Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:તમે ચંદન, તમે કુંદન, તમે રેશમ, તમારા સમ,તમે ગંગા,જમના તણો સંગમ; તમારા સમ

    1 day ago

    વર્ષો પછી પ્રાંશુએ એ શહેરમાં પગ મૂક્યો જ્યાં એણે જીવનનાં સૌથી કિંમતી વર્ષો વિતાવ્યાં હતાં. અહીં એક નાનકડા મકાનમાં એણે મધ્યમવર્ગીય માતા-પિતાનો ઉચ્ચ સ્તરીય પ્રેમ મેળવ્યો હતો, અલ્પશિક્ષિત મા પાસેથી નાલંદા કે તક્ષશિલા જેવી મોટી યુનિવર્સિટીઓમાંથી પણ શીખવા ન મળે તેવા જિંદગીના બહુમૂલ્ય પાઠો જાણ્યા હતા, અહીંની સાંકડી શેરીઓની ધૂળમાં આળોટીને, ભેરુબંધોની સાથે તોફાનો અને મારામારીઓ કરીને એનો દેહ મજબૂત બન્યો હતો, આ શહેરમાં જ એણે પહેલીવાર ગાળ સાંભળી હતી, બોલી હતી અને પછી છોડી દીધી હતી. ક્યારે છોડી હતી? કેમ છોડી હતી? જ્યારે એક ભીનેવાન, નમણી છોકરી એને ગમી ગઈ હતી અને એ છોકરીએ એને કહ્યું હતું: ‘પ્રાંશુ, તું સારો છોકરો છે, સંસ્કારી ઘરનો છોકરો છે પણ તારા ભાઈબંધો સારા નથી. ગઈ કાલે તું લોબીમાં તારા મિત્રો સાથે વાતો કરતો ઊભો હતો ત્યારે હું ત્યાંથી પસાર થઈ હતી. હું તારી પીઠ પાછળથી જતી હતી એટલે તારું ધ્યાન ન ગયું. તમે બધા વિના કારણ વાતો કરતાં કરતાં વચ્ચે વચ્ચે જે રીતે ગાળો બોલી રહ્યા હતા એ સાંભળીને મને....! છી! તને આ શોભતું નથી, પ્રાંશુ.’ એ દિવસ પછી પ્રાંશુએ પોતાના અંગત શબ્દકોષમાંથી ગાળોને ડિલીટ કરી દીધી હતી. આજે એ છોકરી તો એના જીવનમાં નથી રહી, પણ એણે શીખવેલી સંસ્કારિતા હજી પણ ચાલુ રહી છે. આ પણ આ જ શહેરમાં બન્યું હતું એ છોકરીનું નામ પર્ણવી. કોલેજના સેકન્ડ યરમાં પર્ણવી પ્રાંશુની જિંદગીમાં પર્વ બનીને આવી હતી. ક્લાસ વન ગવર્ન્મેન્ટ ઓફિસરની દીકરી હતી. કોલેજમાં એને મૂકવા-લેવા માટે કાર આવતી હતી. ત્રણ હજાર સ્ટુડન્ટસની એ કોલેજમાં એક પણ છોકરા કે છોકરી પાસે ટુ વ્હીલર પણ ન હતું એ સમયની આ વાત. એક દિવસ પ્રાંશુને ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું હતું. કાળઝાળ ગરમીમાં એ ભાગતો, હાંફતો કોલેજ તરફ જતો હતો ત્યારે એક કાર એની સાવ નજીક આવીને ઊભી રહી ગઈ. બારીનો કાચ નીચે ઊતર્યો. પર્ણવીનો અવાજ આવ્યો, ‘કારમાં બેસી જાવ, સમય સચવાઈ જશે.’ અને એ પછી પ્રાંશુનાં બે આખાં વર્ષ સચવાઈ ગયાં હતાં. કદાચ પૂરી જિંદગી સચવાઈ ગઈ હોત. અગર વક્ત વફા કરતા...! પર્ણવી પાછળની સીટ પર બેઠી હતી, પ્રાંશુ ડ્રાઈવરની પાસેની આગલી સીટ પર બેસી ગયો. નાનું શહેર હતું, કોલેજ આવવામાં વાર કેટલી? સમયનો એ નાનકડો ટુકડો બે-ચાર સંવાદોથી જ છલકાઈ ગયો. નામ શું છે? ક્યાં રહો છો? પપ્પા શું કરે છે? આ બધા પ્રશ્નો પર્ણવીના હતા અને બધા જવાબો પ્રાંશુના હતા. છોકરીઓની તો પૂરી વંશાવળી કોલેજના છોકરાઓ જાણતા જ હોય છેને! કોલેજના મેદાનમાં ગાડીમાંથી ઊતરીને પર્ણવીને ‘થેન્ક યૂ’ કહેવામાં પણ પ્રાંશુને જોઈએ તેવું ફાવ્યું નહીં. આ પહેલાં કોઈ છોકરી સાથે વાત કરી હોય તો ફાવેને! ખૂબ થોડા સમયમાં બંને મિત્રો બની ગયા, પછી ગાઢ મિત્રો અને પછી પ્રેમીજનો. બંને વચ્ચેનો લઘુત્તમ સાધારણ અવયવ શિષ્ટ, સાહિત્યિક પુસ્તકોના વાંચનનો હતો, નવરાશભર્યા એકાંતમાં બેસીને તેઓ પોતે માણેલાં વર્લ્ડ ક્લાસિક પુસ્તકોની વાતો એકબીજાની સાથે વહેંચતાં રહેતાં હતાં. પ્રાંશુ ફ્રેંચ સાહિત્યકારો આલ્બર્ટ કામૂ અને જ્યાં પોલ સાર્ત્ર પાછળ રીતસર પાગલ. એની વાતો એમનાં સર્જનોની આસ-પાસ જ ઘૂમરાતી રહેતી, ‘પર્ણવી, તેં ‘ધ સ્ટ્રેન્જર’ વાંચી છે? જો ન વાંચી હોય તો આજે જ લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી જજે. એ માણસ શું લખે છે! મને તો એની ‘ધ મિથ ઓફ સિસિફસ’ પણ ખૂબ ગમી છે. એક જગ્યાએ એ લખે છે: ‘હુએવર ગિવ્ઝ નથિંગ, હેઝ નથિંગ. ધ ગ્રેટેસ્ટ મિસફોર્ચ્યુન ઈઝ નોટ ટુ બી અનલવ્ડ, બટ નોટ ટુ લવ.’ પર્ણવી, હું કોઈને ચાહી ન શકું એનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે?’ હસીને પર્ણવી કહેતી, પણ હું તો તને મને ચાહે છેને? અને હું પણ તને પ્રેમ કરું છું. આપણાંમાંથી કોઈ દુર્ભાગી નથી.’ પ્રાંશુ પૂછી બેસતો, ‘અચ્છા, તું પણ મને પ્રેમ કરે છે? કેટલો પ્રેમ કરે છે?’ ‘જેટલો જગજ્જનની મા પાર્વતીએ શિવજીને કર્યો હતો, રાધાએ કૃષ્ણને, સીતામૈયાએ રામને, શકુંતલાએ દુષ્યંતને અને ભગવાન રામની દાદી ઈન્દુમતીએ મહારાજા અજને કર્યો હતો.’ પર્ણવી સંસ્કૃત સાહિત્યની વિદ્યાર્થિની હતી. પર્ણવી પાસેથી પ્રાંશુ કાલિદાસ, ભવભૂતિ અને બાણભટ્ટનાં સર્જનો વિશે જાણતો રહ્યો, પર્ણવી પ્રાંશુ પાસેથી ‘વોર્ડ નં. સિક્સ’, ‘ધ બ્રિજ’ અને ‘ડાર્લિંગ’ જેવી વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓ વિશે સાંભળતી. મહાકવિ કાલિદાસનો અપ્રતિમ શૃંગારરસ અને સાર્ત્રનો અસ્તિત્વવાદ એકમેકમાં ઓગળતો રહ્યો. પ્રાંશુ અને પર્ણવી એક ચોક્કસ સ્તરનાં પ્રેમીજનો હતાં અને તેઓ એ સ્તર ઉપર જ મળતાં રહ્યાં, ચર્ચતાં રહ્યાં અને એકબીજાંને જચતાં રહ્યાં. જગતમાં કેટલા પ્રેમીઓ એમની પ્રેમિકાઓને પત્નીરૂપે મેળવી શકે છે? મોટાં ભાગનાં તો વિખૂટાં પડીને વિરહની આગમાં સળગતાં રહે છે. પ્રાંશુ અને પર્ણવી પરણી શક્યાં નહીં, કારણ આર્થિક અને સામાજિક હતું, પરિણામ જૂનું અને જાણીતું હતું. જે દિવસે પર્ણવીનાં લગ્ન થયાં તે જ દિવસે સાંજના સમયે પ્રાંશુએ એ શહેર છોડ્યું. એ નવા શહેરમાં નસીબ અજમાવવા માગતો હતો અને આ શહેરમાં જ પરણીને સેટલ થયેલી પર્ણવીને ભૂલવા માગતો હતો. વર્ષો બાદ પ્રાંશુ એ શહેરમાં પાછો ફર્યો હતો. એણે કંપનીના માલિક સમક્ષ વારંવાર વિનંતીઓ કરી જોઈ હતી, ‘સર, ત્યાં જવાનું મને નહીં ગમે, બીજા કોઈને મોકલો.’ ‘તમારે જવું પડશે. કામ ઈમ્પોર્ટન્ટ છે અને એ માત્ર તમે જ કરી શકો તેવું છે. કંપનીની ગાડી અને ડ્રાઈવર લઈ જાઓ. કામ પૂરું થાય કે તરત ત્યાંથી રવાના થઈ જજો.’ માલિકે કહ્યું હતું. ના પાડવાની શક્યતા બચી ન હતી. પ્રાંશુએ જવું પડ્યું, એ ભૂમિને જોવી પડી અને... વો ભૂલી દાસ્તાં... લો ફિર યાદ આ ગઈ. જે કામ માટે પ્રાંશુ ગયો હતો તે સરસ રીતે પતી ગયું. ધાર્યાં કરતાં વહેલાં પતી ગયું. બપોરનો એક વાગ્યો હતો. કકડીને ભૂખ લાગી હતી. અચાનક પ્રાંશુને પર્ણવીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. ફોન નંબર મેળવતાં માત્ર દસ જ મિનિટ લાગી. ‘પર્ણવી, હું પ્રાંશુ. એકાદ કલાક જેટલો સમય છે તારી પાસે? તો લંચ સાથે લઈએ.’ પ્રાંશુએ કોઈ પણ જાતનો ઈમોશનલ અત્યાચાર કર્યા વગર આમંત્રણ આપી દીધું. ‘મારે એડજસ્ટ કરવું પડશે, પણ હું આવું છું. તું ક્યાં છો?’ પર્ણવીએ પૂછ્યું. એને આવવામાં વીસેક મિનિટ્સ લીધી. બાજુની એક સારી રેસ્ટોરાંમાં બંને ગોઠવાયાં. પર્ણવીએ ઓર્ડર આપ્યો. વાનગીની સાથે વાતો પણ ચાલી. પર્ણવી બહુ બદલાઈ ગઈ હતી. ક્યારેક જે પાતળી પદમણી હતી તે હવે સ્થૂળ મહાકાય હાથણી બની ગઈ હતી. એની વાતોનું સ્તર પણ નીચું ઊતરી ગયું હતું. એની તમામ વાતો રૂપિયાની આસપાસ ઘુમરાયા કરતી હતી. જમીનના પ્લોટ્સમાં એનો પતિ કેટલું કમાયો, સોનાનાં બિસ્કિટ્સમાં કેટલો ફાયદો થયો, કઈ કંપનીના શેર લેવા જેવા છે, રોજ સવારે બે કલાક લેપટોપ સામે બેસીને ‘ઈન્ટ્રા ડે’નો સટ્ટો ખેલવાથી કેટલું કમાઈ શકાય આવી જ વાતોમાં સમય પસાર થઈ ગયો. કાલિદાસનું ‘મેઘદૂત’ અને આલ્બર્ટ કામૂના ક્વૉટેબલ ક્વૉટ્સ તો ક્યાંય ઊડી ગયાં હતાં. છૂટાં પડતી વખતે પ્રાંશુએ પૂછ્યું, ‘તું સાવ બદલાઈ ગઈ, પર્ણવી. મેં તો તને સાહિત્યના ઉચ્ચ આકાશમાં વિચરતી જોયેલી છે, મને ખબર છે કે તારો વર શેરમાર્કેટમાં ખૂબ કમાયો છે, પણ એ એનો વિષય છે. તું પણ એના સ્તરે ઊતરી ગઈ? તારું આવું પતન, પર્ણવી!’ ‘આ પતન નથી, પ્રાંશુ, પણ આ પરિવર્તન છે અને પરિવર્તન જ જીવનનો ક્રમ છે, નિયમ છે. સ્ત્રી એના પતિના ધંધામાં પોતાને જોડી દે તેમાં ખોટું શું છે? દેવી સરસ્વતીની આરાધના શ્રેષ્ઠ છે એ હું સ્વીકારું છું, દેવી લક્ષ્મીની પૂજા ખરાબ નથી એવું તું પણ સ્વીકારી લે. ચાલ, હવે મારે જવું પડશે. મારો હબી રાહ જોતો હશે, એક વિલા જોવા જવાનું છે. બાય!’ } (શીર્ષક પંક્તિ: પારસ પટેલ)
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:મોરનાં ઈંડાંને ચીતરવા ન પડે! પણ મોર ઈંડાં આપે?
    Next Article
    દેશ-વિદેશ:ભારતની સૌથી મુશ્કેલ કૂટનીતિક પરીક્ષા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment