Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગતકડું:કાગળિયાંની ગાડી

    1 day ago

    ડૉ. પ્રકાશ દવે ‘આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ…’ ગાડીમાં પ્રસંગોચિત ગીત વાગી રહ્યું હતું. આ ગીત બનાવનારે એક કાંકરે બે મુસાફર, સોરી બે પક્ષીઓ માર્યાં છે. એક જ ગીતમાં આવી રહેલા અને પાછા જઈ રહેલા એમ બંને પ્રકારના મુસાફરોને સાચવી લીધા છે. આવા આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શતા વિચારો કરતો હું ગાડી ચલાવી રહ્યો હતો. ગાડીએ, ગીતે અને મારા વિચારોએ ગતિ પકડી લીધી હતી. ત્યાં જ બમ્પ ન આવ્યો હોવા છતાં ગાડી ધીમી પાડવી પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. ટ્રાફિક પોલીસો આતુરતાથી મારી રાહ જોઈ રહ્યા હોય એવું મને દૂરથી લાગ્યું. પોલીસને જોઈને આપણો ડર જતો રહેવો જોઈએ પણ થાય છે એનાથી ઊલટું. આવું કેમ થતું હશે? એવો પ્રશ્ન મને થવાની તૈયારીમાં હતો, પણ પોલીસો નજીક આવી ગયા હતા. મતલબ કે હું એમની નજીક પહોંચી ગયો હતો. એટલે મેં ગાડીને અને વિચારોને બ્રેક મારી. એ જ સમયે પોલીસે ફરજના ભાગરૂપે સીટી મારી. પોલીસ સીટી મારે એટલે શિસ્તપ્રિય નાગરિકે અટકી જવું જોઈએ જેથી એને સોટી ઉગામવા મજબૂર ન થવું પડે એવું મને લાગ્યું. ભયથી ડરવું નહીં પણ ભય સામે બાથ ભીડવી એવું ઘણા મહાપુરુષો કહી ગયા છે. જોકે આ મહાપુરુષો સામે ક્યારેય ટ્રાફિક પોલીસને લગતો ભય આવ્યો છે કે નહીં એ ખબર નથી, પણ આવ્યો હોત તો એ લોકો બાથ ભીડી શકાય એવા ભયની યાદીમાંથી આ ભયને બાકાત રાખત એમાં મને કોઈ શંકા નથી. અહીં મેં એ મહાપુરુષો અને ટ્રાફિક પોલીસ બંનેનું માન જળવાઈ રહે અને મારા અપમાનની સ્થિતિ ઊભી ન થાય એવો રસ્તો કાઢ્યો. હું ગાડીમાંથી ઊતરી બહાર ન ગયો પણ કાચ ખોલી મારો ચહેરો બહાર કાઢ્યો. એના લીધે પોલીસને પોતાનો ચહેરો મારી કારમાં લઈ આવવાનો અવસર ન મળ્યો. ‘ઓહોહો.. સાહેબ તમે?.. સોરી હોં સાહેબ… તમારા જેવા નામાંકિત લેખકને રસ્તામાં થોડા રોકાય? જાવ સાહેબ પ્લીઝ..’ એવું કશુંય કહેવાને બદલે એક પોલીસે નજીક આવી કહ્યું: ‘કાગળિયાં આપો.’ મને ‘નામાંકિત લેખક’ તરીકે ન ઓળખી શકેલા આ પોલીસો તરફ હું મનોમન ગુસ્સો કરવાની તૈયારી કરતો હતો ત્યાં એમણે કાગળિયાં માગ્યાં એટલે મારો ગુસ્સો શમી ગયો. ‘આ લોકોની નજર કેટલી ધારદાર હોય છે! મને દૂરથી જ ઓળખી ગયા હશે અને કાગળિયાંની જરૂર પડી હશે એટલે મને રોક્યો. લેખક કે કવિ પાસે કાગળિયાં ન માગે તો બીજું શું માગે?!’ ‘A4 સાઇઝનાં જોઈએ છે કે ગમે તે ચાલશે?’ મેં પોરસાઈને કહ્યું. એ મારી સામે જોઈ રહ્યો. એની મૂંઝવણ પારખીને મેં કહ્યું: ‘એમાં એવું છે કે અમે રહ્યા લેખકો. અમારી પાસે તમે માગો એવા કાગળ મળે!’ ‘ગાડીનાં કાગળિયાં આપો.’ પોલીસને લેખકના નહીં, ગાડીનાં કાગળિયાંમાં રસ હતો. મેં કાગળિયાં બતાવ્યાં. જૂનોદિત કવિ નવોદિત કવિની કવિતા પર ઉપરછલ્લી નજર કરે એમ એણે કાગળિયાંમાં નજર નાંખી લીધી અને મને કાગળિયાં પાછાં આપ્યાં. ‘રેડી?’ મેં એક વિજેતાને છાજે એવી અદાથી પૂછ્યું. પણ મારા વિજયને સ્વીકારવાને બદલે એણે નવું ફરમાન બહાર પાડ્યું. ‘ડીકી ખોલો.’ હું ચાવી લઈ ગાડી બહાર નીકળવા જતો હતો પણ એણે ઉતાવળને લીધે અથવા તો ‘જાત મહેનત ઝિંદાબાદ’ એવી માન્યતાને લીધે મારી પાસેથી ચાવી લઈ લીધી અને ડીકી ખોલી અંદર તપાસ કરવા લાગ્યો. ‘હતાં એટલાં કાગળિયાં તો બતાવ્યાં. હવે અંદર કોઈ કાગળ નથી.’ મેં ભોળાભાવે કીધું. પણ એ ડોળા કાઢી બોલ્યો: ‘અમને બાતમી મળી છે કે અહીંથી એક દારૂ ભરેલી ગાડી પસાર થવાની છે. એટલે તપાસ તો કરવી પડશે.’ ‘ઓહ.’ મારા ધબકારા વધી ગયા. મેં જિંદગીમાં પીવાની વાત તો દૂર રહી નરી આંખે દારૂ જોયો પણ નથી. મારી ગાડીમાં પાણીની ખાલી બોટલ સિવાય કોઈ પ્રવાહી મળે એવી શક્યતા નહોતી. તેમ છતાં મને બીક લાગવા માંડી કે અંદરથી દારૂ ન નીકળે તો સારું! અંતે એ ભાઈ કંટાળ્યા. દારૂ ન મળ્યો એ બદલ એને આનંદ થવો જોઈએ છતાં જરૂર કરતાં જોરથી ડીકી બંધ કરી એણે એના સાહેબ તરફ જોઈ નિરાશભર્યા સુરમાં કહ્યું: ‘અંદર નશાકારક કાંઈ નથી. માત્ર ચોપડિયું છે.’ ‘ચોપડિયું જેવું બીજું નશાકારક બીજું શું હોય ભાઈ?’ એવું મેં પૂછ્યું. પણ એને મારા સવાલમાં રસ ન પડ્યો. એ ભાઈ ઊભા રહ્યા હોત તો એને અને એના સાહેબને પણ મારું તાજું પ્રકાશિત થયેલું પુસ્તક આપીને ધન્ય કરી દેવાની મારી ગણતરી હતી પણ એને ધન્ય થવાની તક ન મળી! કેમ કે બીજી કાર આવી રહી હતી!
    Click here to Read More
    Previous Article
    ઓફબીટ:કુતૂહલ : Storyની વાર્તા
    Next Article
    મેનેજમેન્ટની ABCD:ક્રિએટિવિટીનો કરિશ્મા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment