Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:જિંદગીમાં ‘પ્લાન-બી’ રાખવો કે નહીં?

    19 घंटे पहले

    થોડા સમય અગાઉ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત પ્રોડ્યૂસર આનંદ પંડિતનો ઇન્ટરવ્યૂ એક ચેનલ પર જોયો. એમાં પત્રકારે તેમને પૂછ્યું કે ‘તમે જુદાં-જુદાં ક્ષેત્રોમાં આટલા સફળ થયા, શાહરુખ ખાનની સાથે ભારતનાં બિલિયોનેર્સ લિસ્ટમાં (અબજોપતિઓની યાદીમાં) તમારા નામનો સમાવેશ થયો. તમે આટલી સફળતા મેળવી તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે એ વખતે એવું વિચાર્યું હતું કે મને નિષ્ફળતા મળશે તો હું બીજી સ્ટ્રેટેજી અપનાવીશ?’ પંડિતે જવાબ આપ્યો કે ‘હું પ્લાન-બી રાખવાનું શીખ્યો જ નથી. મારી પાસે માત્ર પ્લાન-એ જ હોય છે. હું કોઈ પણ વ્યવસાયમાં માત્ર એક જ પ્લાન સાથે આગળ વધુ છું. હું કોઈ વ્યવસાય શરૂ કરું ત્યારે એવો વિચાર જ નથી કરતો કે ‘મને આમાં નિષ્ફળતા મળશે તો હું શું કરીશ?’ મારે સફળતા મેળવવી જ છે એ ધ્યેય સાથે જ હું કોઈ પણ વ્યવસાયમાં પગલું માંડું છું.’ પંડિતે કહેલી વાતને કારણે આ લેખનો વિષય સૂઝ્યો અને ગઈ સદીના વિશ્વવિખ્યાત લેખક નેપોલિયન હિલ યાદ આવી ગયા. ગઈ સદીમાં પ્રેરણાત્મક લેખન થકી કરોડો લોકોને પ્રેરણા આપનારા નેપોલિયન હિલ તેમના પુસ્તક ‘થિન્ક એન્ડ ગ્રો રિચ’માં લખી ગયા છે: ‘બર્ન યોર બ્રિજિસ.’ એ પુસ્તક સફળતા વિશે લખાયેલાં જગવિખ્યાત પુસ્તકો પૈકી એક છે. એમાં જીવનમાં સફળતા મેળવવા માટે હિલે ઘણી સચોટ સલાહો આપી છે. એમાંનો એક અત્યંત સજ્જડ વિચાર છે: ‘બર્ન યોર બ્રિજિસ’ એટલે કે કોઈ પૂલ પાર કર્યા પછી એને ઉડાવી દો એટલે પાછા ફરવાનો વિકલ્પ જ ન રહે. આ શબ્દોનો ઉપયોગ તેમણે પ્રતીકાત્મક રીતે કર્યો છે. એનો સાર એ કે કોઈ કામ કરવા માટે નીકળીએ એટલે પાછા ફરવાનો રસ્તો જ ન રહેવા દેવો. જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી કરીએ ત્યારે પાછા વળી જવાનો વિકલ્પ ફગાવી દેવાનો. માણસ પાસે પાછા ફરવા માટે વિકલ્પ રહેતો નથી ત્યારે તે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધે છે. હિલે લખ્યું છે કે ‘ઘણા લોકો પોતાના સપનાં સાકાર કરવા માટે પ્રયાસ કરે છે, પરંતુ મુશ્કેલી આવે ત્યારે તેઓ સહજતાથી પાછા વળી જાય છે. તેનું કારણ એ છે કે તેમની પાસે કોઈ સુરક્ષિત વિકલ્પ હોય છે. પરંતુ જે લોકો અકલ્પ્ય સફળતા પ્રાપ્ત કરે છે તેઓ પોતાના મનમાં એક જ વિચાર રાખે છે હું જીતીશ અથવા પાછો નહીં ફરું. આપણે જીવનમાં કોઈ રસ્તે આગળ વધવા ઈચ્છતા હોઈએ ત્યારે તમામ વિકલ્પો બંધ કરી દેવા જોઈએ. માત્ર જે લક્ષ્ય નક્કી કર્યું હોય એના તરફ જ આગળ વધવું જોઈએ.’ જોગાનુજોગ થોડા દિવસો અગાઉ ત્રણ જૂના મિત્રોને એકસાથે મળવાનું થયું હતું. તે મિત્રો સાથે મળીને કોઈ ધંધો શરૂ કરવાનું વિચારીને ધંધાની વ્યૂહરચના મુદ્દે વાતો કરી રહ્યા હતા. એમાંના બે મિત્રો માનતા હતા કે ‘ધંધામાં નિષ્ફળતા મળે તો શું કરવું એ વિકલ્પ વિચારીને આપણે ધંધો શરૂ કરવો જોઈએ.’ ત્રીજો મિત્ર તદ્દન જુદો મત ધરાવતો હતો. તેણે કહ્યું કે ‘આપણે એવા નિશ્ચય સાથે ધંધો શરૂ કરવો જોઈએ કે એમાં આપણે સફળતા જ મેળવવી છે અને ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પણ આપણે ધંધો બંધ કરવાનો વિચાર ન કરવો જોઈએ. ‘પડશે એવા દેવાશે’ એ કહેવત યાદ રાખીને આપણે આગળ વધવું જોઈએ.’ બીજા બંને મિત્રોએ કહ્યું કે ‘ધંધો સફળ જ થશે એવી ખાતરી તો કઈ રીતે થઈ શકે?’ એટલે ત્રીજા મિત્રએ કહ્યું કે ‘જો તમારે આ રીતે વિચારીને ચાલવું હોય તો હું આ ધંધામાં ભાગીદાર નહીં બનું. મને નહીં ફાવે કારણ કે ‘રોતો જાય એ મૂઆના ખબર લાવે.’ એ કહેવત યાદ રાખીને હું જીવું છું. મારી જરૂર પડશે તો હું તમારી સાથે અડધી રાતે પણ ઊભો રહીશ, હું દોસ્તીદાવે આર્થિક રીતે ય સહકાર આપીશ, પણ તમારી સાથે આ ધંધામાં ભાગીદાર નહીં બનું.’ હું શ્રોતા બનીને બેઠો હતો. તે મિત્રોએ કહ્યું, ‘તમારો શું અભિપ્રાય છે?’ મેં તેમને નેપોલિયન હિલની સલાહના સંદર્ભમાં વર્ષો અગાઉ વાંચેલી બોધકથા કહી. એક દેશનો સેનાપતિ પોતાની સેના લઈને દરિયાઈ માર્ગે દુશ્મનના દેશમાં પહોંચ્યો. ત્યાં દરિયાકિનારે ઉતર્યા પછી તેણે પોતાના સૈન્યની તમામ નૌકાઓ સળગાવી દીધી! તેના સૈનિકો આશ્ચર્યચકિત અને દિગ્મૂઢ બનીને જોતા જ રહી ગયા. તેમણે તેને પૂછ્યું, ‘હવે પાછા કેવી રીતે જઈશું?’ સેનાપતિએ જવાબ આપ્યો. ‘આપણે વિજય મેળવીને જ ઘરે પાછા જઈશું. આપણે આ યુદ્ધ જીતવાનું જ છે અને જીતીશું તો જ ઘરે પાછા જઈશું. આ બધી નૌકાઓ મેં એટલે જ સળગાવી દીધી છે કે આપણી પાસે જીતવા સિવાય કોઈ વિકલ્પ બચે જ નહીં. જીતી જઈશું એટલે આપણે દુશ્મન દેશની નૌકાઓમાં પાછા ઘરે પહોંચીશું.’ તે સેનાપતિએ પોતાના માટે કે સૈનિકો માટે કોઈ વિકલ્પ રાખ્યો જ નહીં. એ પછી યુદ્ધ શરૂ થયું. સૈનિકોએ એ લડાઈ જીતવા માટે પોતાની પૂરી તાકાત અજમાવી દીધી અને દુશ્મન દેશના સૈન્ય પર વિજય મેળવ્યો. તેઓ વિજયી બન્યા કારણ કે તેમની પાસે પાછા ફરવાનો રસ્તો જ નહોતો. જો કોઈ વ્યક્તિ મક્કમ નિશ્ચય કરી લે કે મારે આ લક્ષ્યમાં સફળ જ થવું છે. તો તે અન્ય કોઈ વિકલ્પ વિચાર્યા વિના પોતાનું સંપૂર્ણ ધ્યાન એ લક્ષ્ય પર લગાવીને પૂરી મહેનતથી સફળતા પ્રાપ્ત કરવા માટે મચી પડે છે. ઘણા માણસો નોકરી કરતા હોય છે. તેમને ખબર હોય છે કે અમે ધંધો કરીશું તો આગળ વધી શકીશું, પરંતુ તેઓ પોતાની સુરક્ષિત નોકરી છોડવાની હિંમત કરી શકતા નથી. એટલે એવા માણસો જિંદગીભર નોકરી જ કરતા રહી જાય છે અથવા તો તેઓ વિકલ્પો વિચારીને જ ધંધો શરૂ કરે ત્યારે તેમને મોટેભાગે ધંધામાં નિષ્ફળતા મળતી હોય છે. દુનિયાના ઘણા મહાન ઉદ્યોગપતિઓ, નેતાઓ અને જુદાં-જુદાં ક્ષેત્રના સફળ માણસો પોતાના જીવનમાં આ જ વિચાર અપનાવીને ટોચ પર પહોંચ્યા છે. ટૂંકમાં કહીએ તો, સુરક્ષિત વિકલ્પો સાથે આગળ વધનારા માણસો ઘણી વાર ઊંધા માથે પછડાતા હોય છે, જ્યારે પાછા વળવું જ નથી એવા નિશ્ચય સાથે લક્ષ્ય તરફ આગળ વધનારા માણસોને સફળતા મળવાની શક્યતા વધી જતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:વાંચન: દીર્ઘાયુ જીવનની ગુણવત્તાનું અમોઘ શસ્ત્ર
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:સુંદરવનના વાઘ ચિત્તાગોંગના પહાડો ગજવશે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment