Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઊંડા કૂવામાં ખાબકેલા આધેડનું દિલધડક રેસ્ક્યૂ:ફાયર જવાનોએ પાણીમાં પાઈપો-જાળીઓ વચ્ચેથી મહામહેનતે બહાર કાઢ્યા; જીવ ન બચ્યો

    14 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર એજી ચોક પાસે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર સામે હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટના 46 વર્ષીય વિનોદભાઈ પરમાર અચાનક એક ઊંડા કૂવામાં ખાબક્યા હતા. નાનામૌવા કંટ્રોલ રૂમથી મેસેજ મળતા જ કાલાવાડ રોડ ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યૂ ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવાની અંદર લોખંડની પાઈપો તેમજ જાળીઓનું જટિલ માળખું હોવા છતાં જાંબાઝ જવાનોએ જીવના જોખમે દોરડા અને લાઈફ સેવિંગ રીંગ વડે દિલધડક ઓપરેશન કર્યું હતું. જવાનોએ પાઈપો વચ્ચે ફસાયેલા આધેડને મહામહેનતે બાંધીને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું મોત નીપજ્યું હતું. અંતે ફાયર સ્ટાફે મૃતદેહનો કબજો પોલીસને સોંપી દેતા પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. નાનામૌવા કંટ્રોલ રૂમે કાલાવડ રોડ ફાયર સ્ટેશનને તુરંત મેસેજ પાસ કર્યો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાના નાનામૌવા કંટ્રોલ રૂમ પરને જાણકારી મળી હતી કે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા એજી ચોક પાસે, ચમત્કારી હનુમાનજી દાદાના મંદિરની બિલકુલ સામે ઊંડા પાણી ભરેલા કૂવામાં એક અજાણ્યો માણસ અચાનક ખાબક્યો છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પવિત્ર મંદિરની સામે બનેલી આ કરૂણ ઘટનાને પગલે સ્થાનિકોનાં ટોળેટોળા કૂવાની આસપાસ જમા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા અને તાકીદને સમજીને નાના માવા કંટ્રોલ રૂમ દ્વારા પળનો પણ વિલંબ કર્યા વિના કાલાવડ રોડ ફાયર સ્ટેશનને તરત જ બચાવ કામગીરી માટે મેસેજ પાસ કર્યો હતો. રેસ્ક્યૂ જટિલ હોવા છતાં ફાયરના જવાનો કૂવામાં ઉતર્યા કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમે મેસેજ મળતાની સાથે જ સેકન્ડોની અંદર આધુનિક ઇક્વિપમેન્ટ્સથી સજ્જ રેસ્ક્યૂ ટેન્ડર વાહન સાથે ઘટનાસ્થળ તરફ કૂચ કરી હતી. જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કૂવાની ભૌગોલિક સ્થિતિ જોઈને રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જોખમી હોવાનું જણાયું હતું. આ કૂવો ઘણો ઊંડો હતો અને અંદર પાણી પણ હતું. કૂવાની ઉપર લોખંડના એન્ગલો તેમજ જાળીઓનું જટિલ માળખું આવેલું હતું. આવી કપરી પરિસ્થિતિમાં પણ કાલાવાડ રોડ ફાયર સ્ટેશનના જાંબાઝ જવાનોએ હિંમત હાર્યા વગર ત્વરિત ઓપરેશન શરૂ કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફાયર વિભાગના જવાનો જીવના જોખમે દોરડા અને લાઈફ સેવિંગ રીંગ (લાઈફ બોય) લઈને કૂવાની અંદર ઉતર્યા હતા. કૂવાના ગંદા પાણીમાં તરીને જવાનોએ સેફ્ટી બેલ્ટ બાંધ્યો કૂવાની અંદર ઉતરેલા ફાયરના જવાનોએ લોખંડની પાઈપો અને જાળીઓ વચ્ચે ફસાયેલા આધેડને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જવાનો કૂવાના ગંદા અને ઊંડા પાણીમાં તરીને આધેડના શરીરને સેફ્ટી બેલ્ટ અને જાડા દોરડા વડે સુરક્ષિત રીતે બાંધતા પણ વીડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે. કૂવાની ઉપર ઉભેલા અન્ય ફાયર ફાઈટરો અને સ્થાનિક લોકો પણ દિલધડક દૃશ્યો શ્વાસ અદ્ધર કરીને નિહાળી રહ્યા હતા. અંદર ઉતરેલા જવાનોએ ભારે સુઝબુઝ વાપરીને આધેડને કૂવાની ભીંતો સાથે અથડાયા વગર દોરડા વડે ખેંચીને મહામહેનતે ઉપર તરફ લાવવાનું ઓપરેશન પાર પાડ્યું હતું. કલાકોની ભારે કટોકટી અને જહેમત બાદ આધેડને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, કૂવામાં લાંબો સમય પાણીમાં રહેવાને કારણે અને ગંભીર ઈજાઓ થવાને લીધે બહાર કાઢતી વખતે જ માલૂમ પડ્યું હતું કે, કમનસીબે આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પગ લપસ્યો કે આત્મહત્યા? રહસ્ય અકબંધ કૂવામાંથી આધેડનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે જ ઓળખવિધિ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ પરમાર વિનોદભાઈ ગણેશભાઈ તરીકે થઈ હતી, જેમની ઉંમર 46 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. તેઓ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા 4-ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારના રહેવાસી હતા. 46 વર્ષીય વિનોદભાઈ કયા સંજોગોમાં, ક્યારે અને કેવી રીતે આ ઊંડા કૂવામાં ખાબક્યા તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી. તેઓ અકસ્માતે પગ લપસવાને કારણે કૂવામાં પડ્યા કે આ આત્મહત્યાનું કોઈ પગલું હતું, તે દિશામાં રહસ્ય અકબંધ છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો આ દુર્ઘટના અંગે સ્થાનિક પોલીસ કંટ્રોલને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળીને પંચનામું કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમની કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ કરૂણ અને અકાળ અવસાનના સમાચાર ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે રહેતા વિનોદભાઈના પરિવારજનોને મળતા પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે. જીવના જોખમે રેસ્ક્યૂ પૂર્ણ કરનારી ટીમની કામગીરીને નાગરિકોએ બિરદાવી ઉલ્લેખનીય છે કે, આ જોખમી અને દિલધડક રેસ્ક્યુને સફળતાપૂર્વક આખરી અંજામ આપવા માટે કાલાવાડ રોડ ફાયર સ્ટેશનની આખી ટીમે પ્રશંસનીય અને નીડર કામગીરી બજાવી હતી. જેમાં લીડીંગ ફાયરમેન વનરાજસિંહ પરમાર, ફાયરમેન કમ ડ્રાઈવર દિલીપસિંહ જાડેજા, તેમજ નવજીતસિંહ જાડેજા, નિલેશભાઈ વડેખણીયા, દિવ્યરાજસિંહ ચુડાસમા, નરેશભાઈ સુચર હિમાંશુ પટેલ, રાજેશભાઈ મોર્યા અને રાહુલભાઈ ચોહાણનો સમાવેશ થાય છે. આ જવાનોએ મળીને જીવ સટોસટની બાજી લગાવી આ મુશ્કેલ ઓપરેશન પાર પાડ્યું હતું. અકસ્માત સ્થળે એકઠા થયેલા સેંકડો નાગરિકોએ પણ ફાયર બ્રિગેડના જવાનોની આ ત્વરિત અને જાંબાઝ બચાવ કામગીરીને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા:​જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; પરિવારમાં ભારે આક્રંદ, પોલીસ તપાસ તેજ
    Next Article
    સન્ડે બિગ સ્ટોરી:નરોડામાં રોજ સરેરાશ 111, બોપલમાં 88 દસ્તાવેજ, 5 વર્ષમાં કુલ 16,32,264 મિલકત વેચાઈ, સોલા-વાડજમાં નોંધણી ઘટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment