Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય સ્પેસ:માતા-પિતા કેમ મોડાં જ સમજાય છે?

    1 day ago

    કિસી કો મોત સે પહલે કિસી ગમ સે બચાના હો, હકીકત ઔર થી કુછ, ઉસે જા કે યે બતાના હો, હમેશા દેર કર દેતા હૂં મૈં... મુનીર નિયાઝીની આ નઝમ ખૂબ વાઇરલ થઈ છે, કારણ કે લગભગ દરેક વ્યક્તિને લાગે છે કે આ નઝમના શબ્દો એના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આપણે બધા જ સામાન્ય રીતે ખૂબ વ્યસ્ત હોવાના વહેમમાં જીવીએ છીએ. ‘ટાઈમ નથી’ અથવા ‘હું બિઝી છું’ એ હવે માત્ર શબ્દો નહીં, સ્ટેટસ પણ બની ગયું છે! મિત્રો, સ્વજન, માતા-પિતા સતત આપણે એમને સમય આપીએ એની પ્રતીક્ષા કરતા હોય છે... આ વાત સામાન્ય રીતે ત્યારે જ સમજાય છે જ્યારે આપણે કોઈની પ્રતીક્ષા કરતા રહીએ, અને એનો સમય ન મળે! આપણે જ્યારે ચાલીસી વટાવીને જિંદગીની ગોલ્ડન જ્યુબિલી તરફ પ્રવાસ કરતાં હોઈએ ત્યારે અચાનક આપણને માતા-પિતાની વાતો યાદ આવવા લાગે છે. 30-35ની વય સુધી માતા-પિતાની દરેક વાત, ઉછેર વખતે એમણે લીધેલા નિર્ણયો-શાળાની પસંદગી, વિષયોની પસંદગીથી શરૂ કરીને જીવનસાથીની પસંદગી (જો એમણે કરી હોય તો) વિશે આપણને ફરિયાદ રહે છે. મમ્મીની ખાવા વિશેની કચકચ, પપ્પાની ભણવા વિશેની કડકાઈ, મોડી રાત્રે બહાર ન જવા વિશે, ઈસ્ત્રીનાં કપડાં કે વીજળીના બિલ વિશે એમની માથાકૂટ, રૂમ ચોખ્ખો રાખવાની હિદાયતો કે આપણા મિત્રો વિશેની એમની કમેન્ટ્સ... એ દરેક વાતમાં આપણને આપણાં માતા-પિતા ખોટાં, જૂનવાણી, રૂઢિચુસ્ત કે કંજૂસ લાગે છે! એમનો સંઘર્ષ આપણને સમજાતો નથી. સંઘર્ષમાંથી જન્મેલી એમની અસુરક્ષા પણ આપણે સમજી શકીએ એવી સ્થિતિમાં નથી હોતા કારણ કે, આપણને તો બધું તૈયાર મળ્યું છે! પહેલું ઘર ખરીદવાનો એમનો ઉત્સાહ, એ માટે એમણે કરેલી નાની પણ મુશ્કેલ બચતથી શરૂ કરીને આપણા શિક્ષણ માટે લીધેલી લોન સુધી બધું જ જાણે એમની ફરજ હોય એમ, આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લીધું છે. એમણે જ્યારે ‘મારા ઘરમાં નહીં ચાલે’ કહ્યું હોય ત્યારે આપણે સામે, ‘હું ઘર છોડી દઈશ’ની ધમકી તો આપી જ હશે, પરંતુ આપણે ત્યારે બરાબર જાણતા હતા કે આપણી પાસે જવાની કોઈ જગ્યા નથી! ભોજન છોડીને, રડીને, સામા જવાબો આપીને, એમને દુઃખ થાય એવા શબ્દ પ્રયોગો કરીને આપણે એમને અનેકવાર દુભવ્યાં હોય, બ્લેકમેલ કર્યા હોય, પરંતુ આ બધું કરતી વખતે આપણું ગરમ લોહી, યુવાની, વિદ્રોહ કરીને ‘એમને સમજાવી દેવાની’ માનસિકતાને કારણે આપણને એમની પીડા સમજાઈ નહોતી. ત્યારે માતા-પિતા કહેતાં, ‘તમે એક વાર મા-બાપ થશો ને ત્યારે સમજાશે!’ આ કેટલું સત્ય હતું, છે! આપણે જ્યારે માતા-પિતા થયા ત્યારે આપણને સમજાયું કે, સંતાનનાં સુખ સિવાય આપણી કોઈ ઝંખના જ બાકી રહી નથી... એને કઈ રીતે વધુમાં વધુ સગવડ, શિક્ષણ, સુરક્ષા કે સ્નેહ આપી શકાય એ જ આપણું ફોકસ બની ગયું. અચાનક, આપણને આપણાં માતા-પિતા સમજાવા લાગ્યાં. આપણાં સંતાનો જ્યારે મોટાં થવા લાગ્યાં ત્યારે મોંઘવારી સમજાઈ, કરકસર સમજાઈ, બે ઈચ્છાઓ વચ્ચેની પસંદગી સમજાઈ, પ્રાયોરિટી નામનો શબ્દ એ પછી જ સમજાયો! કેટલાંક નસીબદાર સંતાનો એમનાં માતા-પિતાને આ કહી શક્યા, ‘આઈ એમ સોરી’ પરંતુ જેમનાં માતા-પિતા એ પહેલાં જ આ જગત છોડી ગયાં એમને માટે અફસોસ સિવાય કશું શેષ રહ્યું નહીં. કેટલીકવાર મમ્મી ‘થોડોક રસ’ ખાવાનો આગ્રહ કરે ત્યારે આપણને ડાયટિંગને કારણે મમ્મી પર ચીડ ચડે, પપ્પા કોઈ સગાંને જમવા બોલાવી લે ત્યારે આપણે બોર થઈએ, આપણા મિત્રો આવે ત્યારે મમ્મી-પપ્પા બહુ વાર સુધી એમની સાથે બેસી ન રહે એવી આપણી ઈચ્છા હોય... ભલે કહીએ નહીં, આદર રાખીએ-પરંતુ, ક્યાંકને ક્યાંક જૂની પેઢી આપણને જડ અને રૂઢિચુસ્ત લાગે ત્યારે કોર્પોરેટમાં ઈન્ટરવ્યૂ આપતી વખતે જેનો જવાબ આપીએ છીએ એ જ પ્રશ્ન સ્વયંને પૂછવો, ‘વ્હેર ડુ યૂ સી યોર સેલ્ફ આફ્ટર ટેન યર્સ?’ (તમે 10 વર્ષ પછી તમારી જાતને ક્યાં જુઓ છો?) આપણે વ્યવસાયમાં, નોકરીમાં, કારકિર્દીમાં ‘સ્વૉટ’ (એસ. ડબલ્યુ. ઓ. ટી) એનાલિસિસ કરીએ છીએ, ખરેખર તો માતા-પિતાના સાથેના સંબંધમાં પણ એક વાર સ્વૉટ એનાલિસિસ કરવું જોઈએ. ‘એસ’ એટલે સ્ટ્રેન્થ, માતા-પિતા સાથેના સંબંધમાં આપણી સ્ટ્રેન્થ શું છે? એમણે આપણને જે આપ્યું, જે બનાવ્યા, ભણાવ્યા, ઘર અને સુવિધાઓ આપી એ ન હોત તો આપણે ક્યાં હોત? જે શિક્ષણ મળ્યું એ ન હોત તો આપણે આવું બધું વિચારી શકતા હોત? રેશનની લાઈનમાં કે જાજરુંની લાઈનમાં ઊભા રહીને ઊછર્યા હોત તો આ ટણી, આ અહંકાર, આ દાદાગીરી હોત ખરાં? ‘ડબલ્યૂ’ વિકનેસ માટે છે. આપણાં માતા-પિતાની સૌથી મોટી વિકનેસ આપણે છીએ. આ વાત આપણે માનીએ કે નહીં, આપણું હૃદય જાણે છે. સ્કૂલમાં આપણો પક્ષ લીધો હોય, પાડોશીના ઝઘડામાં આપણને બચાવ્યા હોય, નાપાસ થયા, ધંધામાં નુકસાન થયું, દિલ તૂટ્યું, સગાઈ તૂટી કે ડિવોર્સ થયા, દરેક વખતે કદાચ વઢ્યા હોય-આપણી ભૂલ બતાવી હોય તેમ છતાં મોટાં ભાગનાં માતા-પિતાએ સંતાન માટે પોતાનું સ્વમાન, ઈચ્છા કે ક્યારેક સિદ્ધાંતને પણ છોડ્યાં છે. માતા-પિતાની વિકનેસ આપણે છીએ, તો આપણા માતા-પિતા આપણા માટે કેમ સૌથી મોટી જરૂરિયાત કે આપણા ઈમોશનનું કેન્દ્ર નથી એ સવાલ આપણે આપણી જાતને પૂછવો જોઈએ કે નહીં? ‘ઓ’ ઓપોર્ચ્યુનિટી માટે છે. પોતાના જીવનની કેટલીય સુવર્ણ તકોને આપણાં માતા-પિતાએ જતી કરી છે, જેથી આપણને સારામાં સારી તક મળે. મમ્મીએ નોકરી છોડી હશે, પપ્પાએ ટ્રાન્સફર રોકાવી હશે, આપણા શિક્ષણ માટે વિદેશ પ્રવાસ ટાળ્યો હશે, કોઈ લગ્નમાં સોનું ખરીદવાને બદલે આપણા શિક્ષણ માટે એફ. ડી. કરી હશે, એમની એફ. ડી. તોડીને કે પ્રોવિડન્ટ ફંડમાંથી આપણને વ્યવસાય માટે પૈસા આપ્યા હશે... આ તક ન મળી હોત તો આપણે ક્યાં હોત? ‘ટી’ થ્રેટ માટે છે... આજના જમાનામાં સૌથી મોટી થ્રેટ એ છે કે, આપણી પાસે બધું હશે, માતા-પિતા નહીં હોય તો એ સ્નેહ, આશીર્વાદ, સુરક્ષા કે પ્રતીક્ષા કરતી બે આંખો નહીં હોય. સાઠ વર્ષનું સંતાન પણ એમનાં માતા-પિતા માટે તો ‘સંતાન’ જ છે. આપણે ત્યાં સુધી જ સંતાન રહી શકીએ છીએ, જ્યાં સુધી માથા પર માતા-પિતા છે... નસીબદાર હોઈએ, ને ઘરમાં હજીય માતા-પિતા હોય... તો એક વાર એમના સુધી આપણી લાગણી, પ્રેમ, આભાર અને સ્નેહ પૂરી પ્રામાણિકતાથી પહોંચાડીએ. આપણી ભૂલો માટે ક્ષમા માગીએ. એમનું દિલ દુભવ્યું હોય તો ‘સોરી’ કહીને એમના ચહેરા પર સ્મિત, આંખોમાં ઝળઝળિયાં જોઈ લઈએ. ક્યોંકિ, હમેશા દેર કર દેતે હૈ, હમ! }
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:કોમેડીમાં અશ્લીતતાને સ્થાન નથી
    Next Article
    માનસ દર્શન:પ્રેમાનંદના પડાવ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment