Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:અર્નેસ્ટ હેમિંગ્વે: પીડાના પહાડમાંથી ફૂટતો શબ્દોનો ધોધ

    1 day ago

    રક્ષા શુક્લ હેમિંગ્વે ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’માં એક રોમાંચક શૈલી સાથે સંઘર્ષની ગરિમા વિશેની એક અદભુત વાર્તા આલેખે છે. તેમાં એક વૃદ્ધ વ્યક્તિ પ્રચંડ અને અનિયંત્રિત શક્તિઓ ધરાવતી પ્રકૃતિ સામે તેમજ પોતાની શારીરિક મર્યાદાઓ સાથે લડતી વખતે અનિવાર્ય હારનો સામનો કરે છે. વૃદ્ધ સાન્ટિયાગોને દૃઢતાપૂર્વક, શાંતિ અને ધૈર્ય સાથે લડતો અડગ વિજેતા દર્શાવવામાં આવ્યો છે. માનવીની સાચી જીત ભૌતિક સફળતા કરતાં તેની દૃઢતા અને ગૌરવશીલ વલણમાં રહેલી છે. વ્યક્તિ શારીરિક રીતે બાહ્ય તાકાત દ્વારા પરાજીત થઈ શકે છે અથવા તેની જીત છીનવી શકાય છે, પરંતુ તેનું અતૂટ રહેવું એ દર્શાવે છે કે વ્યક્તિ ક્યારેય ખરેખર નાશ પામી શકતી નથી. અંગ્રેજી સાહિત્યમાં ‘મોબી-ડિક’ (‘ધ વ્હેલ’) એ અમેરિકન લેખક હર્મન મેલવિલે દ્વારા લખાયેલી દરિયાઈ થીમ પરની મહાકાવ્ય નવલકથા છે. આ કથા નાવિક ઇસ્માઇલ દ્વારા એક વ્હેલ માટેની પાગલ શોધની વાર્તા છે. ગુજરાતી સાહિત્યમાં આવી દરિયાઈ સાહસકથા તરીકે ગુણવંતરાય આચાર્યની ‘દરિયાલાલ’ નવલકથા સીમાચિહ્નરૂપ છે. દરિયાદિલ સર્જક અર્નેસ્ટ હેમિંગ્વે અમેરિકન નવલકથાકાર, ટૂંકીવાર્તાકાર અને પત્રકાર હતા. હેમિંગ્વેનો સાહિત્ય પ્રત્યેનો અનોખો અભિગમ અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ વાચકોનું વિશેષ ધ્યાન ખેંચે છે. તેમણે શોધેલી ‘આઇસબર્ગ થિયરી’ (થિયરી ઓફ ઓમિશન) તથા ટૂંકી અને સરળ ગદ્ય લેખન શૈલી માટે તેઓ વિશ્વભરમાં જાણીતા છે. ઓછામાં ઓછા શબ્દો સાથેની તેમની શૈલી સ્પષ્ટ વિગતોને ટાળે છે, જેનાથી વાચકોને વાર્તાના ઊંડા, છુપાયેલા અર્થો શોધવાની તક મળે છે. તેઓ માનતા કે વાર્તાનો ઊંડો અર્થ સપાટી પર સ્પષ્ટ રીતે જણાવવો જોઈએ નહીં. હેમિંગ્વેની વાર્તા સપાટી-સ્તરની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ ગહન થીમ્સ અને લાગણીઓ લખાણની નીચે ગર્ભિત હોય છે. તેમના ગદ્યમાં પણ પદ્ય છુપાયેલું જોવા મળે છે. ‘ધ કેન્સાસ સિટી સ્ટાર’ માટે રિપોર્ટર તરીકેની તેમની શરૂઆતની કારકિર્દીએ તેમની શૈલીને ઊંડાણ આપ્યું. તથ્યોને સંક્ષિપ્તમાં રજૂ કરતા હેમિંગ્વે વાક્યોને વધુ પડતા જટિલ બનાવવાથી દૂર રહ્યા. પત્રકાર તરીકેનો આ અનુભવ તેમને સાહિત્યકાર તરીકે બહુ કામ આવ્યો. તેમણે 19મી સદીના અલંકૃત અને અતિશય શબ્દાળુ લેખનને નકારી કાઢ્યું. તેમના લેખનના વિષયો વારંવાર હિંમત, સ્થિતિસ્થાપકતા, પ્રકૃતિની નિષ્ઠુરતા અથવા પ્રતિકૂળતા સામેના માનવ સંઘર્ષને વાચક સામે લાવે છે. તેમની દરેક કૃતિમાં એક નવો એન્ગલ મળે છે. તેમની સૌથી પ્રખ્યાત ક્લાસિક કૃતિઓમાં ‘ધ સન ઓલ્સો રાઇઝીસ’, ‘ફોર હુમ ધ બેલ ટોલ્સ’ અને ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’નો સમાવેશ થાય છે. 1952માં ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો. ગહન ભાવનાત્મક ઊંડાણ દર્શાવતી ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’ તેમની એક દુઃખદ યુદ્ધ નવલકથા છે. તેમને વર્ષ 1954માં સાહિત્યનો સર્વોચ્ચ ‘નોબેલ પુરસ્કાર’ મળે છે અને આખી દુનિયાનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે. આમ, નોવેલથી નોબેલ સુધીની તેમની જીવન સફર પણ એક રોમાંચક નવલકથા જેવી જ છે. હેમિંગ્વે બે વાર વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. શિકારના શોખીન હેમિંગ્વે 1954માં આફ્રિકન સફારી દરમિયાન શિકારથી પાછા આવતા વાર લાગી અને સખત ઘવાયા, ત્યારે લોકોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા! જ્યારે જંગલની ઝાડીઓમાં આગ લાગી, ત્યારે તેઓ વધુ ગંભીર રીતે ઘાયલ થયા. તેમના પગ, આગળનું ધડ, હોઠ, ડાબો હાથ અને જમણો હાથ સખત બળી ગયાં હતાં. એક કિડની અને લીવર ફાટી ગયાં હતાં, ખભાનું હાડકું ખસી ગયું હતું અને ખોપરીમાં ફ્રેક્ચર હતું. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે મગજનું પ્રવાહી (Brain Fluid) લીક થયું હતું. આ અકસ્માતો પછી શારીરિક પીડા અસહ્ય બની ગઈ, જેના કારણે તેઓ તેમના બાકીના જીવન દરમિયાન સતત દર્દ અને ખરાબ સ્વાસ્થ્યમાં રહ્યા, પણ હેમિંગ્વે જેનું નામ! જીવનમાં અનેકવાર જીવલેણ પીડા સામે લડીને બેઠા થયેલા એ સર્જક ફરી એક વાર જીવતા જાહેર થયા. તેમણે પત્રકારોને પોતે જીવંત હોવાની માહિતી આપી અને આગામી થોડા મહિનાઓ નૈરોબીમાં સ્વસ્થ થવામાં વિતાવ્યા. હોસ્પિટલમાં સાજા થતી વખતે હેમિંગ્વેને તેમનાથી સાત વર્ષ મોટી રેડ ક્રોસની નર્સ એગ્નેસ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે હેમિંગ્વે અમેરિકા પરત ફર્યા, ત્યારે તેમને લાગ્યું કે બંને લગ્ન કરશે; પરંતુ તેના બદલે પછીથી એગ્નેસ તરફથી તેમને એક પત્ર મળ્યો, જેમાં સમાચાર હતા કે તેણીએ એક ઇટાલિયન અધિકારી સાથે સગાઈ કરી લીધી છે. એટલે જ હેમિંગ્વેના શબ્દો જેટલા પ્રોત્સાહક છે, એટલા જ ક્યાંક હૃદયદ્રાવક પણ છે. તેઓ નોંધે છે કે: ‘The most painful thing is losing yourself in the process of loving someone too much and forgetting that you are special too’. (સૌથી પીડાદાયક બાબત એ છે કે કોઈને ખૂબ પ્રેમ કરવાની પ્રક્રિયામાં તમે તમારી જાતને ગુમાવી દો છો અને એ ભૂલી જાઓ છો કે તમે પણ કંઈક ખાસ છો). અનેક લોકોને સાહિત્ય દ્વારા નવજીવન આપનાર હેમિંગ્વેએ આખરે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃત્યુના થોડા દિવસો પહેલાં, તેમણે ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ની એક નકલમાં તેમના છેલ્લા શબ્દો પણ લખ્યા હતા, જે તેમણે પોતાની મનોચિકિત્સક નર્સ સિસ્ટર ઈમ્માકુલાટાને આપી હતી; જેમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમનું ‘લેખન કૌશલ્ય’નું નસીબ પાછું મળે અને તેઓ બીજું સારું પુસ્તક લખી શકે. જીવનના છેલ્લા દિવસોમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે નવું સર્જન થતું ન હતું, એની વેદના તેમને અતિશય હતી; પરંતુ હેમિંગ્વેએ સાહિત્યમાં આલેખેલી આ વેદના આજે પણ વાચકોને જીવન જીવવાનું નવું બળ આપતી રહી છે. ઇતિ ઘરના સભ્યોનો સ્નેહ ડૉક્ટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. – મુનશી પ્રેમચંદ
    Click here to Read More
    Previous Article
    રિફ્લેક્શન:ડોલરની ચમક પાછળનું અંધારું
    Next Article
    ઓફબીટ:કુતૂહલ : Storyની વાર્તા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment