Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:પોસ્ટકાર્ડ : દોઢ સદી પહેલાંનું વોટ્સઅપ

    एक दिन पहले

    માયા ભદૌરિયા આજે ભારતીય પોસ્ટકાર્ડ 147મો જન્મદિવસ ઊજવી રહ્યું છે. જોકે, સમયના વહેણમાં હવે પોસ્ટકાર્ડ હાંસિયામાં ધકેલાઈ ગયું છે એ વાતને પણ નકારી ન શકાય. સમય બદલાયો, સમય સાથે પેઢીઓ પણ બદલાઈ, મેસેજ કરવાની રીત બદલાઈ. તેમ છતાં પોસ્ટકાર્ડનો એ યુગ કેવી રીતે ભુલાય, જ્યાં પોસ્ટકાર્ડ આખા ઘરનો, શેરી-મહોલ્લાનો પ્રાણ હતો. જ્યારે આખું ગામ એક ગ્રૂપ ચેટ હતું 147 વર્ષ! આ સમયગાળો નાનોસૂનો નથી. આજના સોશિયલ મીડિયા યુગમાં સૌથી મોટો હોબાળો ‘ડેટા પ્રાઇવસી’નો છે, પણ પોસ્ટકાર્ડનો મૂળ સ્વભાવ જ બિલકુલ જાહેર એટલે કે ‘પબ્લિક’ હતો. પોસ્ટઓફિસના ક્લાર્કથી લઈને, થેલામાં લઈને નીકળતા પોસ્ટમેન અને ગામના ચોરે બેઠેલા ચાર વડીલો સુધી, ગમે તે વ્યક્તિ એ પત્ર વાંચી શકતી. કોઈના ઘરે પત્ર આવે અને જો ઘરમાં કોઈ ભણેલું ન હોય તો પડોશી પાસે એ પત્ર વંચાવવા આખું કુટુંબ ટોળે વળતું. પત્રમાં કોઈ ખુશીના સમાચાર હોય, જેમ કે ‘દીકરાને નોકરી મળી ગઈ છે’ કે ‘ઘરે દીકરાનો જન્મ થયો છે’, તો આખું ગામ એ પોસ્ટકાર્ડ વાંચીને રાજી થતું. જાણે આખું ગામ એક જીવંત ગ્રૂપ ચેટ હોય! મર્યાદિત શબ્દો, અખૂટ લાગણી આ પંદર-પચાસ પૈસાના પીળા કાર્ડનું મહત્ત્વ કોઈ કિંમતી દસ્તાવેજથી ઓછું નહોતું. એ માત્ર સંદેશો લાવનાર કાગળ નહોતું. જો પત્રમાં કોઈ માઠા સમાચાર હોય તો ટપાલ આપતી વખતે પોસ્ટમેનનો અવાજ આપોઆપ ધીમો થઈ જતો. આજે વોટ્સઅપ પર ટાઈપ થતા મેસેજમાં એ વજન નથી હોતું, જે પોસ્ટકાર્ડના ખૂણે-ખૂણે અને હાસિયામાં ભીંસાતા અક્ષરોમાં હતું. એ જમાનામાં લખાણ લખવા માટે જગ્યા મર્યાદિત હતી, એટલે નકામા શબ્દોને કોઈ સ્થાન નહોતું; જે કંઈ લખાતું તે સીધું હૃદયમાંથી નીકળીને કાગળ પર ઉતરતું. આઝાદીની લડતનું મૂક હથિયાર પોસ્ટકાર્ડ માત્ર વ્યક્તિગત ખબરઅંતર પૂછવાનું સાધન નહોતું, તે ભારતની આઝાદીની લડતનો જીવંત દસ્તાવેજ ગણાતું. મહાત્મા ગાંધી સામાન્ય ભારતીય નાગરિક, ગરીબો અને ગ્રામીણ જનતા સાથે જોડાવા માટે હંમેશાં પોસ્ટકાર્ડનો જ આગ્રહ રાખતા. મોંઘાં કવર કે ટેલિગ્રામના બદલે ગાંધીજીએ હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યાં હતાં. તેમના હસ્તાક્ષરવાળા એ પોસ્ટકાર્ડ આજે પણ આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે. અંગ્રેજ સરકાર ભલે ને ગમે એટલી સચેત રહે, પણ ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓ ચતુરાઈથી પોસ્ટકાર્ડના ટૂંકા લખાણમાં આંદોલનની તારીખો, સભાઓનાં સ્થળ અને દેશભક્તિના સંદેશાઓ વહાવી દેતા. સામાન્ય જનતા માટે આ કાર્ડ ક્રાંતિની મશાલ સમાન હતું. અખબારો પર પ્રતિબંધ હતાં, ત્યારે આ પીળા કાગળે દેશને એક તાંતણે બાંધવાનું કામ કર્યું હતું. પીળા કાગળ પર વિરહનાં આંસુ સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકનો પત્ર ગામડે રહેતી પત્ની કે વૃદ્ધ માતા-પિતાના હાથમાં આવતો, ત્યારે એ માત્ર કાગળનો ટુકડો નહોતો, જીવતો-જાગતો માણસ બની જતો. પત્ર લખતી કે વાંચતી વખતે આંખમાંથી વહેતાં આંસુ એ શાહીને ફેલાવી દેતાં. એ ફેલાયેલી શાહી જોઈને જ સમજી જવાતું કે લખનારનાં મનની સ્થિતિ શું હશે! શાહીનો રંગ અને કાગળ પર રહેલો એ હાથનો સ્પર્શ ડિજિટલ ઈમોજીસ ક્યારેય રિપ્લેસ નહીં કરી શકે. ફીલ્ડ પોસ્ટકાર્ડ યુદ્ધના મેદાનમાં પણ પોસ્ટકાર્ડ્સ સૈનિકોની જીવાદોરી હતાં. વિશ્વયુદ્ધના સમયે સરહદ પર લડતા ભારતીય સૈનિકો માટે ખાસ ‘ફીલ્ડ પોસ્ટકાર્ડ’ જાહેર કરાયાં હતાં. આ ખુલ્લા કાર્ડમાં લાંબું લખવાની મંજૂરી નહોતી, માત્ર ‘હું હેમખેમ છું’ એવા છાપેલા ઓપ્શન પર જ લીટી કરવાની રહેતી. બીજી તરફ, નેતાજી સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિંદ ફોજ’ એ સિંગાપોરથી ખાસ ‘જય હિંદ’ લખેલાં પોસ્ટકાર્ડ વહેતાં કરીને બ્રિટિશ શાસનની ઊંઘ હરામ કરી દીધી હતી. પ્રથમ સત્તાવાર એન્ટ્રી: ભારતમાં 1 જુલાઈ, 1879ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ પોસ્ટકાર્ડ બહાર પડ્યું. તેની કિંમત ‘પા આના’ એટલે કે ત્રણ પૈસા હતી (આજના સમયનો આશરે 1 પૈસો). જબરદસ્ત ક્રેઝ: આ કાર્ડ એટલાં લોકપ્રિય થયાં 1883 સુધીમાં દેશની અંદર આશરે 2.6 કરોડ પોસ્ટકાર્ડ વેચાઈ ગયાં હતાં. માપદંડ: તેનું સ્ટાન્ડર્ડ કદ 14 સેમી x 9 સેમી નક્કી કરવામાં આવ્યું હતું, જે આજે પણ એ જ છે. સ્વતંત્રતાસંગ્રામમાં સૌથી વધુ ઉપયોગ: આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ તેમજ અન્ય ક્રાંતિકારીઓ સામાન્ય જનતા અને ખેડૂતોને આંદોલન સાથે જોડવા માટે પોસ્ટકાર્ડનો જ ઉપયોગ કરતા હતા. 550 પિક્ચર પોસ્ટકાર્ડ્સનો ઐતિહાસિક દસ્તાવેજ લેખક સંગીતા અને રત્નેશ માથુર લિખિત ‘Picturesque India: A Journey in Early Picture Postcards’ પુસ્તકમાં કુલ 550 પિક્ચર પોસ્ટકાર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સો વર્ષ પહેલાંના અખંડ ભારતના વૈવિધ્યસભર નગરોના ઐતિહાસિક પુરાવાઓને રજૂ કરે છે. એમાં રસપ્રદ તથ્ય એ પણ છે કે 1870 અને 1880ના દાયકા દરમિયાન ઓસ્ટ્રિયા, જર્મની, લક્ઝમબર્ગ અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં ભારતીય વિષયો અને તેના કુદરતી દૃશ્યો દર્શાવતાં પિક્ચર પોસ્ટકાર્ડ્સનું મોટા પાયે ઉત્પાદન થતું. તેમાં શરૂઆતનાં કાર્ડ્સ ઓસ્ટ્રિયન અને જર્મન લિથોગ્રાફ્ડ સિરીઝનાં હતાં, જેના પર જર્મન ભાષામાં ‘ગ્રુસ આઉસ’ એટલે કે ‘ગ્રિટિંગ્સ ફ્રોમ’ લખવામાં આવતું હતું.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:ડાયમંડ કિંગના નામે ચાલતો સાયબર ફ્રોડનો ખેલ!
    Next Article
    મનદુરસ્તી:કેટલાકને સુખ નહીં વહેંચવાનું દુઃખ હોય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment