Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળા કુંડ ગ્રાન્ટ વિવાદ અને કોંગ્રેસની ઘેરાવની ચીમકી:​જૂનાગઢમાં શીતળા કુંડના રિનોવેશન મુદ્દે ભારે હોબાળો: ૫૦ લાખની ગ્રાન્ટ રદ થતા કોંગ્રેસે ધારાસભ્યના ઘર અને ઓફિસ ઘેરવાની ચેતવણી આપી

    1 day ago

    ​જૂનાગઢ શહેરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા શીતળા કુંડ વિસ્તારના રિનોવેશનનો મુદ્દો હાલમાં સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે. ત્યારે શીતળા કુંડના વિકાસને લઈ અહીંના સ્થાનિકો છેલ્લા દસ દિવસથી ઉપવાસ પર બેઠા છે પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.આ પૌરાણિક ધાર્મિક સ્થળના જીર્ણોદ્ધાર અને વિકાસ માટે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. સત્તાપક્ષ અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અને ત્યારબાદ વહીવટી નિયમોના કારણે તે રદ થવાના લીધે થઈ છે, જેને પગલે હવે રાજકીય આક્ષેપબાજીઓ પણ તેજ બની ગઈ છે. ​અગાઉ આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ જર્જરિત હોવાને કારણે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ ધાર્મિક સ્થળના સર્વાંગી વિકાસ માટે અહીંના સ્થાનિક રહીશોએ અગાઉ પણ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆતો કરી હતી. એટલું જ નહીં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા સ્થાનિકોએ મનપા કમિશનર કચેરી ખાતે એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન અને ઉગ્ર ધરણા પણ કર્યા હતા. આ લોકઆક્રોશને જોતા સ્થાનિક ધારાસભ્ય દ્વારા લોક ભાગીદારી યોજના અંતર્ગત આ પૌરાણિક ધાર્મિક સ્થળના રિનોવેશન અને બ્યુટિફિકેશન માટે રૂપિયા 50 લાખની માતબર ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ સ્થાનિકોમાં આશા જાગી હતી કે વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે.જો કે આ ગ્રાન્ટ ફાળવ્યાને એક વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં સ્થળ પર કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. વિકાસકામો માત્ર કાગળ પર જ રહી જતા સ્થાનિકો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા હતા.આ પરિસ્થિતિ વચ્ચે પણ ધારાસભ્ય દ્વારા તેમના ત્રણ વર્ષના શાસનકાળનો જે હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો, તે હિસાબની સત્તાવાર પત્રિકામાં આ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ હોવાનો દાવો સાર્વજનિક રીતે કરવામાં આવ્યો હતો. આ ભ્રામક પ્રચાર સામે સ્થાનિક રહીશો અને કોંગ્રેસ સમિતિ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે અને છેલ્લા પાંચથી સાત દિવસથી તીવ્ર ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. ​આ સમગ્ર મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું છે કે શીતળા કુંડ જેવી પૌરાણિક અને પવિત્ર જગ્યાના રિનોવેશન માટે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મિહિરભાઈ અને સ્થાનિક રહીશો સતત ધરણા પર બેઠા છે. ધારાસભ્યએ એક વર્ષ પહેલા લોકભાગીદારીમાંથી 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવાનો અને કામ શરૂ હોવાનો ખોટો દાવો પત્રિકામાં કર્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે અહીં રિનોવેશનના નામનો એક પણ પથ્થર પણ હલ્યો નથી અને પ્રજાની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે.વહીવટી તંત્ર સાથે થયેલી વાટાઘાટો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આ કામગીરી વહેલી તકે શરૂ થાય અને વહીવટી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ થાય તે માટે સ્થાનિક રહીશો, અમારા લલિતભાઈ પરસાણા અને શહેર કોંગ્રેસ સમિતિની ટીમ સાથે જઈને એક વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું. તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અમને એવી સત્તાવાર બાંહેધરી આપવામાં આવી હતી કે આગામી ત્રણ જ દિવસની અંદર આ કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને પ્રત્યક્ષ કામ શરૂ કરાશે. ​તંત્ર દ્વારા આપવામાં આવેલી ત્રણ દિવસની સમયમર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા કોંગ્રેસ પક્ષ અને સ્થાનિકો દ્વારા જિલ્લા આયોજન મંડળની કચેરી ખાતે રૂબરૂ જઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જિલ્લા આયોજન કચેરીના અધિકારીઓ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. જિલ્લા આયોજન કચેરીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારે ધાર્મિક સ્થળના રિનોવેશનનું કામ સરકારી ગાઈડલાઈન અને નીતિ નિયમો મુજબ લોક ભાગીદારીની ગ્રાન્ટ અંતર્ગત આવી શકે નહીં, તેથી આ નિયમબાહ્ય ગ્રાન્ટને અમારા વિભાગ દ્વારા સદંતર રદ કરવામાં આવી છે. ​ મનોજ જોશીએ ધારાસભ્યની કાર્યપદ્ધતિ અને તેમની કાયદાકીય સમજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મનોજ જોશીએ આક્રોશપૂર્વક સવાલ કર્યો છે કે ધારાસભ્ય જેવા જવાબદાર દરજ્જાની વ્યક્તિને શું એટલી પણ ખબર નહોતી કે લોકભાગીદારીની ગ્રાન્ટમાંથી માત્ર રસ્તા, પાણી અને ગટર સિવાયના અન્ય કોઈ ધાર્મિક કામો થઈ શકતા નથી? જો મહાનગરપાલિકા દ્વારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને આ વહીવટી પ્રક્રિયાથી ધારાસભ્યશ્રીને પણ અગાઉથી પૂરેપૂરા અવગત કરવામાં આવ્યા હતા, તો પછી તેમણે શા માટે સ્થાનિક ભોળી પ્રજા તેમજ વહીવટી પ્રશાસનને સતત ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું? ધારાસભ્યએ સ્થાનિક જનતા સાથે શુદ્ધ છેતરપિંડી કરી છે જે સાંખી લેવાય નહીં. ​શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ સ્થાનિક રહીશો વતી જનપ્રતિનિધિ તરીકે સત્તાપક્ષને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો લોકભાગીદારીની ગ્રાન્ટ આ કામમાં વાપરી શકાય તેમ ન હોય, તો સરકાર તાત્કાલિક ધોરણે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અથવા અન્ય કોઈ પણ સરકારી ગ્રાન્ટની જોગવાઈ કરીને આ પૌરાણિક શીતળા કુંડનું કામ વહેલામાં વહેલી તકે યુદ્ધના ધોરણે શરૂ કરાવે. જો તંત્ર અને સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક રહીશોને ભેગા મળીને ધારાસભ્યની ઓફિસ તેમજ તેમના ઘરનો ઘેરાવો કરવાની ફરજ પડશે અને આ ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજની ચેમ્બર બહાર વકીલોના ધરણા:જજે વકીલો સાથે તોછડા વર્તન કર્યાનો આક્ષેપ, અગાઉ ઉચ્ચ જજીસને પત્ર લખવામાં આવ્યો હતો
    Next Article
    મોરબીમાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહ શરૂ, પ્રતિજ્ઞા દિવસ ઉજવાયો:'સહકારથી સમૃદ્ધિ' સંકલ્પ સાથે 6 જુલાઈ સુધી કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment