Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:'ના વો કાગઝ રખતા હૈ, ના વો કિતાબ રખતા હૈ, ફિર ભી વો દુનિયા કા પૂરા હિસાબ રખતા હૈ'

    23 hours ago

    ડૉ. વિનયકાન્ત શાહ. પચાસ વર્ષની ઉંમરે પોતાની તબીબી પ્રેક્ટિસના ત્રણ દાયકા પૂર્ણ કર્યા પછી લાડકી દીકરી પલકનાં લગ્નનું આયોજન કરવા બેઠા. પત્ની અમિતાબહેન સાથે જ હતાં. પતિના હાથમાં કાગળ-પેન હતાં અને પત્નીના હોઠો પર ખર્ચાની યાદી હતી. અમિતાબહેને કહ્યું, ‘લખો પચીસ હજાર રૂપિયા કંકોતરીના, પચાસ હજાર ફટાકડાના, ત્રણ લાખ મેરેજ હોલના અને મંડપના, સાડા સાત લાખ કેટરર્સના, અગિયાર હજાર ગોર મહારાજના, પાનેતરના, સોનાના સેટના અને વેવાઈ પક્ષને કરવાના વહેવારના ગણો પાંચથી છ લાખ, પછી બીજા ગણો.…’ ડૉ. વિનયકાન્ત ઊભા થઈ ગયા, ‘મને એ કહીશ કે તારો વિચાર શું છે? હું આખેઆખો વેચાઈ જાઉં તોયે આટલા રૂપિયા ભેગા થાય તેમ નથી. તું જે બોલી ગઈ એ દરેક આંકડામાંથી એક-એક શૂન્ય કાઢી નાખે તો કદાચ મેળ પડશે. અને એ પછી પણ મારા માટે ભગવા રંગની ધોતી આવે એટલા રૂપિયા બચાવજે, જેથી હું બાવો બનીને હિમાલયભેગો થઈ જાઉં.’ અમિતાબહેન નારાજ થઈ ગયાં, ‘એવું ન બોલો, તમે ડૉક્ટર છો, સમાજમાં ડૉક્ટરોની ઊંચી પ્રતિષ્ઠા હોય છે, આપણે એ પ્રતિષ્ઠા પ્રમાણે ખર્ચ કરવો જ પડે.’ બસ, અહીં જ મામલો ગૂંચવાતો હતો. ડૉ. વિનય શાહની પ્રતિષ્ઠા અબજો રૂપિયાના મૂલ્યની હતી, પણ એમની પાસેની બચત માંડ ત્રણ-ચાર લાખની હતી. એક નખશિખ પ્રામાણિક ડૉક્ટરે સત્યના રસ્તા પર ચાલીને જે કમાણી કરી હતી એટલામાં પતિ-પત્ની, એક દીકરો અને એક દીકરી સુખભેર તો નહીં પણ સ્વમાનભેર જીવી શકે એટલું થઈ શક્યું હતું. એક ફ્લેટ લીધો હતો, દીકરાને વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યો હતો, પછી દીકરીની ઈચ્છાને માન આપીને તેને પણ અમેરિકામાં ભણાવી હતી. આ દરેક ઘટનામાં પાંચ-પાંચ વર્ષની બચત સ્વાહા થઈ ગઈ હતી. હજુ ત્રણ વર્ષ પહેલાં જ દીકરાને ધામધૂમથી પરણાવ્યો હતો અને હવે દીકરીનો વારો હતો. આટલે સુધી પહોંચવામાં ડૉ. વિનય શાહની તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું હતું અને પત્નીની યાદી કહેતી હતી કે ખરો ખર્ચો હવે જ કરવાનો છે. ડૉ. વિનયભાઈએ ગણિતને યાદ કર્યું. કાગળ-પેન લઈને સરવાળા-બાદબાકી-ભાગાકાર કરવા બેઠા. ગુણાકાર કરવા જેવું તો કંઈ હતું નહીં. પહેલું કામ આમંત્રિત મહેમાનોની સંખ્યામાં બાદબાકી કરવાનું કર્યું. ઘરેણાં માટે નવું સોનું ખરીદવાને બદલે પત્નીના દાગીનામાંથી ‘મેનેજ’ કરવાનું વિચાર્યું. લગ્નની જગ્યા માટે ઓળખીતાની મદદ લીધી. બીજું બધું તો પતી ગયું, પણ બે ‘આઈટેમ્સ’ બાકી રહી. એક, ભોજનની વાનગીઓની પ્લેટ દીઠ કિંમત અને બીજી સમસ્યા, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની. આ બંનેનો ભાવ મોંઘો પડી જતો હતો. એમાં બાંધછોડ કરવી જ પડે તેવું હતું. ડૉ. વિનયભાઈએ કેટરરને ફોન કર્યો, ‘બાબુભાઈ, વાતની નજાકતને સમજજો. છાસ લેવા જવું અને દોણી સંતાડવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. સગાંવહાલાં અને મિત્રો એવું સમજે છે કે મારી પાસે બહુ રૂપિયા છે. હું માત્ર તમને જ જણાવું છું કે તમે કેટરિંગનો જે ભાવ આપ્યો છે તે મને પરવડે તેવો નથી, માટે ફરસાણ અને સ્વીટ્સમાંથી એક-એક વાનગી ઓછી કરી નાખો.’ બાબુભાઈ થોડીક વાર માટે ચૂપ રહ્યા, પછી બોલ્યા, ‘ડૉક્ટર સાહેબ, હું પણ દીકરીનો પિતા છું. તમારી સ્થિતિ હું સમજી શકું છું. મેનુ જે નક્કી કર્યું છે તે જ રહેશે. તમારે જે વાનગીઓ કેન્સલ કરવી હોય તે મને જણાવી દો. એ વાનગીઓ મારા તરફથી રહેશે. મારે તમને છાસ આપવી જ છે અને તમારી દોણી જગત જોઈ ન શકે તેવી રીતે રાખવી છે. ફોન મૂકું છું. તમારે હજી બીજાને ફોન કરવાના હશે.’ ડૉ. વિનયકાન્ત આભાર પણ ન માની શક્યા. એક, તો ગળામાં ડૂમો અને બીજું, બાબુભાઈએ ફોન કાપી નાખ્યો હતો. ડૉ. વિનયભાઈએ હવે વિડીયોગ્રાફરને ફોન કર્યો, ‘મેહુલભાઈ, મારી પાસે તમારા પૂરા બિલને ચૂકવવાના રૂપિયા નથી. ખર્ચમાં કાપકૂપ મૂકવી પડશે.’ મેહુલભાઈએ રસ્તો સૂચવ્યો, ‘તો ક્રેન કેન્સલ કરી દઈએ. જોકે ક્રેન હશે તો શૂટિંગ ભવ્ય રીતે થશે, પણ એના માટે પંદર હજાર રૂપિયા વધારાના આપવા પડશે. નો પ્રોબ્લેમ. આપણે સામાન્ય વિડીયોગ્રાફીથી ચલાવી લઈશું.’ ડૉ. વિનયભાઈને એટલી રાહત થઈ. પંદર હજાર રૂપિયા તો બચ્યા! જોકે, લાડકી દીકરીની લગ્નવિધિનું શૂટિંગ શ્રેષ્ઠ રીતે નહીં થઈ શકે તે બાબતનો વસવસો પણ થયો જ. જ્યાં-જ્યાં કાપ મૂકી શકાયો ત્યાં મૂક્યો. લગ્નનો દિવસ. જાનનું આગમન. મહેમાનોની પધરામણી. બપોરે 700-800 માણસોને ભોજન. આ બધું પતાવીને, ગ્રહશાંતિ કરાવ્યા પછી ડૉ. વિનયકાન્ત વસ્ત્રો બદલવા અને સાંજની તૈયારીઓ કરવા માટે ઘરે ગયા. આર્થિક ગણતરીઓ તો હજી પણ તેમને પરેશાન કરી જ રહી હતી. ક્રેન ન મગાવી શકાઈ તે બાબતનો કચવાટ ચાલુ જ હતો. મેરેજ હોલ પર પણ તૈયારીઓ ચાલતી હતી. દેખરેખની જવાબદારી ડૉ. વિનયભાઈના વિશ્વાસુ સ્ટાફ મેમ્બર અનિલભાઈ સંભાળી રહ્યા હતા. અચાનક એક અજાણ્યા ભાઈ આવ્યા, અનિલભાઈના હાથમાં એક કવર આપીને બોલ્યા, ‘ક્યાં છે ડૉક્ટર સાહેબ? મારું નામ લલિત વેકરીયા. વર્ષો પહેલાં મેં એમની પાસેથી જમીન ખરીદી હતી. થોડાક રૂપિયા આપવાના બાકી હતા. આજે યાદ આવ્યું એટલે આપવા આવ્યો છું.’ ‘કેટલી રકમ છે?’ અનિલે પૂછ્યું. અનિલ ઘરનો માણસ, એટલે બધું જાણે. લલિતભાઈએ કહ્યું, ‘પંદર હજાર છે. તમે જ લઈ લો. મને ઉતાવળ છે. જાઉં છું.’ અને અનિલભાઈએ ખુરશી પર બેઠા હતા ત્યાંથી જે કૂદકો માર્યો છે! તરત ફોન જોડ્યો, ‘સર ક્રેનના પૈસા આવી ગયા છે. મેહુલભાઈ વિડીયોગ્રાફરને ફોન કરી દો.’ પ્રામાણિક માણસ માટે ભગવાનનું ગણિત પણ પાક્કું હોય છે.
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:પત્નીએ ગ્રીનકાર્ડ લેવું ના હોય તો?
    Next Article
    મેંદી રંગ લાગ્યો:રાજ, મારી માડીનું ઘર કેમ વીસરું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment