Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહિત્યના પહેરેગીર:વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી

    16 घंटे पहले

    ઉમરેઠમાં જન્મીને સુરતને કર્મભૂમિ બનાવનારા વિષ્ણુપ્રસાદની પ્રમુખ ઓળખ ગુજરાતી ભાષાના સમર્થ વિવેચકની છે. શાળામાં ભણતી વખતે જ તેમનો સાહિત્ય રસ પ્રગટ થવા લાગ્યો હતો. એટલે મિત્રો સાથે મળીને બ્રધર્સ ક્લબ શરૂ કરી, જેમાં સાહિત્યની ચર્ચા-સભાઓ થતી હતી. પછી તો ગુજરાત કૉલેજમાં વળી સવાયા અધ્યાપક મળ્યા, નામે આનંદશંકર ધ્રુવ. આનંદશંકર પાસેથી વિષ્ણુપ્રસાદ સાહિત્ય અને જીવન બન્નેનો આનંદ માણવાનું શીખ્યા. નડિયાદમાં વળી ‘સાત ભાઇઓનું મંડળ’ એવી પણ સભા સ્થાપી હતી. વિષ્ણુપ્રસાદના માતા જેઠીબાઈને પ્રાચીન સાહિત્ય કંઠસ્થ હતું. એ વારસો ઉતર્યો. માતા ભજનો-ગીતો ભાવવાહી સ્વરે ગાતાં એ વાતો તો સંસ્મરણોમાં વિષ્ણુપ્રસાદે ખુદ લખી જ છે. પિતા રણછોડલાલ સરકારમાં નોકરી કરતા હતા. એમની બદલીને કારણે વિવિધ શહેરોમાં રહેવાનું થયું એમાં પણ વિષ્ણુપ્રસાદનું ઘડતર થયું. 1920ના અરસામાં ‘પ્રેરિત’ એવા ઉપનામે ‘વસંત’માં લખવાનું શરૂ કર્યું. ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’ વગેરે સમર્થ કૃતિઓનું વિવેચન પણ લખ્યું. વિજયરાય વૈદ્યના કૌમુદીમાં નિયમિત લખતા થયા અને વિવેચક કહેવાયા. 1921માં સુરતમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામગીરી શરૂ કરી. પછી તો જરૂર મુજબ ગુજરાતી, અંગ્રેજી પણ ભણાવ્યું. સુરતમાં વિદ્યાવાતાવરણ સર્જનારા મહાનુભાવોમાં વિષ્ણુપ્રસાદ એક હતા. સુરતમાં એમના ઘરનું નામ ‘મૈત્રી' હતું પણ મૈત્રી વિવેચન એમણે ક્યારેય કર્યું નથી. તારામતીદેવી સાથેનાં લગ્નથી બે સંતાન થયાં, પણ બન્ને મૃત્યુ પામ્યાં. 1933માં તારામતીદેવી નિધન પામ્યાં. પછી શાંતાબહેન સાથે પુન:લગ્ન કર્યાં. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ 1955થી પ્રાદેશિક ભાષાની કૃતિઓને પુરસ્કૃત કરવાનું શરૂ કર્યુ. એનું પહેલું ઇનામ 1962માં વિષ્ણુપ્રસાદ વિશેના ગ્રંથ ‘ઉપાયન'ને મળ્યું હતું. આજે વળી ગુજરાતી સાહિત્ય પરિષદ વિષ્ણુપ્રસાદના નામે પારિતોષિક આપે છે. તેમના સર્જનોમાં ‘વિવેચના’, ‘પરિશીલન’, ‘ભાવનાસૃષ્ટિ’, ‘સાહિત્યસંસ્પર્શ’, ‘અખેગીતા’ વગેરેનો સમાવેશ થાય છે. વિવેચનમાં પ્રદાન બદલ 1945માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. પ્રતિભાવમાં ભાષણ કરતા તેમણે મુશાયરા, લોકપ્રિય ગઝલો વગેરેની મુખર રીતે ઝાટકણી કાઢી હતી. આવી બધી પ્રવૃત્તિઓને તેમણે સાહિત્યસૃષ્ટિને વિકૃત કરનારી ગણાવી હતી. સૌ કોઈએ તાળીઓથી વધાવેલા એ ભાષણનો વિરોધ જેમના નામે ગુજરાતી સાહિત્યનો યુગ ગણાય છે એ મેઘાણીએ મુખર થયા વગર કર્યો હતો. સપ્ટેમ્બર 1945ના પોતાના લખાણમાં મેઘાણીએ એવા મતલબનું લખ્યું હતું કે મુશાયરાની કાવ્યકૃતિઓ દોષમુક્ત બને તેનું વિવેચન આપો, એને ફાંસી ન ફરમાવો.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:બળી જઈશ
    Next Article
    આંતરમનના આટાપાટા:વાંચન: દીર્ઘાયુ જીવનની ગુણવત્તાનું અમોઘ શસ્ત્ર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment