Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હકાભા ગઢવીની સરકાર સામે તડ ને ફડ:કહ્યું- ખેડૂત ઉકલી જાય એ પહેલાં પ્રશ્ન ઉકેલો, મને અંદરથી અવાજ આવ્યો એટલે આંદોલનમાં ગયો

    4 days ago

    સરકારને ન ગમે તો તે સરકારનો વિષય છે, ખેડૂતોને ગમે તે મહત્વનું છે…. આપણે 1-2 ખેડૂત ખોઇ બેસીએ અને પછી ન્યાય મળે તો ભૂંડા લાગીએ.... મને મજા આવી કે હું સત્ય બોલ્યો, મેં સારૂં કામ કર્યું…. આ શબ્દો છે હાસ્ય કલાકાર હકાભા ગઢવીના. ખેતરમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જે દરમિયાન રવિવારે હકાભાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે ખેડૂતોની માગ પૂરી કરવાની મંચ પરથી જ સરકારને અપીલ કરી હતી. આ અપીલ પછી ચારેતરફ તેમની ચર્ચા થઇ રહી છે. ખેડૂતોનો વિરોધ સરકાર માટે મુસીબતનો પ્રશ્ન બન્યો છે તેવામાં હકાભા ગઢવીએ દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ફરી એકવાર તડ ને ફડની ભાષામાં ખેડૂતોનું સમર્થન કર્યું છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને હકાભા ગઢવીના જવાબ. દિવ્ય ભાસ્કરઃ મોરબીના એ ડાયરા પછી તમારા પર કયા-કયા મોટા માણસોના ફોન આવ્યા? આ બાબતે તેમનું શું કહેવું હતું? હકાભાઃ ધન્યવાદ કહેવા માટે ખેડૂતોના ફોન આવ્યા હતા. રાજકીય માણસો તો મને ફોન કરી જ ન શકે કારણ કે મને ફોન કરવાનો તેમને અધિકાર જ નથી. હું કોઇ પક્ષમાં હોઉં તો એ મને કહી શકે ને? હું કોઇ પક્ષમાં નથી, નિષ્પક્ષ છું. ખેડૂતો માટે આવ્યો છું. રાજકીય માણસો મને શુભેચ્છા માટે ફોન કરી શકે. શું બોલ્યા એમ તો મને કહી જ ન શકે. હું શું બોલું એ મારો વિષય છે. હું સારૂં બોલું છું. હું કોઇને ધમકી નથી આપતો. હું ફક્ત વિનંતી કરૂં છું. દિવ્ય ભાસ્કરઃ મંત્રી કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે ખેડૂતોનો પ્રશ્ન થોડા દિવસોમાં ઉકેલાઇ જશે. તમને આ અંગે શું લાગે છે? હકાભાઃ ખેડૂત ઉકલી જાય તે પહેલા આ પ્રશ્ન ઉકલી જાય તો સારી વાત છે. ખેડૂતો ક્યાં સુધી ભૂખ્યા રહી શકશે? જલ્દી થાય તો સારૂં છે કેમ કે મહિના પછી પણ રિઝલ્ટ આપવું છે અને એક દિવસમાં પણ આપવું છે તો એક જ દિવસમાં રિઝલ્ટ આપી દો ને. ખેડૂતો ગુજરાત સરકારની કદર કરશે, વાહવાહી થઇ જશે અને સરકારને અભિનંદન આપશે. 2 વાગ્યે માથું ફાડી નાખે એવી ગરમીમાં પણ ખેડૂતો કામ કરે છે. આખો દિવસ કામ કર્યા પછી રાત્રે આંદોલનમાં આવે છે. દિવ્ય ભાસ્કરઃ ખેડૂતો હાલમાં આંદોલન કરી રહ્યાં છે. તમે સમર્થનમાં આવ્યાં એ પાછળનું કારણ શું છે? હકાભાઃ ખેડૂતોના સમર્થનમાં આવવું હવે જરૂરી બની ગયું હતું. ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં અને તકલીફમાં હતા આ જોઈને મને અંદરથી જ અવાજ આવ્યો કે જો તેમને ચારણ અને ગઢવી સહાય નહી કરે અને પડખે નહીં આવે તો કોણ આવશે કેમ કે બોલવા વાળી જ્ઞાતિ તો ચારણ અને ગઢવી છે. મને અંદરથી અવાજ આવ્યો કે તું પહેલાં પહોંચી જા ખેડૂતોને ન્યાય અપાવવા માટે મારે ખાલી બોલવાનું હતું. જો મારા બોલવાથી ખેડૂતોને ન્યાય મળે અને સરકાર સુધી અવાજ પહોંચે એમાં જ હું રાજી થાઉં. દિવ્ય ભાસ્કરઃ તમારા ધ્યાનમાં એવી કઇ ઘટના આવી જેના કારણે તમને અંદરથી અવાજ આવ્યો? હકાભાઃ આજથી ચારેક મહિના પહેલાં એક ઘટના બની હતી. જેમાં મને કોઇ નેતાએ કહ્યું હતું કે તમે તમારા પ્રોગ્રામમાં બધાના વખાણ કરો છો પણ ખેડૂતો માટે કેમ કોઇ પ્રોગ્રામ નથી કરતાં કરો, અમે તમને ડબલ પૈસા આપીશું ત્યારે મેં એવું કહેલું કે મારે ડબલ પૈસા નથી જોઇતા. હું ફ્રીમાં કાર્યક્રમ કરીશ તમે આયોજન કરો. 'એ સમયે મને કહ્યું હતું કે તમને 15 દિવસમાં બોલાવીશ. તમે આવજો એટલે મેં કહ્યું હતું કે તેમાં કોઇ રાજકીય નેતા ન આવવા જોઇએ માત્ર ખેડૂત આવશે તો હું આવીશ. જો કે ત્યારે કોઈ આવ્યું નહીં પણ હાલમાં જેતપરમાં ખેડૂતોને રાજકીય નેતાનો અનુભવ થયો ને ખેડૂતોએ એકલા લડવાનું નક્કી કર્યું. મને આમંત્રણ આપ્યું કે તમે આવશો? તમારું બજેટ બોલો એટલે મેં તેમને કહ્યું હતું કે મારે કંઇ લેવું નથી. ખેડૂતને જ્યારે તકલીફ પડે ત્યારે હું આવીને ઊભો રહીશ તેવું વચન આપ્યું છે.' દિવ્ય ભાસ્કરઃ આ ડાયરાનું આયોજન કોણે કર્યું હતું? હકાભાઃ આ આયોજન જેતપરના તમામ ખેડૂતો દ્વારા કરાયું હતું. આમાં બધા લોકો સ્વયંભૂ આવ્યાં હતા. કોઇ લાભ લેવા નહોતા આવ્યું. અહીં ખેડૂતો વિનંતી કરવા આવ્યાં હતા જેમાં મેં પણ બે હાથ જોડીને સરકારને વિનંતી કરી કે સરકાર જેમ બને તેમ ફટાફટ આ બાબતે નિર્ણય કરે. કેમ કે ખેડૂતો ઉપવાસ પર છે. જો ખેડૂત ભૂખ્યો બેસે તો એનો મતલબ કે આખો દેશ ભૂખ્યો બેઠો છે. હાલમાં ચાલી રહેલી આ ઘટનાને માત્ર ગુજરાત કે દેશ નથી જોઇ રહ્યો પણ આખું વિશ્વ જોઇ રહ્યું છે. વિશ્વ જોઇ રહ્યું છે કે ભારતનાં ખેડૂતોને આવી તકલીફ છે. દિવ્ય ભાસ્કરઃ ખેડૂતો સરકાર સામે પડ્યાં છે. તેમની ઉપવાસી છાવણીમાં તમારો ડાયરો હતો. તમે ત્યાં ગયા ત્યારે એવું ન લાગ્યું કે આ તો સીધું સરકાર સામે પડવા જેવું છે? હકાભાઃ ડર ત્યારે લાગે કે જ્યારે તમારો ખેડૂત પાસેથી કે પછી સરકાર પાસેથી સ્વાર્થ હોય. માત્ર તમારે સત્ય જ બોલવું હોય અને કોઇને ન્યાય જ અપાવવો તો એમાં ડરવાનું શું હોય. મારો કોઇ સ્વાર્થ નથી અને મારે કોઇ મોટા કલાકાર તરીકે પણ જાહેર થવાની જરૂર નથી કેમ કે હું મોટો કલાકાર છું જ. મારે કોઈ દિવસ રાજકારણમાં આવવું નથી અને મારે આમાંથી કંઈ પૈસા નથી બનાવવાના. હું ગઢવી છું ને મને સૂજ્યું કે મારે ખેડૂતો માટે લડવું જોઇએ તો મેં તેની શરૂઆત કરી દીધી. દિવ્ય ભાસ્કરઃ તમે ખેડૂત તરફી બોલ્યા છો. સરકારને આ નહીં ગમે અને હવે તમને ડાયરા મળવાનું બંધ થઇ જશે તો? હકાભાઃ હું પરમાત્મા અને માતાજીને માનવા વાળો છું. આપણું ધ્યાન પરમાત્મા રાખતાં જ હોય છે. તેમણે બધા લેખ લખેલા જ છે. ક્યારે કોને શું મળશે. બાકી સરકારને ન ગમે તો એ સરકારનો વિષય છે, ખેડૂતને ગમશે એ મારા માટે મહત્વનું છે. હું સરકાર સાથે ક્યાં ઝઘડવા ગયો છું. હું તો તેમને વિનંતી કરું છું. વિનંતી સરકાર ન સ્વીકારે ? સરકારને ત્યારે ન ગમે કે જ્યારે હકાભા બેફામ બોલતા હોય પણ વિનંતી તો કરી જ શકાય ને? મને વિશ્વાસ છે ચોકક્સથી સરકાર આ બાબતે નિર્ણય લેશે. બાકી તો પરમાત્માની ઇચ્છા. દિવ્ય ભાસ્કરઃ લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. એવું શું થઇ રહ્યું છે કે ખેડૂતોની નારાજગી ત્યાં ને ત્યાં જ છે? સરકાર કેમ નથી સાંભળતી? હકાભાઃ સરકાર માટે આ મુદ્દો નાનો છે. ખેડૂતો માટે મોટો મુદ્દો છે. સરકાર એમ કહે કે આ જ ચાલશે, શું ફેર પડે? આ વીજ થાંભળો આખા મકાનની જગ્યા રોકે તેવો છે, મેં તેનું માપ જોયું છે. તારમાંથી કંઇક પાણી પડે છે જે જમીનને બાળી દે છે તેવું મેં ખેડૂતો પાસેથી સાંભળ્યું છે. જેની પાસે અઢી કે ત્રણ વીઘા જમીન છે તેને ત્યાં આ થાંભલો નાખે તો બિચારાની વાર્તા પૂરી થઇ જાય. આ ફક્ત વળતરની માથાકૂટ છે. વળતરમાં કોણ નડતર છે એ ખબર નથી પડતી. 'મહેરબાની કરીને સરકાર આ ખેડૂતોને વળતર આપી દે તેવી વારંવાર વિનંતી કરૂં છું. સરકાર સુધી મારો અવાજ પહોંચે અને ખેડૂતોને ન્યાય મળે. મારો કોઇ સ્વાર્થ નથી. મારે સરકાર કે ખેડૂતોને અંધારામાં નથી રાખવા. મારે સરકારે કે ખેડૂતો પાસેથી કંઇ લઇ લેવું નથી. મારા હૃદયની વાત હતી. ' દિવ્ય ભાસ્કરઃ ગુજરાતમાં ખેડૂતોની દુર્દશા પાછળ તમને સીધું જવાબદાર કોણ લાગે છે? હકાભાઃ ખેડૂતોને ભડકાવનારા રાજનેતાઓ આ માટે જવાબદાર છે. ખેડૂતોને લઇ જઇને અધવચ્ચે મૂકી દે છે આવા ઘણા દાખલા છે. ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવો એ સૌથી મોટું પાપ છે. 50-60 વર્ષોથી આ પાપ ચાલ્યું આવે છે પણ હવે ખેડૂતો જાગી ગયા છે તેમને ખબર પડી ગઇ છે કે હવે કોઇ રાજકીય નેતાનો ભરોસો નથી કરવો. આપણી લડત આપણે લડીશું. દિવ્ય ભાસ્કરઃ અગાઉ કોંગ્રેસે કલાકારો પર સવાલ ઉઠાવ્યા હતા કે તે ભાજપના જ કાર્યક્રમમાં જાય છે પણ આવા મુદ્દા નથી ઉઠાવતા. શું આ કોંગ્રેસના રાજકારણનો એક ભાગ છે? હકાભાઃ ઘણીવાર ખોટું બોલતા હોય છે. મેં ભાજપના પ્રોગ્રામ કર્યા છે અને કોંગ્રેસના પણ પ્રોગ્રામ કર્યા છે, આમ આદમી પાર્ટીના પણ કર્યા છે. ભાજપમાં જઉં ત્યારે ભાજપનો પટ્ટો પણ મેં પહેર્યો છે, કોંગ્રેસના પ્રોગ્રામ વખતે કોંગ્રેસનો પટ્ટો પણ પહેર્યો છે. આપના પ્રોગ્રામ વખતે આપની ટોપી પણ પહેરી છે. એ લોકો પહેરાવે એટલે હું પહેરી લઉં છું. 'ભાજપ 5 પ્રોગ્રામ વધુ આપે છે. કોંગ્રેસ-આપ કદાચ પૈસા નહીં ખર્ચી શકતા હોય એટલે નહીં બોલાવતા હોય. હું કોઇને ના નથી પાડતો. હું ઘણા પ્રોગ્રામ ફ્રીમાં કરૂં છું. હવે મેં ખેડૂતોના પ્રોગ્રામનો ઝંડો પકડ્યો છે. હું આજીવન એ ફ્રીમાં કરીશ. મારી કોઇ અપેક્ષા નથી. જેને અપેક્ષા વધુ હોય તેને ચિંતા હોય.' દિવ્ય ભાસ્કરઃ જો આ લડતનો કોઇ નિર્ણય નથી આવતો તો પછી તમે કઇ રીતે ખેડૂતોની આ લડતમાં આગળ લડતા રહેશો? હકાભાઃ આનો અંત નહીં આવે તો ખેડૂતોનો અંત આવી જશે તેવું મને લાગે છે. ખેડૂતો ક્યાં સુધી ન્યાય માગતા રહેશે? ખેડૂતો ખેતી ક્યારે કરશે? મને વિશ્વાસ છે કે સરકાર બહુ જલ્દી નિર્ણય લેશે. દિવ્ય ભાસ્કરઃ આવા આંદોલમાં કોઇ નેતા ઉભરી આવે છે પછી તે રાજકારણમાં જોડાઇ જાય છે. આમાં પણ આવું થયું તો? હકાભાઃ ખેડૂતના નામે ધંધો કરી લેવો, કોઇ રાજકીય પક્ષમાં જતું રહેવું તે હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું. કેમ કે ખેડૂતોને આસમાને ચઢાવીને નીચે મૂકી દે છે હું અત્યારે તેમના સમર્થનમાં છું. તેમને ઉપર ચઢાવીને તેમનો બિઝનેસ કરી રાજકારણ કરી નાંખું તો એનાથી મોટો વિશ્વાસ ઘાત કોઇ ન હોય. આવું કરું તો ખેડૂતોએ તરત જ મને મારી નાંખવો જોઇએ આટલી મને ખબર પડે. દિવ્ય ભાસ્કરઃ ગુજરાતમાં આટલા કલાકારો હોવા છતાં એક માત્ર હકાભા જ સામે આવ્યાં છે. કેમ કલાકારો આવા મુદ્દે સામે નથી આવતાં? હકાભાઃ આ આંદોલન કોઇ સમાજનું હોત તો હું ન જાત કેમ કે એકને સારું લાગે ને એક ને ખોટું લાગે પણ આ તો ખેડૂતનું છે અને મને લાગ્યું એટલે હું ગયો. બાકી અન્ય કલાકારોને તો હું ન કહી શકું કે તમે આવો અને જોડાઓ. 'મને આમાં ખૂબ જ મજા આવી કેમ કે હું ઘણું સત્ય બોલી ગયો. જીવનમાં પહેલીવાર સારું કાર્ય કર્યું એ ખેડૂતનું કર્યું બાકી કોઇ સારા કામના દાખલા નથી. ખેડૂતો ઉપવાસ પર છે. કોની કેપિસિટી કેટલી છે એ ખબર નથી આવામાં કોઇને ખોઇ દઇએ પછી ન્યાય આપો તો એનાથી ભૂંડું કંઈ જ ન હોય.' 'સામાન્ય માંગ છે કે તમે થાંભલા નાંખો તો વળતર આપો અને જો વળતર ન આપો તો થાંભલા પણ ન નાંખો. બીજી માંગ હતી કે વીજળી આપો અને પૈસા ન લો. ત્રીજું મેં કહ્યું કે ખેડૂતોને ભાડું આપો...એટલે ત્રણમાંથી કંઇક તો આપો. મને વિશ્વાસ છે કે હાલ કંઈક હલન ચલન તો થાય છે એટલે ખેડૂતોની ઇચ્છા પૂરી થઇ જશે.' દિવ્ય ભાસ્કરઃ અમારા માધ્યમથી તમે ખેડૂતોને શું કહેવા માગશો અને સરકારને શું રજૂઆત કરવા માગશો? હકાભાઃ હું ખેડૂતોને કહેવા માગું છું કે તમે અદભૂત આંદોલન કરી રહ્યાં છો અને એમાં પણ કોઇ હિંસા વગર આંદોલન કરી રહ્યાં છો. તમે રાજકીય નેતાઓને મૂકી દીધા છે. તમારૂં આંદોલન ચોક્કસ સફળ થશે, તમને ન્યાય મળશે. મને એ વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોને ન્યાય આપશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં બે દિવસ બાદ ચોમાસું બેસશે:આજે દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલો એલર્ટ, 9 તાલુકામાં સવારથી વરસાદ; માછીમારોને ખાસ ચેતવણી
    Next Article
    વન કર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેસન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ; બપોર બાદ સજા જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment