Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:વૃક્ષો વાવવામાં અને ઉછેરવામાં કોની રાહ જોવાની?

    1 day ago

    હસમુખ પટેલ વર્ષારાણીએ આ વર્ષે રિસામણાં કર્યાં હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તેમનાં રિસામણાં મનામણાં વધી ગયાં છે. ક્યારેક તેઓ કટાણે તેમનો પ્રેમ વરસાવી દે છે. આધુનિક નારીની જેમ તેમણે પુરુષને પોતાની ક્ષમતાનો પરિચય કરાવવાનું શરૂ કરી દીધું છે. પુરુષ એટલે દુનિયા મુઠ્ઠીમાં કરી લેવાની વૃત્તિ . એટલે કે હાર્ડ પાવર. પ્રકૃતિ એટલે પ્રેમ, કરુણા, સંવેદનશીલતા, સહાનુભૂતિ અને સમાનુભૂતિ. ગાંધીજીએ મહિલાને છાજે તેવા, હૃદયને ભીંજાવી દે, હચમચાવી દે, પત્થરને પલાળી દે તેવા પ્રેમમય નેતૃત્વનો પરિચય કરાવ્યો. પોતાના હાર્ડ પાવરથી ચોથા ભાગની દુનિયા જીતી લેનાર બ્રિટિશ સલ્તનતને સાડા ચાર ફીટની કાયા ધરાવનાર મુઠ્ઠી હાડકાંના માનવીએ હરાવ્યો. આ છે સોફ્ટ પાવરની તાકાત. આધુનિક નારીની જેમ વસ્ત્રાલંકારથી વર્ષારાણીને રીઝવી શકાય. વર્ષારાણી રીઝે છે વૃક્ષોનાં ઘરેણાંથી. કેટલાક સાચા પ્રકૃતિપ્રેમીઓ વર્ષારાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હશે. જેથી તેઓ વર્ષારાણીને વૃક્ષોની ભેટ ધરી શકે. વિકાસના આપણે અપનાવેલા મોડલમાં ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ ચાવીરૂપ બાબતો બની છે. વિકાસ માટે વૃક્ષછેદન અનિવાર્ય હોય તેવું ઘણીવાર બને છે. વૃક્ષો કાપવામાં કલાકો લાગે છે ને ઉછેરવામાં? કપાયેલા એક વૃક્ષ જેટલું ઘટાદાર વૃક્ષ તૈયાર થતાં ઓછામાં ઓછાં દસ વર્ષ થાય. આ તો નાનાં ઝાડની વાત છે. દાયકાઓથી અડીખમ ઊભેલા વડલા, પીપળા, રાયણ, આંબા, મહુડા, કણજી જેવાં વૃક્ષોનું સ્થાન લેનારાં વૃક્ષ તૈયાર કરતા કમસેકમ વીસ વરસ લાગે. વવાતાં વૃક્ષોમાંથી ચાલીસ ટકા જેટલાં જ વૃક્ષો ઉછરે છે (ટકાનો આ આંકડો ઘણો ઉપરની બાજુએ છે). આ ગણિત માંડીએ તો કપાતા દરેક સામાન્ય વૃક્ષની સામે 12 થી 13 વૃક્ષો વાવવા પડે અને વડલા જેવા વિશાળ વૃક્ષના છેદન સામે 25 જેટલાં વૃક્ષો વાવવા પડે અને તેમાંથી ઓછામાં ઓછા ચાલીસ ટકા ઉછરે તેની કાળજી લેવી પડે. આ ગણિત ગળે ન ઊતરે ત્યાં સુધી આપણાં શહેરી વિકાસ સત્તામંડળો ઝાડની જગ્યાએ ઝાંખરાં ઉછેરવા પાછળ પાણીની જેમ પૈસા વાપરતા રહેશે. આવતા દસ વર્ષને અંતે આપણાં શહેરોમાં માણસ દીઠ નિશ્ચિત ઘટાનું એક વૃક્ષ હોવું જોઈએ તેવું લક્ષ્યાંક રાખી કામ ન થઈ શકે? તે પહેલાં દરેક શહેર પોતાના શહેરની વસ્તી અને વૃક્ષોના આંકડા દર વિશ્વ પર્યાવરણ દિવસે જાહેર કરે તો કેવું? સરકારી તંત્રમાં ઘણી મર્યાદાઓ હશે પણ સંસાધનોની બાબતમાં તેને કોઈ ન પહોંચી શકે. પણ સરકાર કરે તેની રાહ જોઈ આપણે બેસીશું? કોઈ ગામ, નગર, મહોલ્લો કે ઔદ્યોગિક વસાહત પોતાની રીતે આ કામ ન કરી શકે? એમ લાગે છે કે ગાંધીનગરમાં છેલ્લા દાયકામાં વૃક્ષોની ઘટા ઘટી હશે. મારી વાત અપૂર્ણ હોઈ શકે. પણ તેની ચકાસણી દર વર્ષે વૃક્ષ ગણતરી કરીને તેના આંકડાની જાહેરાતથી થઈ શકે. સિંહ ગણતરી કરી સિંહોની સંખ્યામાં સતત ઉતરોત્તર વધારો કરનાર રાજ્ય માટે આ શક્ય જ છે. શાળાનાં બાળકોના અભ્યાસક્રમમાં ટ્રાફિકના નિયમો ને નાગરિક ધર્મની વાત ઉમેરવામાં આવે છે તેમ સ્થાપત્યના અભ્યાસક્રમમાં વૃક્ષ ઉછેરની વાત ન વણી લેવાય? અત્યારે પણ તેઓ લેન્ડસ્કેપિંગ ભણતાં હશે જ પણ ખરેખર એવું થતું હોય તો આપણા લેન્ડસ્કેપમાં ગ્રાહકોને આકર્ષતા ભાતભાતના નખરાની જગ્યાએ પ્રકૃતિના ઘરેણાં સમ વૃક્ષો લહેરાતાં હોત! એક કાળમાં પ્રકૃતિ આપણું અભિન્ન અંગ હતી. આજે એવું નથી. એવું થાય તેવું આપણે વિચારવું પડશે. એવી રૂઢિઓ અને રિવાજો ખોળી કાઢવા પડશે. કેટલાક લોકો લગ્ન અને મૃત્યુના પ્રસંગે રોપાઓ વહેંચતા હોય છે. માત્ર આટલાથી નહીં ચાલે, વૃક્ષ ઉછેરવાની વ્યવસ્થા કરવી પડશે. ભવિષ્યમાં કદાચ આવા પ્રસંગોએ રોપાની સાથે પિંજરાની ભેટ આપવામાં આવે તેવું બને. ગયા વર્ષે એક ભાઇએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એક હજાર વડ વાવ્યા જ નહી, ઉછેરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી. અવસાન પામનાર સ્વજનની યાદ જીવતી રાખવા તેમની યાદમાં વૃક્ષ કે વૃક્ષો ઉછેરી શકાય. ભવિષ્યમાં લગ્નની નોંધણી વખતે પોતે ઉછેરેલાં પાંચ વર્ષના વૃક્ષના પુરાવા રજૂ કરવા પડે તેવો નિયમ બને તો નવાઇ નહીં, પણ નિયમોથી પરિણામ આવતાં હોય તો આઝાદીનાં પંચોતેર વર્ષ પછી કેટલાંય ક્ષેત્રોમાં રાષ્ટ્ર નંદનવન બન્યું હોત! યાદ રહે કે, રાષ્ટ્ર માત્ર રાજકારણીઓથી બનતું નથી, રાષ્ટ્રની દરેક સમસ્યા માટે રાજકારણીને જવાબદાર ગણવાની પદ્ધતિ પોતાની જવાબદારીમાંથી પલાયન થવાની રીત છે. વિકસેલા વડલાને જોઈએ તો કોઈ ઋષિનાં ચરણમાં ઊભા હોઈએ કે કોઈ તીર્થ સ્થળની નિશ્રામાં હોઈએ તેવી અનુભૂતિ થાય છે. મારા એક મિત્રએ એમના ઘર આગળના બગીચાના બે વિશાળ વડલાઓ બતાવી કહ્યું કે આ વડલાઓ પર બહુ બધા પક્ષીઓ કલરવ કરતા હોય ત્યારે વડલાઓ બહુ ખુશખુશાલ દેખાય છે. પ્રથમ નજરે તેમની વાત હસી કાઢવા જેવી લાગે પણ તેવું ન પણ હોય. આપણને ક્યાં પ્રકૃતિની બાની ઉકેલતાં આવડ્યું છે, નહીં તો આ વર્ષારાણીના રિસામણાં-મનામણાંમાંથી કંઈ ન શીખ્યા હોત?
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને કાર્યસફળતા મ‌ળે
    Next Article
    ડૂબકી:કોમેડીમાં અશ્લીતતાને સ્થાન નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment