Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના ગુમ યુવકનું મોત:સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ આવશે

    4 days ago

    કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં રવિવાર(21 જૂન)ની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટે સુરતના એક સામાન્ય પરિવારની ખુશીઓને રોળી નાખી છે. સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા મોટો મોહલ્લોમાં રહેતા સની પટેલ છેલ્લા 48 કલાકથી પરિવારના સંપર્કમાં નહોતા, હવે તેમના મોતની પુષ્ટિ થઈ છે. સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી લીધી છે. હવે ભારત એમ્બેસીની મદદથી સનીનો મૃતદેહ તેના ભાઈ રવિને સોંપવામાં આવશે, જેને આવતીકાલે(25 જૂન) કતારથી અમદાવાદ અને ત્યારબાદ અમદાવાદથી સુરત લાવવામાં આવશે. આ દુર્ઘટનાના કારણે આખો પરિવાર ભારે વ્યાકુળતા અનુભવી રહ્યો છે. વિસ્ફોટના સમાચાર સોશિયલ મીડિયા અને ટીવી પર પ્રસારિત થયા ત્યારથી જ સનીની પત્ની પિંકલબેનની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. તે સતત રડી રહી છે અને રડી-રડીને તેની તબિયત પણ લથડી ગઈ છે. ઘરમાં માત્ર આક્રંદ અને ચિંતાનો માહોલ છે. સની પટેલ જ્યારે પણ નોકરીએ જતા અને પરત આવતા ત્યારે પત્નીને ફોન કરતા હતા. આ દુર્ઘટના બની ત્યારે સની પટેલની નાઇટ શિફ્ટ હતી અને તેઓ પત્નીને ફોન કરીને જ પ્લાન્ટ પર જવા રવાના થયા હતા. તે બાદથી જ તેઓ ગુમ થયા હતા તેથી સનીની પત્નીની એ અંતિમ કોલ બાદ મોબાઇલ પરથી નજર જ હટતી નહોતી. ઉલ્લેખનીય છે કે પિતા અને મોટાભાઈના નિધન બાદ સની અને તેમના ભાઈ કતાર કમાવવા ગયા હતા અને ઘરમાં હવે માત્ર મહિલાઓ જ રહે છે. ઓફિસ જતાં પહેલા પત્ની સાથે વાત કરી હતી પરિવારની આ આર્થિક અને માનસિક સ્થિતિ અત્યંત નાજુક વળાંક પર છે. સની પટેલ કતારની સ્ટેક કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો હતો અને જે સમયે આ કાળઝાળ દુર્ઘટના બની, તે સમયે તેની નાઈટ શિફ્ટ હતી. નોકરી પર જવાના થોડા સમય પહેલા જ સનીએ સુરતમાં રહેતી તેની પત્નીને ફોન કરીને પોતે ફરજ પર જઈ રહ્યો હોવાની માહિતી આપી હતી. આ વાતચીત જ કદાચ છેલ્લી સાબિત થશે તેવી આશંકા માત્રથી પત્ની પિંકલબેન ધ્રૂજી ઉઠે છે. હાલ સનીનો કોઈ સંપર્ક થઈ શકતો નથી, અને ફેમિલી આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. પત્ની સતત વીડિયો કોલ કરી રહી છે સની પટેલનો એક નિયમ હતો કે તે રોજ પોતાની નોકરી પર જતા પહેલા અને નોકરી પરથી પરત આવ્યા બાદ સુરત ખાતે રહેતી તેની પત્નીને અચૂક ફોન કરીને વાત કરતો હતો. પરંતુ દુર્ઘટના બાદથી આ સિલસિલો અચાનક તૂટી ગયો છે. પત્ની પિંકલબેન અત્યારે આકુળ-વ્યાકુળ થઈને સતત વીડિયો કોલ અને વોટ્સએપ કોલ પતિ સનીને કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ રહ્યો નથી. તે વારંવાર કોલ કરી રહી છે જેથી માત્ર એક વાર સની ફોન ઉચકી લે અને કહી દે કે તે હેમખેમ છે. પરંતુ કમનસીબે, સની અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કે બિનસત્તાવાર જાણકારી મળી શકી નથી. સરકાર અમારી મદદ કરે: પત્ની આ તરફ કતારમાં બ્લાસ્ટના સમાચાર ટીવી અને સોશિયલ મીડિયામાં વહેતા થતાં જ પત્ની અને પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. સનીની પત્ની પિંકલબેન સાથે જ્યારે ભાસ્કર રિપોર્ટરે વાતચીત કરી ત્યારે તેમણે ભારે હૈયે જણાવ્યું હતું કે, સાંજે જ્યારે એ લોકો નોકરી પર જવાના હતા ત્યારે સાડા આઠ વાગ્યે અમારી વાત થઈ હતી. તેમની સાથે તેમના સાથી મિત્રો પણ હતા. સરકાર અમારી મદદ કરે આટલું બોલતા જ પિંકલબેન ભાવુક થઈને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા અને આગળ કશું જ બોલી શક્યા નહોતા. ડુમ્મસ પોલીસ પીડિત પરિવારની મુલાકાતે પહોંચી દિવ્ય ભાસ્કર ડિજિટલ પર કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટ અને સુરતના યુવક સની પટેલ લાપતા હોવાના સમાચાર પ્રસારિત થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. અહેવાલની ગંભીરતાને પગલે ડુમ્મસ પોલીસની ટીમ તાત્કાલિક મોટો મોહલ્લો ખાતે સનીના ઘરે પહોંચી હતી. પોલીસે આકુળ-વ્યાકુળ અને રડી-રડીને અસ્વસ્થ થયેલી સનીની પત્ની તેમજ માતાને સાંત્વના આપી હતી. પોલીસ અધિકારીઓએ પરિવારને હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે, સની અંગેની વિગતો અને લોકેશન મેળવવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે. આ સાથે જ સનીની તમામ વિગતો એકત્ર કરીને ઉચ્ચ કક્ષાએ અને વિદેશ મંત્રાલય સુધી પહોંચાડવાની ખાતરી પણ આપી છે, જેથી કતાર સ્થિત ભારતીય દૂતાવાસ મારફતે વહેલી તકે સત્તાવાર માહિતી મેળવી શકાય. પિતાનું છત્ર અને મોટાભાઈ ગુમાવ્યા બાદ બંને દીકરા કતાર ગયા આ કમનસીબ પરિવારની સૌથી કરુણ વાસ્તવિકતા એ છે કે હાલ સુરતના આ ઘરમાં માત્ર મહિલાઓ જ એકલી રહી રહી છે, જ્યારે ઘરના પુરુષ સભ્યો રોજીરોટી કમાવવા વિદેશ ગયા છે. સની પટેલ ત્રણ ભાઈઓ છે, જેમાંથી સૌથી મોટા ભાઈનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. પરિવાર પર મુશ્કેલીઓનો પહાડ ત્યારે પણ તૂટ્યો હતો જ્યારે પિતાનું 15 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું. પિતા અને મોટાભાઈના નિધન બાદ ઘરની આર્થિક જવાબદારી બાકીના બે ભાઈઓ રવિ અને સની પર આવી પડી હતી. આ જ મજબૂરી અને પાકા મકાનના સપના સાથે બંને ભાઈઓ કતાર નોકરી કરવા ગયા હતા. હાલ આ ઘરમાં માત્ર સનીના વૃદ્ધ માતા, મોટાભાઈ રવિની પત્ની અને સનીની પત્ની પિંકલબેન જ રહે છે, જેઓ પોતાના ઘરના મોભીની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. કાચા મકાનને પાકું બનાવવાનું સપનું આ દુર્ઘટના પાછળ એક મધ્યમવર્ગીય પરિવારનો સંઘર્ષ અને સપનાઓની કહાની છુપાયેલી છે. બરાબર એક વર્ષ પહેલા, ડુમ્મસના જે કાચા મકાનમાં આ પરિવાર રહેતો હતો, તેને પાકું મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સપનાને પૂરું કરવા અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પરિવારના બંને સગા ભાઈઓ રવિ પટેલ અને સની પટેલ કતાર કમાવવા માટે ગયા હતા. પોતાની વહાલી પત્નીઓ અને વૃદ્ધ માતાને આ જ મકાનમાં છોડીને બંને ભાઈઓ ભારે હૈયે વિદેશની ધરતી પર રોજીરોટી અર્થે ગયા હતા અને ત્યાં મિકેનિકલ ક્ષેત્રે નોકરી કરી રહ્યા હતા. સની પટેલ તો માત્ર સાત મહિના પહેલા જ નોકરી માટે કતાર ગયો હતો.હાલમાં આ અકસ્માત બાદ, કતારમાં હાજર સનીના મોટાભાઈ રવિ પટેલ ત્યાં સ્થાનિક સ્તરે સતત હોસ્પિટલો અને કંપનીના વહીવટીતંત્રમાં પોતાના ભાઈને શોધવા માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ, સુરતમાં રહેતો પરિવાર સનીની કોઈ ભાળ મળી શકે તે માટે પોતાના મોબાઈલ ફોનની સ્ક્રીન પર જ સતત નજર રાખીને બેઠો છે. કોઈ પણ ક્ષણે કતારથી સારો સંદેશો આવે તેની રાહ જોવાઈ રહી છે. ડુમ્મસ કાંઠા વિસ્તારના 100થી વધુ યુવાનો કતારમાં સુરતનો ડુમ્મસ વિસ્તાર એ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને અહીં પરંપરાગત વ્યવસાયો ઉપરાંત ટેકનિકલ ક્ષેત્રે યુવાનોમાં વિદેશ જવાનો મોટો ક્રેઝ છે. આ વિસ્તારમાંથી અત્યારે આશરે 100થી વધુ યુવકો કતારમાં જુદી જુદી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. આ કાંઠા વિસ્તારના યુવકો મુખ્યત્વે મેકેનિકલ ફિટર, ઓપરેટર અને અન્ય ટેકનિકલ નોકરીઓ માટે સાઉદી અરેબિયા અને કતાર સહિતના અખાતી દેશોમાં જાય છે. સામાન્ય રીતે તેઓ વિવિધ લોકલ એજન્સીઓ અને કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના સમયગાળા માટે નોકરી મેળવતા હોય છે. આ પણ વાંચો: કતાર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતનો યુવક લાપતા, સની પટેલની કંપનીમાં નાઈટ ડ્યુટી હજુ સુધી સરકાર સાથે કોઈ સીધો સંપર્ક કરાયો નથી આ અંગે ડુમ્મસના સ્થાનિક અગ્રણી સુંદરભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, અહીંનો મુખ્ય વ્યવસાય ટેકનિકલ કામ કરવાનો છે. ઓઈલ ફિલ્ડ રિફાઇનરીમાં કે પછી ગેસ પ્લાન્ટમાં સર્વિસનો સારો સ્કોપ હોવાને કારણે લગભગ 100 જેટલા યુવાનો અત્યારે કતારમાં છે. હાલ ત્યાંથી સનીને આઈડેન્ટીફાઈ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ અહીં સ્થાનિક સ્તરેથી હજુ સુધી સરકાર સાથે કોઈ સીધો સંપર્ક કરાયો નથી. ગેસ પ્લાન્ટમાં પ્રેશર વધતાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં રવિવારે સાંજે થયેલો આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેમાં 12 ભારતીય સહિત કુલ 13 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 66 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત બાદ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના શ્રમિક પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતનો વતની સની ચંપકભાઈ પટેલ છેલ્લા 48 કલાક કરતા વધુ સમયથી લાપતા હોવાના સમાચારથી સ્થાનિક પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું છે. બ્લાસ્ટ થયો તે સમયે સની પ્લાન્ટની અંદર જ નાઇટ ડ્યુટી પર તહેનાત હોવાથી તેની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. આ પણ વાંચો: કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ કતારમાં પ્લાન્ટ અચાનક જ ચાલું કરી દેવાયો હાલમાં જ કતારથી 10 દિવસ પહેલા ભારત પરત ફરેલા મિકેનિકલ ક્ષેત્રના ટેક્નિશિયન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું કતારમાં મિકેનિકલમાં કામ કરું છું અને હમણાં જ ઈન્ડિયા આવ્યો છું. ત્યાં અમારા કાપોદ્રા અને સુરતના ઘણા ભાઈઓ રોજીરોટી અને મજબૂરીના લીધે કામ કરે છે. જોકે હેવી ઓપરેટરોને આ વિશે વધુ ખબર હોય, અમે તો વર્કર તરીકે ત્યાં માત્ર આસિસ્ટન્ટ તરીકે ઉભા રહીને કામ કરતા હોઈએ છીએ. વિદેશની ધરતી પર કાળી મજૂરી કરતા સુરતના યુવાનો અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તે અંગે કતાર સ્થિત ભારતીય દૂતાવાસ વધુ વિગતો મેળવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુ મેટ્રોમાં ટેકનિકલ ખામી, 5 કલાક બંધ રહી:લોકો ટ્રકો પર ચઢીને ઘરે પહોંચ્યા, રસ્તાઓ પર ભીડ; હજારો મુસાફરો સ્ટેશન પર ફસાયા રહ્યા
    Next Article
    ગિરનાર જંગલ નજીક રહેણાક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:મોતનું કારણ હત્યા કે ઇનફાઇટ? શરીર પર ઇજાના નિશાન; સક્કરબાગમાં પીએમ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment