Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:કોમેડીમાં અશ્લીતતાને સ્થાન નથી

    1 day ago

    આપણે ત્યાં સ્ટેન્ડઅપ કોમેડીનું ચલણ વધ્યું છે, પરંતુ ઘણી વાર એમાં મર્યાદા ચુકાઈ જાય છે. અશ્લીલ અને અશોભનીય રમૂજોથી કોમેડીની કલાને કલંક લાગે છે. આ પરિસ્થિતિ સમાજ અને કલાકારો બંને માટે ચિંતાજનક છે. સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની જોક્સ અને રજૂઆત પ્રેક્ષકો અને સમાજને વિચલિત કરે ત્યારે કોમેડીનું નૈતિક મૂલ્ય જોખમાય છે. કોમેડી મહાન અને અઘરી કળા છે, દુનિયાભરમાં અનેક ઉત્તમ કલાકારોએ જૂના સમયથી કોમેડીને ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠા અપાવી છે, રંગભૂમિની જ વાત કરીએ તો કોમેડીના કલાકારો પ્રેક્ષકોને શુદ્ધ મનોરંજન પૂરું પાડતા હતા. રમૂજ, કટાક્ષ અને અસ્વાભાવિક હાવભાવ સાથે તેઓ સામાજિક અને રાજકીય કડવાં સત્યો તરફ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતા. સામાન્ય વ્યક્તિ સમાજ અને સત્તાધીશોને પૂછવાની હિંમત ન કરે તેવા સવાલો સ્ટેજ પરથી ઉઠાવતા. સંસ્કૃત નાટકોની પરંપરામાં વિદૂષકની ભૂમિકા અગત્યનું સ્થાન ધરાવતી હતી. કેટલાંય નાટકોમાં વિદૂષક નાટકના ધીરોદાત્ત નાયકના સાથીદારનો પાઠ ભજવતા. એ પરંપરા ગુજરાતની ભવાઈ, કર્ણાટકના યક્ષગાન, બંગાળના જાત્રા અને મહારાષ્ટ્રના તમાશા જેવાં ભારતનાં વિવિધ લોકનાટ્યોમાં ઊતરી આવી છે. ગુજરાતી જૂની રંગભૂમિનાં નાટકોને લોકપ્રિય બનાવવામાં કોમેડીના કલાકારોએ આગવો ફાળો આપ્યો છે. અભ્યાસીઓ કહે છે તેમ વિદૂષકનાં પાત્રો ચાલુ નાટકે રમૂજી કોમેન્ટ કરી નાટકની કાલ્પનિક કથા અને જીવનની વાસ્તવિકતાને જોડતા પુલનું કામ કરતા હતા. તેઓ વિનોદ અને રમૂજપ્રેરક અભિનયથી ટ્રેજેડી અને ગંભીર વિષયનાં નાટકોમાં હળવાશ લાવતા, માનવસ્વભાવની મર્યાદાઓ તરફ આંગળી ચીંધતા અને તત્કાલીન દૂષણો વિશે તંદુરસ્ત ટીકા-ટિપ્પણી કરતા. એ રીતે તેઓ સમાજ સામે અરીસો ધરવાની જવાબદારી અદા કરતા હતા. મહારાષ્ટ્રના ખૂબ જાણીતા લોકનાટ્ય સ્વરૂપ ‘તમાશા’માં વિદૂષકનું પાત્ર ભજવનાર લોકલાડીલા અભિનેતા દાદૂ ઇંદુરીકર સાથે જોડાયેલા એક સંવાદમાં એક વડીલ એને કહે છે: ‘તું બહુ બોલે છે.’ દાદૂ ઇન્દુરીકરનો જવાબ હતો: ‘કોઈ મારી વાત પર ધ્યાનથી સાંભળશે તો હું ઓછું બોલીશ.’ મરાઠી અને હિન્દી સિનેમાની આંતરરાષ્ટ્રીય હસ્તી અરુણ ખોપકરનું એક સુપ્રસિદ્ધ પુસ્તક છે – ‘ચલત્ ચલચિત્રવ્યૂહ.’ એમાં એમણે સિનેમા અને કળાજગતની અગિયાર પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેનાં એમનાં અંગત સંસ્મરણો લખ્યાં છે. એ પુસ્તક ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’થી સન્માનિત થયું છે. અશ્વિની બાપટે આ પુસ્તકનો એ જ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ અનુવાદ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકમાં અરુણ ખોપકરે તમાશાના જાણીતા કલાકાર દાદૂ ઇંદુરીકરનાં જીવન અને કળા વિશે આત્મીય લેખ મૂક્યો છે. એમણે લખ્યું છે: ‘દાદૂ માત્ર એક વ્યક્તિ ન હતો. એ તો એક પરંપરાનો ધાગો હતો. એના શરીરની એકેક પેશી એ પરંપરાના ચૈતન્યને લઈને આવી હતી.’ એ પરંપરા હતી ‘હાજરજવાબી વિદૂષકની, કસબી રંગલાની અને વિચિત્ર મશ્કરાની.’ દાદૂનો પરિચય આપ્યા પછી તમાશાના કલાકારોની કળાસાધનાની પણ રસપ્રદ માહિતી આપી છે. નાટ્યકલાકારો અને તેમાંય વિદૂષકનું પાત્ર ભજવતા અભિનેતાઓએ એમની કળા ખીલવવા માટે કેવી અને કેટલી મહેનત કરવી પડતી એની પરદા પાછળ રહી જતી વિગતોથી વાંચકોને મહાન પરંપરાની માહિતી મળે છે. આ સંદર્ભમાં એમનું ખૂબ મહત્ત્વપૂર્ણ વિધાન છે : ‘તમાશાનો રંગલો – વેશ ભજવવાવાળો – અભણ હોય તો પણ અશિક્ષિત તો ન જ હોય. ઘણી વાર તો એ સાક્ષરો કરતાં વધારે શિક્ષિત હોય છે.’ ભાષાનો લય, સંગીતના સંસ્કાર, લોકોનું નિરીક્ષણ કરવાની આવડત વગેરે ગુણો એમની કળાને અલગ જ નિખાર આપતા હતા. અરુણ ખોપકરે કહ્યું છે તેમ ચાલુ નાટકે કલ્પનાશીલતા, સમયસૂચકતા અને હાજરજવાબીપણું એમની કળાનાં અભિન્ન અંગ છે. વિદૂષકનું પાત્ર ભજવતા કલાકારના અભિનય અને વિનોદનો છોળ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનાં મોજાં પૂરાં ઓસરે નહીં ત્યાં સુધી એ પોતાના ચહેરા પર ગંભીરતા જાળવી રાખતા, તે પણ એમની કલાશિસ્તની મોટી શરત હતી. દાદૂએ ભજવેલા તમાશાનાં નાટકોના ઘણા રસપ્રદ કિસ્સા ઘણા લોકોને આજે પણ યાદ હશે. અરુણ ખોપકરે એક નાટકનું દૃશ્ય નોંધ્યું છે: ‘એક તમાશામાં દાદૂ રાજાની સતત મશ્કરી કરતો, રેવડી દાણાદાણ કરતો. રાજા ગુસ્સે થઈ તેને ફાંસીની સજા ફરમાવે તો પણ દાદૂ માફી માગતો નથી અને ઉપરથી હસ્યા જ કરે. રાજા ભડકીને એને કહે છે, ‘તું માફી પણ માગતો નથી. કેવો મગરૂર થઈ ગયો છે.’ દાદૂ ત્યારે કહે છે, ‘મહારાજ, માફી માગી હોત તો પણ અપમાન કરતાં માફી વધુ અપમાનજનાક હોઈ શકે. છે.’ રાજા એને એ સાબિત કરવાનું કહે છે. જો દાદૂ એ વાતનું તથ્ય સાબિત કરી બતાવે તો તેની ફાંસીની સજા માફ થશે તેવી શરત રાખે છે. ‘પછીના દૃશ્યમાં રાજા વાંકો વળીને ફૂલ વીણી રહ્યો છે. એણે શાલ લપેટેલી છે. દાદૂ બાગમાં આવે છે, પાછળથી આવીને ધીરેથી રાજાના નિતંબ પર હાથ ફેરવે છે. રાજા ભડકી જઈને ઊભો થાય છે અને તેની સામે ડોળા ફાડીને જોઈ રહે છે. દાદૂ કહે છે, ‘માફ કરજો, મને લાગ્યું કે આ રાણીસાહેબ જ છે.’ માફી માગીને પણ બેવડું અપમાન કરવાની વાત સાબિત થઈ એટલે તેની ફાંસીની સજા માફ કરવા સિવાય રાજા પાસે કોઈ વિકલ્પ જ ન હતો.’ વિકલ્પ તો વિદૂષકનું પાત્ર ભજવતા કલાકાર પાસે પણ હોતો નથી, એણે એની કળાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એકલા હાથે કરવું પડે છે. નાટકનાં અન્ય પાત્રોને પ્રભાવશાળી સંવાદો, વેશભૂષા અને લાગણીશીલ દૃશ્યોનો આધાર મળે છે, જ્યારે વિદૂષકે પ્રેક્ષકોને હસાવવાના છે, નાટકની કથાનો લય જાળવવાનો છે અને હાસ્ય દ્વારા જીવનનાં ગહન સત્યો પ્રેક્ષકો સુધી પહોંચાડવાનાં છે. દરેક હાસ્યકલાકાર વર્તમાન પરિસ્થિતિઓને સૂક્ષ્મતાથી સમજતો સમાજસુધારક પણ છે. કોમેડીમાં અશ્લીતતાને કોઈ સ્થાન નથી એ સત્ય આજે સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની સાથે પ્રેક્ષકોએ પણ સમજવાની જરૂર છે. }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:વૃક્ષો વાવવામાં અને ઉછેરવામાં કોની રાહ જોવાની?
    Next Article
    માય સ્પેસ:માતા-પિતા કેમ મોડાં જ સમજાય છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment