Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:ડોલરની ચમક પાછળનું અંધારું

    1 day ago

    નમ્રતા દેસાઈ છેલ્લા એક દાયકામાં ભારતમાં વિદેશમાં અભ્યાસ કરવા અને ત્યાં જ સ્થાયી થવાની એક પ્રકારની હોડ જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે ગ્રીનકાર્ડ ધરાવતો જમાઈ કે વિદેશમાં સ્થાયી થયેલું સંતાન પરિવાર માટે ગૌરવની બાબત ગણાતું હતું. આજે પણ વિદેશ જવું એ અનેક યુવક-યુવતીઓનું સ્વપ્ન છે, પરંતુ આ સ્વપ્નની ચમક પાછળ કેટલીક એવી વાસ્તવિકતાઓ પણ છે જેની સામે આપણે આંખ આડા કાન કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ આપણને આ જ મહિનામાં લગભગ બે કે ત્રણ ભારતીયોની હત્યા કે આત્મહત્યા વિશે જાણવા મળ્યું. છેલ્લાં એક વર્ષમાં તો 7 જેટલા ભારતીય સ્ટુડન્ટ્સની ત્યાં ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુરોપના દેશોમાં ઉચ્ચ શિક્ષણ અને વધુ સારી કારકિર્દીની આશાએ દર વર્ષે હજારો યુવક-યુવતીઓ ભારત છોડે છે. વિદેશ જવાના સપનાની શરૂઆત ઘણીવાર મોંઘા કોચિંગ ક્લાસ, યુનિવર્સિટીની ભારે ફી, એજ્યુકેશન લોન અને અન્ય ખર્ચાઓથી થાય છે. મધ્યમવર્ગીય માતા-પિતા પોતાની વર્ષોની બચત સંતાનોનાં ભવિષ્ય માટે ખર્ચી નાંખે છે અને ઘણી વખત સંતાનોને શરૂઆતનાં વર્ષોમાં રહેવા, ભણવા તેમજ જીવનનિર્વાહ માટે સતત આર્થિક સહાય પણ કરવી પડે છે. પરિવારને આશા હોય છે કે એક દિવસ આ ત્યાગનું સાર્થક પરિણામ દેખાશે, પરંતુ ખૂબ જ જૂજ સંખ્યામાં આ યુવાધન ત્યાં યોગ્ય રીતે સેટ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં દેખાતા સુંદર ફોટોગ્રાફ્સ, આલીશાન ઘરો, મોંઘી કારો અને વિદેશી પ્રવાસો એક એવી આભાસી છબી ઊભી કરે છે કે જાણે વિદેશમાં જીવન સંપૂર્ણ સુખમય હોય. પરંતુ હકીકતમાં ત્યાં પહોંચ્યા પછી રહેવા માટે યોગ્ય જગ્યા શોધવી, નોકરી મેળવવી, ઊંચા ખર્ચનો સામનો કરવો અને નવી જીવનશૈલી સાથે તાલમેલ બેસાડવો સરળ નથી. માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવા પ્રશ્નો આજે વિદેશમાં રહેતા અનેક યુવાનો માટે ગંભીર પડકાર બની રહ્યા છે. બીજી તરફ, સંતાનોના ગયા પછી ભારતમાં રહેતાં માતા-પિતાનાં જીવનમાં પણ એક મોટો ખાલીપો જન્મે છે. વૃદ્ધાવસ્થામાં તેમને પૈસા કરતાં સંતાનોના સમય અને સાથની વધુ જરૂર હોય છે. વીડિયો કોલ લાગણીઓનો વિકલ્પ બની શકે, પણ પ્રત્યક્ષ હાજરીનો નહીં. સાંસ્કૃતિક તફાવત પણ મહત્ત્વનો મુદ્દો છે. નવી ભાષા, નવી પરંપરાઓ અને અલગ સામાજિક મૂલ્યો સાથે જીવવું દરેક માટે સરળ નથી હોતું. એક તરફ નવી સંસ્કૃતિમાં ભળવાની ઇચ્છા હોય છે, તો બીજી તરફ પોતાનાં મૂળ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાની પણ જરૂરિયાત હોય છે. આ બે દુનિયાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ ઘણી વખત આંતરિક સંઘર્ષ પેદા કરે છે. વિઝા, વર્ક પરમિટ અને કાયમી નિવાસ (PR) સંબંધિત અનિશ્ચિતતાઓ પણ વિદેશી જીવનનો ખૂબ ચિંતાજનક ભાગ છે. અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરી મળશે કે નહીં, ભવિષ્યમાં રહેવાની મંજૂરી મળશે કે નહીં? આવા પ્રશ્નો તેમને સતત માનસિક રીતે કોરી ખાય છે. ઊંચા પગારની સામે ઘરનું ભાડું, આરોગ્યસંભાળ, વીમો અને અન્ય ટેક્સના ખર્ચાઓ પણ એટલા જ ઊંચા હોય છે. નવી પેઢી વ્યક્તિગત સ્વતંત્રતા, પ્રાઇવસી અને આત્મનિર્ભરતાને વધુ મહત્ત્વ આપે છે. તેઓ પોતાના નિર્ણયો જાતે લેવા માંગે છે અને પોતાનાં જીવનને પોતાની રીતે જીવવા ઇચ્છે છે. આ સ્વતંત્રતા તેમની પસંદગી છે અને તેનું સન્માન થવું જ જોઈએ, પરંતુ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. પરિવાર, માતા-પિતા અને પોતાનાં મૂળ પ્રત્યેની જવાબદારીથી સંપૂર્ણપણે દૂર રહીને મળતી સફળતા ઘણી વખત અધૂરી સાબિત થાય છે. હાલના સમયમાં એક નવો જ વળાંક આવ્યો છે; વિદેશના સ્થાનિક રહેવાસીઓ એવું માનવા લાગ્યા છે કે ભારતીયો તેમના હકની જોબ અને એજ્યુકેશન પર તરાપ મારી રહ્યાં છે. આ કારણે ત્યાં ‘રેસિઝમ’ (રંગભેદ/જાતિવાદ) સતત વધતું જાય છે અને ઘૃણાની માનસિકતા ધરાવનારા ત્યાંનાં કેટલાંક સ્થાનિક લોકો આપણા નિર્દોષ ભારતીયો પર ઘાતક હુમલાઓ કરે છે, જેમાં આપણા હોનહાર યુવાનો ભોગ બને છે. વળી, ત્યાંના કાયદાઓ પણ તદ્દન અલગ છે. ટેકનિકલ અને પોલિટિકલ ગૂંચવણોને કારણે અણધારી આફતના સમયે વતનમાં મૃતદેહ પરત લાવવામાં પણ ખાસ્સો વિલંબ થાય છે, ત્યારે ભારતમાં બેઠેલાં મા-બાપની હાલત ખૂબ દયનીય બની જતી હોય છે. અહીં વિદેશ જવાની વિરુદ્ધ કોઈ દલીલ નથી. વિદેશે લાખો ભારતીયોને અસાધારણ તકો પણ આપી છે. અનેક યુવાનોએ પોતાની પ્રતિભા અને મહેનતથી વૈશ્વિક સ્તરે સફળતા મેળવીને આપણા દેશનું નામ રોશન કર્યું છે, પણ હવે એ બધું પણ થોડું ધીમું પડ્યું છે. ફક્ત ડોલર, પાઉન્ડ કે યુરોની કમાણી અને ત્યાં મળતી ફ્રીડમને જ સર્વસ્વ ન માની લેવાય. સાચી સફળતા એ છે કે જીવનમાં માનસિક શાંતિ હોય, પરિવાર સાથેનો સંબંધ મજબૂત હોય અને પોતાના સંસ્કાર તેમજ મૂળ સાથે જોડાણ જળવાઈ રહે. ડોલરની ચમક ભૌતિક જીવનને સમૃદ્ધ બનાવી શકે, પરંતુ પરિવારનો સાથ અને પોતાના લોકોનો પ્રેમ જ જીવનને સાચા અર્થમાં સંપન્ન બનાવે છે. પંખીઓને પાંખો આપવી જરૂરી છે, પરંતુ ઉડાનની ઉતાવળમાં તેઓ માળાનું સરનામું ન ભૂલી જાય તેની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે દરેક સપનાની એક કિંમત હોય છે, અને વિદેશમાં સ્થાયી થવાના સપનાની કિંમત ઘણી વખત જાત કરતાં પણ વધુ હોય છે. તેનું નામ છે અંતર, એકલતા અને સંબંધોની બાદબાકી, કારણ કે સ્વતંત્રતા અને સલામતી ક્યારેય એકસાથે નથી મળી શકતી!
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:કેટલાકને સુખ નહીં વહેંચવાનું દુઃખ હોય છે
    Next Article
    રેઈનબો:અર્નેસ્ટ હેમિંગ્વે: પીડાના પહાડમાંથી ફૂટતો શબ્દોનો ધોધ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment