Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પહેલીવાર હાઇટેક રથમાં નીકળશે રથયાત્રા:ઉંચાઈ વધ-ઘટ કરી શકાશે, ઈસ્કોન મંદિર માટે મુંબઈથી તૈયાર થઈને આવ્યો રથ

    4 दिन पहले

    સુરત શહેરમાં આગામી અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા પરંપરાગત ઉત્સાહ સાથે નીકળશે. જોકે, આ વર્ષની રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ખાસ અને આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, કારણ કે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા આ વખતે એક અત્યાધુનિક હાઈટેક રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. મુંબઈથી ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવેલો આ નવો રથ અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજીથી સજ્જ છે. ડિજિટલ યુગમાં ભગવાનની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા માટે આ રથમાં પાવર સ્ટીયરિંગ, પાવર વ્હીલ અને હાઈડ્રોલિક સિસ્ટમ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે સુરતની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળશે. લાકડાના જૂના રથના સ્થાને હવે લોખંડની ફ્રેમવાળો રથ અત્યાર સુધી ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે પરંપરાગત રીતે લાકડાના રથનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ વર્ષોથી વપરાશમાં હોવાના કારણે આ જૂનો રથ હવે ઘણો જીર્ણ થઈ ગયો હતો. સુરત ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂનો રથ આશરે 25થી 26 વર્ષ જેટલો જૂનો થઈ ગયો હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે નવો રથ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ નવા રથની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને લાકડાને બદલે સંપૂર્ણપણે મજબૂત લોખંડમાંથી બનાવવામાં આવ્યો છે. લોખંડની મજબૂત ફ્રેમ ધરાવતો આ રથ દેખાવમાં અત્યંત સુંદર, આકર્ષક અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી અને ઓવરહેડ વાયરોને લઈ વિશેષ તકેદારી હાલ સુરત શહેરમાં મોટા પાયે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રથયાત્રાના રૂટ પર અનેક જગ્યાએ ડાયવર્ઝન, બેરિકેડ્સ અને માર્ગની ઉપર હાઈ-ટેન્શન તેમજ મેટ્રોના વાયરો લગાવેલા છે. આ પરિસ્થિતિ ભક્તો અને ભગવાનની સવારી માટે કોઈ દુવિધા ઊભી ન કરે તે માટે રથની ડિઝાઇનમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ નવો રથ હાઈડ્રોલિક સિસ્ટમની મદદથી ઓપરેટ થશે, જેના કારણે જરૂરિયાત મુજબ રથની ઊંચાઈને ગમે ત્યારે નાની કે મોટી કરી શકાશે. જ્યારે પણ રૂટ પર નીચા વાયરો કે મેટ્રોના નડતરરૂપ હોર્ડિંગ્સ આવશે, ત્યારે રથને હાઈડ્રોલિકની મદદથી નીચો કરી દેવામાં આવશે, જેથી યાત્રા કોઈપણ અવરોધ વગર આગળ વધી શકે. ₹12 લાખના ખર્ચે 25 કારીગરોએ રાત-દિવસ એક કર્યા ટેક્નોલોજી અને મજબૂતાઈના બેજોડ સમન્વય સમાન આ રથને બનાવવા માટે આશરે ₹12 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભવ્ય અને સુરક્ષિત રથનું નિર્માણ કાર્ય પણ એટલું જ રસપ્રદ રહ્યું છે. મુંબઈના કુશળ એન્જિનિયરો અને કારીગરોની ટીમે આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. અંદાજે 25 જેટલા કુશળ કારીગરોએ સતત 15 દિવસ સુધી રાત-દિવસ એક કરીને આ હાઈટેક રથને આખરી ઓપ આપ્યો છે. આટલો વજનદાર અને મોટો રથ હોવા છતાં તેની અદ્યતન સ્ટીયરિંગ સિસ્ટમના કારણે માત્ર 10થી 12 વ્યક્તિઓ જ આ આખા રથને ખૂબ જ સરળતાથી ઓપરેટ અને નિયંત્રિત કરી શકશે. સુરક્ષાના કારણોસર રથ પર સીમિત લોકોને જ મંજૂરી ભૂતકાળના અનુભવો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા એક મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન રથ ઉપર ભીડ એકત્ર ન થાય તે માટે આ વર્ષે રથ પર બેસનારા લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. રથની ગરિમા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તેના પર વધુમાં વધુ માત્ર 7થી 8 લોકોને જ બેસવાની મંજૂરી અપાશે. જેમાં મુખ્ય પૂજારીઓ, મંદિરના મહારાજશ્રી અને બેથી ત્રણ સહાયક પૂજારીઓનો જ સમાવેશ થશે. ઇસ્કોન મંદિર પ્રશાસનનું માનવું છે કે રથ પર જેટલી ઓછી ભીડ હશે, તેટલી જ વ્યવસ્થા જાળવવી સરળ બનશે અને શ્રદ્ધાળુઓ પણ દૂરથી ભગવાનના દર્શન શાંતિપૂર્વક કરી શકશે. અષાઢી બીજે સુરત રેલવે સ્ટેશનથી રથયાત્રાનું પ્રસ્થાન જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરના સચ્ચિસુત કુમાર દાસના જણાવ્યા અનુસાર, આ વર્ષે રથયાત્રા આગામી 16 જુલાઈને ગુરુવારના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળશે. આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન બપોરે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી કરવામાં આવશે, જ્યાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથમાં બિરાજમાન થઈને ઇસ્કોન મંદિર તરફ આગળ વધશે. ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા તમામ સુરતવાસીઓ અને ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ 28મી રથયાત્રામાં સમયસર જોડાઈને અલ્ટ્રા મોર્ડન રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે અને સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તેમાં સહકાર આપે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમની જળસપાટી 24 કલાકમાં 10 સેમી વધી:ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી, વીજ ઉત્પાદનમાં પણ વધારો
    Next Article
    સાબરકાંઠાના આઠ તાલુકામાં જમીન દફતર કચેરીઓ કાર્યરત:જિલ્લા કક્ષાની કામગીરી હવે તાલુકા મથકે થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment