Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:ચિત્રોની ભાષામાં ક્રાંતિ, સંઘર્ષની કથા

    1 day ago

    અજયસિંહ ચૌહાણ છેલ્લા ત્રણ મહિનાથી અમેરિકા-ઈરાનના યુદ્ધને કારણે આકાશમાંથી વરસતા બોમ્બ અને ડ્રોન વચ્ચે એક વાત દુનિયા ભૂલી ગઈ. એ હકની જેના માટે અનેક ઈરાની સ્ત્રીઓએ જીવનની આહુતિ આપી છે. એક એવો મુક્તિ સંગ્રામ જેમાં ઈરાનની મહિલાઓને મધ્યકાલીન ધાર્મિક માન્યતાઓમાંથી મુક્ત થવું છે. એમને જોઈએ છે મનુષ્ય હોવાનું ગૌરવ. અમેરિકા-ઈરાન યુદ્ધમાં થોડું ગાબડું પડ્યું અને ઈરાનમાંથી સમાચાર આવ્યા. એ પણ કેવા? જૂન, 2026માં ઈરાનની એક અદાલતે ગાયિકા પરસ્તૂ અહમદી સમેત તેમનાં બેન્ડના આઠ સભ્યોને હિજાબ પહેર્યાં વિના યૂ-ટ્યૂબ પર દેશભક્તિ ગીત ‘ફ્રોમ ધ બ્લડ ઓફ ધ યુથ ઓફ ધ હોમલેન્ડ’ પ્રસ્તુત કરવા બદલ પ્રત્યેક સભ્યને 74 કોરડાની સજા, બે વર્ષ માટે વિદેશ પ્રવાસ અને કોઈ પણ કલાત્મક પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો. એક મુક્ત સમાજમાંથી મધ્યકાલીન સમાજ તરફ ગતિ કરતાં ઈરાનનો સર્જનાત્મક દસ્તાવેજ એટલે ઈરાનનાં લેખિકા માર્જાન સતરાપીની સચિત્ર આત્મકથનાત્મક નવલકથા (Graphic Novel) ‘પર્સેપોલિસ’ (2003-2004). મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી આ નવલકથાના હિન્દી સહિત દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે અને વિશ્વની ઉત્તમ ગ્રાફિક નવલકથાઓમાં એની ગણના થાય છે. ગ્રાફિક નોવેલ એટલે કે ‘સચિત્ર નવલકથા’. જે સાહિત્ય અને ચિત્રકળાનો સમન્વય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવું પુસ્તક છે જેમાં વાર્તા શબ્દો દ્વારા તો ખરી જ; સાથે કૉમિક્સની જેમ ક્રમિક ચિત્રો દ્વારા આગળ વધે છે. ઘણા લોકો ગ્રાફિક નોવેલને સામાન્ય બાળકોના કૉમિક્સ સમજી લે છે. પણ, વાસ્તવમાં આ બંને વચ્ચે મોટો તફાવત છે. ગ્રાફિક નોવેલ સામાન્ય રીતે પુખ્ત વયના વાચકો માટે હોય છે અને તેમાં ગંભીર, જટિલ વિષયો અને લાંબી વાર્તાઓ આલેખવામાં આવે છે. ‘પર્સેપોલિસ’(Persepolis) એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે, જે પ્રાચીન ઈરાન (પર્શિયા)ના એક ભવ્ય અને ઐતિહાસિક નગર સાથે જોડાયેલો છે. ઈરાન પાસે હજારો વર્ષ જૂની સમૃદ્ધ, સુસંસ્કૃત અને ગૌરવશાળી સભ્યતાનો વારસો છે. જેનું પ્રતીક ‘પર્સેપોલિસ’ શહેર છે. આ નવલકથાની નાયિકા લેખિકાં માર્જાન સતરાપી પોતે છે. સતરાપી ઈરાનમાં શાહ પહેલા જે પરિવારનું શાસન હતું, એની વારસ છે. નવલકથા શરૂ થાય છે એના બાળપણથી. એનો ઉછેર એક મુક્ત વિચારવાળા પરિવારમાં થયો છે. એ સમયે રાજાશાહી નાબૂદ કરવા આંદોલન થઈ રહ્યું હતું. અંતે શાહ ઈરાન છોડી અમેરિકા જતાં રહે છે. સતરાપીના કાકા કહે છે ‘બધી વાતો અજીબ છે. ક્રાંતિ, પ્રગતિવાદ અને ધર્મનિરપેક્ષતાના આધાર પર થાય છે અને અહીં લોકતાંત્રિક દેશ ‘ઈસ્લામિક રિપબ્લિક’ કહેવાય છે.’ શરૂઆતમાં બધાને એમ લાગ્યું કે આ ધાર્મિક લોકોને સરકાર ચલાવવાનો અનુભવ નથી. એ પાછા પોતાની મસ્જિદોમાં જતાં રહેશે અને સત્તાની કમાન શ્રમિકોના હાથમાં આપશે. પણ, એવું થતું નથી. હિજાબ, બુરખો ફરજિયાત થાય છે. સ્ત્રીઓના અધિકાર છીનવી લેવામાં આવે છે. છોકરા-છોકરીઓની શાળાઓ અલગ કરી દેવાય છે. વિશ્વવિદ્યાલયો બે વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે. ધનિકો ઈરાન છોડીને અમેરિકા-યુરોપ જવા લાગે છે. પ્રગતિશીલ વિચારવાળા સતરાપીના કાકા સહિત અનેક લોકોની હત્યા કરવામાં આવે છે. આ ગાળા દરમિયાન જ ઈરાન-ઈરાક યુદ્ધ ફાટી નીકળે છે. માર્જાન પોતાની આસપાસ બોમ્બમારો, તેના મિત્રોના ઘરોનો નાશ અને પરિચિતોના મૃત્યુ જુએ છે. એને થાય છે કે આરબોએ બીજીવાર ઈરાન પર ઘાત કર્યો છે. પહેલીવાર ચૌદસો વર્ષ પહેલાં આક્રમણ કરીને એમનો ધર્મ ઈરાન પર થોપ્યો હતો. ચૌદ-પંદર વર્ષના કિશોરોને દેશભક્તિના નામે ઈરાક મોરચે મરવા મોકલાય છે. ચૌદ વર્ષથી ઉપરનાં બાળકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઈરાનના કડક કાયદાઓને કારણે માર્જાનનાં માતા-પિતા એને ચૌદ વર્ષની ઉંમરે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના મોકલી દે છે. વિયેનામાં માર્જાન એક તદ્દન જુદી દુનિયા જુએ છે. અહીં તેને સ્વતંત્રતા તો મળે છે, પરંતુ એકલતા, જાતિવાદ અને પોતાની ઓળખ ગુમાવવાનો ડર પણ સતાવે છે. તે પશ્ચિમી સંસ્કૃતિમાં ભળવાનો પ્રયત્ન કરે છે અને અંદરથી તે પોતાની ઈરાની ઓળખ છુપાવવા બદલ અપરાધભાવ પણ અનુભવે છે. પ્રેમમાં નિષ્ફળતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા બાદ તે ઈરાન પાછી ફરે છે. કૉલેજમાં પ્રવેશ લે છ. ગ્રાફિક કલાકાર બને છે. ઈરાનનું બદલાયેલું વાતાવરણ તેના સ્વતંત્ર વિચારોને રૂંધી નાખે છે. અંતે, પોતાની કળા અને વિચારોની આઝાદી માટે તે હંમેશાં માટે ઈરાન છોડી ફ્રાન્સ સ્થાયી થવા ઉડાન ભરે છે ત્યાં નવલકથા પૂરી થાય છે. ‘પર્સેપોલિસ’ની સૌથી મોટું પાસું છે એની બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રશૈલી. સતરાપીએ રંગબેરંગી ચિત્રોને સ્થાને માત્ર કાળા અને સફેદ રંગના શેડ્સનો ઉપયોગ કર્યો છે. એ યુદ્ધ, વિસંવાદ, મૃત્યુ અને ડરની ગંભીરતાને સચોટ રીતે રજૂ કરે છે. શરૂઆતનાં પ્રકરણોમાં ચિત્રો બાળસહજ અને માસૂમ લાગે છે. એ દર્શાવે છે કે એક નાની બાળકી દુનિયાના રાજકારણને કેવી રીતે સમજે છે. રાજકીય સત્તા બદલાતાની સાથે જ વ્યક્તિગત આઝાદી છીનવી લેવામાં આવે છે. સંગીત સાંભળવું, પશ્ચિમી કપડાં પહેરવા કે પાર્ટીઓ કરવી એ બધું જ ઈરાનમાં ગુનો બની ગયું હતું. સતરાપીએ ઇસ્લામિક ક્રાંતિ પછી સ્ત્રીઓના જીવનમાં આવેલા નકારાત્મક બદલાવોને બખૂબી દર્શાવ્યા છે. ‘પર્સેપોલિસ’ માત્ર એક ઈરાની છોકરીની વાર્તા નથી પણ; સત્તા સામે સત્યની, કટ્ટરતા સામે ઉદારતાની, પરાધીનતા સામે સ્વતંત્રતાની અને અંધકાર સામે માનવીય ગૌરવની વાર્તા છે. પોતાની સ્વતંત્રતા માટે ઈરાનની હજારો સ્ત્રીઓએ બલિદાન આપ્યાં છે, આપી રહી છે. લેખિકાએ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, તેઓ નથી ઈચ્છતા કે થોડાક કટ્ટરપંથીઓનાં કૃત્યોના કારણે આખા ઈરાન દેશને ગુનેગાર ગણવામાં આવે. }
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:અભણ પંડિત
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, કન્યા, કુંભ રાશિના જાતકોને કાર્યસફળતા મ‌ળે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment