Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:વાંચન: દીર્ઘાયુ જીવનની ગુણવત્તાનું અમોઘ શસ્ત્ર

    18 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ માનવ મનની ક્ષમતાઓ અદભુત છે, અને તેને સદૈવ પ્રજ્વલિત રાખવાનું સૌથી સચોટ માધ્યમ ‘વાંચન’ છે. તાજેતરમાં એક પ્રેરણાદાયી અને વિશિષ્ટ લેખ નજરે ચડ્યો, જેણે દીર્ઘાયુષ્ય અને વાંચન વચ્ચેના સંબંધો પર વિચાર કરવા મજબૂર કર્યો. લેખમાં અદભુત ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું. એક અતિ પ્રાચીન જાહેર પુસ્તકાલયના વર્ષો જૂના દસ્તાવેજો અને રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન કરવાનું કામ એક આધુનિક ટીમ કરી રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેમના હાથમાં વર્ષ 1938માં ઇશ્યૂ થયેલું જૂનું, જર્જરિત લાઇબ્રેરી કાર્ડ આવ્યું. વધુ ચકાસણી કરતા માલૂમ પડ્યું કે, આ કાર્ડધારક મહિલાની ઉંમર આજે 101 વર્ષની હતી! એટલું જ નહીં, પરંતુ એ કાર્ડના રેકોર્ડ દર્શાવતા હતા કે એ મહિલા નિયમિતપણે પુસ્તકાલયમાંથી પુસ્તકોની આપ-લે કરતી હતી. આ અવિશ્વસનીય હકીકતથી પ્રેરાઈને ડિજિટલાઈઝેશન કરનારી ટીમ એ મહિલાના ઘર સુધી પહોંચી. જ્યારે તેઓ 101 વર્ષની એ વયોવૃદ્ધ સ્ત્રીના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે ત્યાંનું દૃશ્ય અદભુત હતું. તેમના ઘરના ઓરડામાં પુસ્તકો ગોઠવવા માટે બનાવેલાં તમામ ખાનાઓ અને કબાટો ચોપડીઓથી ખીચોખીચ ભરેલાં હતાં. ઘણાં પુસ્તકોની અંદર આ જ્ઞાનપિપાસુ મહિલાએ પોતાના હાથે લખેલી ટિપ્પણીઓ, નોંધ અને વિચારો કાગળનાં પાનાંઓ વચ્ચેથી જાણે ડોકિયું કરતા હોય તેમ સચવાયેલા પડ્યાં હતાં. આ ટીમના સિનિયર સભ્યએ આદરપૂર્વક પ્રશ્ન પૂછ્યો: ‘તમારા લાંબા અને સ્વસ્થ દીર્ઘાયુષ્યનું અસલી રહસ્ય શું છે?’ ત્યારે તે વયોવૃદ્ધ મહિલાએ સ્મિત સાથે જે જવાબ આપ્યો તે જીવનનો બહુ મોટો પાઠ છે. તેમણે કહ્યું: ‘હું જ્યાં સુધી આગામી નવું પુસ્તક હાથમાં ન લઉં, ત્યાં સુધી મારું હાલનું વંચાઈ રહેલું પુસ્તક પૂરું નથી થતું. જ્યારે તમે પુસ્તકનાં પાનાંઓ સાથે જોડાઈને ભવિષ્યની ઘટનાઓ કે જ્ઞાન વિશે જાણવા માટે આતુર થઈને જીવો છો, ત્યારે તમારી ઉંમર આપોઆપ થંભી જાય છે. મેં મારું સમગ્ર જીવન સતત વાંચનને સમર્પિત કર્યું છે, અને આ જ મારા દીર્ઘાયુનું રહસ્ય છે. આ શોખ જ મને રોજ સવારે પથારીમાંથી નવી સ્ફૂર્તિ સાથે ઊભા થવા અને આનંદથી કામ કરવા માટે પ્રેરિત કરે છે.’ વાસ્તવમાં, અમેરિકામાં લીલી વોલ્ટર નામે આવી જ પ્રખર વાચક મહિલા થઈ ગઈ, જેણે પોતાની 104-105 વર્ષની ઉંમરે પણ પોતાનું લાઇબ્રેરી કાર્ડ કાયદેસર રીતે રિન્યૂ કરાવ્યું હતું. બાળપણથી શરૂ થયેલો વાંચનનો આ શોખ શતાબ્દી વટાવ્યાં પછી પણ એટલો જ જીવંત રહ્યો હતો. આ સત્ય કિસ્સો અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન દ્વારા તેમની વિખ્યાત ‘આઈ લવ લાઇબ્રેરીઝ’ ઝુંબેશ હેઠળ 14 માર્ચ, 2025ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. લીલી વોલ્ટર ઓહાયોની પ્રખ્યાત ‘હબ્બાર્ડ પબ્લિક લાઇબ્રેરી’ની સક્રિય સભ્ય હતી. આધુનિક તબીબી વિજ્ઞાન અને મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે વાંચન એ મગજની સર્વશ્રેષ્ઠ કસરત છે. જે રીતે શારીરિક શ્રમ શરીરને મજબૂત રાખે છે, તે જ રીતે સતત વાંચન માણસને સદૈવ માનસિક રીતે કાર્યરત, જાગૃત અને સક્રિય રાખે છે. વૃદ્ધાવસ્થામાં નડતી સમસ્યાઓ- જેવી કે અલ્ઝાઈમર્સ (સ્મૃતિભ્રંશ), તીવ્ર એકલતા અને નકારાત્મક વિચારોથી થતી હતાશા સામે પુસ્તકો એક મજબૂત ઢાલ સમાન સાબિત થાય છે. પુસ્તકો વ્યક્તિને ક્યારેય એકલા પડવા દેતા નથી. પોતાના ગમતા વિષયોનું વાંચન માણસને માત્ર લાંબું આયુષ્ય જ નથી આપતું, પરંતુ જેટલાં વર્ષ પણ તે જીવે, તેટલાં વર્ષો અત્યંત આનંદપ્રદ, ગૌરવશાળી અને ઉત્સાહ સાથે જીવવા માટેનું અખૂટ અમૃતસમ ભાથું પૂરું પાડે છે. તેથી જ, વ્યસ્ત દિનચર્યામાં પણ વાંચનને સ્થાન આપવું એ લાંબા અને સુખી જીવનની ઉત્તમ ચાવી છે. લીલી વોલ્ટરનું આ ઉદાહરણ આપણને સમજાવે છે કે જ્ઞાન મેળવવાની ઉંમર હોતી નથી અને પુસ્તકો માત્ર માહિતીનો સ્ત્રોત નથી, પણ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આપણું મગજ નવા વિચારો, નવી સંસ્કૃતિઓ અને અજાણ્યાં પાત્રોની દુનિયામાં સફર કરે છે. આ સફર મગજના કોષોને સક્રિય રાખે છે અને વ્યક્તિને ક્યારેય માનસિક રીતે ઘરડી થવા દેતી નથી. આજનો આધુનિક મનુષ્ય જ્યારે સોશિયલ મીડિયાની રીલ્સ અને ક્ષણિક મનોરંજન પાછળ પોતાનો સમય વેડફી રહ્યો છે, ત્યારે લીલી વોલ્ટરની આ જીવનયાત્રા એક દીવાદાંડી સમાન છે. તે આપણને યાદ અપાવે છે કે ખરું સુખ અને માનસિક શાંતિ સ્ક્રીનની બહાર, પુસ્તકોનાં પાનાંઓમાં છુપાયેલી છે, જે માણસને સદાય યુવાન અને જીવંત રાખે છે.
    Click here to Read More
    Previous Article
    સાહિત્યના પહેરેગીર:વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:જિંદગીમાં ‘પ્લાન-બી’ રાખવો કે નહીં?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment