Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:અભણ પંડિત

    1 day ago

    લીલી કુંજાર વાડીયું ને ઝળૂંબતાં ઝાડવાંથી અદકેરી નમણી દીસતી હાલારની ધરતી માથે સૂરજ મા’રાજે મીઠી નજરું માંડી છે. ઊગતો પહોર છે. રઢિયાળી સીમને ટાઢેરો વાયરો વહાલના વીંઝણા ઢોળે છે. એવા શુકનવંતા ટાણે ગાડા મારગે ધીમાધીમા ડગલાં માંડતો એક પંડિત હાલ્યો આવે છે. કાશીમાં વિદ્યા ભણેલા એ વિદ્વાનનું તાલકું ઝગારા મારે છે. ગન્યાનનું તેજ ઝળહળે છે. કપાળમાં ત્રિપુંડ તાણ્યું છે, માથે વેંત એકની ચોટલી છે, ધોળું બાસ્કા જેવું ધોતિયું પહેર્યું છે. પગમાં ખડાઉ છે. ખંભે ઝોળી છે. વેદ, પુરાણ ને શાસ્તરના ગન્યાનના ભંડાર જેવો આ પંડિત નવાનગરની બજાર સોંસરવો થઈને રાજાની કચેરીમાં પૂગે છે. રાજા એને ઝાઝેરાં માનપાન દિયે છે. પંડિત સીધી જ પોતાની વાત મૂકે છે. ‘હે રાજા ! હું બાર વરસ કાશી નગરીમાં ભણીને મારે ગામ જાઉં છું. મારગમાં જેટલાં ગામ કે નગર આવે એના રાજાના પંડિતો હાર્યે વાદ વિવાદ કરું છું. મારી એક જ શરત છે- હું જીતું તો સોનાની એક ગાય લઉં, અને હારું તો મારી ઝોળીમાં જે નવ્વાણું ગાય છે, ઈ આપી દઉં.’ રાજાએ સભામાં નજર ફેરવી. કાયમ કચેરીમાં બેસતા બે-ત્રણ પંડિતો હેઠું મોઢું કરીને બેસી રહ્યા. કાશીના પંડિત હાર્યે વિવાદ કરવાની કોઈનામાં હામ નથી. રાજાએ કીધું, ‘પંડિતજી, થોડા દિવસ અમારા મેમાન થાવ, પછી જોશું.’ પંડિતને તો મેડી મોલાતમાં ઉતારો આપ્યો છે. નવાનગરમાં બજાર, શેરી ને ચોકમાં ફરતી ફરતી આ વાત ઘેરે ઘેરે પોગી ગઈ. ચારેક દી’ થ્યા. નગરના પાદરમાં મહાદેવજીના મંદિરે એક ગામડિયો ખેડુ દર્શન કરવા આવ્યો છે. પૂજારી હાર્યે બે ઘડી વાતે વળગ્યો. વાતમાંથી વાત નીકળતાં પૂજારી એને કાશીના પંડિતની વાત કરે છે. વાત સાંભળીને ઈ ખેડુ રાજમહેલ ભણી ડગલાં માંડે છે. સભામાં જઈને ઊભો રિયો. ‘મારાજ ! મારું નામ સારંગધર. તમારી રૈયત છું. શેવાળિયા ગામનો ભૂદેવ છું. ખેતી કરું છું. કાશીના પંડિત હાર્યે વાદ વિવાદ કરવા આવ્યો છું. હું શાસ્તર ભણ્યો નથી, પણ મને ભરોહો છે કે મારે સોનાની ગાય હારવી નહીં પડે.’ સારંગધરનો રૂખડિયો વેહ જોઈને સભાને અચરજ થાય છે. રાજાએ સારંગધરને સમજાવ્યો, પણ ગામડિયો ભૂદેવ એકનો બે ન થયો. કાશીના પંડિતને મનમાં હરખ થ્યો કે ઝોળીમાં નવ્વાણુ ગાય છે, આજે સો પૂરી થઈ જાશે. બીજે દી’ સવારના પહોરમાં શાસ્તરનો વિવાદ શરુ થયો. સભામાં તો મનખ્યો ઉભરાણો છે, પગ મૂકવાની જગ્યા નથી. કાશીના પંડિતે સારંગધરને પ્રશ્ન પૂછવાનું કીધું. સારંગધરે પ્રશ્ન મૂક્યો: ‘આડી વાગે, ઊભી વાગે, વાગે કાપી નાખી; બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી.’ ‘બોલો, ઈ શું?’ પંડિત તો મૂંઝાણા. ભણવામાં તો આવું કાંઈ નથી આવ્યું. ઘણી મથામણ કરી. ઉત્તર જડતો નથી. હાર કબૂલ કરી. સારંગધરે ઉત્તર આપ્યો: ‘ઈ તો બોરડી! બોરડીને આડી-ઊભી ગમે એમ અડો, કાંટા તો વાગે જ. કાપી નાખો તોય પાછી ઊગે. એને બાળી નાખો, તો જ એનો ઉકેલ આવે.’ સારંગધરે સોનાની સો ગાય લેવાની ના પાડી. રાજાએ એક હજાર સોનામહોર આપી સારંગધરનું સન્માન કર્યું. }
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:સ્વતંત્રતાનો દસ્તાવેજ જ્યારે પરતંત્ર થવાની સ્થિતિ આવી
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:ચિત્રોની ભાષામાં ક્રાંતિ, સંઘર્ષની કથા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment