથી થાય. ભીષણ તોપમારા વડે શત્રુની પહેલી હરોળ તહસનહસ થવા લાગે એટલે પાયદળ દોડીને મોરચાબંધી કરે. તોપમારા છતાં પણ આગળ વધવા મથતાં શત્રુ સૈન્યને સંગીનધારી ટુકડી ખાતમો કરતી જાય. એ જ વખતે ધનુર્ધારી દળ ઝેરકોચલું પાયેલાં તીરનો વરસાદ વરસાવી દે. શત્રુઓ ચોમેરથી હતપ્રભ થઈ ગયા હોય એ વખતે ઘોડેસવારોનો પ્રવેશ થાય. પેશ્વાના સરસેનાપતિ સદાશિવરાવને ઈબ્રાહિમખાનની આધુનિક યુદ્ધનીતિ પર પૂરો ભરોસો હતો, પણ ઘોડેસવારો સૌથી પાછળ રહે એ મરાઠા સરદારોને માન્ય ન હતું. પરંપરાગત યુદ્ધોમાં ઘોડેસવારો જ બહાદુરીનો પર્યાય ગણાતા હતા અને યુદ્ધમાં મોખરે રહેવું એ ભારતીય જનમાનસમાં શૌર્ય, હિંમત અને જાઁફેસાનીનું પ્રતીક મનાતું હતું. જાણીતા ઈતિહાસકાર ત્ર્યંબક શંકર શેજવલકરે પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે પેશ્વાઈ અભિલેખો, પત્રો, ફારસી ગ્રંથો અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે તથ્યાત્મક પુસ્તક લખ્યું છે. એ મુજબ, યુદ્ધના પ્રથમ ત્રણ કલાકમાં ઈબ્રાહિમની તોપોએ કોહરામ મચાવી દીધો હતો. અબ્દાલી તરફે લડતા રોહિલ્લાઓની ટુકડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એમ જ લાગતું હતું કે આ યુદ્ધ મરાઠાઓ જ જીતી જશે. પરંતુ એ જ ઘડીએ રણશૂરા મરાઠા ઘોડેસવારોને છેલ્લા મોરચે ઊભા રહીને રાહ જોવાનું કઠ્યું અને રણનીતિને કોરાણે મૂકીને તે આગળ ધસવા લાગ્યા. આ બાજુ અહમદશાહની તૈયારી મરાઠાઓથી બે ડગલાં આગળ હતી. મરાઠાઓ પાસે મહાકાય દસ્તા જેવી તોપ હતી. જેની હેરફેર અત્યંત મુશ્કેલ હતી. એક ધડાકો કર્યા પછી નવા ધડાકા માટે બારૂદ ઠાંસીને પલીતો ચાંપવામાંય ખાસ્સી વાર લાગતી હતી. તેની સામે અબ્દાલીએ તોપની નાની આવૃત્તિઓ તૈયાર કરાવી તેને ઊંટ પર ચડાવી હતી. બંદૂકનો આદ્ય અવતાર ગણાતી એ નાનકડી તોપ ‘ઝમ્બુરક’ તરીકે ઓળખાતી હતી. અરબી ભાષામાં ઝમ્બુર એટલે ભમરો. ભમરાની માફક અને ભમરાની ગતિએ ચોમેર દરેક દિશાએ ફરી શકતી આ ઝમ્બુરકે ગોળાબારી શરૂ કરી એ સાથે યુદ્ધનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. એક ધડાકો કર્યા પછી હાંફતી મરાઠા તોપોને જ ઝમ્બુરકે પહેલા નિશાન બનાવી. આ બાજુ મરાઠા ઘોડેસવારોએ નિયત થયેલી રણનીતિ તોડી એટલે પાયદળ અને ધનુર્ધારી પણ દિશાહીન બન્યાં. તેનો ફાયદો ઊઠાવતાં અબ્દાલીના ઊંટસવારોએ ચોમેર ઘૂમીને ઝમ્બુરકના એકધારા ધડાકા કરી મરાઠા સૈન્યને દિશાહીન બનાવી દીધું. એ ગોળાબારીમાં પેશ્વાઈનો વારસદાર વિશ્વાસરાવ માર્યો ગયો. સદાશિવરાવ પણ ખતમ થઈ ગયો અને આરંભે જિતાયેલા યુદ્ધમાં મરાઠા સૈન્યનો ઘોર પરાજય થયો. એ યુદ્ધ મરાઠાઓ જીત્યા હોત તો દિલ્હીની મુઘલ બાદશાહત પણ તેનાં શરણે થઈ હોત અને તો અંગ્રેજો, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પણ શાસનનો વિસ્તાર કરી શક્યા ન હોત. પરંતુ હિન્દનું તકદીર કંઈક અલગ જ લખાયેલું હતું એટલે સ્વરાષ્ટ્ર અને સ્વાભિમાનનો એ આખરી પ્રયાસ બહુ જ ખરાબ રીતે વિફળ રહ્યો. ઝુઝાર મરાઠાઓએ એવો ફટકો ખાધો કે પછી કદી બેઠા જ ન થઈ શક્યા અને હિન્દની આખરી આશાય હંમેશ માટે સૂઈ ગઈ. એ દરેકના પાયામાં હતો બારૂદ યાને તોપવિદ્યા યાને ગનપાઉડર, જેણે સામ્રાજ્યો સર્જ્યાં પણ ખરાં અને ઉથલાવ્યાં પણ ખરાં. } (આવતા રવિવારથી નવી શ્રેણી ‘દરિયાઈ દબંગગીરીઃ ચાંચબંદરથી સોમાલિયા સુધી’)
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:14 લોક આખરે ક્યાં છે?
    Next Article
    અપડેટ:AIની રેસમાં ભારત ક્યાં છે? સ્વદેશી મોડલ્સ વિશે જાણો છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment